વચનામૃત અમદાવાદનું - ૧
સંવત ૧૮૮૨ના મહા વદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ મધ્યે શ્રી નરનારાયણના મંદિરમાં આથમણી કોરે મુખારવિંદે કરીને વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને કંઠને વિષે ગુલાબનાં પુષ્પના હાર વિરાજમાન હતા ને કાનની ઉપર ગુલાબનાં પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા ને પાઘને વિષે ગુલાબના પુષ્પના તોરા વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી તે સમામાં શ્રીજીમહારાજ અંતર સામી દૃષ્ટિ કરીને વિરાજમાન હતા.
૧ પછી નેત્રકમળને ઉઘાડીને સર્વે સામું જોયું પછી એમ બોલ્યા જે, (૧) અમારે એક ધ્યાનના અંગની વાર્તા કરવી છે તે વાર્તા મોક્ષધર્મને વિષે પણ કહી છે. અને જે મોટા મોટા એ ધ્યાને કરીને સિદ્ધદશાને પામ્યા છે તે પણ અમે ઘણાક દીઠા છે ને અમારા પણ અનુભવમાં એમ વર્તે છે જે અનંત પ્રકારનાં ધ્યાન છે, પણ જે આ વાત કહેવી છે તેની બરોબર બીજું કોઈ ધ્યાન નહિ : જેમ કોઈક ચમત્કારી મંત્ર હોય અથવા ચમત્કારી ઔષધિ હોય તેમાં સ્વાભાવિક જ ચમત્કાર રહ્યો છે, તેમ જ આ ધ્યાન અમારે કહેવું છે તે ધ્યાનમાં પણ એવો સ્વાભાવિક ચમત્કાર છે જે તત્કાળ સિદ્ધદશાને પામી જાય. ને હવે તે વાર્તા કરીએ છીએ જે ધ્યાનનો કરનારો છે તેને જમણા નેત્રમાં સૂર્યનું ધ્યાન કરવું ને ડાબા નેત્રમાં ચંદ્રનું ધ્યાન કરવું. એવી રીતે ધ્યાન કરતાં કરતાં સૂર્ય ને ચંદ્રમા જેવા આકાશમાં છે તેવા ને તેવા જ દેખાવા માંડે, ત્યારે જમણું નેત્ર છે તે તપવા માંડે ને ડાબું નેત્ર છે તે ઠરવા માંડે, ત્યારે સૂર્યની ધારણા ડાબા નેત્રમાં કરવી ને ચંદ્રની ધારણા જમણા નેત્રમાં કરવી. એવી રીતે ધારણા કરીને પછી સૂર્યને ને ચંદ્રને અંતર્દૃષ્ટિ કરીને હૃદયાકાશમાં જોયા કરવા, અને જોનારો જે પોતાનો જીવ તેના રૂપને પણ દેખવું અને દેખનારો જે જીવાત્મા તેને વિષે પરમાત્માનું ધ્યાન કરવું. પછી તેનું જે વાસનાલિંગ દેહ છે તે જેમ રેંટનો ફાળકો ફરે તેમ આકાશને વિષે ફરતું જણાય, પછી એવી રીતે ધ્યાન કરતાં થકાં ભગવાનનું જે વિશ્વરૂપ છે તેનું દર્શન તેને થાય છે, ને તે રૂપને વિષે ચૌદે લોકની રચના છે તે દેખાઈ આવે છે, અને તે સ્વરૂપ અતિશે મોટું પણ નથી દેખાતું જેમ વટપત્રશાયી ભગવાન એક વડના પત્રમાં નાના બાળક થઈને પોઢ્યા હતા અને તે જ ભગવાનના ઉદરને વિષે માર્કંડેય ઋષિએ સમગ્ર બ્રહ્માંડ દીઠું; એવી રીતે ભગવાનનું ધ્યાન કરતાં થકા જેટલાં કાંઈ શાસ્ત્રમાં પદાર્થ કહ્યાં છે તે સર્વે એની દૃષ્ટિમાં આવે છે, ત્યારે એના જીવાત્માને વિષે જે કાંઈક નાસ્તિકભાવ રહ્યો હોય તે મટી જાય છે અને તેનો જીવ અતિ બળિયો થાય છે અને જે જે શાસ્ત્રમાં કહ્યું છે તે સર્વે સત્ય છે એવી એને દૃઢ પ્રતીતિ આવે છે. અને અણિમાદિક અષ્ટસિદ્ધિઓ તે પણ એ ધ્યાનના કરનારાને આવીને હાજર થાય છે, અને જ્યાં લગણ સૂર્યની ને ચંદ્રની કિરણ પહોંચતી હોય ત્યાં લગી તેની દૃષ્ટિ પહોંચે એવી અનંત સિદ્ધિઓ પ્રગટે છે. પણ પરમેશ્વરનો ભક્ત છે માટે કોઈ સિદ્ધિઓને ગ્રહણ કરતો નથી; કેવળ પરમેશ્વરનું જ ધ્યાન કરે છે, ત્યારે એ ધ્યાનનો કરનારો નારદ-સનકાદિક શુકજીના સરખી સિદ્ધદશાને પામે છે. માટે અનંત પ્રકારનાં ધ્યાન છે, પણ તત્કાળ સિદ્ધદશાને પમાડે એવું તો એ જ ધ્યાન છે. એટલી વાર્તા કરી રહ્યા. (૧)
૨ ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) એવું ધ્યાન તે અષ્ટાંગયોગને માર્ગે કરીને પ્રાણાયામ કરતો હોય તેને જ સિદ્ધ થાય છે કે બીજાને પણ થાય છે ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, પ્રાણાયામવાળાનો કાંઈ મેળ નથી, એ તો જો એવા ધ્યાનનો અભ્યાસ કરે ને તે પરમેશ્વરનો એકાંતિક ભક્ત હોય તો તેને જ એ ધ્યાન સિદ્ધ થાય છે. પણ બીજા જીવ થકી તો એ માર્ગને વિષે ચલાતું જ નથી, માટે એ ધ્યાનના જે અધિકારી છે તેને તો કહ્યું એવું જે ધ્યાન તે થકી બીજો તત્કાળ સિદ્ધ થયાનો ઉપાય નથી. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૧।। (૨૨૧)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલું કૃપાવાક્ય છે તેમાં યોગમાર્ગના ધ્યાનની પ્રશંસા કરીને તેની રીત બતાવી છે જે સૂર્ય-ચંદ્રને નેત્ર દ્વારે કરીને હૃદયમાં જોવા ને પોતાના આત્માને જોવો ને તે આત્મામાં અમારું ધ્યાન કરવું તેણે કરીને સૂક્ષ્મ દેહ જુદું દેખાય ને બ્રહ્માંડની રચના દેખાય ને નાસ્તિકભાવ ટળી જાય ને સિદ્ધિઓ પ્રાપ્ત થાય પણ અમારો ભક્ત તે સિદ્ધિઓને ગ્રહણ ન કરે ને કેવળ અમારું જ ધ્યાન કરે, તો જેમ સૂર્યને ધ્યાને કરીને સૂર્યના સરખી દૃષ્ટિ થાય છે તેમ અમારે ધ્યાને કરી અમારા સિદ્ધ મુક્ત સરખી સિદ્ધદશાને પામે છે, એટલે જેમ અમે અનંતકોટિ બ્રહ્માંડમાં વ્યાપવા સમર્થ છીએ તેમ તે પણ અમારા જેવો જ સમર્થ થાય છે. (૧) બીજામાં અષ્ટાંગયોગ સિદ્ધ કર્યા વિના પણ અમારા એકાંતિક ભક્ત અમારું ધ્યાન કરે તો તત્કાળ તે ધ્યાન સિદ્ધ થાય છે. (૨) બાબતો છે.
૧ પ્ર (છે ૩૧માં) જીવને વિષે અમારી મૂર્તિને ધારે તો અંગુષ્ઠમાત્ર જ જુએ, પણ જેવી છે તેવી ન દેખે એમ કહ્યું છે ને આમાં જીવને વિષે મૂર્તિ ધારે તો તત્કાળ સિદ્ધદશાને પામે એમ કહ્યું તે કેમ સમજવું ?
૧ ઉ (છે. ૩૧માં) બુદ્ધિને વિષે જીવ રહ્યો છે તેમાં મૂર્તિ ધારે તો જેવી છે તેવી ન દેખે એમ કહ્યું છે; શા હેતુ માટે તો બુદ્ધિ ગુણમય છે અને જ્યાં સુધી બુદ્ધિમાં જીવ રહ્યો છે ત્યાં સુધી જીવ પણ ગુણમય કહેવાય, માટે તેમાં મૂર્તિ ધારે તો અંગુષ્ઠમાત્ર દેખે, પણ જેવી છે તેવી ન દેખે એમ કહ્યું છે, પણ ત્રણ દેહથી નોખો પડીને પછી જીવાત્માને વિષે મૂર્તિ ધારે તો જેવી છે તેવી ન દેખે એમ નથી કહ્યું. અને આમાં તો વાસના લિંગદેહથી જુદો પડીને શુદ્ધ આત્મારૂપ થઈને શ્રીજીમહારાજની મૂર્તિ ધારે તો મૂર્તિ જેવી છે તેવી દેખે ત્યારે કારણ શરીર નાશ પામે. અને (છે. ૩૧માં) ધ્યાન કરવાનો ઉપાય કહ્યો તેમાં પોતાને અક્ષરધામરૂપ માનીને શ્રીજીમહારાજની મૂર્તિ ધારવી એ શ્રેષ્ઠ છે અને એવી રીતે ધ્યાન કરવામાં પ્રયાસ ઘણો જ ઓછો પડે અને તત્કાળ મૂર્તિ સિદ્ધ થાય છે તે ધ્યાન કરવાનો ઉપાય આથી શ્રેષ્ઠ છે.
૨ પ્ર યોગમાર્ગે ધ્યાન કરનારા સૂર્ય-ચંદ્રને ન ધારે અને શ્રીજીમહારાજની મૂર્તિને ધારે તો ધરાય કે નહીં ?
૨ ઉ શ્રીજીમહારાજની મૂર્તિ ધારવી તે તો સર્વેથી શ્રેષ્ઠ છે.
૩ પ્ર પહેલા પ્રશ્નમાં શાસ્ત્રમાં કહ્યાં તે પદાર્થ જયારે દૃષ્ટિમાં આવે ત્યારે જીવને વિષેથી નાસ્તિકભાવ સંપૂર્ણ જાય એમ કહ્યું ત્યારે સત્પુરુષના સમાગમથી નાસ્તિકભાવ જાય કે નહીં ?
૩ ઉ આમાં જેણે કેવળ શાસ્ત્ર થકી સમજણ દૃઢ કરી હોય તે શાસ્ત્રમાં કહેલું હોય તેને જ્યારે દૃષ્ટિએ દેખે ત્યારે યથાર્થ મનાય એમ કહ્યું છે. અને જેને મુક્તનો યોગ થયો તેને તો આત્મા-પરમાત્માનું દર્શન થાય એમ (વ. ૧૧ના ૪/૫ ચોથા પ્રશ્નમાં) કહ્યું છે, તો નાસ્તિકપણું જાય એમાં શું કહેવું ? ।।૧।।