વચનામૃત અમદાવાદનું - ૨
સંવત ૧૮૮૨ના ફાગણ સુદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ મધ્યે શ્રી નરનારાયણના મંદિરની આગળ વેદીને વિષે પાટ ઉપર ગાદી-તકિયા નખાવીને વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને મસ્તકને વિષે ગુલાબી રંગનો ફેંટો બાંધ્યો હતો ને તે પાઘને વિષે ગુલાબના પુષ્પના તોરા ઝૂકી રહ્યા હતા ને કાનને ઉપર ગુલાબના બે ગુચ્છ ખોસ્યા હતા ને કંઠને વિષે ગુલાબના પુષ્પના હાર પહેર્યા હતા ને બે ભુજને વિષે ગુલાબના બાજુબંધ બાંધ્યા હતા ને બે હાથને વિષે ગુલાબના પુષ્પના ગજરા પહેર્યા હતા. એવી રીતે સર્વે અંગમાં ગુલાબના પુષ્પે ગરકાવ થયા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ સર્વે પરમહંસ પ્રત્યે બોલ્યા જે એક પ્રશ્ન પૂછું છું જે, (૧) પરમેશ્વરનો ભક્ત છે તે તો જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ તે થકી પર વર્તે છે ને મલિન રજ, તમ ને મલિન સત્ત્વ તેનો ત્યાગ કરીને શુદ્ધ સત્ત્વમય વર્તે છે ને એવો થકો પરમેશ્વરને ભજે છે ને બીજો ભક્ત છે તે તો ત્રિગુણાત્મક વર્તે છે ને પરમેશ્વરને વિષે તો અતિશે પ્રીતિએ યુક્ત વર્તે છે એ બે ભક્તમાં કિયો ભક્ત શ્રેષ્ઠ છે ? પછી સંતમંડળે તો એમ કહ્યું, જે ભગવાનને વિષે પ્રીતિવાળો શ્રેષ્ઠ છે ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, એક તો નાઈ-ધોઈ પવિત્ર થઈને ભગવાનની પૂજા કરે છે ને એક તો મળમૂત્રનો ભર્યો થકો ભગવાનની પૂજા કરે છે એ બેમાં કિયો શ્રેષ્ઠ છે ? ત્યારે મુનિમંડળે કહ્યું જે, પવિત્ર થઈને ભગવાનની પૂજા કરે તે શ્રેષ્ઠ છે. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, માયિક ઉપાધિને તજીને ભગવાનને ભજે છે તેને તો તમે ન્યૂન કહો છો ને જે, માયિક ઉપાધિએ સહિત થકો પરમેશ્વરને વિષે પ્રીતિવાન છે તેને શ્રેષ્ઠ કહો છો તે એ કેઈ રીતે શ્રેષ્ઠ છે ? પછી એ પ્રશ્નનું કોઈથી સમાધાન ન થયું. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ગીતામાં ચાર પ્રકારના ભક્ત કહ્યા છે તેમાં જ્ઞાનીને જ ભગવાને પોતાનો આત્મા કહ્યો છે માટે જે માયિક ઉપાધિને તજીને બ્રહ્મરૂપ થઈને ભગવાનને ભજે તે જ ભક્ત શ્રેષ્ઠ છે. શા માટે જે નિત્ય પ્રલય જે જીવની સુષુપ્તિ, ને નિમિત્ત પ્રલય જે બ્રહ્માની સુષુપ્તિ, ને પ્રાકૃત પ્રલય જે પ્રકૃતિનું કાર્ય સર્વે પ્રકૃતિને વિષે લીન થઈ જાય, અને આત્યંતિક પ્રલય જે જ્ઞાન પ્રલય તેમાં તો પ્રકૃતિ પર્યંત સર્વે બ્રહ્મના પ્રકાશને વિષે લીન થઈ જાય છે, અને નિત્ય પ્રલયમાં જીવની ઉપાધિ લીન થાય છે, અને નિમિત્ત પ્રલયમાં ઈશ્વરની ઉપાધિ લીન થઈ જાય છે. ને પ્રાકૃત પ્રલયમાં પુરુષની ઉપાધિ સર્વે લીન થઈ જાય છે, પણ જ્યારે સૃષ્ટિ સર્જાય છે ત્યારે એ ત્રણેને પોતપોતાની ઉપાધિ વળગે છે અને આત્યંતિક પ્રલય જે જ્ઞાન પ્રલય તેણે કરીને જેણે માયિક ઉપાધિનો ત્યાગ કર્યો તેને તો પાછી કોઈ કાળે માયિક ઉપાધિ વળગતી નથી, અને એ જો કાળે દેહ ધરે તો જેમ ભગવાન સ્વંતત્ર થકા દેહ ધરે છે તેમ તે પણ સ્વતંત્ર થકો દેહ ધરે છે. પણ કાળ, કર્મ ને માયા તેને આધીન થકો દેહને નથી ધરતો માટે બ્રહ્મરૂપ થઈને પરમેશ્વરને ભજે તે જ શ્રેષ્ઠ છે, (૧) અને આ વાર્તા છે તે જે પરમેશ્વરનો અનન્ય ભક્ત છે અને એકાંતિક ભક્તના લક્ષણે યુક્ત છે તેને જ સમજાય છે. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૨।। (૨૨૨)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) એક છે તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે નિત્ય, નિમિત્ત ને પ્રાકૃત પ્રલયમાં જીવ, ઈશ્વર ને પુરુષની ઉપાધિ લય પામે છે ને પાછી સૃષ્ટિ સમે વળગે છે પણ જ્ઞાન પ્રલયે કરીને માયિક ઉપાધિ તજીને બ્રહ્મરૂપ એટલે અમારા તેજરૂપ થઈને અમને ભજે તેને કોઈ કાળે માયિક ઉપાધિ વળગતી નથી અને તે જીવોનાં આત્યંતિક કલ્યાણ કરવાને અર્થે સ્વતંત્રપણે દેહ ધરે ને મૂકે એવો સમર્થ થાય. (૧) આ વાત અમારા એકાંતિક ભક્તને સમજાય છે. (૨) બાબતો છે.
૧ પ્ર પહેલી બાબતમાં શુદ્ધ સત્ત્વમય વર્તે છે એમ કહ્યું તે શુદ્ધ સત્ત્વમય કેવી રીતે જાણવું ?
૧ ઉ એનો ઉત્તર એ જ બાબતમાં નીચે કર્યો છે જે માયિક ઉપાધિનો ત્યાગ કરીને શ્રીજીમહારાજના તેજરૂપ જે બ્રહ્મ તે રૂપ થઈને શ્રીજીમહારાજને ભજે તેને આ ઠેકાણે શુદ્ધ સત્ત્વમય વર્તે છે એમ કહ્યું છે, માટે શુદ્ધ સત્ત્વમય એટલે બ્રહ્મ રૂપે વર્તે છે એમ સમજવું.
૨ પ્ર આમાં શ્રીજીમહારાજના તેજરૂપ જે બ્રહ્મ તે બ્રહ્મ રૂપે વર્તે તેને શુદ્ધ સત્ત્વમય કહ્યો અને (વ. ૧૮/૮માં) શ્રીકૃષ્ણને પણ શુદ્ધ સત્ત્વાત્મક કહે તો બાધ આવે એમ કહ્યું છે માટે શ્રીકૃષ્ણને શુદ્ધ સત્ત્વાત્મક ન કહેવાય તો તેથી પર મહાકાળ ને તેથી પર નરનારાયણ ને તેથી પર વાસુદેવબ્રહ્મ ને તેથી પર મૂળઅક્ષરના મુક્ત ને તેથી પર મૂળઅક્ષર ને તેથી પર શ્રીજીમહારાજના મુક્ત છે તેમને શુદ્ધ સત્ત્વમય વર્તે છે એમ કેમ કહેવાય માટે તે કેમ સમજવું ?
૨ ઉ (વ. ૧૮માં) રજ-તમથી રહિત માયાનો સત્ત્વગુણ તેને શુદ્ધ સત્ત્વ કહ્યો છે તે સત્ત્વાત્મક શ્રીકૃષ્ણને ન કહેવા, એ ગુણથી પર કહેવા એમ કહ્યું છે, અને આમાં તો સત્ત્વ શબ્દ શક્તિવાચક છે તે શ્રીજીમહારાજની શક્તિ જે બ્રહ્મ તે બ્રહ્મ રૂપે વર્તે તેને જ શુદ્ધ સત્ત્વમય કહ્યો છે માટે શુદ્ધ સત્ત્વમય વર્તે છે એટલે બ્રહ્મ રૂપે વર્તે છે એમ જાણવું.
૩ પ્ર નિત્ય, નૈમિત્તિક, પ્રાકૃત ને આત્યંતિક એ ચાર પ્રકારના પ્રલય કહ્યા તે કેવી રીતે થતા હશે ?
૩ ઉ પાતાળથી આરંભીને સ્વર્ગલોક પર્યંત દશ લોકમાં ઝીણા જંતુથી લઈને ઇન્દ્ર સુધીના દેહનો ક્ષણ ક્ષણ પ્રત્યે નાશ થાય છે તેને નિત્ય પ્રલય કહેવાય છે. (૧) અને જ્યારે મર્ત્યલોકનાં ચાર અબજ ને બત્રીશ કરોડ વર્ષ થાય છે ત્યારે વૈરાજપુરુષની સાંઝ પડે છે, ત્યારે પ્રથમ સો વર્ષ પર્યંત અનાવૃષ્ટિ થાય છે. પછી શેષનારાયણના મુખ થકી અગ્નિ ઉત્પન્ન થાય છે અને ઉપરથી સૂર્ય તપે છે તે દશ લોકને બાળી દે છે. ત્યારે મહર્લોકનિવાસી તે જનલોકમાં જાય છે પછી સાંવર્તક નામના મેઘ મુશળધારાથી વરસે છે, ને ધ્રુના તારા સુધી જળ ભરાઈ જાય છે, ત્યારે વૈરાજ તથા બ્રહ્મા, વિષ્ણુ, શિવની રાત્રિ પડે છે ત્યારે તે સૂઈ જાય છે તેના ભેળા તપ તથા જન એ લોકમાં રહેનારા તે પણ સૂઈ જાય છે. આવી રીતે નૈમિત્તિક પ્રલય થાય છે. (૨) અને એ વૈરાજનો જેવડો દિવસ તેવડી જ રાત્રિ છે તે રાત્રિ-દિવસ થઈને આપણાં આઠ અબજ ને ચોસઠ કરોડ વર્ષ થાય છે અને તેનું સવાર થાય છે ત્યારે જાગીને સૃષ્ટિને ઉત્પન્ન કરે છે. એવી રીતે છત્રીશ હજાર નિમિત્ત પ્રલય થાય છે, ત્યારે વૈરાજની સો વર્ષની આયુષ્ય પૂરી થાય છે, ત્યારે તેનો દેહ નાશ પામે છે ત્યારે પ્રધાનપુરુષની સાંજ પડે છે ત્યારે અષ્ટાવરણ ને ચૌદ લોકનો નાશ થઈ જાય છે તેને પ્રાકૃત પ્રલય કહે છે. (૩) અને પ્રધાનપુરુષનો જેવડો દિવસ છે તેવડી રાત્રિ છે તે પ્રધાનપુરુષની આયુષ્યમાં છત્રીશ હજાર પ્રાકૃત પ્રલય થાય છે ત્યારે તે પ્રધાનપુરુષ મૂળમાયાને વિષે લય પામે છે, એવા અનંત પ્રધાનપુરુષો માયામાં લીન થાય છે અને મૂળમાયા મૂળપુરુષને વિષે લીન થાય છે તેને મહા પ્રલય અથવા આત્યંતિક પ્રલય કહે છે. ત્યારે મૂળપુરુષ વાસુદેવબ્રહ્મના બ્રહ્મપુર ધામમાં વાસુદેવને સમીપે જઈને નિવાસ કરે છે. આવી રીતે આત્યંતિક પ્રલય થાય છે. (૪) આવી રીતે જ્ઞાને કરીને પ્રકૃતિનું કાર્ય સર્વે પ્રકૃતિને વિષે લય કરીને ત્રણ દેહથી પર એવો પોતાનો ચૈતન્ય તેને ઈશ્વરકોટિ, બ્રહ્મકોટિ, મૂળઅક્ષરકોટિથી પર શ્રીજીમહારાજના તેજરૂપ માનીને શ્રીજીમહારાજની મૂર્તિમાં જોડાય તે મુક્ત થાય છે તેને ફેર ઉપાધિમાં આવવું પડતું નથી, ને શ્રીજીમહારાજની પેઠે સ્વતંત્રપણે જીવોના કલ્યાણ કરવાને અર્થે શ્રીજીમહારાજની મૂર્તિમાં રહ્યા થકા અથવા શ્રીજીમહારાજના તેજરૂપ જે ધામ તેમાં શ્રીજીમહારાજની સમીપે રહ્યા થકા આંહીં દર્શન આપે, ને શ્રીજીમહારાજની ઇચ્છાથી અંતર્ધાન થાય પણ કાળ આદિક કોઈને આધીન થાય નહીં. ।।૨।।