વચનામૃત અમદાવાદનું - ૭
સંવત ૧૮૮૨ના ફાગણ વદિ ૭ સાતમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ મધ્યે શ્રી નરનારાયણના મંદિરને વિષે દરવાજાના મેડા ઉપર વાસુદેવ માહાત્મ્ય વંચાવતા હતા. પછી ઊઠીને દરવાજા પાસે લીંબડાના વૃક્ષ તળે ઢોલિયા ઉપર સંધ્યા સમે વિરાજમાન થયા હતા અને મસ્તક ઉપર ગુલાબી રંગની પાઘ બાંધી હતી ને તેમાં ગુલાબના તોરા ખોસ્યા હતા ને ગુલાબના હાર પહેરીને ગરકાવ થયા હતા ને શ્વેત પછેડી ઓઢી હતી ને શ્વેત સુરવાલ પહેર્યો હતો ને ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ તે સમે પ્રાગજી દવેએ મુનિઓને પ્રશ્ન પૂછ્યો જે, (૧) ભગવાનને વિષે મન વ્યભિચારને કોઈ કાળે ન પામે તે કહો. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, એનો ઉત્તર તો અમે કરશું એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે, અમે ગામ પિંપળાણામાં લાધા બ્રાહ્મણને ઘેર રામાનંદ સ્વામીને એમ પૂછ્યું હતું જે તમે સનાતન ઈશ્વર છો કે આધુનિક ઈશ્વર છો? ત્યારે રામાનંદ સ્વામી તો બોલ્યા જ નહિ ને ઉત્તર ન કર્યો, ત્યાર પછી અગણોતેરા કાળમાં અમે માંદા થયા હતા ત્યારે અમે ક્ષીરસાગરને વિષે શેષશય્યાને વિશે શેષશાયી નારાયણ સૂતા છે ત્યાં ગયા. ત્યારે ત્યાં અમે રામાનંદ સ્વામીને જોયા તે ધોળી ધોતી પહેરી હતી ને પછેડી ઓઢી હતી ને એવા બીજા પણ ઘણાક શેષશાયી નારાયણનાં ચરણારવિંદને સમીપે બેઠા હતા તેને અમે જોયા ત્યારે અમે નારાયણને કહ્યું જે આ રામાનંદ સ્વામી તે કોણ છે ? પછી નારાયણે કહ્યું જે એ તો બ્રહ્મવેત્તા છે. પછી રામાનંદ સ્વામી તો નારાયણના શરીરને વિષે લીન થયા ત્યારપછી અમે દેહને વિષે આવ્યા પછી અમે અંતર્દૃષ્ટિ કરી ત્યારે પ્રણવનાદને જોયો તે જોતાં જોતાં નંદીશ્વર પોઠિયો આવ્યો તે ઉપર બેસીને કૈલાસમાં ગયા ને ત્યાંથી ગરુડ ઉપર બેસીને વૈકુંઠ તથા બ્રહ્મમહોલને વિષે જાતા હવા, ત્યાં ગરુડ પણ ઊડી શક્યો નહિ એટલે અમે એકલા જ ઊડ્યા તે સર્વ થકી પર એવું જે શ્રીપુરુષોત્તમનું ધામ તેમાં ગયા. ત્યાં પણ હું જ પુરુષોત્તમ છું, પણ મારા વિના બીજો મોટો કોઈ દેખ્યો નહિ, એટલે ઠેકાણે ફર્યા ને પછી અમે દેહને વિષે આવ્યા ને ફેર અંતરમાં જોયું ત્યારે એમ જણાણું જે સર્વ બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય તેનો કર્તા પણ હું જ છું. અને મારે તેજે કરીને અનંત બ્રહ્માંડના અસંખ્ય શિવ, અસંખ્ય બ્રહ્મા, અસંખ્ય કૈલાસ, અસંખ્ય વૈકુંઠ અને ગોલોક, બ્રહ્મપુર અને અસંખ્ય કરોડ બીજી ભૂમિકાઓ એ સર્વે તેજાયમાન છે ને વળી હું કેવો છું તો મારા પગને અંગૂઠે કરીને પૃથ્વીને ડગાવું તો અસંખ્ય બ્રહ્માંડની પૃથ્વી ડગવા લાગે, ને મારે તેજે કરીને સૂર્ય, ચંદ્રમા, તારા આદિક સર્વે તેજાયમાન છે. એવો જે હું તે મારે વિષે એમ સમજીને નિશ્ચય કરે તો ભગવાન એવો જે હું તે મારે વિષે મન કોઈ કાળે વ્યભિચારને પામે નહીં. (૧) ને જે જે જીવ મારે શરણે આવ્યા છે ને આવશે અને એમ સમજશે તે સર્વેને હું સર્વોપરી એવું જે મારું ધામ છે તેને પમાડીશ ને સર્વેને અંતર્યામી જેવા કરીશ ને બ્રહ્માંડોની ઉત્પત્ત્યાદિક કરે એવા સમર્થ કરીશ પણ પછી સામર્થી પામીને એમ જાણે જે, હું જ મોટો છું એમ જાણીને ઋષિરૂપ એવા જે પ્રત્યક્ષ શ્રી નરનારાયણ તેને ગણવા જ નહિ એવો અહંકાર આવવા દેવો નહિ, ને એમ જાણવું જે શ્રી આ સ્વામિનારાયણ ભગવાનની કરુણાએ કરીને હું મોટ્યપ પામ્યો છું. એમ શ્રીજીમહારાજે એ પ્રશ્નનો ઉત્તર કર્યો. (ર) ઇતિ વચનામૃતમ્ ।।૭।। (૨૨૭)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે રામાનંદ સ્વામીને વિષે કેટલાકને ભગવાનપણાનો નિશ્ચય થયેલો તે ટળાવવા સારુ રામાનંદ સ્વામી શેષનારાયણમાં લીન થઈ ગયા એમ વાત કરીને પછી પોતાનો મહિમા કહ્યો છે, જે અમે નંદીશ્વર અને ગરુડની અસવારી કરીને ધામોમાં જતાં ગરુડ ઊડી શક્યો નહિ, તેને પડ્યો મૂકીને સર્વથી પર અમારા ધામમાં ગયા. ત્યાં પણ અમે જ પુરુષોત્તમ છીએ; અમારા વિના કોઈ મોટો દીઠો જ નહિ ને સર્વે બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયના કર્તા અમે જ છીએ અને અસંખ્યાત્ કૈલાસ, વૈકુંઠ, ગોલોક, બ્રહ્મપુર ને તેથી પર ભૂમિકાઓ આદિ સર્વ અમારે તેજે તેજાયમાન છે : આવો મહિમા સમજીને અમારો નિશ્ચય કર્યો હોય તેને ડગમગાટ ન થાય. (૧) અને અમારે શરણે જે આવ્યા છે ને આવશે ને અમને આવા સમજશે તે સર્વને ઉપર કહી ગયા જે કૈલાસથી આરંભીને ભૂમિકાઓ પર્યંત તે સર્વથી પર એવું અમારું અક્ષરધામ તેને પમાડીશું ને ઉત્પત્ત્યાદિક કરે એવા સમર્થ કરીશું. તે સામર્થી અમારી કૃપાએ આવી છે એમ જાણવું. (૨) બાબતો છે.
૧ પ્ર પહેલી બાબતમાં રામાનંદ સ્વામીને શ્રીજીમહારાજે પૂછ્યું જે તમે આધુનિક ઈશ્વર છો કે સનાતન છો, તે આધુનિક ને સનાતન ઈશ્વર કોને કહેવાય ?
૧ ઉ જે સ્વતંત્ર સત્તાવાન હોય તે સનાતન ઈશ્વર કહેવાય અને જેમાં ઉપરીનો પ્રવેશ હોય તે આધુનિક ઈશ્વર કહેવાય. માટે સનાતન ઈશ્વર તો શ્રીજીમહારાજને જ કહેવાય અને વૈરાજ, અહંકાર, મહત્તત્ત્વ, પ્રધાનપુરુષ, મૂળપુરુષ, વાસુદેવબ્રહ્મ ને મૂળઅક્ષર પર્યંત સર્વ શ્રીજીમહારાજ આગળ પરતંત્ર ને આગંતુક ઐશ્વર્યવાન છે, માટે તે આધુનિક ઈશ્વર કહેવાય.
૨ પ્ર રામાનંદ સ્વામી શેષશાયી નારાયણને વિષે લીન થયા એમ કહ્યું ને (પરથારાના તેરમા પ્રશ્નોત્તરમાં તથા વ. ૧૮ના ત્રીજા પ્રશ્નોત્તરમાં) રામાનંદ સ્વામીને શ્રીજીમહારાજના મુક્ત કહ્યા છે માટે તે કેમ સમજવું ?
૨ ઉ રામાનંદ સ્વામીને ભગવાન જાણીને કેટલાક સંત તથા હરિભક્તો ધ્યાન-ભજન કરતા તે રામાનંદ સ્વામીને વિષેથી ભગવાનપણાની પ્રતીતિ ટળાવવાને માટે એમ કહ્યું છે. પણ રામાનંદ સ્વામી તો શ્રીજીમહારાજના મુક્ત હતા.
૩ પ્ર અસંખ્ય વૈકુંઠાદિક ધામ કહ્યાં તે કોનાં કોનાં જાણવાં ?
૩ ઉ વૈકુંઠધામ કહ્યાં તે વિષ્ણુઓનાં જાણવાં અને ગોલોક કહ્યાં તે મૂળપુરુષોનાં જાણવાં અને બ્રહ્મપુર કહ્યાં તે વાસુદેવબ્રહ્મનાં જાણવાં અને ભૂમિકાઓ કહી તે મૂળઅક્ષરોનાં ધામ જાણવાં. આ સર્વે અસંખ્ય છે. આનો વિશેષ વિસ્તાર (કા. ૧૦ના બીજા પ્રશ્નોત્તરમાં) કર્યો છે.
૪ પ્ર બીજી બાબતમાં બ્રહ્માંડની ઉત્પત્ત્યાદિક કરે એવા શરણાગતને કરવા છે એમ કહ્યું છે તે ઉત્પત્ત્યાદિક તો મૂળઅક્ષરાદિક ઐશ્વર્યાર્થીઓ કરે છે ને મુક્ત તો એ કાર્ય કરતા નથી એમ (કા. ૧૦ના પાંચમા પ્રશ્નોત્તરમાં તથા મ. ૬૭ના પહેલા પ્રશ્નોત્તરમાં) કહ્યું છે તે કેમ સમજવું ?
૪ ઉ એ તો સકામ ભક્તની પ્રાપ્તિ કહી છે જે સકામ ભક્ત હોય તેને પણ મૂળઅક્ષરાદિક જેવા ઐશ્વર્યવાન કરીશું અને નિષ્કામ ભક્તને તો પોતાની હજૂરમાં તથા પોતાની મૂર્તિમાં રાખે છે.
૫ પ્ર ઋષિરૂપ કહ્યા તે ઋષિરૂપનો અર્થ શો હશે ? અને ઋષિરૂપ કોને કહ્યા હશે ?
૫ ઉ પોતે બ્રાહ્મણના કુળમાં પ્રગટ થઈને ઋષિ રૂપે વર્ત્યા ને તપ કર્યું તેથી ઋષિરૂપ કહ્યા છે, અને તે ઋષિરૂપ પોતાને જ કહ્યા છે, તે હરિવાક્ય-સુધાસિંધુના તરંગ (૨૨૭)માં કહ્યું છે જે :
समर्थ मंडजन्मादौ करिष्यामि च तं ह्याहम् । अंतर्यामिसमं कृत्वा प्रापियष्ये स्वधाम च ।।૨૨।।
तादशं तस्य सामर्थ्यं सांप्रतं गोप्यते मया । अन्यथा ऋषिरूपं मां सोडवमन्येत धर्मजम् ।।૨૩।।
ज्ञान-वैराग्य-धर्मादि सामर्थ्यंयस्य यस्य च । प्राप्तं स्यात्तेन तेनापि ज्ञेयं तन्मत् कृपाफलम् ।।૨૪।।
એ પ્રકારે અમારા શરણને પામીને અમને ભજનારા ભક્તો તેને અમે બ્રહ્માંડોની ઉત્પત્ત્યાદિકને કરે એવા સમર્થ કરીશું અને અંતર્યામી તુલ્ય કહેતાં અમારા તુલ્ય કરીને અમારા ધામને પમાડીશું. ।।૨૨।। તે પ્રકારનું તેનું સામર્થ્ય તેને અમે ઢાંકી રાખીએ છીએ; જો ન ઢાંકી રાખીએ તો ધર્મદેવના પુત્ર ને ઋષિરૂપ એવા જે અમે તે અમને પણ ગણે નહીં. ।।૨૩।। અને જેને જેને જ્ઞાન-વૈરાગ્ય-ધર્માદિકનું સામર્થ્ય પ્રાપ્ત થયું હોય તેણે તેણે અમારી કૃપાનું ફળ છે; કહેતાં અમારી કૃપાથી જ પ્રાપ્ત થયું છે એમ જાણવું. ।।૨૪।। માટે પોતાને જ ઋષિરૂપ કહ્યા છે. ।।૭।।