વચનામૃત ગઢડા છેલ્લાનું - ૧૧

સંવત ૧૮૮૪ના અષાડ સુદિ ૩ તૃતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાંર્ હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

  પછી શ્રીજીમહારાજ બોલ્યા અમે એક પ્રશ્ન પૂછીએ છીએ જે, (૧) ઇન્દ્રિયો ને મન એ બેને જીત્યાનું એક સાધન છે કે ઇન્દ્રિયોને જીત્યાનું જુદું સાધન છે ને મનને જીત્યાનું જુદું સાધન છે, એ પ્રશ્ન છે. પછી મોટા મોટા પરમહંસ હતા તેમણે જેવું ભાસ્યું તેવું તેણે કહ્યું પછી શ્રીજીમહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહિ, પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એનો ઉત્તર તો એમ છે જે, વૈરાગ્ય, સ્વધર્મ, તપ ને નિયમ એ ચાર સાધને કરીને ઇન્દ્રિયો જિતાય છે, અને ભગવાનની માહાત્મ્યે સહિત જે નવધાભક્તિ તેણે કરીને મન જિતાય છે. (૧)

  પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) જેવી નિર્વિકલ્પ સમાધિને વિષે ભગવાનના ભક્તને શાંતિ રહે છે તેવી એ સમાધિ વિના પણ શાંતિ રહે એવો શો ઉપાય છે ? પછી શ્રીજીમહારાજે કહ્યું જે, જેવી પોતાના દેહને વિષે આત્મબુદ્ધિ ને દૃઢ પ્રીતિ રહે છે તેવી જ ભગવાન તથા ભગવાનના ભક્તને વિષે આત્મબુદ્ધિ ને દૃઢ પ્રીતિ રહે તો જેવી નિર્વિકલ્પ સમાધિમાં શાંતિ રહે છે તેવી શાંતિ એ સમાધિ વિના પણ સદાય રહ્યા કરે એ જ એનો ઉત્તર છે. (૨)

  પછી શ્રીજીમહારાજે વળી પરમહંસ પ્રત્યે પૂછ્યું જે, (૩) ગમે તેવા ભૂંડા દેશકાળાદિક પ્રાપ્ત થાય તોપણ કોઈ રીતે કલ્યાણના માર્ગમાંથી પાછો પડે જ નહિ, એવો જે હરિભક્ત હોય તેની કેઈ જાતની સમજણ હોય જે, જે સમજણે કરીને એવી રીતની એને દૃઢતા આવે છે જે તેને વિષે કોઈ રીતનું વિઘ્ન લાગતું નથી ? પછી મોટા મોટા સંત હતા તેમાં જેવું જેને ભાસ્યું તેણે તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજીમહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એનો ઉત્તર તો એમ છે જે, જીવને જેવી દેહને વિષે આત્મબુદ્ધિ છે તેવી ભગવાન તથા ભગવાનના ભક્તને વિષે આત્મબુદ્ધિ હોય તો તેને કોઈ રીતનું વિઘ્ન લાગે નહિ, ને ગમે તેવા દેશકાળાદિ ભૂંડા આવે તેણે કરીને એ ભગવાન ને ભગવાનના ભક્ત થકી વિમુખ થાય નહીં. (૩)

 પછી વળી શ્રીજીમહારાજે પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, (૪) જાનકીજીને રામચંદ્રજીએ વનવાસ દીધો ત્યારે જાનકીજીએ અતિશે વિલાપ કરવા માંડ્યો ત્યારે લક્ષ્મણજી પણ અતિશે દિલગીર થયા. પછી સીતાજી લક્ષ્મણજી પ્રત્યે બોલ્યાં જે, હું મારાં દુઃખ સારુ નથી રોતી; હું તો રામચંદ્રજીનાં દુઃખ સારુ રોઉં છું, શા માટે જે રઘુનાથજી અતિ કૃપાળુ છે તે લોકાપવાદ સારુ મુને વનમાં મૂકી, પણ હવે એમ વિચારતા હશે જે, સીતાને મેં વગર વાંકે વનમાં મૂકી છે, એમ જાણીને કૃપાળુ છે તે મનમાં બહુ દુઃખ પામતા હશે. માટે રામચંદ્રજીને કહેજો જે, સીતાને તો કાંઈ દુઃખ નથી, ને વાલ્મીકિ ઋષિના આશ્રમમાં જઈને સુખે તમારું ભજન કરશે, માટે તમે સીતાને દુઃખે કરીને કાંઈ દુઃખ પામશો મા. એમ સીતાજીએ લક્ષ્મણજી સંગાથે કહી મોકલ્યું, પણ કોઈ રીતે રામચંદ્રજીનો અવગુણ લીધો નહીં. એવી રીતે જે ભગવાન ને ભગવાનના ભક્તનો કોઈ રીતે અવગુણ લે નહિ, અને વૈરાગ્ય ને ધર્મ તે તો સામાન્યપણે હોય, એક હરિભક્ત તો એવો છે; અને બીજો હરિભક્ત છે તેને તો વૈરાગ્ય ને ધર્મ તો અતિ આકરા છે, પણ સીતાજીના જેવી સમજણ નથી; એ બે પ્રકારના હરિભક્ત છે તેમાં કિયા સંગાથે અતિશે પ્રીતિ રાખીને સોબત કરવી ? પછી ચૈતન્યાનંદ સ્વામીએ કહ્યું જે, ધર્મ ને વૈરાગ્ય જો સામાન્યપણે હોય તોપણ જેની જાનકીજીના જેવી સમજણ હોય તેનો જ અતિશે પ્રીતિએ કરીને સમાગમ કરવો, પણ અતિશે વૈરાગ્ય ને ધર્મવાળો હોય, ને ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ લેતો હોય તો તેનો સંગ કરવો નહીં. પછી શ્રીજીમહારાજે કહ્યું જે યથાર્થ ઉત્તર થયો. (૪) ઇતિ વચનામૃતમ્‌ ।।૧૧।। (૨૪૫)

રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૪) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે કે વૈરાગ્ય, સ્વધર્મ, તપ ને નિયમે કરીને ઇન્દ્રિયો જિતાય છે ને માહાત્મ્યે સહિત ભક્તિએ અંતઃકરણ જિતાય છે. (૧) બીજામાં અમારે વિષે ને અમારા સંતને વિષે આત્મબુદ્ધિ ને દૃઢ પ્રીતિ થાય તેને નિર્વિકલ્પ સમાધિના જેવી શાંતિ રહે છે. (૨) ત્રીજામાં એવી આત્મબુદ્ધિ હોય તેને દેશકાળાદિકનું વિઘ્ન ન લાગે, ને અમારાથી ને અમારા સંતથી વિમુખ ન થાય. (૩) ચોથામાં ધર્મ ને વૈરાગ્ય સામાન્ય હોય પણ અમારો ને અમારા ભક્તનો અવગુણ ન લે તેનો સંગ કરવો, અને અવગુણ લેતો હોય ને ધર્મ ને વૈરાગ્ય આકરા હોય તોપણ તેનો સંગ કરવો નહીં. (૪) બાબતો છે.

         પ્ર બીજા પ્રશ્નમાં જેવી દેહને વિષે આત્મબુદ્ધિ ને દૃઢ પ્રીતિ છે તેવી જ અમારે વિષે ને અમારા ભક્તને વિષે રહે તો નિર્વિકલ્પ સમાધિના જેવી શાંતિ સદાય રહે એમ કહ્યું તે આત્મબુદ્ધિ ને પ્રીતિ કેવી રીતે જાણવી ?

         જેમ અજ્ઞાની જીવને દેહને વિષે એકત્વપણાની ભાવના થઈ ગઈ છે તે કોઈ પ્રકારે ટાળી ટળે નહિ, એવી દૃઢ પ્રીતિ છે તેમ શ્રીજીમહારાજને વિષે ને મુક્તને વિષે એકતા થઈ જાય જે શ્રીજીમહારાજ ને સંત તે ભુલાય જ નહિ, એવી આત્મબુદ્ધિ ને દૃઢ પ્રીતિ હોય ને ભગવાન ને ભગવાનના ભક્તને સુખે સુખિયો થાય, ને ભગવાન ને ભગવાનના ભક્તને દુઃખે દુઃખિયો થાય એવાં લક્ષણ જેને સાધનકાળમાં હોય તેને શ્રીજીમહારાજને વિષે ને સંતને વિષે આત્મબુદ્ધિ કહેવાય. અને જ્યારે સિદ્ધદશાને પામે ત્યારે જેવી રીતે દેહમાં રહીને સુખ-દુઃખ ભોગવે છે. તેવી રીતે શ્રીજીમહારાજની મૂર્તિમાં સુખભોક્તાપણે રહે, તે દૃઢ આત્મબુદ્ધિ કહેવાય.

         પ્ર શ્રીજીમહારાજ જ્યારે મનુષ્ય રૂપે વિચરતા હોય ત્યારે તો તેમને દુઃખે-દુઃખી ને સુખે-સુખી થવાય પણ, આજ શ્રીજીમહારાજને દુઃખે-દુઃખી ને સુખે-સુખી શી રીતે થવાય ?

       પોતાના આત્માને વિષે શ્રીજીમહારાજની મૂર્તિને અખંડ દેખતા હોય, ને શ્રીજીમહારાજની પેઠે જ જીવોના અંત વખતે દર્શન આપીને અક્ષરધામમાં તેડી જતા હોય ને સર્વ સંકલ્પને જાણતા હોય ને કોઈકને કહેતા પણ હોય, ને પોતાના સમાગમ કરનારના ઘાટ-સંકલ્પ ટાળી નાખતા હોય, ને શરણાગતને વિક્ષેપે રહિત કરીને ધ્યાનમાં શ્રીજીમહારાજને સુખે સુખિયા કરતા હોય ને શ્રીજીમહારાજની આજ્ઞા યથાર્થ પાળતા-પળાવતા હોય તેવા સત્પુરુષને સુખે-સુખી ને દુઃખે-દુઃખી થાય તેમાં ભગવાન આવી જાય. ।।૧૧।।