વચનામૃત ગઢડા છેલ્લાનું - ૧૩

સંવત ૧૮૮૪ના અષાડ વદિ ૯ નવમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને કંઠને વિષે મોગરાનાં પુષ્પના હાર ને પાઘને વિષે તોરા વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને આગળ મુનિમંડળ દુકડ-સરોદા લઈને કીર્તન ગાતા હતા.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, કીર્તન રાખો, હવે ભગવદ્‌વાર્તા કરીએ. એમ કહીને શ્રીજીમહારાજે મુનિમંડળ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, (૧) જીવનો દેહ છે તે તો પૂર્વ કર્મને આધીન છે તેનો એક નિરધાર રહેતો નથી તે ક્યારેક સાજો રહે ને ક્યારેક કર્માધીનપણે કરીને માંદો થઈ જાય ને ક્યારેક સ્વતંત્ર વર્તતો હોય ને ક્યારેક પરાધીન પણ થઈ જાય અને ધાર્યું હોય તે ઠેકાણે રહેવાય કે ન જ રહેવાય, અને ક્યારેક હરિભક્તના મંડળમાં રહેતા હોઈએ ને કર્મ કે કાળને યોગે કરીને નોખા પડી ગયા ને એકલા જ રહી જવાય, ત્યારે જે જે નિયમ રાખવાની દૃઢતા હોય તેનો કાંઈ મેળ રહે જ નહીં. અથવા ઇંગ્રેજ જેવો કોઈક રાજા હોય ને તેણે ક્યાંઈક પરવશ રાખ્યા અથવા પોતાનાં મન ને ઇન્દ્રિયો તે ઇંગ્રેજ જેવાં જ છે તેણે પરવશ રાખ્યાં, ત્યારે જે સંતના મંડળમાં રહેવું ને સત્સંગની મર્યાદા પાળવી તેનો કાંઈ મેળ રહે નહીં. અને શાસ્ત્રમાં તો એમ કહ્યું છે જે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ એ ચાર સંપૂર્ણ હોય ત્યારે એકાંતિક ભક્ત કહેવાય ને એકાંતિકની જે મુક્તિ છે તેને પામે, ને કાળ-કર્મને યોગે કરીને દેહની અવસ્થા તો એકની એક રહે એમ જણાતું નથી માટે ભગવાનના ભક્તને કેઈ રીતે એકાંતિકપણું રહે છે ? એ પ્રશ્ન છે. પછી ગોપાળાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, શુકમુનિ ઇત્યાદિક મોટા મોટા સાધુ હતા, તેમણે જેવું જેને જણાણું તેવો ઉત્તર કર્યો પણ એ પ્રશ્નનું સમાધાન ન થયું. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેમ અમારે ભગવાનને વિષે નિષ્ઠા રહે છે તેમ અમે કહીએ, જે અમારે તો ગમે તેવું સુખ-દુઃખ આવે, તથા સંપત-વિપત આવે, તેમાં એમ રહે છે જે એક તો ભગવાનની અતિશે મોટપ જાણીએ છીએ તેણે કરીને આ સંસારમાં મોટા મોટા રાજાની સમૃદ્ધિ ને રાજ્યલક્ષ્મી તેને જોઈને લેશમાત્ર પણ અંતરમાં તેનો ભાર આવતો નથી, અને એમ સમજીએ છીએ જે આપણે તો ભગવાન થકી કાંઈ અધિક નથી ને આપણો જીવ છે તે ભગવાનનાં ચરણારવિંદમાં ચોંટાડ્યો છે અને ભગવાન સંગાથે એવી દૃઢ પ્રીતિ કરી છે જે, તે પ્રીતિને કાળ-કર્મ-માયા એમાંથી કોઈએ ટાળવાને અર્થે સમર્થ નથી, અને પોતાનો જીવ એ પ્રીતિ ટાળવાને કરે તોય પણ ભગવાનમાંથી એ પ્રીતિ ન ટળે એવી રીતનો દૃઢાવ છે, તે ગમે તેવું સુખ-દુઃખ આવે છે તોય નથી ટળતો. અને સ્વભાવિક જીવમાં એવી રુચિ રહે છે જે શહેર હોય કે મેડી હોય કે રાજદરબાર હોય ત્યાં તો ગમે જ નહિ, અને વન હોય, પર્વત હોય, નદી હોય, ઝાડ હોય, એકાંત ઠેકાણું હોય ત્યાં અતિશે ગમે છે, ને એમ જાણીએ છીએ જે એકાંતમાં બેસીને ભગવાનનું ધ્યાન કરીએ તો સારું, એવી સદાય રુચિ રહે છે. અને જ્યારે અમને રામાનંદ સ્વામીનું દર્શન નહોતું થયું ત્યારે મુક્તાનંદ સ્વામી સંગાથે અમે એમ ઠરાવ કરી રાખ્યો હતો જે, મુને રામાનંદ સ્વામીનું દર્શન કરાવો તો આપણે બે જણ વનમાં જઈને ભગવાનનું અખંડ ધ્યાન કર્યા કરશું, અને કોઈ દિવસ વસ્તીમાં તો આવશું જ નહિ એમ મનનો ઠરાવ હતો, તે હમણાં પણ મન એવું ને એવું જ વર્તે છે. અને ભગવાન ને ભગવાનના જે ભક્ત તેમાં તો એવું દૃઢ હેત છે જે, તેને કાળ, કર્મ ને માયા તેમાંથી કોઈએ ટાળવાને સમર્થ નથી ને પોતાનો જીવ ટાળ્યાનું કરે તોય પણ હૃદયમાંથી ટળે જ નહિ એવી ભગવાન ને ભગવાનના ભક્ત સંગાથે અતિશે પ્રીતિ છે અને અમે કેટલીક વાર સત્સંગમાંથી જાવાને અર્થે ઉદાસ થયા છીએ, પણ ભગવાનના ભક્તનો સમૂહ જોઈને ટક્યા છીએ, તે કોઈ રીતે મૂકીને જવાતું નથી. અને જેને હું ભગવાનનો ભક્ત ન જાણું તે ઠેકાણે તો મુને રાખ્યાના કોટિ ઉપાય કરે તોય ન જ રહેવાય, અને ગમે તેવી અમારી શુશ્રૂષા કરે તોય અભક્ત સંગાથે અમારે બને જ નહિ; એવી રીતે ભગવાનના ભક્ત સંગાથે અમે અમારા જીવને અતિશે પ્રીતિએ કરીને જોડી રાખ્યો છે, અને તે ભગવાન વિના બીજું કાંઈ પદાર્થ વહાલું રાખ્યું નથી. માટે શા સારુ ભગવાનમાં પ્રીતિ નહિ રહે ? અને ભગવાનનાં કથા-કીર્તનાદિક કરતાં હોઈએ ત્યારે તો એવી મસ્તાઈ આવે છે જે, જાણીએ દીવાના થઈ જવાશે અને જેટલો વિવેક રહે છે તે તો કોઈક ભક્તજનના સમાસને અર્થે રહે છે, પણ મનમાં તો એવી ને એવી જ ખુમારી રહે છે અને ઉપરથી તો લોકને ભળતો વ્યવહાર રાખીએ છીએ. (૧) અને તે ભગવાન છે તે આ દેહના પ્રવર્તાવનારા છે તે ગમે તો દેહને હાથીએ બેસારો ને ગમે તો બંધીખાનામાં નખાવો અને ગમે તો આ દેહમાં કોઈક મોટો રોગ પ્રેરો, પણ કોઈ દિવસ ભગવાન આગળ એવી પ્રાર્થના કરવી નથી જે, હે મહારાજ ! આ મારું દુઃખ છે તેને ટાળો, શા માટે જે આપણે તો પોતાના દેહને ભગવાનના ગમતામાં વર્તાવવો છે. તે જેમ એ ભગવાનનું ગમતું હોય તેમ જ આપણે ગમે છે પણ ભગવાનના ગમતા થકી પોતાનું ગમતું લેશમાત્ર પણ નોખું રાખવું નથી. અને આપણે જ્યારે તન, મન, ધન ભગવાનને અર્પણ કર્યું ત્યારે હવે ભગવાનની ઇચ્છા તે જ આપણું પ્રારબ્ધ છે તે વિના બીજું કોઈ પ્રારબ્ધ નથી, માટે ભગવાનની ઇચ્છાએ કરીને ગમે તેવું સુખ-દુઃખ આવે તેમાં કોઈ રીતે અકળાઈ જાવું નહિ, ને જેમ ભગવાન રાજી તેમ જ આપણે રાજી રહેવું. એવી રીતે શ્રીજીમહારાજ પોતાને ઉદ્દેશે કરીને જે ભગવાનના અતિ દૃઢ ભક્ત હોય તેને જેમ સમજવું ઘટે ને જેમ ભગવાનમાં દૃઢ પ્રીતિ કરી જોઈએ તે સર્વે વાર્તા કરી દેખાડતા હવા. (૨) ઇતિ વચનામૃતમ્‌ ।।૧૩।। (૨૪૭)

રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારી મોટપ જાણે તથા વૈરાગ્ય હોય તથા અમારું ધ્યાન કરવાની રુચિ હોય તથા અમારે વિષે ને અમારા ભક્તને વિષે અતિશે પ્રીતિએ કરીને જીવ જોડ્યો હોય એને કાળ-કર્માદિક પરાભવ કરી શકતા નથી. (૧) અને અમારી ઇચ્છા એ જ અમારા ભક્તને પ્રારબ્ધ માનવું. (૨) બાબતો છે.

         પ્ર પહેલી બાબતમાં શ્રીજીમહારાજે પોતાના ઉદ્દેશે કરીને પોતાના એકાંતિક ભક્તની સમજણ કહી તેમાં અમારા ભક્ત અમારે વિષે દૃઢ પ્રીતિ કરે છે તે પ્રીતિને કાળ, કર્મ, માયા ટાળવાને સમર્થ નથી એમ કહ્યું તે કેવી રીતે પ્રીતિ ટાળતા હશે ? અને જે ભક્તે ભગવાનને વિષે પ્રીતિ કરી છે તેનો જીવ પ્રીતિ ટાળવાનું કરે તોપણ ટળે નહિ એમ કહ્યું, તે પ્રીતિ કરનાર જ એ પ્રીતિ ટાળવાનું કેવી રીતે કરતો હશે ?

         એ ભક્તે શ્રીજીમહારાજનો મહિમા જાણીને શ્રીજીમહારાજ તથા તેમના મુક્ત સાથે દૃઢ પ્રીતિ કરી હોય તે ભક્તને પ્રારબ્ધ વશે કરીને પરદેશમાં જાવું પડે ત્યાં સત્પુરુષનો યોગ ન હોય ને દારૂ-માંસના ભક્ષણ કરનારા અધર્મી મનુષ્યોના ભેળું રહેવું પડે, ત્યાં પણ પોતાને શ્રીજીમહારાજને વિષે ને તેમના ભક્તને વિષે પ્રીતિ હોય તેમાં ફેર પડે નહિ, ને તે વિના બીજે ક્યાંઈ લેશમાત્ર પ્રીતિ થાય નહિ અને કર્મે કરીને દેહમાં રોગાદિક પ્રાપ્તિ થાય ને ખાવા પણ મળે નહિ ને અતિશે દુઃખ પ્રાપ્ત થાય તોપણ અકળાય નહિ જે હું સ્વામિનારાયણ ભગવાનને ભજું છું તોપણ મારી સહાય કરતા નથી એવો સંકલ્પ થાય નહિ ને સદા રાજી રહે અને એ દુઃખ શ્રીજીમહારાજ ટાળે તો ઠીક એવો પણ સંકલ્પ કરે નહિ, ને શ્રીજીમહારાજ મને દુઃખ દે છે તે મારું સારું જ કરતા હશે એમ સમજે પણ તે દુઃખથી લેશમાત્ર મૂંઝવણ થાય નહીં. અને માયા છે તે ઇન્દ્રિયો-અંતઃકરણ દ્વારે ઘાટ કરાવે જે તું ભગવાનને ભજી ભજીને મરી ગયો તોય ભગવાન તને દુઃખ દે છે માટે ભજન મૂકી દે તો સુખ થાય તથા બીજા લોકો દ્વારે એવા શબ્દો બોલાવીને શ્રીજીમહારાજને વિષેથી પ્રીતિમાં ડગમગાટ કરાવે તોપણ ડગે નહિ એ કાળ-કર્મ-માયાનો ડગાવ્યો ન ડગ્યો કહેવાય. અને આ લોકની અતિશે સંપત થાય ને ઘણાં ઐશ્વર્ય પ્રાપ્ત થાય તેમાં લોભાવાનો સંકલ્પ થાય પણ પ્રથમ શ્રીજીમહારાજની મોટપ જાણેલી છે તે શ્રીજીમહારાજનો મહિમા વિચારે તે શુદ્ધ વિચાર વડે કરીને સંકલ્પને ટાળી નાખે તે પોતાનો જીવ ટાળવાનું કરે તોપણ ટળે નહિ એમ જાણવું.

         પ્ર શ્રીજીમહારાજે રામાનંદ સ્વામીનાં દર્શન ઇચ્છ્યાં ને વનમાં જઈને અખંડ ધ્યાન કરવાનું કહ્યું અને સત્સંગમાંથી કેટલીક વાર જવાને અર્થે ઉદાસ થયા છીએ એમ કહ્યું તે શ્રીજીમહારાજ તો પોતે ભગવાન છે એમને રામાનંદ સ્વામીનાં દર્શનનું શું પ્રયોજન હશે ? અને ધ્યાન કોનું કરવાનું હશે ? અને ઉદાસ થવાનું શું કારણ હશે ?

         અમારા તથા સત્પુરુષનાં દર્શનની આતુરતા રાખવી તથા અમારું ધ્યાન કરવું એમ પોતાના આશ્રિતોને શીખવવાને અર્થે પોતાને મિષે વાત કરી છે. અને જેને અમારું સદાય ધ્યાન કરવાની રુચિ હોય તેને પણ અમારા ભક્તના સમૂહમાં રહીને જ અમારું ધ્યાન કરવું પણ અમારા ભક્તના સંગથી ઉદાસ ન થાવું એમ પોતાના આશ્રિતોને સૂચવ્યું છે.

         પ્ર ભગવાનનાં કથા-કીર્તનાદિક કરતા હોઈએ ત્યારે દીવાના થઈ જવાશે એવી મસ્તાઈ આવે છે એમ કહ્યું તે મસ્તાઈ શી સમજવી ? અને કોઈક ભક્તજનના સમાસને અર્થે વિવેક રહે છે એમ કહ્યું તે વિવેક શો સમજવો ?

         શ્રીજીમહારાજની કથા-કીર્તનાદિકમાં શ્રીજીમહારાજનો મહિમા આવે ત્યારે અતિશે પ્રીતિવાળા ભક્ત પ્રેમમગ્ન થઈને પોતાની દેહદશા ભૂલી જાય ને મૂર્તિમાં જોડાઈ જાય ને અલમસ્તની પેઠે વર્તે અને મૂર્તિમાંથી બહાર નીકળવું તે પ્રિય ન લાગે તોપણ બીજા ભક્તના કલ્યાણને અર્થે દેહમાં વર્તીને તેમને જ્ઞાન-ઉપદેશ કરવો એ વિવેક સમજવો.

૪        પ્ર પહેલી બાબતમાં જીવનો દેહ પૂર્વકર્મને આધીન કહ્યો અને બીજીમાં અમારી ઇચ્છા એ જ તમારું પ્રારબ્ધ છે એમ કહ્યું તેનું શું કારણ હશે ? અને બીજીમાં તન-મન-ધન અર્પણ કર્યું કહ્યું તે અર્પણ કર્યું ક્યારે કહેવાય ?

       સ્થૂળ દેહે કરીને શિક્ષાપત્રી, જનશિક્ષા, નિષ્કામશુદ્ધિ ને ધર્મામૃત તેને વિષે કહેલા જે ત્યાગી-ગૃહીના નિયમ તે સર્વે પાળે ત્યારે તન અર્પણ કર્યું કહેવાય અને મને કરીને શ્રીજીમહારાજની આજ્ઞા વિરુદ્ધ એકે સંકલ્પ થાવા દે નહિ ને મનની વૃત્તિ મૂર્તિમાં અખંડ રાખે ત્યારે મન અર્પણ કર્યું કહેવાય. અને પોતાના ઉદ્યમમાંથી જે પ્રાપ્ત થાય તેમાંથી દશોંદ-વિશોંદ ભાગ શ્રીજીમહારાજને અર્પણ કરે ત્યારે ધનની શુદ્ધિ થાય છે ને શેષ રહ્યું તે પોતાના નિર્વાહમાં ને સત્સંગમાં જ વાપરે તે ધન અર્પણ કર્યું કહેવાય. (૩) આવી રીતે ઉપર કહ્યા પ્રમાણે જે ભક્તજન વર્તે તેને શ્રીજીમહારાજની ઇચ્છા એ જ પ્રારબ્ધ છે. ।।૧૩।।