વચનામૃત ગઢડા છેલ્લાનું - ૩૮

સંવત ૧૮૮૫ના વૈશાખ સુદિ ૧૪ ચૌદશને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિષે વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

  પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) અમે સાંખ્યાદિક શાસ્ત્રના વિચારે કરીને એમ નિશ્ચય કર્યો છે જે માયાના કાર્યમાંથી ઉત્પન્ન થયા જે આકારમાત્ર તે સર્વે મિથ્યા છે કેમ જે એ સર્વે આકાર કાળે કરીને નાશ પામે છે અને ભગવાનના અક્ષરધામને વિષે જે ભગવાનનો આકાર છે તથા તે ભગવાનના પાર્ષદ જે મુક્ત તેમના જે આકાર છે તે સર્વે સત્ય છે ને દિવ્ય છે ને અતિશે પ્રકાશે યુક્ત છે અને તે ભગવાનનો ને તે મુક્તનો જે આકાર તે પુરુષના જેવો દ્વિભુજ છે ને સચ્ચિદાનંદરૂપ છે અને તે અક્ષરધામને વિષે રહ્યા જે એ ભગવાન તે જે તે, તે મુક્ત પુરુષ તેમને દિવ્ય એવા જે નાના પ્રકારના ઉપચાર તેણે કરીને સેવ્યા થકા ને તે મુક્ત પુરુષને પરમ આનંદને ઉપજાવતા થકા સદા વિરાજમાન છે, અને એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન તે જ દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીને વિષે પ્રગટ થયા થકા સર્વ જનના નયનગોચર વર્તે છે ને તમારા ઇષ્ટદેવ છે ને તમારી સેવાને અંગીકાર કરે છે. ને એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં ને અક્ષરધામને વિષે રહ્યા જે ભગવાન તેના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી; એ બે એક જ છે અને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાદિક સર્વના નિયંતા છે ને ઈશ્વરના પણ ઈશ્વર છે ને સર્વ કારણના પણ કારણ છે ને સર્વોપરી વર્તે છે ને સર્વ અવતારના અવતારી છે ને તમારે સર્વેને એકાંતિકભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે અને આ ભગવાનના જે પૂર્વે ઘણાક અવતાર થયા છે તે પણ નમસ્કાર કરવા યોગ્ય છે ને પૂજવા યોગ્ય છે. (૧) અને વળી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, (૨) એક દ્રવ્યાદિકનો લોભ તથા સ્ત્રીને વિષે બેઠા-ઊઠ્યાની વાસના તથા રસને વિષે જિહ્‌વાની આસક્તિ તથા દેહાભિમાન તથા કુસંગીમાં હેત રહી જાય તથા સંબંધીમાં હેત હોય એ છો વાનાં જેને હોય તેને કોઈ દિવસ જીવતે ને મરીને પણ સુખ તો ક્યારે થાય જ નહિ, માટે જેને સુખ ઇચ્છવું હોય તેને એવા સ્વભાવ હોય તો ટાળવા ને નિવૃત્તિ પર થાવું ને બરોબરિયાની સોબત ન રાખવી. ને દેહાભિમાને રહિત ને વૈરાગ્યે યુક્ત ને ભગવાનનું અલ્પ વચન હોય તેમાં ફેર પડે તો તે મહત્‌ વચનમાં ફેર પડ્યો હોય તેમ માનતા હોય એવા જે ભગવદ્‌ ભક્ત મોટા સાધુ તે સંગાથે પોતાના જીવને જડી દેવો ને તેના વચનમાં મન-કર્મ-વચને વરતવું ને વિષયના સંબંધથી તો છેટે જ રહેવું, પણ એનો સંબંધ પોતાના નિયમનો ત્યાગ કરીને થાવા દેવો નહિ; ને જો વિષયનો સંબંધ કરવા માંડે તો એનો ઠા રહે જ નહિ એ સિદ્ધાંત વાર્તા છે. (૨) ઇતિ વચનામૃતમ્‌ ।।૩૮।। (૨૭૨)

રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે કે માયામાંથી થયા તે આકાર મિથ્યા ને નાશવંત છે અને અમારા અક્ષરધામને વિષે અમારો ને અમારા મુક્તનો આકાર સત્ય, દિવ્ય ને અતિશે પ્રકાશે યુક્ત સચ્ચિદાનંદરૂપ અને દ્વિભુજ છે અને મુક્ત પુરુષોએ સેવ્યા થકા સર્વ મુક્તોને આનંદ ઉપજાવીએ છીએ અને સર્વોપરી છીએ ને દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીને વિષે પ્રગટ થયા છીએ અને તમારા સર્વના ઇષ્ટદેવ છીએ ને તમારી સેવાને અંગીકાર કરીએ છીએ અને અમારા આ મનુષ્ય સ્વરૂપમાં ને ધામમાં રહ્યું જે સ્વરૂપ તેમાં કાંઈ પણ ભેદ નથી; એક જ છે. અને અમે અક્ષરાદિક સર્વના નિયંતા ને ઈશ્વરના ઈશ્વર ને સર્વના કારણના પણ કારણ ને સર્વ અવતારના અવતારી છીએ ને તમારે એકાંતિકભાવે ઉપાસના કરવા યોગ્ય છીએ. (૧) અને બીજામાં છો વાનાં હોય તેને સુખ ક્યારેય પણ થાય નહિ, માટે અમારા મોટા સાધુ સંગાથે જીવ જડી દેવો ને એમના વચનમાં વર્તવું અને વિષયનો સંબંધ કરે તેનો ઠા રહે નહીં. (૨) બાબતો છે.

         પ્ર બીજા કૃપાવાક્યમાં દ્રવ્યાદિક છો વાનાં હોય તેને જીવતાં ને મરીને સુખ ન આવે એમ કહ્યું તે ત્યાગીને-ગૃહીને કેવી રીતે વાસના હોય તેને સુખ ન થાય ?

         ત્યાગી હોય તેને સ્ત્રીઓ પાસે બેસવાનો તથા બોલવાનો તો સંકલ્પ ન હોય, પણ સ્ત્રી સમીપે આવી જાય તેને જોવાનો સંકલ્પ થઈ જાય તે સ્ત્રીની વાસના કહેવાય. (૧) અને અંતરમાં પરસ્ત્રી સાથે બોલવાનો કે બેસવાનો સંકલ્પ થતો હોય તે ગૃહસ્થને વાસના કહેવાય. (૧) અને ત્યાગીને રોગાદિક આપત્કાળ આવે તથા કોઈક તીર્થાદિકમાં જાવું હોય ત્યાં ભાડાનો યોગ ન બને ત્યારે દ્રવ્ય રાખ્યું હોત તો આવા આપત્કાળમાં કામ આવે એવો સંકલ્પ થાય, તેમ જ વસ્ત્રાદિક જે વખતે જોઈતું હોય તે વખતે ન મળે ને વિલંબ થાય, ત્યારે તેને રાખ્યું હોય તો જોઈએ તે વખતે કામ આવે તેવો સંકલ્પ થાય તે લોભ કહેવાય. (૨) અને ગૃહસ્થને ન્યાયે કરીને ભેળું કરેલું દ્રવ્ય તેને શ્રીજીમહારાજ તથા પંચવર્તમાને યુક્ત એવા સત્પુરુષના ઉપયોગમાં ન આવે, તથા પંચવર્તમાને યુક્ત એવા સત્સંગી હોય ને તેને ખાવા-પીવાની તંગાશ હોય અથવા કોઈ રાજ્ય સંબંધી સંકટ આવ્યું હોય ને તેને છોડાવવાના ઉપયોગમાં ન આવે તે દ્રવ્યાદિકનો લોભ કહેવાય. (૨) અને ત્યાગી જે મળે તેને પાણીમાં મેળાવ્યા વિના જુદી જુદી વસ્તુઓ રાખીને જમે તે રસની આસિક્ત કહેવાય. (૩) અને ગૃહસ્થને જમતી વખતે ખારું-મોળું હોય તો મનમાં કચવાય કે રસોઈ કરનાર સાથે કજિયો કરે તે રસની આસક્તિ જાણવી, તો ત્યાગીથી તો ખારું-મોળું બોલાય જ કેમ ? (૩) અને ત્યાગીને વિદ્યાદિક ગુણનું અભિમાન આવે કે ઝીણાં વસ્ત્ર પહેરવાનો સંકલ્પ થાય કે મોટા સંતની સેવા થઈ શકે નહિ ઇત્યાદિક દેહાભિમાન કહેવાય. (૪) અને ગૃહસ્થને નાત્યનું, કુળનું, ધનનું તથા લોકમોટાઈ આદિકનું અભિમાન હોય તથા સારાં વસ્ત્ર-ઘરેણાં પહેરીને દેહને શોભાડવાની આસક્તિ રહે, તથા ઉત્તમ ભક્ત હોય તે લોકવ્યવહારે ગરીબ હોય કે પોતાથી ઊતરતી જાતિ હોય તેનો મહિમા ન જણાય, તથા દેહે કરીને ભગવાનની કે તેમના ભક્તની સેવા ન થાય તે દેહાભિમાન કહેવાય. (૪) અને જે શ્રીજીમહારાજના આશ્રિત ન હોય ને એવા સત્સંગ બહારના કુસંગીમાં તથા શ્રીજીમહારાજની આજ્ઞા ન પાળતા હોય એવા ત્યાગીમાં તથા એવા સત્સંગીમાં હેત ને પક્ષ હોય તો ત્યાગી તથા ગૃહસ્થને કુસંગમાં હેત કહેવાય. (૫) અને પોતાનાં પૂર્વનાં માબાપ આદિ સંબંધીને સુખી-દુઃખી દેખીને હર્ષ-શોક કરે તથા તેની ખબર રખાવે, ને તેના સમાચાર પૂછે ને તેને બોલાવે તે ત્યાગીને સંબંધીમાં હેત કહેવાય. (૬) અને પંચવર્તમાને યુક્ત એવા શ્રીજીમહારાજના ભક્ત હોય તેના કરતાં પોતાનાં સ્ત્રી-પુત્રાદિક તથા સગાં-સંબંધી તે શ્રીજીમહારાજનાં ભક્ત ન હોય તોપણ ભક્ત કરતાં વધારે વૃત્તિ ખેંચાય ને વધારે પક્ષ રહે તે ગૃહસ્થને સંબંધીમાં હેત કહેવાય. (૬)

         પ્ર મોટા સાધુ સંગાથે પોતાના જીવને જડી દેવો એમ કહ્યું તે જીવ કેવી રીતે જડી દેવો ?

       જેવું જીવને દેહને વિષે હેત છે એવું મોટા સંતને વિષે કરવું અને જેવી દેહમાં એકતા છે તેવી રીતે સંતમાં એકતા કરવી. ।।૩૮।।