વચનામૃત ગઢડા છેલ્લાનું - ૬

સંવત ૧૮૮૩ના ભાદરવા વદિ ૫ પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

  પછી શ્રીજીમહારાજ સર્વે હરિભક્ત ઉપર કૃપાદૃષ્ટિ કરીને બોલતા હવા જે, (૧) ને ભગવાનનો ભક્ત હોય તે ભગવાનની કથા, કીર્તન, શ્રવણાદિક જે નવધાભક્તિ તેને જો હરિભક્ત ઉપર ઈર્ષ્યાએ કરીને કરે તો તે ભક્તિએ કરીને ભગવાન અતિશે રાજી થાતા નથી અને ઈર્ષ્યાનો ત્યાગ કરીને કેવળ પોતાના કલ્યાણને અર્થે ભક્તિ કરે, પણ લોકને દેખાડ્યા સારુ ન કરે, તો તે ભક્તિએ કરીને ભગવાન પ્રસન્ન થાય છે, માટે જેને ભગવાનને રાજી કરવા હોય તેને તો લોક રીઝવવાને અર્થે તથા કોઈકની ઈર્ષ્યાએ કરીને ભક્તિ ન કરવી; કેવળ પોતાના કલ્યાણને અર્થે જ કરવી. (૧) અને ભગવાનની ભક્તિ કરતા થકા કાંઈક પોતાને અપરાધ થઈ જાય તેનો દોષ બીજાને માથે ધરવો નહીં. અને જીવમાત્રનો તો એવો સ્વભાવ છે જે જ્યારે કાંઈક પોતામાં વાંક આવે ત્યારે એમ બોલે જે મુને બીજો કોઈએ ભુલાવ્યો ત્યારે મારામાં ભૂલ પડી પણ મારામાં કાંઈ વાંક નથી, પણ એમ કહેનારો મહામૂર્ખો છે કેમ જે બીજો તો કોઈક કહેશે જે તું કૂવામાં પડ, ત્યારે એને કહેવે કરીને શું કૂવામાં પડવું ? માટે વાંક તો અવળું કરે તેનો જ છે. ને બીજાને માથે દોષ દે છે. તેમ જ ઇન્દ્રિયો ને અંતઃકરણનો વાંક કાઢવો એ પણ જીવની મૂર્ખાઈ જ છે, ને જીવ ને મન તો પરસ્પર અતિ મિત્ર છે. જેમ દૂધને ને પાણીને મિત્રતા છે તેમ જીવને ને મનને મિત્રતા છે, તે જ્યારે દૂધને ને પાણીને ભેળાં કરીને અગ્નિ ઉપર મૂકે ત્યારે પાણી હોય તે દૂધને તળે બેસે ને પોતે બળે પણ દૂધને બળવા ન દે, ત્યારે દૂધ પણ પાણીને ઉગારવાને સારુ પોતે ઊભરાઈને અગ્નિને ઓલાવી નાખે છે, એવી રીતે બેયને પરસ્પર મિત્રાચાર છે તેમ જ જીવને ને મનને પરસ્પર મિત્રાચાર છે, તે જે વાત જીવને ન ગમતી હોય તે વાતનો મનમાં ઘાટ થાય જ નહીં. જ્યારે કાંઈક જીવને ગમતું હોય ત્યારે જ મન જીવને સમજાવે. અને જીવ જ્યારે ભગવાનનું ધ્યાન કરતો હોય ત્યારે મન કહેશે જે ભક્ત કોઈક બાઈ હોય તેનું પણ ભેળું ધ્યાન કરવું, પછી તેનાં સર્વ અંગનું ચિંતવન કરાવીને પછી જેમ બીજી સ્ત્રીને વિષે ખોટો ઘાટ ઘડે તેમ તેને વિષે પણ ખોટો ઘાટ ઘડે ત્યારે જો એ ભક્તનો જીવ અતિશે નિર્મળ હોય તો તો મનનું કહ્યું ન માને ને અતિશે દાઝ થાય તો મન એવો ફરીને ક્યારેય ઘાટ ઘડે નહીં. અને જો એનો જીવ મલિન હોય ને પાપે યુક્ત હોય તો મનનું કહ્યું માને ત્યારે વળી મન એને ભૂંડા ઘાટ કરાવી કરાવીને કલ્યાણના માર્ગમાંથી પાડી નાખે. તે સારુ કલ્યાણના માર્ગથી અવળી રીતે અધર્મની વાર્તા પોતાનું મન કહે અથવા બીજો કોઈ માણસ કહે તો તેને સંગાથે જે શુદ્ધ મુમુક્ષુ હોય તેને અતિશે વૈર થઈ જાય છે, પછી પોતાનું મન અથવા બીજો માણસ તે ફરીને તેને તે વાર્તા કહેવા આવે નહિ, અને મન છે તે તો જીવનું મિત્ર જ છે તે જીવને ન ગમે એવો ઘાટ ઘડે જ નહિ, અને જ્યારે કાંઈ મનને અયોગ્ય ઘાટ થઈ જાય ત્યારે જો જીવને મન ઉપર અતિશે રીસ ચડતી હોય તો ફરીને મનમાં એવો ઘાટ થાય જ નહિ, અને જ્યારે મનને સદાય અયોગ્ય ઘાટ થયા કરતા હોય ત્યારે એને પોતાના જીવનો જ વાંક સમજવો, પણ એકલા મનનો વાંક સમજવો નહીં. એવી રીતે સમજીને ભગવાનની ભક્તિ કરે તો તેને કોઈ વિમુખ જીવનો તથા પોતાના મનનો જે કુસંગ તે લેશમાત્ર અડી શકે નહીં. અને નિર્વિઘ્ન થકો ભગવાનનું ભજન કરે. (૨) ઇતિ વચનામૃતમ્‌ ।।।। (૨૪૦)

રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે ઈર્ષ્યાએ રહિત કેવળ પોતાના કલ્યાણને અર્થે અમારી ભક્તિ કરે તો અમે રાજી થઈએ. (૧) અને અમારી ભક્તિ કરતાં કાંઈક અપરાધ થઈ જાય તો તે દોષ પોતાને માથે લેવો, પણ ઇન્દ્રિયો-અંતઃકરણનો વાંક કાઢવો તે જીવની મૂર્ખાઈ છે. અને જીવને ન ગમતું હોય તેનો ઘાટ મન કરે તો તે જીવ નિર્મળ હોય તો મનનું કહ્યું ન માને, ને મલિન ને પાપે યુક્ત હોય તો માને તો તે મન એ જીવને કલ્યાણના માર્ગમાંથી પાડી નાખે, માટે જીવનો વાંક સમજવો, પણ એકલા મનનો વાંક સમજવો નહીં. એમ સમજે તેને કુસંગ અડી શકે નહિ ને નિર્વિઘ્ન થકો અમારું ભજન કરે. (૨) બાબતો છે. ।।૬।।