વચનામૃત ગઢડા છેલ્લાનું - ૮

સંવત ૧૮૮૩ના ભાદરવા વદિ ૯ નવમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી-તકિયા નખાવીને વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને કંઠને વિષે મોગરાનાં પુષ્પના હાર વિરાજમાન હતા ને પાઘને વિષે મોગરાનાં પુષ્પના તોરા વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

  પછી શ્રીજીમહારાજે મુનિમંડળને પ્રશ્ન પૂછ્યો જે, (૧) ભગવાનનો ભક્ત હોય તેને એવો કિયો ઉપાય છે જે જેણે કરીને સદા સુખી રહેવાય ? પછી મોટા મોટા સાધુ હતા તેણે જેવું જેને સમજાણું તેણે તેવો ઉત્તર કર્યો, પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એનો ઉત્તર તો એમ છે જે, જે ભગવાનના ભક્તને એક તો દૃઢ વૈરાગ્ય હોય, અને બીજો અતિશે સ્વધર્મ હોય, અને જેણે એ બે સાધને કરીને સર્વ ઇન્દ્રિયોને જીતીને પોતાને વશ કર્યાં હોય, અને જેણે ભગવાન ને ભગવાનના ભક્તને વિષે અતિશે પ્રીતિ હોય, અને જેને ભગવાન ને ભગવાનના ભક્તને વિષે અતિશે મિત્રભાવ વર્તતો હોય, અને જે કોઈ દિવસ ભગવાન કે ભગવાનના ભક્ત થકી ઉદાસ થાય નહિ, અને જે ભગવાન ને ભગવાનના ભક્તને સંગે જ રાજી રહે પણ કોઈ વિમુખ જીવની સોબત ગમે નહિ, એવાં જે હરિભક્તનાં લક્ષણ હોય તે આ લોકને વિષે તથા પરલોકને વિષે સદાય સુખિયો રહે છે; અને વૈરાગ્ય ને સ્વધર્મ તેણે કરીને જેણે પોતાનાં ઇન્દ્રિયોને વશ ન કર્યાં હોય તો તે ભગવાન તથા ભગવાનના ભક્તને સંગે રહ્યો થકો પણ દુઃખિયો રહે છે. શા માટે જે જેણે પોતાનાં ઇન્દ્રિયો ન જીત્યાં હોય તેને કોઈ ઠેકાણે સુખ થાય નહિ, અને ભગવાનની ભક્તિ કરતો હોય તોપણ જ્યારે ઇન્દ્રિયો વિષયમાં તણાઈ જાય તે હરિભક્તના હૃદયમાં અતિ દુઃખ થાય છે, માટે સર્વે પોતાનાં ઇન્દ્રિયોને જીતીને વશ કરે તે જ સદા સુખિયો રહે છે અને જેણે સર્વે ઇન્દ્રિયોને જીતીને વશ કર્યાં હોય તેને જ વૈરાગ્યવાન ને ધર્મવાળો જાણવો, પણ જેનાં ઇન્દ્રિયો વશ ન થયાં હોય તેને વૈરાગ્યવાન ને ધર્મવાળો ન જાણવો અને જે વૈરાગ્યવાન ને ધર્મવાળો હોય તેને તો સર્વે ઇન્દ્રિયો નિયમમાં હોય અને તે સદાય સુખિયો હોય. (૧)

  પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) હે મહારાજ ! ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની ભક્તિમાં કિયું અતિશે મોટું વિઘ્ન છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ભગવાનના ભક્તને એ જ મોટું વિઘ્ન છે જે, જે પોતામાં દોષ હોય તેને દેખે નહિ, અને ભગવાન ને ભગવાનના ભક્ત થકી જેનું મન નોખું પડી જાય, અને તે ભગવાનના ભક્ત થકી જેને બેપરવાઈ થઈ જવાય એ જ એને અતિશે મોટું વિઘ્ન છે. (૨) ઇતિ વચનામૃતમ્‌ ।।।। (૨૪૨)

રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે વૈરાગ્ય ને સ્વધર્મ એ બે સાધને કરીને સર્વે ઇન્દ્રિયોને જીતીને વશ કર્યાં હોય ને અમારે ને અમારા ભક્તને વિષે પ્રીતિ ને મિત્રભાવ હોય, ને અમારા ને અમારા ભક્તના સંગે જ રાજી રહે, ને વિમુખની સોબત ગમે જ નહિ, તે આ લોક-પરલોકને વિષે સદાય સુખિયો રહે છે, ને ઇન્દ્રિયો વશ ન કર્યાં હોય તે દુઃખિયો રહે છે. (૧) બીજામાં જે પોતાના દોષને દેખે નહિ, ને અમે ને અમારા ભક્તથી મન નોખું પડી જાય એટલે અમારે વિષે ને અમારા ભક્તને વિષે હેત ન રહે, ને બેપરવાઈ એટલે અમારા ભક્તને મોક્ષના દાતા જાણીને તેની ગરજ ન રાખે, તેને અમારી ભક્તિમાં મોટું વિઘ્ન છે. (૨) બાબતો છે. ।।૮।।