વચનામૃત ગઢડા મધ્યનું - ૧૯
સંવત ૧૮૭૮ના માગશર વદિ ૧૪ ચૌદશને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પરમહંસને ઉતારે દિવસ ઊગ્યા સમે પધાર્યા હતા પછી ત્યાં આવીને ગાદી-તકિયા ઉપર ઉદાસ થઈને બેઠા, તે કોઈને બોલાવે પણ નહિ અને કોઈના સામું પણ જુએ નહિ અને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો તે છૂટીને શિથળ થઈ ગયો તેને પણ સંભારે નહિ, એવી રીતે એક ઘડી સુધી અતિશે ઉદાસ થઈને બેસી રહ્યા અને નેત્રમાંથી જળ પડવા લાગ્યાં.
૧ પછી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે, (૧) અમે વેદાંતશાસ્ત્રનો મત જાણવા સારુ વેદાંતશાસ્ત્રનું શ્રવણ કર્યું તે શ્રવણમાત્રે કરીને જ અમારા અંતરમાં આવો ઉદ્વેગ થઈ આવ્યો, કેમ જે, જે વેદાંતશાસ્ત્રને શ્રવણે કરીને જીવની બુદ્ધિમાંથી ભગવાનની ઉપાસનાનું ખંડન થઈ જાય છે અને હૈયામાં સમભાવ આવી જાય છે એટલે અન્ય દેવની પણ ઉપાસના થઈ જાય છે અને તે વેદાંતીના વચનને જે સાંભળે તેની બુદ્ધિ અતિશે ભ્રષ્ટ થઈ જાય છે. (૧) અને અમે તો કાંઈક પ્રયોજન સારુ વેદાંતની વાત સાંભળી હશે તેણે કરીને પણ હવે અમારે શોક ઘણો થાય છે, એમ કહીને શ્રીજીમહારાજ સૂધા ઉદાસ થઈ ગયા. પછી ઘણી વાર સુધી દિલગીર થઈને પછી પોતાને હાથે નેત્રમાંથી જળ લૂઈને એમ બોલ્યા જે, ભગવદ્ગીતા ઉપર જે રામાનુજ ભાષ્ય છે તેની કથા સાંભળીને અમે આજ રાત્રિએ સૂતા હતા પછી અમને સ્વપ્ન થયું જે અમે ગોલોકમાં ગયા, ત્યાં ભગવાનના અનંત પાર્ષદ દીઠા તેમાં કેટલાક તો ભગવાનની સેવામાં રહ્યા છે તે તો સ્થિર સરખા જણાણા અને કેટલાક તો પરમેશ્વરનાં કીર્તન ગાય છે તે કીર્તન પણ મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામીનાં ગાય છે અને તે કીર્તન ગાતા જાય અને ડોલતા જાય, જેમ કેફે કરીને ગાંડા થયા હોય ને તે ડોલે ને ગાય તેમ કીર્તન ગાય ને ડોલે પછી અમે પણ એ ગાવતા હતા તે ભેળા જઈને ભળ્યા ને કીર્તન ગાવા લાગ્યા તે ગાવતાં ગાવતાં એવો વિચાર થયો જે આવી જે પરમેશ્વરની પ્રેમભક્તિ અને આવી જે પરમેશ્વરની ઉપાસના તેનો ત્યાગ કરીને જે બ્રહ્મજ્ઞાની થાય છે અને એમ જાણે છે જે અમે જ ભગવાન છીએ તે મહાદુષ્ટ છે; એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે, જે પ્રકારે ધર્મ થકી તથા ભગવાનની ભક્તિ થકી કોઈ રીતે પાછો ન પડે અને પોતાના ઇષ્ટદેવ જે શ્રીકૃષ્ણ નારાયણ તેમાંથી કોઈ રીતે બુદ્ધિ ડગે નહિ એવો લાવો એક કાગદ લખીને દેશદેશના સત્સંગી પ્રત્યે મોકલીએ. :- “લિખાવિતં સ્વામી શ્રી સહજાનંદજી મહારાજના સર્વે પરમહંસ તથા સર્વે સત્સંગી બાઈ-ભાઈ નારાયણ વાંચજો. બીજું અમારી આજ્ઞા એમ છે જે, શ્રીકૃષ્ણ નારાયણ એવા જે પુરુષોત્તમ ભગવાન તેના જે અવતાર તે ધર્મના સ્થાપનને અર્થે તથા બ્રહ્મચર્ય-અહિંસાદિક ધર્મ, આત્મનિષ્ઠા, વૈરાગ્ય ને માહાત્મ્યે સહિત ભક્તિ એ ચાર ગુણે સંપન્ન એવા જે પોતાના એકાંતિક ભક્ત તેને દર્શન દેવાને અર્થે ને તેમની રક્ષા કરવાને અર્થે તથા અધર્મનો ઉચ્છેદ કરવાને અર્થે દેવ-મનુષ્યાદિકને વિષે થાય છે તે અવતારને વિષે પતિવ્રતાના જેવી અનન્યપણે નિષ્ઠા રાખવી, જેમ સીતાજીને શ્રી રામચંદ્રજીને વિષે નિર્દોષપણે નિષ્ઠા હતી તેમ નિષ્ઠા રાખવી. અને એવા જે ભગવાન તેની હેતે કરીને માનસીપૂજા કરવી તથા દેહે કરીને નવ પ્રકારે ભક્તિ કરવી અને જો એ શ્રીકૃષ્ણ નારાયણના અવતાર પૃથ્વીને વિષે પ્રગટ ન હોય તો તેની જે પ્રતિમા તેની પૂજા મને કરીને તથા દેહે કરીને ચંદન, પુષ્પ, તુળસી આદિક સામગ્રી વતે કરવી પણ ભગવાન વિના બીજા દેવની ઉપાસના ન કરવી અને બીજા દેવની ઉપાસના કરીએ તો તેમાં મોટો દોષ લાગે છે ને પતિવ્રતાપણું જાય છે ને વેશ્યાના જેવી ભક્તિ થાય છે, માટે ભગવાનને વિષે સીતા ને રુક્મિણીના જેવી ભક્તિ કરવી ને તે ભગવાનનું જ ધ્યાન કરવું અને તે વિના બીજા કોઈ દેવનું ધ્યાન ન કરવું. બીજું જે સાધુ સિદ્ધગતિને પામ્યા હોય ને સમાધિનિષ્ઠ હોય તેનું પણ ધ્યાન ન કરવું. અને સર્વને પોતપોતાના વર્ણાશ્રમધર્મને વિષે દૃઢપણે વર્તવું. બીજું આ જે અમારી આજ્ઞા છે તેને જે પુરુષ દૃઢપણે પાળશે તેને શ્રીકૃષ્ણ નારાયણને વિષે નારદના જેવી દૃઢ ભક્તિ થાશે અને આ અમારી આજ્ઞાને જે સ્ત્રી માનશે તેને શ્રીકૃષ્ણ નારાયણને વિશે લક્ષ્મીજી તથા રાધિકાજી આદિક જે ગોપીઓ તેના જેવી ભક્તિ થાશે અને આ અમારા વચનને જે નહિ માને તેની ભક્તિ વેશ્યાના જેવી થાશે. સંવત ૧૮૭૮ના માગશર વદિ ૧૪ ચૌદશને દિવસ લખ્યો છે. એવી રીતે કાગળ લખીને દેશદેશના સત્સંગી પ્રત્યે મોકલાવ્યો. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૧૯।। (૧૫૨)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે વેદાંતશાસ્ત્રના શ્રવણથી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે ને પોતાને ભગવાન મનાય છે ને અમારી ઉપાસનાનું ખંડન થઈ જાય છે માટે તેનું શ્રવણ ન કરવું. (૧) અને અમારા એકાંતિક ભક્તને દર્શન દેવા ને તેમની રક્ષા કરવા ને અધર્મનો નાશ કરવા મનુષ્ય રૂપે થયા છીએ, એવી અમારે વિષે નિષ્ઠા રાખીને માનસીપૂજા તથા ભક્તિ કરવી અને જ્યારે અમે આ મનુષ્ય સ્વરૂપ અદૃશ્ય કરીએ ત્યારે અમારી પ્રતિમાની પૂજા, ભક્તિ, ઉપાસના તથા ધ્યાન કરવું, પણ બીજા કોઈ દેવનું ધ્યાન કરવું નહિ ને સાધને કરીને સિદ્ધગતિને પામ્યા હોય એવા સાધુનું પણ ધ્યાન કરવું નહિ, તો અમારે વિષે દૃઢ ભક્તિ થશે અને આ અમારા વચનથી બીજી રીતે વર્તશે તેની ભક્તિ વેશ્યાના જેવી થશે. (૨) બાબતો છે.
૧ પ્ર. પહેલી બાબતમાં શુષ્ક વેદાંતશાસ્ત્રના શ્રવણે કરીને ભગવાનની ઉપાસનાનું ખંડન થઈ જાય છે એમ કહ્યું અને પછી અન્ય દેવની ઉપાસના થઈ જાય છે એમ કહ્યું તે ભગવાનની ઉપાસના ટળીને અન્ય દેવની ઉપાસના થવાનો શો હેતુ હશે ?
૧ ઉ. શુષ્ક વેદાંતશાસ્ત્રના શ્રવણથી સર્વ દેવને વિષે સમભાવ થઈ જાય છે પણ એ શ્રવણ કરનાર પાકો વેદાંતી થયો ન હોય તેને જ્યારે કાંઈક સંકટ આવે ત્યારે પોતાની રક્ષાને માટે કોઈક દેવની ઉપાસના કરે એમ અન્ય દેવની ઉપાસના આપત્કાળે કરે.
૨ પ્ર. બીજી બાબતમાં શ્રીજીમહારાજે કહ્યું જે અમો ગોલોકમાં ગયા ત્યાં અનંત પાર્ષદ દીઠા તે ગોલોક કોને કહ્યું હશે ?
૨ ઉ. પોતાના તેજરૂપ અક્ષરધામને આ ઠેકાણે ગોલોક નામે કહ્યું છે તે (અ. ૬ના બીજા પ્રશ્નમાં) ગોલોક અમે એને જ કહીએ છીએ એમ કહ્યું છે.
૩ પ્ર. ભગવાનના અવતાર દેવ-મનુષ્યાદિકને વિષે થાય છે એમ કહ્યું તે દેવલોકમાં એકાંતિક ભક્ત હશે અને ત્યાં ભગવાન એકાંતિક ધર્મ સ્થાપન કરતા હશે કે નહીં ?
૩ ઉ. દેવલોકમાં એકાંતિક ધર્મનું સ્થાપન થાતું નથી અને ત્યાં એકાંતિક ભક્ત પણ નથી; એકાંતિક ભક્ત તો મર્ત્યલોકમાં જ છે અને એકાંતિક ધર્મ પણ મર્ત્યલોકમાં સ્થાપન થાય છે કેમ જે આ કર્મભૂમિ છે ને એ ભોગભૂમિ છે માટે દેવલોકમાં શ્રીજીમહારાજ પ્રગટ થતા નથી; બીજા અવતારો કોઈક પ્રયોજન માટે દેવલોકમાં પ્રગટ થાય છે તે બીજા અવતારોને વિષે પોતે અંતર્યામી શક્તિએ રહ્યા છે માટે અવતારોના અભેદપણે કરીને દેવલોકને વિષે પ્રગટ થાય છે એમ કહ્યું છે.
૪ પ્ર. ધ્યાન કરવાનું કહ્યું તે ધ્યાન કેવી રીતે કરવું ?
૪ ઉ. દેહાત્મબુદ્ધિ સોતો શ્રીજીમહારાજને સન્મુખ ધારીને ધ્યાન કરે તે અવરભાવનું ધ્યાન છે; અને સદા દિવ્ય સાકાર મૂર્તિમાન સર્વોપરી પુરુષોત્તમ એવા જે શ્રી સ્વામિનારાયણ તેમનાં તેજરૂપ થઈને એ તેજરૂપ જે અક્ષરબ્રહ્મ તેમાં મૂર્તિ ધારવી તે પરભાવનું ધ્યાન છે અને મૂર્તિના તદાકારભાવને પામીને ધ્યાન કરવું તે પરભાવમાં ઉત્તમ ધ્યાન છે.
૫ પ્ર. બીજા કોઈ દેવનું ધ્યાન કરવું નહિ એમ કહ્યું તે દેવ કિયા જાણવા ?
૫ ઉ. તે ટાણે પ્રત્યક્ષ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતે વિરાજમાન હતા તેમણે પોતાનું જ ધ્યાન કરવાનું કહ્યું છે જે અમારા આશ્રિતોએ અમારું જ ધ્યાન કરવું પણ બીજા કોઈ દેવનું એટલે કોઈ અવતાર માત્રનું ધ્યાન કરવું નહિ એમ પતિવ્રતાપણે નિષ્ઠા રાખવી તે (લો. ૧૧ના ૨/૪ના બીજા પ્રશ્નમાં) પણ કહ્યું છે અને સિદ્ધગતિને પામ્યા એવા સાધુનું પણ ન કરવું એમ કહ્યું છે.
૬ પ્ર. આ અમારી આજ્ઞા પાળશે તેને શ્રીકૃષ્ણ નારાયણને વિષે નારદ, લક્ષ્મી, રાધિકા તથા ગોપીઓના જેવી ભક્તિ થશે એમ શ્રીજીમહારાજે કહ્યું તે શ્રીકૃષ્ણ નારાયણ કોને કહ્યા હશે ? અને નારદાદિકના જેવી ભક્તિ થાશે એમ કહ્યું તે કેવી રીતે સમજવું ?
૬ ઉ. શ્રીકૃષ્ણ નારાયણ પોતાને કહ્યા છે અને જેવી ભક્તિ નારદને તથા લક્ષ્મી આદિકને એમના ઇષ્ટદેવને વિષે હતી તેવી ભક્તિ અમારી આજ્ઞા પાળશે એવા જે અમારા આશ્રિત તેમને અમારે વિષે થાશે એમ કહ્યું છે. ।।૧૯।।