વચનામૃત ગઢડા મધ્યનું - ૨૧
સંવત ૧૮૭૮ના ફાગણ સુદિ ૧૫ પૂન્યમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ વિરાજમાન હતા અને શ્વેત ખેસ પહેર્યો હતો ને શ્વેત ચાદર ઓઢી હતી તથા શ્વેત પાઘ બાંધી હતી અને શ્રીજીમહારાજના મુખારવિંદની આગળ પ્રેમાનંદ સ્વામી આદિક સર્વે પરમહંસ વિષ્ણુપદ બોલતા હતા.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) કીર્તન રહેવા દો ને સર્વે સૂરત દેઈને સાંભળો એક વાર્તા કરીએ છીએ જે, જેટલા કલ્યાણને અર્થે વ્યાસજીએ ગ્રંથ કર્યા છે તે સર્વે સૂરત રાખીને અમે સાંભળ્યા તે સર્વે શાસ્ત્રમાં એ જ સિદ્ધાંત છે અને જીવના કલ્યાણને અર્થે પણ એટલી જ વાત છે જે આ સર્વ જગત છે તેના કર્તા-હર્તા એક ભગવાન છે અને એ સર્વે શાસ્ત્રને વિષે ભગવાનનાં ચરિત્ર છે કાં ભગવાનના સંતનાં ચરિત્ર છે અને વર્ણાશ્રમના ધર્મની જે વાર્તા છે અને તેનું ફળ જે ધર્મ, અર્થ ને કામ છે તેણે કરીને કાંઈ કલ્યાણ થાતું નથી અને કેવળ વર્ણાશ્રમના ધર્મ વતે તો સંસારમાં કીર્તિ થાય ને દેહે કરીને સુખિયો રહે એટલું જ ફળ છે. (૧) અને કલ્યાણને અર્થે તો ભગવાનને સર્વ કર્તા-હર્તા જાણવા એ જ છે. (૨) અને જેવું પરોક્ષ ભગવાનના રામ-કૃષ્ણાદિક અવતારનું માહાત્મ્ય જાણે છે તથા નારદ, સનકાદિક, શુકજી, જડભરત, હનુમાન, ઉદ્ધવ ઇત્યાદિક જે પરોક્ષ સાધુ તેનું જેવું માહાત્મ્ય જાણે છે તેવું જ પ્રત્યક્ષ એવા જે ભગવાન તથા ભગવાનના ભક્ત સાધુ તેનું માહાત્મ્ય સમજે તેને કલ્યાણના માર્ગમાં કાંઈ સમજવું બાકી રહ્યું નહિ તે આ વાર્તા એક વાર કહ્યે સમજો અથવા લાખ વાર કહ્યે સમજો, આજ સમજો અથવા લાખ વર્ષ કેડે સમજો પણ એ વાત સમજે જ છૂટકો છે અને નારદ, સનકાદિક, શુકજી, બ્રહ્મા, શિવ એમને પૂછો તોપણ ડાહ્યા છે તે અનેક વાતની યુક્તિ લાવીને પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંત તેને જ કલ્યાણના દાતા બતાવે અને જેવું પરોક્ષ ભગવાન ને પરોક્ષ સંતનું માહાત્મ્ય છે તેવું જ પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંતનું માહાત્મ્ય બતાવે અને એટલો જેને દૃઢ નિશ્ચય થયો હોય તેને સર્વે મુદ્દો હાથ આવ્યો અને કોઈ કાળે તે કલ્યાણના માર્ગ થકી પડે નહિ, જેમ બ્રહ્મા, શિવ, બૃહસ્પતિ ને પરાશરાદિક તે કામાદિકે કરીને ધર્મ થકી પડ્યા તોપણ પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંત તેનો પરોક્ષના જેવો જો માહાત્મ્યે યુક્ત નિશ્ચય હતો તો કલ્યાણના માર્ગમાંથી પડ્યા નહિ, માટે સર્વે શાસ્ત્રનું રહસ્ય આ વાર્તા છે. (૩) અને તે જ દિવસ સાંઝને સમે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાંથી ઘોડીએ ચડીને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા ને ત્યાં આંબાના વૃક્ષ હેઠે ઓટા ઉપર ઢોલિયે વિરાજમાન હતા અને શ્વેત ખેસ પહેર્યો હતો ને શ્વેત ચાદર ઓઢી હતી ને શ્વેત પાઘ માથે બાંધી હતી અને તે પાઘને વિષે પીળાં પુષ્પનો તોરો વિરાજમાન હતો ને કાન ઉપર મોગરાનાં પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા અને કંઠને વિષે મોગરાના પુષ્પનો હાર વિરાજમાન હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૨ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, સાંભળો એક તમને પ્રશ્ન પૂછીએ જે, (૨) જીવને સ્વપ્ન અવસ્થાને વિષે જે જે સ્વપ્નમાં સૃષ્ટિ દેખાય છે અને તે સ્વપ્નની સૃષ્ટિના જે ભોગ તેને જીવ ભોગવે છે તે એ સૃષ્ટિ રૂપે તે જીવ પોતે થાય છે કે એ જીવ પોતાના સંકલ્પે કરીને સ્વપ્નને વિષે એ સૃષ્ટિને સ્રજે છે ? અને જેમ જીવને છે તેમજ સર્વે બ્રહ્માદિક ઈશ્વર છે તેને પણ સ્વપ્નસૃષ્ટિ છે તે પોતે એ સૃષ્ટિ રૂપે થાય છે કે સંકલ્પે કરીને સ્રજે છે કે એ જીવ-ઈશ્વર થકી પર જે પરમેશ્વર તે જ સ્વપ્નની સૃષ્ટિને સ્રજી આપે છે ? એ પ્રશ્નનો ઉત્તર કરો પછી જેવી જેની બુદ્ધિ તેવું તેણે કહ્યું પણ કોણેય યથાર્થ ઉત્તર થયો નહીં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જીવ તથા ઈશ્વર એમાંથી કોઈ સ્વપ્નસૃષ્ટિને સ્રજતા નથી અને પોતે પણ સ્વપ્નસૃષ્ટિ રૂપે થાતા નથી; એ તો જીવ-ઈશ્વર થકી પર જે પરમેશ્વર કર્મફળપ્રદાતા છે તે એ જીવ-ઈશ્વરના કર્મને અનુસારે કરીને એ સ્વપ્નસૃષ્ટિને સ્રજે છે. (૪) અને એ સ્વપ્નસૃષ્ટિને વિષે જે અસ્થિરપણું છે ને ભ્રાંતપણું છે તે તો દેશને યોગે કરીને પ્રવર્તે છે, કેમ જે કંઠ દેશ છે તે એવો જ છે જે એ સ્થળમાં અનંત ભાતની એવી સૃષ્ટિ દેખાઈ આવે, જેમ કાચનું મંદિર હોય તેમાં એક દિશે દીવો કર્યો હોય તો અનેક દીવા દેખાઈ આવે તેમ કંઠ દેશને યોગે કરીને એક સંકલ્પ હોય તે અનંત રીતે દેખાય છે અને જે જ્ઞાની હોય તે તો જ્યાં દેશનું પ્રધાનપણું હોય ત્યાં દેશનું જ સમજે અને કાળનું પ્રધાનપણું હોય ત્યાં કાળનું જ સમજે અને કર્મનું પ્રધાનપણું હોય ત્યાં કર્મનું જ સમજે અને પરમેશ્વરનું પ્રધાનપણું હોય ત્યાં પરમેશ્વરનું જ સમજે અને મૂર્ખ હોય તે તો જે કોઈક એક વાત સમજાઈ ગઈ તેને જ મુખ્ય જાણે. જો કાળની વાત સમજાણી હોય તો કાળને જ મુખ્ય જાણે અને કર્મની વાત સમજાણી હોય તો કર્મને મુખ્ય જાણે અને માયાની વાત સમજાણી હોય તો માયાને મુખ્ય જાણે પણ જ્યાં જેનું પ્રધાનપણું તેને ત્યાં જુદું જુદું મૂર્ખને સમજતાં ન આવડે અને જ્ઞાની હોય તે તો જે ઠેકાણે જેનું પ્રધાનપણું હોય તે ઠેકાણે તેનું જ પ્રધાનપણું લે અને પરમેશ્વર છે તે તો દેશ, કાળ, કર્મ, માયા એ સર્વેના પ્રેરક છે અને પોતાની ઇચ્છાએ કરી દેશકાળાદિકનું પ્રધાનપણું રહેવા દે છે, પણ સર્વે પરમેશ્વરને આધારે છે, જેમ શિશુમાર ચક્ર છે તે ધ્રુમંડળને આધારે છે, અને જેમ પ્રજા સર્વે રાજાને આધારે છે તેમાં દીવાન હોય તથા વજીર હોય તેનું રાજા ચાલવા દે તેટલું ચાલે પણ ન ચાલવા દે ત્યારે એક અણુમાત્ર પણ ન ચાલે તેમ દેશ, કાળ, કર્મ, માયા તેનું પરમેશ્વર ચાલવા દે તેટલું ચાલે, પણ પરમેશ્વરના ગમતા બહાર અણુમાત્ર પણ ન ચાલે, માટે સર્વ કર્તા તે પરમેશ્વર જ છે. એટલી વાર્તા કરીને શ્રીજીમહારાજ પાછા દરબારમાં પધારતા હવા. (૫)
પછી વળી તે જ દિવસે અર્ધરાત્રિએ શ્રીજીમહારાજ પોતે સાધુની જાયગાએ પધાર્યા હતા, પછી સર્વ સાધુ શ્રીજીમહારાજને નમસ્કાર કરીને પાસે બેઠા. પછી તે મુનિ પ્રત્યે શ્રીજીમહારાજ એમ બોલ્યા જે, (૩) અમને એક વિચાર ઊપજ્યો તે સારુ આ ટાણે તમ પાસે આવ્યા છીએ જે અમારા મનમાં એમ સમજાય છે જે આ સંસારને વિષે જેને ગામ-ગરાસ હોય વા ધન-દોલત હોય એ જ અતિશે દુઃખિયો છે. અને જેને ધન, દોલત, રાજ ન હોય તે જ સુખિયો છે. (૬) માટે આપણે પણ શ્રી નરનારાયણનું મંદિર શ્રીનગરને વિષે કરાવ્યું છે અને બીજાં પણ થાવાનાં છે, માટે તે નિમિત્ત શ્રદ્ધા વિના કોઈને પ્રેરવું નહિ ને શ્રી નરનારાયણદેવની ઇચ્છા હશે તો મંદિર થાશે અને ઇચ્છા નહિ હોય તો નહિ થાય પણ તે સારુ આપણે તો કોઈ પ્રકારનો ક્લેશ ન થાય તેમ કરવું ને સમૈયો આવે ત્યારે જન્માષ્ટમી આદિક ઉચ્છવને દિવસ શ્રી નરનારાયણની ઇચ્છાએ કરીને કોઈ વાર હજારું ને લાખું રૂપૈયાની સામગ્રીએ કરીને ઉચ્છવ થાય ને કોઈ ફેરે તુળસીનું પત્ર મૂકીને ઉચ્છવ થાય પણ જે સહેજે થાય તે ખરું પણ આગ્રહ કરીને કોઈ વાત કરવી નહિ, અને એ શ્રી નરનારાયણદેવને પોતાની શ્રદ્ધાએ કરીને ધરતી, વાડી, ગામ, ગરાસ આપે તે સુખે આપે પણ આપણે કોઈને બળાત્કારે પ્રેરવું નહીં. (૭)
૪ પછી શ્રીજીમહારાજે પ્રસન્ન થઈને સાધુને પ્રશ્ન પૂછ્યો જે, (૪) એકાંતિક પ્રભુનો ભક્ત કેને કહીએ ? પછી મુક્તાનંદ સ્વામીએ આવડ્યો એવો ઉત્તર કર્યો પણ સમાધાન થયું નહિ, પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એકાંતિક ભક્ત તો તે ખરો જે પોતાને બ્રહ્મરૂપ માનીને, સ્વધર્માદિક અંગે યુક્ત જે ભક્તિ તેણે યુક્ત થકો પરબ્રહ્મ એવા જે શ્રી પુરુષોત્તમ તેમનું ધ્યાન, સ્મરણ ને ઉપાસના તેને કર્યા કરે અને દેહે કરીને જેટલાં ઈશ્વરે વર્તમાન કહ્યાં હોય તેમાં ફેર પડવા દે નહિ, એવો હોય તે એકાંતિક ભક્ત જાણવો. (૮) એવી એકાંતિક ભક્તિની પ્રવૃત્તિ ક્યારેક તો સૃષ્ટિમાં ન હોય તો શ્રી નરનારાયણને વિષે રહે છે અને શ્રી નરનારાયણ પોતે એકાંતિક ભક્તની પેઠે વર્તીને પોતાના શરણાગત એવા જે ભક્ત તેને શિખવાડે છે ને એવા એકાંતિક તો સત્સંગ વિના બીજે નથી. (૯) અને બીજે તો કોઈ મતમાં ઉપાસના છે તો આત્મજ્ઞાન ને ત્યાગ નથી અને કોઈ મતમાં આત્મજ્ઞાન છે તો ત્યાગ ને ઉપાસના નથી ને કોઈ મતમાં ત્યાગ છે તો આત્મજ્ઞાન ને ઉપાસના નથી અને આ સમામાં સત્સંગમાં તો સર્વે અંગે સંપૂર્ણ એકાંતિક ભક્ત ઘણા છે, એમ વાત કરીને શ્રીજીમહારાજ પોતાને ઉતારે પધાર્યા. (૧૦) ઇતિ વચનામૃતમ્ ।।૨૧।। (૧૫૪)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૪) છે. તેમાં ત્રણ કૃપાવાક્ય છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, કેવળ વર્ણાશ્રમ ધર્મે કરીને સંસારમાં કીર્તિ થાય ને દેહે કરીને સુખિયો રહે. (૧) અને અમને સર્વ કર્તા-હર્તા જાણે તો જ કલ્યાણ થાય. (૨) અને જેમ રામકૃષ્ણાદિક પરોક્ષ અવતાર થયા છે તેમને વૈકુંઠ-ગોલોકના પતિ જાણે છે અને તેમના ભક્તોને તે તે ધામના પાર્ષદો જાણે છે, તેમ અમને અક્ષરધામના ધામી સમજે અને અમારા ભક્તોને અમારા ધામના પાર્ષદો જાણે અને અમને સર્વ કર્તા-હર્તા જાણે તો કોઈ કાળે કલ્યાણના માર્ગેથી પડે જ નહીં. (૩) બીજામાં જીવ, વૈરાજપુરુષ ને પ્રધાનપુરુષ એ સર્વેને સ્વપ્નસૃષ્ટિ તથા સ્વપ્નસૃષ્ટિના ભોગ તે મૂળપુરુષ દ્વારે અમે સ્રજી આપીએ છીએ. (૪) અને દેશકાળાદિકનું અમે ચાલવા દઈએ તેટલું જ ચાલે. (૫) ત્રીજામાં જેને ગામ, ગરાસ, ધન, દોલત હોય તે દુઃખિયો છે અને ન હોય તે સુખિયો છે. (૬) અને દેવને શ્રદ્ધાએ કરીને ધરતી, વાડી, ગામ, ગરાસ કોઈ આપે તો ભલે પણ આગ્રહપૂર્વક બળાત્કારે પ્રેરણા ન કરવી. (૭) ચોથા પ્રશ્નમાં જે પોતાને બ્રહ્મરૂપ માનીને પરબ્રહ્મ એવા જે અમે તે અમારી સ્વધર્માદિક અંગે યુક્ત ભક્તિ તથા ધ્યાન, સ્મરણ ને ઉપાસના કરે અને જેટલાં વર્તમાન અમે કહ્યાં છે તેમાં ફેર પડવા દે નહિ તે અમારો એકાંતિક ભક્ત છે. (૮) અને જ્યારે અમે પ્રગટ થઈએ ત્યારે એકાંતિક ભક્તિ પ્રવર્તાવીએ છીએ. (૯) અને બીજા મતોમાં તો એકાંતિક ભક્તિ નથી. (૧૦) બાબતો છે.
૧ પ્ર. (૧/૨ પહેલા પ્રશ્નમાં) અમને સર્વ કર્તા-હર્તા જાણવાથી કલ્યાણ થાય, એમ શ્રીજીમહારાજે કહ્યું તે શ્રીજીમહારાજને કર્તા-હર્તા જાણે અને વર્ણાશ્રમના ધર્મ ન પાળે તો કલ્યાણ થાય કે નહીં ?
૧ ઉ. શ્રીજીમહારાજને સર્વ કર્તા-હર્તા જાણે અને વર્ણાશ્રમના ધર્મ પણ દૃઢ કરીને પાળે તો જ કલ્યાણ થાય પણ એ બેમાંથી એક ન હોય તો કલ્યાણ ન થાય તે (મ. ૩૫/૪માં) અમારી ઉપાસના હોય પણ જો તેમાં ધર્મ ન હોય તો તેનું કલ્યાણ ન થાય અને તેને ચંડાળ કહ્યો છે માટે ઉપાસના તથા ધર્મ બેય રાખવાં તો જ કલ્યાણ થાય.
૨ પ્ર. (૧/૩ પહેલા પ્રશ્નમાં) નારદ, સનકાદિક, શુકજી, બ્રહ્મા, શિવને પૂછો તો તે પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંતનું માહાત્મ્ય બતાવે એમ કહ્યું તે એ નારદાદિક તો દૃષ્ટિગોચર નથી માટે એમને શી રીતે પુછાય અને એ શ્રીજીમહારાજનું માહાત્મ્ય શી રીતે બતાવી શકે ?
૨ ઉ. જેમ નારદાદિકને જે જે અવતારો મળ્યા હતા તેમનું માહાત્મ્ય તેમણે બતાવ્યું હતું તેમ જ આજ અમારા સંત તથા અમારા હરિભક્ત છે તેમને પૂછો તો પ્રત્યક્ષ ભગવાન એવા જે અમે તે અમારો તથા અમારા મુક્તનો મહિમા બતાવે, એમ નારદાદિકના દૃષ્ટાંતે પોતાના સંત-હરિજનોને કહ્યા છે.
૩ પ્ર. કેવી રીતે પ્રેરણા કરે તે બળાત્કારે પ્રેર્યા કહેવાય ?
૩ ઉ. દેવની સેવા હરિજનની શ્રદ્ધાથી વિશેષ કરાવવાનો આગ્રહ કરે તે બળાત્કારે પ્રેર્યા કહેવાય.
૪ પ્ર. (૪/૯ ચોથા પ્રશ્નમાં) નરનારાયણ પોતે વર્તીને શરણાગતને એકાંતિક ભક્તિ શિખવાડે છે તે કિયા જાણવા ?
૪ ઉ. આ ઠેકાણે શ્રીજીમહારાજે પોતાને જ નરનારાયણ નામે કહ્યા છે તે પોતાના ભક્તોને એકાંતિક ભક્તિ શીખવે છે આ નામનો ખુલાસો (પ્ર. ૮ના સાતમા પ્રશ્નોત્તરમાં) કર્યો છે. ।।૨૧।।