વચનામૃત ગઢડા મધ્યનું - ૨૩

સંવત ૧૮૭૮ના જ્યેષ્ઠ સુદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ વિરાજમાન હતા ને મસ્તક ઉપર ધોળી પાઘ બાંધી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

       પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) આજ તો અમે મનનું રૂપ વિચારી જોયું તે મન જીવ થકી જુદું ન દેખાણું; મન તો જીવની જ કોઈક કિરણ છે પણ જીવ થકી જુદું નથી. અને મનનું રૂપ તો એવું દેખાણું જે, જેમ ઉનાળામાં લૂક હોય તથા જેમ શિયાળામાં હિમ હોય તેવું મનનું રૂપ દેખાણું. અને જેમ માણસના દેહમાં લૂક પેસે તથા હિમ પેસે ત્યારે તે માણસ મરી જાય છે, તેમ એ મન ઇન્દ્રિયો દ્વારે થઈને જ્યારે વિષય સન્મુખ જાય છે, ત્યારે તે વિષય જો દુઃખદાયી હોય તો મન તપીને ઉનાળાની લૂક જેવું થાય છે, અને તે વિષય જો સુખદાયક હોય તો તેને વિષે મન શિયાળાના હિમ જેવું થાય છે, તે જ્યારે દુઃખદાયી વિષયને ભોગવીને લૂક સરખું ઊનું થઈને જીવના હૃદયમાં પેસે છે, ત્યારે જીવને અતિશે દુઃખિયો કરીને કલ્યાણના માર્ગમાંથી પાડી નાખે છે, એ તે લૂક લાગીને મરે તેમ જાણવું; અને જ્યારે એ મન સુખદાયી વિષયમાં સુખને ભોગવે ત્યારે ટાઢું હિમ સરખું થઈને જીવના હૃદયમાં પેસે છે, અને જીવને સુખિયો કરીને કલ્યાણના માર્ગથી પાડી નાખે છે, એ તે હિમાળાનો વા આવે ને મરે તેમ જાણવું. માટે જેનું મન ભૂંડા વિષયને દેખીને તપે પણ નહિ અને સારા વિષયને દેખીને ટાઢું પણ થાય નહિ, એવી રીતે જેનું મન અવિકારી રહેતું હોય તેને પરમ ભાગવત સંત જાણવા. અને એવું મન થાવું એ કાંઈ થોડી વાત નથી અને મનનો તો કેવો સ્વભાવ છે તો જેમ બાળક હોય તે સર્પને, અગ્નિને તથા ઉઘાડી તરવારને ઝાલવા જાય તે જો ઝાલવા ન દેઈએ તોપણ દુઃખિયો થાય અને જો ઝાલવા દેઈએ તોપણ દુઃખિયો થાય તેમ જો મનને વિષય ભોગવવા ન દેઈએ તોપણ દુઃખિયું થાય ને જો ભોગવવા દેઈએ તોપણ વિમુખ થઈને અતિશે દુઃખિયું થાય, માટે જેનું મન ભગવાનને વિષે આસક્ત થયું છે ને વિષયને યોગે કરીને ટાઢું-ઊનું થાતું નથી તેને જ સાધુ જાણવા. (૧) ઇતિ વચનામૃતમ્‌ ।।૨૩।। (૧૫૬)

          રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં જેનું મન દુઃખદાયી વિષયમાં તપે નહિ અને સુખદાયી વિષયમાં ટાઢું ન થાય; એક અમારે વિષે જ આસક્ત થાય તે જ પરમ ભાગવત સંત છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૧) બાબત છે.

       પ્ર. આમાં મનને જીવથી જુદું ન કહ્યું, અને (લો. ૧૪/૧માં) મનનો વિશ્વાસ ન કરવો એમ કહ્યું છે તથા (છે. ૬/૨માં) મનને જીવનું મિત્ર કહ્યું છે એમ જોતાં તો મન જીવથી જુદું થયું તે કેવી રીતે સમજવું ?

       ઉ. મન આદિક ઇન્દ્રિયો  દ્વારે જીવની વૃત્તિ આવીને વિષયને ભોગવે છે એમ (જે. ૨ના બીજા પ્રશ્નમાં) કહ્યું છે અને (લો. ૧૫ના પહેલા પ્રશ્નમાં) પણ દેવતા ને ઇન્દ્રિયો રૂપે કરીને જીવ વિષયને ભોગવે છે એમ કહ્યું છે ને (મ. ૬૩/૧માં) ઇન્દ્રિયો-અંતઃકરણની વૃત્તિઓને જીવની વૃત્તિ કહી છે, અને મનને વિષે કર્તાપણું જીવનું છે તેથી જીવની વૃત્તિની ને મનની એકતાએ કરીને આ ઠેકાણે મનને કિરણ કહેલ છે. ।।૨૩।।