વચનામૃત ગઢડા મધ્યનું - ૨૬

સંવત ૧૮૭૯ના માગશર સુદિ ૧૧ એકાદશીને દિવસ રાત્રિને સમે શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

       પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) જે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનને તથા ભગવાનના ભક્તને જે ન ગમતું હોય તે ન જ કરવું અને પરમેશ્વરને ભજ્યામાં અંતરાય કરતા હોય ને તે પોતાનાં સગાં-વહાલાં હોય તેનો પણ ત્યાગ કરવો, અને ભગવાનને ન ગમે એવો કોઈક પોતામાં સ્વભાવ હોય તો તેનો પણ શત્રુની પેઠે ત્યાગ કરવો, પણ ભગવાનથી જે વિમુખ હોય તેનો પક્ષ લેવો નહિ, જેમ ભરતજીએ પોતાની માતાનો પક્ષ ન લીધો. (૧) અને ભગવાનનો ભક્ત હોય તેને તો સૌથી વિશેષે પોતામાં જ અવગુણ ભાસે, અને જે બીજામાં અવગુણ જુએ અને પોતામાં ગુણ પરઠે તે તો સત્સંગી છે તોપણ અર્ધો વિમુખ છે. (૨) અને ભગવાનના ભક્તને તો ભગવાનની ભક્તિ કરતાં આત્મજ્ઞાન તથા વૈરાગ્ય તથા ધર્મ તે જો અંતરાય કરતા હોય તો તેને પણ પાછા પાડીને ભગવાનની ભક્તિનું જ મુખ્યપણું રાખવું અને જો ભક્તિને વિષે સહાયરૂપ થાતા હોય તો તો એ ઠીક છે એમ સમજે તે જ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય. (૩) અને જેને બીજાનો અવગુણ આવે ને પોતામાં ગુણ પરઠે તે તો ગમે તેવો મોટો હોય તોપણ તેને કલ્યાણના માર્ગમાં વિઘ્ન થાય છે, જેમ રાધિકાજી ઘણાં મોટાં હતાં અને ભગવાનને વિષે અવગુણ માન્યો ત્યારે પોતાના પ્રેમમાં તમોગુણનો ભાગ આવ્યો પછી શ્રીકૃષ્ણ ભગવાન તથા શ્રીદામા સાથે વઢવેડ કરી પછી શ્રીદામાનો શાપ થયો તેણે કરીને ગોલોકમાંથી પડીને ગુજરને ઘેર અવતાર લીધો અને ભગવાન વિના અન્ય પુરુષ હતો તેને ધણી કર્યો, એવા મહા મોટા લાંચ્છનને પામ્યાં, અને શ્રીદામા હતો તેણે પણ પોતામાં ગુણ માન્યો અને રાધિકામાં અવગુણ પરઠ્યો તો રાધિકાનો શાપ પામીને દૈત્ય થાવું પડ્યું અને એ ધામમાંથી તો પડવાની રીત નથી ને જે પડ્યા તે તો ભગવાનની ઇચ્છા એવી હતી, તોપણ ભગવાને એમ જણાવ્યું જે, રાધિકાજી જેવો મોટો હોય ને તે પોતામાં ગુણ માનીને ભગવાનના ભક્તનો અવગુણ લે, તો તે પણ પડી જાય તો બીજાની શી ગણતી ? માટે ભગવાનનો ભક્ત હોય તેને તો સર્વે સત્સંગીનો ગુણ જ લેવો ને પોતાનો તો અવગુણ જ લેવો, એવી રીતે સમજતો હોય ને થોડી બુદ્ધિ હોય તોપણ તેનો સત્સંગ દિવસે દિવસે વૃદ્ધિ પામતો જાય અને તે વિના તો ઝાઝી બુદ્ધિ હોય તોપણ દિવસ દિવસ પ્રત્યે સત્સંગમાંથી પાછો હઠતો જાય અને અંતે જાતાં નિશ્ચે વિમુખ થાય. (૪) અને વળી એ રીત તો સર્વ ઠેકાણે છે જે, જે ચાકર હોય અથવા શિષ્ય હોય તેને રાજા હોય અથવા ગુરુ હોય તે જેમ વઢીને કહેવા માંડે તેમાં જે સવળું લે તો તે ઉપર રાજા તથા ગુરુને અતિશે હેત થાય છે, અને જેને શિખામણની વાત કહે ને અવળું લે તો તે ઉપર હેત થાતું નથી. તેમ જ ભગવાનની પણ રીત છે જે, જેને શિખામણની વાત કહે ને સવળું લે તો તે ઉપર હેત થાય છે, પણ જે અવળું લે તે ઉપર થાતું નથી. (૫) ઇતિ વચનામૃતમ્‌ ।।૨૬।। (૧૫૯)

          રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમને ભજતાં અંતરાય કરે એવા સંબંધીનો તથા અમને તથા અમારા ભક્તને ન ગમે એવા સ્વભાવનો ત્યાગ કરવો. (૧) અને પોતામાં ગુણ જુએ ને બીજામાં અવગુણ પરઠે તે સત્સંગી છે તોપણ અર્ધો વિમુખ છે. (૨) અને અમારી ભક્તિમાં આત્મજ્ઞાન, વૈરાગ્ય ને ધર્મ તે અંતરાય કરે તો તેને પાછા પાડીને અમારી ભક્તિ મુખ્ય રાખે તે અમારો પૂરો ભક્ત છે. (૩) અને અમારા ભક્ત સર્વે સત્સંગીના ગુણ લેવા અને પોતાનો અવગુણ લેવો તો સત્સંગ વૃદ્ધિ પામે અને અવગુણ લે તે વિમુખ થાય. (૪) અને શિખામણની વાત સવળી લે તેના ઉપર અમારે હેત થાય છે અને અવળું લે તેના ઉપર નથી થતું. (૫) બાબતો છે.

       પ્ર. ત્રીજી બાબતમાં ભક્તિમાં આત્મજ્ઞાન, વૈરાગ્ય ને ધર્મ અંતરાય કરનારા કહ્યા તે કેવી રીતે અંતરાય કરતા હશે ?

       ઉ. ભગવાનની તથા ભક્તની સેવારૂપી પ્રવૃત્તિ ન ગમે તથા ભગવાનને ભૂખ, તરસ, ટાઢ, તડકો નથી માટે જમાડવા, પોઢાડવા, પંખો નાખવો એની કાંઈ જરૂર નથી, એવી રીતે આત્મજ્ઞાન ભક્તિમાં અંતરાય કરનારું છે. અને વૈરાગ્યવાનને દેહનો અનાદર હોય તેથી ભગવાનને થાળ કરીને જમાડવા તથા માંદાને રુચિ પ્રમાણે જમવાનું કરી આપવું તેમાં રુચિ ન રહે, એવી રીતે વૈરાગ્ય ભક્તિમાં અંતરાય કરે અને ધર્મવાળાથી ભગવાનને અર્થે તુળસી-પુષ્પ-શાકભાજી લાવવાં તથા બાગ-બગીચા કરાવવા, મંદિરો કરાવવાં તેમાં ધર્મ અંતરાય કરે તેમને પાછા પાડીને શ્રીજીમહારાજની ભક્તિ કરવી. ।।૨૬।।