વચનામૃત ગઢડા મધ્યનું - ૩૩
સંવત ૧૮૮૦ના શ્રાવણ વદિ ૧૩ તેરશને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે ઢોલિયા ઉપર ગાદી-તકિયા નખાવીને વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ સર્વે સંત તથા સર્વે હરિભક્ત પ્રત્યે એમ બોલતા હવા જે, (૧) પ્રથમ અમે અમારા અંગની વાત કહીએ પછી તમે સર્વે પોતપોતાનો જે રીતે મોક્ષ માન્યો હોય તથા અમે આવી રીતે વર્તશું તો આ લોકમાં ને પરલોકમાં ભગવાન અમ ઉપર રાજી રહેશે એમ જે માન્યું હોય તે કહેજ્યો, એમ સર્વેને કહીને પછી શ્રીજીમહારાજે પોતાના અંગની વાત કહેવા માંડી જે, અમને તો જે પદાર્થમાં હેત જણાય તો તેનો ત્યાગ કરીએ ત્યારે સુખ થાય, અને ભગવાનના ભક્ત વિના જે મનુષ્યમાત્ર અથવા પદાર્થમાત્ર તેની જો મનમાં સ્મૃતિ થઈ હોય તો તેથી અતિશે છેટું કરીએ ત્યારે સુખ થાય, અને જો ભગવાનના ભક્ત હોય તો તેનો કોઈ રીતે કરીને હૈયામાં અભાવ આવે જ નહિ, અને અમારે વગર ઇચ્છે પંચવિષય છે તે જોરાવરીએ આવીને પ્રાપ્ત થાય છે તોપણ તેને અમે ઇચ્છતા નથી અને પગે કરીને ઠેલી નાખીએ છીએ, અને જે દિવસ થકી અમે જન્મ્યા છીએ તે દિવસથી કરીને આજ દિવસ પર્યંત કોઈ દિવસ જાગ્રતમાં અથવા સ્વપ્નમાં દ્રવ્યનો કે સ્ત્રીનો ભૂંડો ઘાટ થયો હોય તો આ સમગ્ર પરમહંસના સમ છે, અને એવી રીતે અમે સદાય નિર્દોષપણે છીએ ને જે અમારે વિષે દોષબુદ્ધિ કરશે તો તેને જાગ્રતમાં તથા સ્વપ્નમાં ભૂંડા ઘાટ થાશે ને તેને દેહ મૂક્યા સમે બહુ કષ્ટ થાશે. (૧) અને અમારા અંતરમાં તો એક ભગવાનના સ્વરૂપનું જ ચિંતવન રહે છે, અને ઉપરથી તો ભગવાનના ભક્ત હોય તેના જીવનું સારું થાય તે સારુ હળીમળીને રહીએ છીએ અને જે દિવસ અમારા હૈયામાં ભગવાન ને ભગવાનના ભક્ત વિના બીજે ક્યાંય હેત જણાશે તો અમે એમ માનશું જે અમે અમારી સ્થિતિમાંથી ડગ્યા, પણ અમને એવો નિશ્ચય છે જે અમે એ સ્થિતિમાંથી ડગીએ જ નહિ એ અમે અમારું અંગ હતું તે કહ્યું, હવે તમે સૌ પોતપોતાનું અંગ હોય તે કહો ? પછી સર્વે સંતે તથા સર્વે હરિભક્તે જેવાં જેનાં અંગ હતાં તેવાં કહ્યાં જે આ લોકને વિષે ને પરલોકને વિષે આવી રીતના અંગમાં અમે રહીએ તો અમારા ઉપર ભગવાન રાજી રહે એવી રીતે કહ્યું. તે સર્વે હરિભક્તના અંગની વિક્તિ જે, કોણેક તો ભગવાન વિના બીજે ઠેકાણે વૈરાગ્યનું કહ્યું, અને કોણેક આત્મનિષ્ઠાનું કહ્યું ને કોણેક ભગવાનને વિષે પ્રીતિનું કહ્યું ને કોણેક ધર્મમાં રહેવાનું કહ્યું, એવી રીતે બહુ પ્રકારે કહ્યું પણ શ્રીજીમહારાજે મનમાં ધારી રાખ્યું હતું તે કોણેય ન કહ્યું. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એક નિષ્કામી વર્તમાન દૃઢ હોય તો તેને આ લોકમાં તથા પરલોકમાં કોઈ ઠેકાણે ભગવાનથી છેટું રહે નહિ અને અમારે પણ તે ઉપરથી કોઈ દિવસ હેત ઓછું થાય નહીં. અને અમે અહીંયાં ટક્યા છીએ તે પણ અહીંયાંના હરિભક્તને અતિ નિષ્કામી વર્તમાનનો દૃઢાવ દેખીને ટક્યા છીએ અને જેને નિષ્કામી વર્તમાન દૃઢ હોય તો તે થકી અમે હજાર ગાઉ છેટે જાઈએ તોપણ તેની પાસે જ છીએ અને જેને નિષ્કામી વર્તમાનમાં કાચ્યપ છે ને તે જો અમ પાસે રહે છે તોય પણ તે લાખ ગાઉ છેટે છે અને અમને નિષ્કામી ભક્ત હોય તેના જ હાથની કરી સેવા ગમે છે, માટે આ મૂળજી બ્રહ્મચારી છે તે અતિશે દૃઢ નિષ્કામી છે તો અમને એની કરેલી સેવા અતિશે ગમે છે, અને બીજો કોઈ સેવા-ચાકરી કરે તો તે એવી ગમતી નથી અને અમે જે જે વાર્તા કરીએ છીએ તેને વિષે પણ નિષ્કામી વર્તમાનનું જ અતિશે પ્રતિપાદન થાય છે અને અમે જે દિવસ થકી પ્રગટ થયા છીએ તે દિવસ થકી નિષ્કામી વર્તમાનને જ અતિશે દૃઢ કરતા આવીએ છીએ અને સભા બેઠી હોય ત્યાં કોઈક સ્ત્રી અથવા પુરુષ તેને જોયામાં ફેર પડે ત્યારે એ ગમે તેટલી યુક્તિ કરીને સંતાડે તોપણ અમને જણાયા વિના રહે જ નહિ ત્યારે અમારો તે મનુષ્ય ઉપર અતિશે કુરાજીપો થઈ જાય છે અને અમારું મુખ પણ શ્યામળું થઈ જાય છે અને તેનું દુઃખ તો અતિશે લાગે છે પણ મોબત જાણીને ઝાઝું કહેવાય નહિ અને વળી સાધુ દાવો છે માટે હૈયામાં સમજી રહીએ છીએ પણ જો રાજાના જેવી રીત હોય તો તેને માથે ઝાઝો દંડ થાય, માટે સર્વે મોટા મોટા પરમહંસ તથા મોટી મોટી બાઈઓ તેને અમે મોરથી જ કહી રાખ્યું છે જે, સત્સંગમાં કોઈ પુરુષને તથા કોઈ સ્ત્રીને કદાચિત્ જો નિષ્કામી વર્તમાનમાં ફેર પડે તો અમને સંભળાવશો મા, શા માટે જે જ્યારે અમે એવી વાર્તા સાંભળીએ ત્યારે જેમ વાંઝિયાને ઘેર દીકરો આવ્યો હોય ને તે મરી જાય ને તેને જેવો શોક થાય તેવો અમારે પણ શોક થાય છે તથા મનમાં એમ વિચાર થઈ જાય છે જે બધા સત્સંગને મૂકીને જાતા રહીએ, માટે જે નિષ્કામી વર્તમાન રાખે તે જ અમને વહાલો છે અને તેને ને અમારે આ લોક, પરલોકમાં દૃઢ મેળાપ રહે છે. (૨)
૨ પછી હરજી ઠક્કરે પ્રશ્ન પૂછ્યો જે, (૨) એ નિષ્કામી વર્તમાન શે ઉપાયે કરીને અતિશે દૃઢ થાય ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એનો એક પ્રકારનો ઉપાય નથી એના તો ત્રણ પ્રકારના ઉપાય છે, જેમ હાંકનારો, બળધિયા, પૈડાં, ધૂંસરી, ઊધ્ય, માંચડો એવા ઘણાક સામાને કરીને એક ગાડું કહેવાય છે તેમ નિષ્કામીવ્રત દૃઢ રાખવાની પણ ઘણીક સામગ્રી જોઈએ છીએ. તેમાં પણ ત્રણ ઉપાય છે તે તો અતિશે મુખ્ય છે, તેમાં એક તો મનને વશ કરવું જે, મનને વિષે અખંડ એવું મનન કરવું જે હું આત્મા છું; દેહ નથી ને ભગવાનની કથા-શ્રવણાદિક જે નવધાભક્તિ તેને વિષે મનને અખંડ જોડી મેલવું, પણ ક્ષણમાત્ર મનને નવરું રહેવા દેવું નહિ, જેમ કોઈક પુરુષને ભૂત વશ થયો હતો તે જ્યારે કામ ન બતાવે ત્યારે તેને ખાવા તૈયાર થાય, તેમ આ મન છે તે પણ ભૂત જેવું છે તે જ્યારે ભગવદ્ભક્તિમાં ન રાખે ત્યારે અધર્મના ઘાટ ઘડે ત્યારે એ ભૂતની પેઠે જીવને ખાવા તૈયાર થયું કહેવાય, માટે મનને અખંડ ભગવાનની કથા-કીર્તનાદિકમાં જોડી રાખવું એટલે એ મન વશ થયું કહેવાય. અને બીજો ઉપાય એ છે જે, પ્રાણને નિયમમાં રાખવો તે જેમ ભગવાને ગીતામાં કહ્યું છે જે, આહાર-વિહાર યુક્ત રાખવો પણ અતિશે ખાધાની લોલુપતા ન રાખવી એવી રીતે વર્તે ત્યારે પ્રાણ નિયમમાં થયો કહેવાય અને પ્રાણ નિયમમાં ન કર્યો હોય તો ખાધાની બહુ મનમાં તૃષ્ણા રહે, પછી અનંત પ્રકારના જે રસ તેને વિષે રસના ઇન્દ્રિય છે તે દોડતી ફરે ત્યારે બીજી ઇન્દ્રિયો વશ કરી હોય તે પણ સર્વે મોકળી થઈ જાય, માટે આહારને નિયમમાં રાખીને પ્રાણને નિયમમાં કરવો. અને ત્રીજો ઉપાય એ છે જે, આ સત્સંગને વિષે જેને જેને જે જે નિયમ કહ્યા છે તેમાં દેહને રાખીને દેહને નિયમમાં કરવો, એવી રીતે એ ત્રણ ઉપાયને જે દૃઢ રાખે તેને નિષ્કામી વર્તમાન અતિશે દૃઢ થાય છે. અને એને વિષે એમ ન જાણવું જે એવી રીતે રાખવું ઘણું કઠણ છે, કેમ જે, જે સાધુ જ હોય તેને તો એમ રાખવું કાંઈ કઠણ છે નહિ અને સાધુ હોય તે તો કામ, ક્રોધ, લોભાદિક શત્રુનું બળ હોય તોપણ ભગવાનને રાજી કર્યા સારુ તેનો ત્યાગ કરે ત્યારે જ એ પાકો સાધુ કહેવાય. અને મનુષ્ય દેહે કરીને ન થાય એવું શું છે ? જે નિત્યે અભ્યાસ રાખીને કરે તે થાય છે, જેમ કૂવાના કાંઠા ઉપર મહાકઠણ પથ્થરો હોય છે તેને વિષે નિત્યે પાણીને સિંચવું તેણે કરીને નરમ દોરડી છે તે પણ કાપા પાડે છે તેમ જે સાધુ જ છે ને તે જે સ્વભાવને ટાળવાનો નિત્ય અભ્યાસ રાખશે તો તે સ્વભાવ ક્યાં લગી રહેશે ? એ તો નિશ્ચે જ નાશ પામશે. માટે જેને નિષ્કામવ્રત રાખવું હોય તેને કહ્યા એવા જે ત્રણ ઉપાય તે દૃઢ કરીને રાખવા. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૩૩।। (૧૬૬)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલું કૃપાવાક્ય છે, તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમારા ભક્તોએે અમારા વિના બીજે હેત ને સ્મૃતિ ન રાખવાં અને અમારા ભક્તનો અભાવ આવવા દેવો નહિ ને વિષયનો ત્યાગ કરવો. (૧) અને નિષ્કામી વર્તમાન દૃઢ હોય તે જ અમને વહાલો છે ને અમે તેના ભેળા જ છીએ ને તેની જ સેવા ગમે છે ને વર્તમાન દૃઢ ન હોય તેના ઉપર કુરાજી છીએ ને તેની સેવા ગમતી નથી અને સત્સંગમાં કોઈ સ્ત્રી વા પુરુષને નિષ્કામી વર્તમાનમાં ફેર પડે તો અમને સંભળાવશો નહિ અર્થાત્ અમને સંભળાવ્યા વિના જ તેને સત્સંગ બહાર કાઢી મૂકજ્યો એમ સૂચવ્યું છે. તે (પ્ર. ૧૮/૩માં) કુપાત્રને સત્સંગ બહાર કાઢી મેલવો એમ આજ્ઞા આપી છે. (૨) બીજામાં નિષ્કામી વર્તમાન દૃઢ કરવાના ઉપાય બતાવ્યા છે જે, અમારી કથા-કીર્તનાદિક ભક્તિએ કરીને મનને વશ કરવું અને આહાર નિયમમાં કરીને પ્રાણને નિયમમાં કરવો અને નિયમમાં વર્તીને દેહને નિયમમાં કરવો, એ ત્રણ ઉપાયે નિષ્કામ વર્તમાન દૃઢ થાય છે. અને સ્વભાવ ટાળવાનો અભ્યાસ રાખે તો તે નાશ થઈ જાય છે. (૩) બાબતો છે.
૧ પ્ર. (૧/૨ પહેલા પ્રશ્નમાં) વૈરાગ્ય, આત્મનિષ્ઠા, ભગવાનને વિષે પ્રીતિ ને ધર્મમાં રહેવું એવી રીતે સર્વ હરિજનોએ સૌ સૌનાં અંગ કહ્યાં તેથી પણ નિષ્કામ વ્રત ઉપર શ્રીજીમહારાજે વધારે પ્રસન્નતા કહી તે ઉપર કહ્યાં જે અંગ તેમાં નિષ્કામ વર્તમાન પણ આવી જાય છે તોપણ નોખી વિક્તિ કરી તેનું શું પ્રયોજન હશે ?
૧ ઉ. આમાં વૈરાગ્ય, આત્મનિષ્ઠા, પ્રીતિ અને ધર્મ તે સામાન્ય કહ્યા છે તે સામાન્ય વૈરાગ્યાદિકે કરીને બ્રહ્મચર્ય દૃઢ રહે નહિ અને બ્રહ્મચર્ય દૃઢ કર્યા વિના આત્યંતિક મોક્ષ થાય નહિ તે (જે. ૪ના ૧/૨ પહેલા પ્રશ્નમાં) જે વર્તમાનમાં કસરવાળો એટલે આજ્ઞા વિરુદ્ધ સંકલ્પ થઈ જતો હોય તેનાથી પણ એકાંતિક ભક્ત થવાય નહિ અને અમારા નિર્ગુણ ધામને પામે નહિ અને સત્સંગમાં પણ બેસાય નહિ એટલે બ્રહ્મચર્યાદિક વર્તમાને યુક્ત એવા સત્પુરુષ તેના ભેળું રહેવાય નહિ એમ કહ્યું છે, માટે બ્રહ્મચર્યવ્રત દૃઢ કર્યા વિના સામાન્ય વૈરાગ્ય-આત્મનિષ્ઠાદિક સાધને કરીને મોક્ષ થતો નથી એટલા સારુ જ શ્રીજીમહારાજે પોતે તપ તથા ગોરખ આસનાદિક દૃઢ કરીને બ્રહ્મચર્ય સિદ્ધ કરી બતાવ્યું તે શ્રીજીમહારાજ તો સાક્ષાત્ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે તેમને તો કાંઈ કરવું બાકી હોય જ નહિ પણ પોતાના ભક્તને ઉપદેશ કર્યો છે કે અમને બ્રહ્મચર્યવ્રત વહાલું છે, માટે જે બ્રહ્મચર્ય દૃઢ કરે તે જ અમને પ્રિય છે, ને એનું જ કલ્યાણ કરશું. પણ જે બ્રહ્મચર્ય દૃઢ નહિ કરે તેનું કલ્યાણ નહિ કરીએ એમ કહ્યું છે એ સિદ્ધાંત વાત છે, માટે જેણે બ્રહ્મચર્યવ્રત અતિ દૃઢ કરેલું હોય એવા મુક્તનો યોગ કરીને, આમાં (૨/૩ બીજા પ્રશ્નમાં) ત્રણ ઉપાય કહ્યા છે, તે દૃઢ કરીને વિષય સંબંધી સંકલ્પ ટાળે તો જ કલ્યાણ થાય, તે આ દેહે અથવા બીજે દેહે અથવા અનેક દેહે કરીને પણ બ્રહ્મચર્ય દૃઢ કરવું; અને જે સ્થૂળદેહે બ્રહ્મચર્ય લોપે તે તો યમપુરીમાં જ જાય ને તેનું ફળ ભોગવે ને પછી મનુષ્ય દેહ આવે ત્યારે પણ બ્રહ્મચર્ય સિદ્ધ કરે તો જ અક્ષરધામને પામે. ।।૩૩।।