વચનામૃત ગઢડા મધ્યનું - ૩૮

સંવત ૧૮૮૦ના ભાદરવા વદિ ૬ છઠ્ઠને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી-તકિયા નખાવીને વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

       પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) સંસારી જીવ છે તેને તો કોઈ ધન દેનારો મળે કે દીકરો દેનારો મળે તો ત્યાં તુરત પ્રતીતિ આવે અને ભગવાનના ભક્ત હોય તેને તો જંત્ર-મંત્ર, નાટક-ચેટકમાં ક્યાંય પ્રતીતિ આવે જ નહિ અને જે હરિભક્ત હોય ને જંત્ર-મંત્રમાં પ્રતીતિ કરે તે સત્સંગી હોય તોપણ અર્ધો વિમુખ જાણવો અને જે સાચા ભગવાનના ભક્ત હોય તે ઘણા હોય નહિ; યથાર્થ ભગવાનના ભક્ત તો કારિયાણી ગામમાં માંચો ભક્ત હતા તે સત્સંગ થયા મોર માર્ગીના પંથમાં હતા તોપણ નિષ્કામી વર્તમાનમાં ફેર પડ્યો નહિ અને પોતે બાળબ્રહ્મચારી રહ્યા અને કોઈક કીમિયાવાળો પોતાને ઘેર આવીને ઊતર્યો હતો તેણે ત્રાંબામાંથી રૂપું કરી દેખાડ્યું ને પછી એ ભક્તને કહ્યું જે તમે સદાવ્રતી છો માટે તમને આ બુટી બતાવીને રૂપું કરતાં શીખવું પછી એ ભક્તે લાકડી લઈને તેને ગામ બહાર કાઢી મૂક્યો અને તેને એમ કહ્યું જે અમારે તો ભગવાન વિના બીજા પદાર્થની ઇચ્છા નથી પછી એ ભક્તને સત્સંગ થયો ત્યારે ભગવાનના એકાંતિક ભક્ત થયા. (૧) માટે જે એકાંતિક ભક્ત હોય તેને એક તો આત્મનિષ્ઠા હોય ને બીજો વૈરાગ્ય હોય ને ત્રીજો પોતાનો ધર્મ દૃઢપણે હોય ને ચોથી શ્રીકૃષ્ણ ભગવાનને વિષે અત્યંત ભક્તિ હોય ને તે એકાંતિક ભક્ત જ્યારે દેહ મૂકે ત્યારે તેનો શ્રીકૃષ્ણ ભગવાનને વિષે પ્રવેશ થાય છે. (૨) અને જે એકાંતિક ન હોય તેનો તો બ્રહ્માદિકમાં પ્રવેશ થાય છે અથવા સંકર્ષણાદિકને વિષે પ્રવેશ થાય છે, પણ એકાંતિક થયા વિના શ્રીકૃષ્ણ વાસુદેવમાં પ્રવેશ થાતો નથી તે પ્રવેશ તે એમ સમજવો જે, જેમ અતિશે લોભી હોય તેનો ધનમાં પ્રવેશ થાય છે અને જેમ અતિ કામી હોય તેનો મનગમતી સ્ત્રીમાં પ્રવેશ થાય છે ને જેમ ઘણીક દોલતવાળો હોય ને તે વાંઝિયો હોય ને તેને દીકરો આવે તેનો દીકરામાં પ્રવેશ થાય છે તેમ એવી રીતે જેનો જીવ જે સંગાથે બંધાણો હોય તેને વિષે તેનો પ્રવેશ જાણવો પણ જેમ જળમાં જળ મળી જાય છે ને અગ્નિમાં અગ્નિ મળી જાય છે તેમ પ્રવેશ નથી થાતો; એ તો જેનો જેને વિષે પ્રવેશ હોય તેને પોતાના ઇષ્ટદેવ વિના બીજા કોઈ પદાર્થને વિષે હેત ઊપજે નહિ ને એક તેની જ રટના લાગી રહે ને તે વિના જીવે તે મહાદુઃખના દિવસ ભોગવીને જીવે પણ સુખ ન થાય. (૩) ઇતિ વચનામૃતમ્‌ ।।૩૮।। (૧૭૧)

          રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે જંત્ર-મંત્રમાં પ્રતીતિ કરે તે સત્સંગી અર્ધો વિમુખ છે. (૧) અને આત્મનિષ્ઠા, વૈરાગ્ય, ધર્મ ને અમારે વિષે અત્યંત ભક્તિ એ ચાર વાનાં હોય તે અમારો એકાંતિક ભક્ત છે અને તે ભક્ત દેહ મૂકે ત્યારે તેનો અમારે વિષે પ્રવેશ થાય છે અને એકાંતિક ન હોય તેનો બ્રહ્મા અથવા સંકર્ષણાદિકને વિષે પ્રવેશ થાય છે. (૨) અને એવા એકાંતિક ભક્તને દેહમાં હોય ત્યાં સુધી લોભી, કામી ને વાંઝિયાની પેઠે અમારી જ રટના રહે છે. (૩) બાબતો છે.

       પ્ર. બીજી બાબતમાં એકાંતિક ભક્તનો અમારે વિષે પ્રવેશ થાય છે એમ કહ્યું અને ત્રીજીમાં જળમાં જળ ને અગ્નિમાં અગ્નિ મળે તેમ પ્રવેશ નથી થતો એમ કહ્યું ત્યારે કેવી રીતે થતો હશે ?

       ઉ. ભક્તનો ચૈતન્ય શ્રીજીમહારાજને ધ્યાને કરીને કીટભ્રમરવત્‌ તદાકારભાવને પામી જાય છે તોપણ શ્રીજીમહારાજ તથા ભક્ત તે એક થઈ જતા નથી; શ્રીજીમહારાજની મૂર્તિમાં એ ભક્ત વસ્તુતાએ જુદા રહે છે ને શ્રીજીમહારાજને વિષે સ્વામી-સેવકભાવ રહે છે. પણ જળમાં જળ ને અગ્નિમાં અગ્નિ એક થઈ જાય ને તેમાં જેમ જુદાપણું રહેતું નથી એવી રીતે પ્રવેશ નથી થતો અને એવો જે એકાંતિક ભક્ત તે દેહમાં રહ્યો હોય ત્યાં સુધી તેને કામી, લોભી ને વાંઝિયાની પેઠે શ્રીજીમહારાજની જ રટના રહે છે.

       પ્ર. શ્રીજીમહારાજનો ભક્ત શ્રીજીમહારાજને વિષે લીન થાય છે એવું આ વિના બીજા કિયા વચનામૃતમાં કહ્યું છે ?

       ઉ. (સા. ૧૧ના ૧/૨ પહેલા પ્રશ્નમાં તથા છે. ૩૩ના ૨/૩ બીજા પ્રશ્નમાં) શ્રીજીમહારાજને વિષે લીન થાય છે એમ કહ્યું છે તે જેને સાધનકાળમાં અનાદિમુક્તના યોગે કરીને મૂર્તિમાં લીન રહેવાની સમજણ થઈ હોય તે શ્રીજીમહારાજની મૂર્તિમાં રહે છે અને જેને પરમએકાંતિકનો યોગ મળ્યો હોય તેને શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામમાં રહેવાની સમજણ થઈ હોય તે અક્ષરધામમાં શ્રીજીમહારાજને સન્મુખ રહે છે.

       પ્ર. આ વર્તમાનકાળે તો શ્રીજીમહારાજની ઇચ્છાથી આપ અનાદિમુક્ત મનુષ્ય રૂપે પ્રત્યક્ષ બિરાજો છો પણ જ્યારે આપ જેવા અનાદિમુક્ત તથા પરમ એકાંતિકમુક્ત આ સત્સંગમાં મનુષ્ય રૂપે વિચરતા ન હોય ત્યારે આ ગ્રંથમાંથી તેવી સમજણ થાય કે કેમ ? અને એવી સ્થિતિ ને પામે કે કેમ ? કેમ જે (પ્ર. ૬૦ના ૨/૩ બીજા પ્રશ્નમાં) જેને અમારે વિષે સ્થિતિ થઈ હોય તે થકી જ એકાંતિકનો ધર્મ પમાય છે પણ ગ્રંથમાં લખી રાખ્યો હોય તેણે કરીને પમાતો નથી તથા (૬૪/૫માં) જેને અમારા સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તે થકી આ વાર્તા પમાય છે તથા (મ. ૧૩/૩માં) જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે તેમના મુખ થકી આ વાત સમજ્યામાં આવે છે પણ બુદ્ધિબળે કરીને સદ્‌ગ્રંથોમાંથી પણ સમજાતી નથી એમ કહ્યું છે, માટે તેવી સમજણ ને તેવી સ્થિતિ વચનામૃતની આ રહસ્યાર્થ-પ્રદીપિકામાંથી પમાય કે કેમ ?

       ઉ. શ્રીજીમહારાજને જેવા છે તેવા સમજી શકાય તે સારુ અમે આ ટીકા કરી છે, માટે આ ટીકામાંથી શ્રીજીમહારાજને સર્વના કારણ, સર્વના કર્તા, સદા સાકાર દિવ્ય મૂર્તિમાન ને બ્રહ્મકોટિ, મૂળઅક્ષરકોટિ તેથી પર શ્રીજીમહારાજના પરમ એકાંતિકમુક્ત તથા અનાદિમુક્ત તે સર્વેથી પર ને તે સર્વેના આધાર ને તે સર્વના સ્વામી ને સર્વને સુખના દાતા ને સર્વ સુખમય મૂર્તિ એવા જાણે ને તે જ આ પ્રત્યક્ષ શ્રીજીમહારાજ પ્રતિમા રૂપે સાક્ષાત્‌ વિરાજમાન છે એવી રીતે સમજીને શ્રીજીમહારાજની મૂર્તિની મર્યાદા રાખીને (લો. ૧૧ના ચોથા પ્રશ્નોત્તરમાં) કહ્યું છે તેવી રીતે શ્રીજીમહારાજની મૂર્તિનું ધ્યાન કરશે ને સત્સંગિજીવનમાં, ધર્મામૃત, નિષ્કામશુદ્ધિ, શિક્ષાપત્રી, જનશિક્ષા, બૃહદ્‌ધર્મ, નારાયણગીતા આદિકમાં જેના જેના ધર્મ જેવી જેવી રીતે કહ્યા છે તથા આ ગ્રંથમાં ત્યાગી-ગૃહી આદિક સર્વેના ધર્મ તથા જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, ઉપાસના, મહિમા સમજવાના ઉપાય કહ્યા છે તે પ્રમાણે સમજશે ને તે વર્તશે તે સર્વે એવી સ્થિતિને પામશે.

       પ્ર. ત્રીજી બાબતમાં એકાંતિક ન હોય તેનો બ્રહ્માદિકમાં અથવા સંકર્ષણાદિકને વિષે પ્રવેશ કહ્યો તે બ્રહ્મા તથા સંકર્ષણાદિક કિયા જાણવા ?

       ઉ. એકાંતિકપણામાં ન્યૂનતા છે માટે વૈરાજ, બ્રહ્મા ને તેથી પર સગુણ જે અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ તેમના લોકને પામે. તે જ્યારે શ્રીજીમહારાજ આ લોકને વિષે પધારે ત્યારે તે પણ તે તે લોકોમાંથી સત્સંગમાં આવે ને જ્યારે એકાંતિક થાય ત્યારે આત્યંતિક કલ્યાણ થાય. ।।૩૮।।