વચનામૃત ગઢડા મધ્યનું - ૪
સંવત ૧૮૭૮ના શ્રાવણ સુદિ ૫ પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર મેડીની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પરમહંસ દુકડ, સરોદા, સતાર વજાડીને મલાર રાગનાં કીર્તન ગાતા હતા.
૧ પછી શ્રીજીમહારાજે કહ્યું જે, કીર્તન ગાવવાં રે’વા દ્યો, હવે તો પરમેશ્વરની વાર્તા કરીએ. પછી પરમહંસે કહ્યું જે સારું મહારાજ. પછી શ્રીજીમહારાજે પ્રશ્ન કર્યો જે, (૧) શાસ્ત્રમાં કહ્યા એવા ધર્મ પાળતો હોય અને ભગવાનની ભક્તિ પણ કરતો હોય ને તેને એવો આપત્કાળ આવે જે ભક્તિ રાખવા જાય તો ધર્મ જાય ને ધર્મ રાખવા જાય તો ભક્તિ જાય ત્યારે કેને રાખવો ને કેનો ત્યાગ કરવો ? પછી બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે, જો ભગવાન ભક્તિ રાખ્યે રાજી હોય તો ભક્તિ રાખવી અને જો ધર્મ રાખ્યે રાજી હોય તો ધર્મ રાખવો. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, જેને પ્રગટ ભગવાન મળ્યા હોય તેને તો જેમ ભગવાન રાજી હોય તેમ જ કરવું એ ઠીક છે, પણ જ્યારે ભગવાનનું પરોક્ષપણું હોય ત્યારે કેમ કરવું ? પછી મુક્તાનંદ સ્વામી એનો ઉત્તર કરવા લાગ્યા પણ થયો નહીં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જ્યારે ભગવાન પરોક્ષ હોય ને આપત્કાળ પડે ને કાંઈ ન રહે ત્યારે તો ભગવાનનું એક અખંડ ચિંતવન કરવું તો એ ભગવાનના માર્ગ થકી પડે નહીં. (૧)
૨ પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, (૨) જે ભગવાનનો મહિમા અતિશે સમજતો હોય તેણે કરીને એમ જાણે જે ગમે તેટલાં પાપ કર્યાં હોય ને જો ભગવાનનું એક નામ લીધું હોય તો સર્વે પાપ બળીને ભસ્મ થઈ જાય એવું માહાત્મ્ય સમજતો હોય તેને કેઈ રીતે સમજે ત્યારે ધર્મમાંથી ડગાય નહીં ? પછી મુક્તાનંદ સ્વામીએ એ પ્રશ્નનો ઉત્તર કરવા માંડ્યો પણ થયો નહીં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જે ભગવાનનો મહિમા અતિશે જાણતો હોય તેને તો આવી રીતે સમજાય ત્યારે ધર્મમાં રહેવાય જે મારે તો અખંડ ભગવાનનું ચિંતવન કરીને એકાંતિક ભક્ત થાવું છે અને જો કામ, ક્રોધ-લોભાદિક વિકારને વિષે મારી વૃત્તિ જાશે તો મારે ભગવાનના ચિંતવનમાં એટલો વિક્ષેપ થાશે એમ જાણીને કુમાર્ગ થકી અતિશે જ ડરતો રહે અને અધર્મને વિષે કોઈ કાળે પ્રવર્તે જ નહિ, એવી રીતે સમજે તો ભગવાનનું માહાત્મ્ય અતિશે સમજતો હોય તોપણ ધર્મમાંથી કોઈ કાળે પડે નહિ અને ભગવાનનું જે અખંડ ચિંતવન થાવું તે કાંઈ થોડી વાત નથી ને ભગવાનનું ચિંતવન કરતાં કરતાં જો દેહ મૂકે તો તે અતિ મોટી પદવીને પામે છે. (૨)
૩ પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે, (૩) એમ જાણીએ છીએ તોપણ અખંડ ચિંતવન રહેતું નથી એનું શું કારણ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એક તો અખંડ ચિંતવન થાય એવી શ્રદ્ધા જોઈએ અને જ્યારે એવી શ્રદ્ધા ન હોય ત્યારે તેટલું માહાત્મ્ય જાણ્યામાં પણ ઓછ્યપ છે અને જ્યારે માહાત્મ્ય જાણ્યામાં ઓછ્યપ છે ત્યારે ભગવાનના સ્વરૂપના નિશ્ચયમાં પણ એટલી ઓછ્યપ છે માટે જો ભગવાનના સ્વરૂપનું માહાત્મ્ય તથા શ્રદ્ધા હોય તો અખંડ ચિંતવન થાય. તે માહાત્મ્ય એમ જાણવું જે, ભગવાન તો જેવા પ્રકૃતિપુરુષ થકી પર છે તેવા ને તેવા જ પ્રકૃતિપુરુષમાં આવ્યા છે તોપણ પ્રતાપે યુક્ત છે, અને પ્રકૃતિપુરુષનું કાર્ય જે બ્રહ્માંડ તેને વિષે આવ્યા છે તોપણ ભગવાન તેવા ને તેવા પ્રતાપે યુક્ત છે, પણ ભગવાનની મૂર્તિને વિષે કોઈ રીતે માયાનો લેશ અડતો નથી, જેમ અન્ય ધાતુ છે ને સોનું પણ છે તેને ભેળાં કરીને પૃથ્વીમાં દાટે તો સોના વિના અન્ય ધાતુ છે તે સર્વે ઘણે કાળે કરીને ધૂડ્ય ભેળાં ધૂડ્ય થઈ જાય અને સોનું હોય તે તો જેમ પૃથ્વીમાં રહે તેમ વૃદ્ધિ પામે પણ ઘટે નહિ તેમ ભગવાન અને બીજા જે બ્રહ્માદિક દેવ તથા મુનિ તે કાંઈ સરખા નથી, કેમ જે જ્યારે વિષયરૂપી ધૂડ્યનો યોગ થાય ત્યારે ભગવાન વિના બીજા ગમે તેવા મોટા હોય તોપણ વિષયમાં એકરસ થઈ જાય અને ભગવાન તો મનુષ્ય જેવા જણાતા હોય તોપણ એને માયિક પદાર્થ બાધ કરવા સમર્થ થાય નહિ અને ગમે તેવા વિષય હોય તો તેમાં કોઈ દિવસ લોપાય નહિ એવું ભગવાનનું અલૌકિક સામર્થ્ય છે, એમ ભગવાનનું માહાત્મ્ય જાણે તો તેને ભગવાનનું અખંડ ચિંતવન થાય અને જ્યાં સુધી વિષયનો લીધો લેવાય ત્યાં સુધી એ ભક્તે ભગવાનનો અલૌકિક મહિમા જાણ્યો નથી અને જો ઉદ્ધવજી હતા તેને ભગવાને એમ કહ્યું જે, ઉદ્ધવ હું થકી અણુમાત્ર ન્યૂન નથી તે શા માટે જે ઉદ્ધવજીએ અલૌકિક ભગવાનનું માહાત્મ્ય જાણ્યું હતું ને પંચવિષયના લીધા લેવાતા નહોતા અને જેને ભગવાનનો મહિમા સમજાય છે તેને રાજ્ય હોય અથવા ભીખ માગી ખાય તે બેય સરખું વર્તે અને બાળક સ્ત્રી અને સોળ વર્ષની સ્ત્રી અને એંશી વર્ષની સ્ત્રી તે સર્વેમાં સરખો ભાવ વર્તે અને જે જે સંસારમાં સારું-નરસું પદાર્થ હોય તે સર્વેમાં સરખી ભાવના રહે પણ સારા પદાર્થમાં પતંગિયાની પેઠે અંજાઈ જાય નહિ અને ભગવાન વિના બીજા કોઈ પદાર્થમાં લોભાય નહિ; એક ભગવાનની મૂર્તિમાં જ લોભાય ને એવી રીતે વર્તતો હોય તે ભક્ત ગમે તેવા મોટા વિષય હોય તેમાં બંધાય નહિ અને જો એવો મર્મ ન સમજાણો હોય તો ફાટેલ ગોદડી તથા તુંબડી તેમાંથી પણ મનને ઉખેડવું મહામુશ્કેલ છે, માટે આવી રીતે ભગવાનની મૂર્તિનું માહાત્મ્ય જાણ્યા વિના બીજા કોટિ સાધન કરે તોપણ ભગવાનની મૂર્તિનું અખંડ ચિંતવન થાતું નથી અને જે ભગવાનના સ્વરૂપનો મહિમા જાણે છે તેને જ ભગવાનનું અખંડ ચિંતવન થાય છે. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૪।। (૧૩૭)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૩) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમે પ્રત્યક્ષ હોઈએ ત્યારે અમે ભક્તિ રાખ્યે રાજી હોઈએ તો ભક્તિ રાખવી અને ધર્મ રાખ્યે રાજી હોઈએ તો ધર્મ રાખવો અને અમે મનુષ્ય રૂપે વિચરતા ન હોઈએ ને આપત્કાળ પડે ત્યારે અમારું અખંડ ચિંતવન કરવું. તો મોક્ષના માર્ગમાંથી પડાય નહીં. (૧) બીજામાં અમારું સ્વામિનારાયણ એવું નામ એક વાર લીધું હોય તો સર્વ પાપ બળીને ભસ્મ થઈ જાય એવું અતિશે માહાત્મ્ય જાણતો હોય તે એમ વિચારે જે હું કામાદિકમાં પ્રવર્તીશ તો મારે શ્રીજીમહારાજના ચિંતવનમાં વિક્ષેપ થશે અને તેથી એકાંતિક નહિ થવાય એમ ડરતો રહે તો તે ધર્મમાંથી પડે નહિ અને મોક્ષને પામે. (૨) ત્રીજામાં અમારું માહાત્મ્ય ને શ્રદ્ધા એ બે હોય તો અમારું અખંડ ચિંતવન થાય ને વિષયમાં લેવાય નહિ ને જેટલો અમારો મહિમા જણાય તેટલો જ નિશ્ચય થાય છે. (૩) બાબતો છે.
૧ પ્ર. પહેલા પ્રશ્નમાં ભક્તિ રાખવા જાય તો ધર્મ જાય ને ધર્મ રાખવા જાય તો ભક્તિ જાય એમ કહ્યું તે એવો આપત્કાળ શો હશે ?
૧ ઉ. શરીરમાં રોગાદિક ઉપદ્રવ હોય તથા વૃદ્ધાવસ્થા હોય તથા આંખે થોડું દેખાતું હોય એ આપત્કાળ કહેવાય. તે આપત્કાળમાં વહેલું ઊઠીને નાવા-ધોવાનું બની શકે નહિ, ને મોડું નવાય, તે વખતે કથા થાતી હોય ને પૂજા કરવી હોય તે પૂજા કરવા રહે તો કથા જાતી રહે ને કથા સાંભળવા જાય તો પૂજા રહી જાય, ત્યારે પહેલી કથારૂપી શ્રવણભક્તિ કરવી અને પછી પૂજા, મંત્ર, જપ તે કરવા તો બેય રહે; અને દીર્ઘરોગ આવે કે રાજા બંદીખાને નાખે ત્યારે કર્મકાંડરૂપી ધર્મ તથા સેવા-શ્રવણરૂપી ભક્તિ એ કાંઈ ન રહે ત્યારે શ્રીજીમહારાજનું અખંડ ચિંતવન કરવું તો કલ્યાણના માર્ગથી પડે નહીં.
૨ પ્ર. ત્રીજા પ્રશ્નમાં માહાત્મ્ય કહ્યું તેમાં જેવા પ્રકૃતિપુરુષથી પર છીએ તેવા ને તેવા જ પ્રકૃતિપુરુષમાં આવ્યા છીએ તોપણ પ્રતાપે યુક્ત છીએ, ને તેવા ને તેવા જ બ્રહ્માંડને વિષે આવ્યા છીએ તોપણ પ્રતાપે યુક્ત છીએ, એમ શ્રીજીમહારાજે કહ્યું તે પ્રકૃતિપુરુષમાં કેવી રીતે આવ્યા છે ? અને બ્રહ્માંડમાં કેવી રીતે આવ્યા છે ?
૨ ઉ. પ્રકૃતિપુરુષાદિકને વિષે અંતર્યામીપણે અન્વય સ્વરૂપે રહ્યા છે તોપણ તે તે ઉપાધિએ રહિત છે પણ કોઈની ઉપાધિ અડતી નથી, અને બ્રહ્માંડને વિષે કલ્યાણ કરવા મનુષ્ય રૂપે દર્શન આપે છે તોપણ જેવા અક્ષરધામમાં દિવ્ય છે તેવા ને તેવા દિવ્ય છે પણ માયિક વિકાર કોઈ અડતો નથી એમ સમજવું.
૩ પ્ર. ત્રીજા પ્રશ્નમાં અમારું માહાત્મ્ય તથા નિશ્ચય જાણવામાં ઓછ્યપ છે તેથી અમારું ચિંતવન થતું નથી એમ શ્રીજીમહારાજે કહ્યું તેમાં ઓછ્યપ શી હશે ?
૩ ઉ. મનુષ્યભાવે સહિત મહિમા જાણ્યો છે, પણ દિવ્યભાવે સહિત મહિમા જાણ્યામાં આવ્યો નથી એ કસર છે, તેથી અખંડ ચિંતવન થતું નથી.
૪ પ્ર. દિવ્યભાવે સહિત મહિમા ન જાણ્યો હોય તેનું આ દેહે કલ્યાણ થાય કે જન્મ ધરવો પડે ?
૪ ઉ. જ્યાં સુધી દિવ્યભાવે સહિત મહિમા ન સમજાય ત્યાં સુધી જન્મ ધરવો પડે ખરો. ।।૪।।