વચનામૃત ગઢડા મધ્યનું - ૪૦

સંવત ૧૮૮૦ના આસો વદિ ૩ ત્રીજને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાનો ઉતારાને વિષે વિરાજમાન હતા પછી સ્નાન કરીને શ્વેત વસ્ત્ર ધારણ કરીને પોતાના આસન ઉપર વિરાજમાન થયા ને પોતાનું દેવાર્ચનાદિક જે નિત્ય-કર્મ તેને કરીને ઉત્તરાદે મુખે શ્રીકૃષ્ણ ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા હવા તે પ્રતિદિન જેટલા દંડવત પ્રણામ કરતા તેથી તે દિવસે તો પોતે એક દંડવત પ્રણામ અધિક કર્યો; તેને જોઈને શુક ૧       મુનિએ પૂછ્યું જે, (૧) હે મહારાજ ! આજ તમે એક પ્રણામ અધિક કેમ કર્યો ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, નિત્ય પ્રત્યે તો અમે શ્રીકૃષ્ણ ભગવાનને નમસ્કાર કરીને એમ કહેતા જે, હે મહારાજ ! આ દેહાદિકને વિષે અહંમમત્વ હોય તેને તમે ટાળજ્યો અને આજ તો અમને એવો વિચાર થયો જે ભગવાનના ભક્તનો મને, વચને ને દેહે કરીને જે કાંઈક જાણ્યે-અજાણ્યે દ્રોહ થઈ આવે ને તેણે કરીને જેવું આ જીવને દુઃખ થાય છે તેવું બીજે કોઈ પાપે કરીને થાતું નથી. માટે જાણે-અજાણે, મને-વચને-દેહે કરીને જે કાંઈ ભગવાનના ભક્તનો દ્રોહ બણી આવ્યો હોય તેનો દોષ નિવારણ કરાવ્યા સારુ એક પ્રણામ અધિક કર્યો. (૧) અને અમે તો એમ જાણ્યું છે જે ભગવાનના ભક્તના દ્રોહે કરીને જેવું આ જીવનું ભૂંડું થાય છે ને એ જીવને કષ્ટ થાય છે તેવું કોઈ પાપે કરીને થાતું નથી. અને ભગવાનના ભક્તની મને-વચને-દેહે કરીને જે સેવા બણી આવે ને તેણે કરીને જેવું આ જીવનું રૂડું થાય છે ને એ જીવને સુખ થાય છે તેવું બીજે કોઈ સાધને કરીને થાતું નથી. (૨) અને એ ભગવાનના ભક્તનો જે દ્રોહ થાય છે તે લોભ, માન, ઈર્ષ્યા ને ક્રોધ એ ચારે કરીને થાય છે. અને ભગવાનના ભક્તનું જે સન્માન થાય છે તે જેમાં એ ચાર વાનાં ન હોય તેથી થાય છે. માટે જેને આ દેહે કરીને પરમ સુખિયા થાવું હોય ને દેહ મૂક્યા કેડે પણ પરમ સુખિયા થાવું હોય તેને ભગવાનના ભક્તનો મને-વચને-દેહે કરીને દ્રોહ ન કરવો, અને જો ભગવાનના ભક્તનો કાંઈક દ્રોહ થઈ જાય તો તેની વચને કરીને પ્રાર્થના કરવી ને મને કરીને ને દેહે કરીને તેને દંડવત પ્રણામ કરવા ને ફરીને દ્રોહ ન થાય એવી રીતે વર્ત્યાનો આદર કરવો, પણ એક વાર દ્રોહ કરીને દંડવત પ્રણામ કર્યા ને વળી ફરીને દ્રોહ કરીને દંડવત પ્રણામ કરવા એવી રીતે વર્તવું નહીં. અને આ વાર્તા દાડી સાંભરતી રહે તે સારુ આજથી સર્વે સંત તથા સર્વે હરિભક્તમાત્ર એવો નિયમ રાખજ્યો જે, ભગવાનની પૂજા કરીને પોતાના નિત્ય નિયમના જે દંડવત પ્રણામ હોય તે કરવા ને તે પછી બધા દિવસમાં જે કાંઈ જાણે-અજાણે મને-વચને-દેહે કરીને ભગવાનના ભક્તનો દ્રોહ થયો હોય તેનું નિવારણ કરાવવા સારુ એક દંડવત પ્રણામ નિત્યે કરવો એમ અમારી આજ્ઞા છે તેને સર્વે પાળજ્યો. (૩) ઇતિ વચનામૃતમ્‌ ।।૪૦।। (૧૭૩)

          રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે જાણે-અજાણે અમારા ભક્તનો દ્રોહ થઈ ગયો હોય તેના નિવારણ સારુ અમારી પૂજા કરતી વખતે અમને એક પ્રણામ અધિક કરવો. (૧) અને અમારા ભક્તના દ્રોહે કરીને ભૂંડું થાય છે અને સેવાએ કરીને રૂડું થાય છે. (૨) અને લોભ, માન, ઈર્ષા ને ક્રોધ એ ચાર વડે કરીને અમારા ભક્તનો દ્રોહ થાય છે. (૩) બાબતો છે.

       પ્ર. પહેલી બાબતમાં શ્રીજીમહારાજ નિત્ય કર્મ કરતા હવા એમ કહ્યું તેનો શો હેતુ હશે ?

       ઉ. પોતાના આશ્રિતોને શીખવવાને અર્થે શ્રીજીમહારાજની સર્વે ક્રિયાઓ છે. ।।૪૦।।