વચનામૃત ગઢડા મધ્યનું - ૫
સંવત ૧૮૭૮ના શ્રાવણ સુદિ ૭ સાતમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા .મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ ઓટા ઉપર ચાકળો નખાવીને વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને મુનિ તાળ-મૃદંગ લેઈને કીર્તન ગાવતા હતા.
૧ પછી શ્રીજીમહારાજ નેત્રકમળની સાને કરીને તે કીર્તન રખાવીને બોલ્યા જે, (૧) સર્વે સાંભળો એક વાત કરીએ છીએ જે, જે ભગવાનના ભક્ત હોય તેને એક પતિવ્રતાનો ધર્મ રાખવો અને બીજું શૂરવીરપણું રાખવું, જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાનો પતિ વૃદ્ધ હોય તથા રોગી હોય તથા નિર્ધન હોય તથા કુરૂપ હોય, પણ પતિવ્રતા સ્ત્રીનું મન કોઈ બીજા પુરુષના રૂડા ગુણ દેખીને ડોલે જ નહિ અને જો રાંકની સ્ત્રી હોય ને તે જો પતિવ્રતા હોય તો મોટો રાજા હોય તોપણ તેને દેખીને તે પતિવ્રતાનું મન ચળે જ નહિ, એવી રીતે ભગવાનના ભક્તને પતિવ્રતાનો ધર્મ ભગવાનને વિષે રાખવો અને પોતાના પતિનું કોઈ ઘસાતું બોલે તે ઠેકાણે કાયર થઈને ગળી જાવું નહિ; અતિશે શૂરવીર થઈને જવાબ દેવો પણ પાજીપલાવની છાયામાં ભગવાનના ભક્તને દબાવું નહિ એવી રીતે શૂરવીરપણું રાખવું. (૧) અને લોકમાં એમ કહે છે જે, સાધુને તો સમદૃષ્ટિ જોઈએ પણ એ શાસ્ત્રનો મત નથી કેમ જે નારદ-સનકાદિક ને ધ્રુવ-પ્રહ્લાદાદિક તેમણે ભગવાનનો ને ભગવાનના ભક્તનો જ પક્ષ રાખ્યો છે, પણ વિમુખનો પક્ષ કોઈએ રાખ્યો નથી અને જે વિમુખનો પક્ષ રાખતો હશે તે આ જન્મે અથવા બીજા જન્મે જાતો જરૂર વિમુખ થાશે, માટે જે ભગવાનના ભક્ત હોય તેને જરૂર ભગવદિનો પક્ષ રાખ્યો જોઈએ અને વિમુખનો પક્ષ ત્યાગ્યો જોઈએ, આ અમારી વાર્તાને સર્વે અતિ દૃઢ કરીને રાખજ્યો. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૫।। (૧૩૮)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં અમારે વિષે પતિવ્રતાપણું ને શૂરવીરપણું રાખવું ને તમારા પતિ એવા જે અમે તે અમારું કોઈ ઘસાતું બોલે એવા પાજીપલાવની છાયામાં દબાવું નહીં. (૧) અને અમારો ને અમારા ભક્તનો પક્ષ રાખવો ને વિમુખનો પક્ષ રાખે તે વિમુખ થાય એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૨) બાબતો છે. ।।૫।।