વચનામૃત ગઢડા મધ્યનું - ૫૦

સંવત ૧૮૮૦ના ચૈત્ર વદિ ૨ દ્વિતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ આથમણે બાર મેડીની ઓસરી ઉપર રાત્રિને વિષે વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

 ૧     પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) આજ તો અમારું જે રહસ્ય છે તે તમને સર્વેને અમારા જાણીને કહીએ છીએ જે જેમ નદીઓ સમુદ્રને વિષે લીન થાય છે, ને જેમ સતી ને પતંગ તે અગ્નિને વિષે બળી જાય છે ને જેમ શૂરો રણને વિષે ટુક ટુક થઈ જાય છે, તેમ એકરસ પરિપૂર્ણ એવું જે બ્રહ્મસ્વરૂપ તેને વિષે અમે અમારા જીવાત્માને લીન કરી રાખ્યો છે, અને તેજોમય એવું જે અક્ષરબ્રહ્મ તેને વિષે મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન ને તે ભગવાનના જે ભક્ત તે સંગાથે અખંડ પ્રીતિ જોડી રાખી છે અને તે વિના કોઈ પદાર્થમાં પ્રીતિ નથી એવું અમારે અખંડ વર્તે છે. (૧) અને ઉપરથી તો અમે અતિશે ત્યાગનો ફૂંફાડો જણાવતા નથી પણ જ્યારે અમે અમારા અંતર સામું જોઈને બીજા હરિભક્તના અંતર સામું જોઈએ છીએ ત્યારે મોટા મોટા પરમહંસ તથા મોટી મોટી સાંખ્યયોગી બાઈઓ એ સર્વેને કાંઈક જગતની કોરનો લોચો જણાય, પણ અમારા અંતરને વિષે તો ક્યારેય સ્વપ્નમાં પણ જગતની કોરનો ઘાટ થાતો નથી, અને ભગવાન ને ભગવાનના ભક્તની ભક્તિમાંથી અમને પાડવાને અર્થે કોઈ સમર્થ નથી એમ જણાય છે. (૨) અને જે દિવસ ભગવાનની પ્રાપ્તિ નહોતી થઈ તે દિવસ પણ ભગવાનની શક્તિ જે કાળ તે પણ આ જીવનો નાશ કરી શક્યો નથી અને કર્મ પણ નાશ કરી શક્યાં નથી અને માયા પણ પોતાને વિષે લીન કરી શકી નથી ને હવે તો ભગવાન મળ્યા છે માટે કાળ-કર્મ-માયાનો શો ભાર છે ? (૩) એમ જાણીને એવી હિંમત બાંધી છે જે હવે તો ભગવાન ને ભગવાનના ભક્ત વિના કોઈને વિષે પ્રીતિ રાખવી નથી, અને જે અમારી સોબત રાખશે તેના હૃદયમાં પણ કોઈ જાતનો લોચો રહેવા દેવો નથી, શા માટે જે જેને અમારા જેવો અંતરનો દૃઢાવ હોય તે સાથે જ અમારે બને છે અને જેના હૃદયમાં જગતના સુખની વાસના હોય તે સંગાથે તો અમે હેત કરીએ તોપણ થાય નહિ, માટે જે નિર્વાસનિક ભગવાનના ભક્ત હોય તે જ અમને વહાલા છે, એ અમારા અંતરનું રહસ્ય છે તે કહ્યું, એવી રીતે શ્રીજીમહારાજે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે વાર્તા કરી. (૪) ઇતિ વચનામૃતમ્‌ ।।૫૦।। (૧૮૩)

        રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે સર્વથી પર એકરસ પરિપૂર્ણ એવું જે અમારા તેજરૂપ અક્ષરબ્રહ્મ તેને વિષે તમારા આત્માને લીન કરીને તેમાં અમે તથા અમારા મુક્ત સદા દિવ્ય સાકાર મૂર્તિમાન રહ્યા છીએ તેમાં અખંડ પ્રીતિ જોડી રાખો. (૧) અને મોટા મોટા પરમહંસ તથા મોટી મોટી સાંખ્યયોગી બાઈઓ તેને વિષે પણ જગતની કોરનો લોચો જણાય છે. (૨) અને જીવને અમારી પ્રાપ્તિ નહોતી થઈ ત્યારે પણ કાળ-કર્મ નાશ કરી શક્યાં નથી, ને માયા લીન કરી શકી નથી તો હવે તો અમે મળ્યા છીએ માટે કાળ-કર્મ-માયાનો ભાર રાખવો નહીં. (૩) અને જગતસુખની વાસનાવાળા સાથે અમારે હેત થાતું નથી, ને નિર્વાસનિક ભક્ત વહાલા છે. (૪) બાબતો છે.

       પ્ર. નદી, સતી ને શૂરાના દૃષ્ટાંતમાં કોઈ અધિક-ન્યૂન હશે કે સરખાં હશે ? અને શ્રીજીમહારાજના તેજરૂપ બ્રહ્મમાં આત્માને લીન કરીને અમારે વિષે ને મુક્તને વિષે પ્રીતિ જોડી રાખવી એમ કહ્યું તે આત્માને કેવી રીતે લીન કરવો ? અને શ્રીજીમહારાજ તો ભગવાન છે તેમણે અમે અમારા જીવાત્માને લીન કરી રાખ્યો છે એમ કેમ કહ્યું હશે ?

       ઉ. એ દૃષ્ટાંતમાં અધિક-ન્યૂન નથી; એ તો જેમ નદીને સમુદ્રમાં મળવાનો વેગ છે તો મોટા મોટા પર્વતોને તોડીને પણ સમુદ્રમાં જાય છે, અને સતીને પતિમાં પ્રીતિ છે તો દેહસંબંધી વૈભવનો ને સર્વ સુખનો ત્યાગ કરીને ને બળવાની બીક તજીને પણ અગ્નિમાં બળી મરે છે, અને શૂરો પોતાનાં સ્ત્રી-છોકરાંમાંથી તથા સુખમાંથી તથા દેહમાંથી સ્નેહ તોડીને કોઈનો રોક્યો ન રોકાતાં રણમાં ટુક ટુક થઈ જાય છે, તે એમને જેવો વેગ છે તેમ તમારે અમારા વિના સર્વમાંથી પ્રીતિ ટાળીને અમારા તેજરૂપ બ્રહ્મને વિષે એકતા કરવી તેણે કરીને એ બ્રહ્મના સાધર્મ્યપણાને પમાય, પછી અમારું દર્શન થાય ત્યારે તે અમારા જેવો જ સાકાર થઈ જાય અને અમારા સાધર્મ્યપણાને પામીને અમારી હજૂર સેવામાં રહે છે એમ શ્રીજીમહારાજે પોતાના ભક્તને શીખવવાને વાસ્તે કહ્યું છે અને જીવ શબ્દે કરીને જીવને, આત્માને તથા પરમાત્માને કહેવાય છે.

       પ્ર. પહેલી બાબતમાં સર્વેથી પર એકરસ પરિપૂર્ણ બ્રહ્મસ્વરૂપ કહ્યું તે સર્વેથી એટલે કોનાથી પર સમજવું ?

       ઉ. સર્વે શબ્દ વડે કરીને જીવકોટિ, ઈશ્વરકોટિ, બ્રહ્મકોટિ ને મૂળઅક્ષરકોટિ એ આદિથી પર સમજવું.

૩      પ્ર. બીજી બાબતમાં મોટા મોટાને વિષે જગતની કોરનો લોચો જણાય છે એમ કહ્યું ને (પ્ર. ૫૮ના બીજા પ્રશ્નમાં) મોટાપુરુષનો રાજીપો થાય તો ગમે તેવા મલિન સંસ્કાર હોય તે પણ નાશ પામે, તથા (મ. ૭ના બીજા પ્રશ્નમાં) મોટા સંતને રાજી કરે તો સર્વે વિકાર ટળી જાય, તથા (પ્ર. ૫૯ના ચોથા પ્રશ્નમાં) મોટાપુરુષને પ્રતાપે ભૂંડા દેશાદિક પણ સારા થઈ જાય એમ કહ્યું છે, તે પરસ્પર વિરોધ આવે છે તે કેવી રીતે સમજવું ? અને અમારે જગતની કોરનો ઘાટ થાતો નથી એમ કહ્યું તે કેવી રીતે સમજવું ?

       ઉ. આ ઠેકાણે માયાનું બળ બતાવીને મોટાને મિષે કરીને સાધનિકને ઉપદેશ કર્યો છે, પણ મોટા સિદ્ધદશાવાળા મુક્તોની દૃષ્ટિમાં માયા છે જ નહિ તો જગતની કોરનો ઘાટ તો હોય જ ક્યાંથી ? તે તો સદાય શ્રીજીમહારાજની મૂર્તિમાં જ નિમગ્ન રહેલા છે, અને એમની કૃપાથી મહાઅધમ જીવ પણ મુક્ત થઈ જાય એવા સમર્થ છે. અને અમારા અંતરને વિષે ઘાટ નથી એમ કહ્યું છે તે પણ પોતાને મિષે કરીને પોતાના સાધર્મ્યપણાને પામ્યા એવા જે સિદ્ધમુક્તો તેને વિષે કોઈ જાતનો ઘાટ નથી, એમ કહ્યું છે, અને ભગવાન ને ભગવાનના ભક્તની ભક્તિમાંથી અમને પાડવાને અર્થે કોઈ સમર્થ નથી, એમ કહ્યું છે. તે પણ પોતાને મિષે કરીને પોતાના મુક્તને પાડવાને કોઈ સમર્થ નથી, એમ કહ્યું છે કેમ જે શ્રીજીમહારાજ તો પોતે જ ભગવાન છે, માટે એમને પાડવા કોઈ સમર્થ હોય જ નહિ; એ તો સર્વોપરી, સર્વ નિયંતા, સર્વ કર્તા પરમેશ્વર છે.

       પ્ર. ત્રીજી બાબતમાં કાળ-કર્મ જીવનો નાશ કરી શક્યાં નથી અને માયા લીન કરી શકી નથી એમ કહ્યું તે નાશ ને લીન તે કેવી રીતે સમજવું ?

       ઉ. જીવ ચૈતન્ય વસ્તુ છે તેને કાળ-કર્મ મળીને નાશ એટલે જડવત્‌ કરી શક્યાં નથી, અને માયા પોતામાંથી નીકળીને જુદો ન પડી શકે એવી રીતે લીન કરી શકી નથી. ।।૫૦।।