વચનામૃત ગઢડા મધ્યનું - ૫૧
સંવત ૧૮૮૦ના ચૈત્ર વદિ ૯ નવમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં દક્ષિણાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી-તકિયા નખાવીને વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજે પરમહંસને પ્રશ્ન પૂછ્યો જે, (૧) કોઈક સમામાં તો જીવ સુષુપ્તિમાં જાય છે ત્યારે અતિશે સુખ થાય છે અને કોઈક સમામાં તો સુષુપ્તિમાં જાય છે તોપણ ઉદ્વેગ મટતો નથી તેનું શું કારણ છે ? એ પ્રશ્ન છે. પછી મોટા મોટા સંત હતા તેમણે એ પ્રશ્નનું સમાધાન કરવા માંડ્યું, પણ યથાર્થ સમાધાન થયું નહીં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એ તો રજોગુણનું બળ વૃદ્ધિ પામી જાય છે તે સુષુપ્તિમાં પણ તમોગુણ ભેળો રજોગુણનો વિક્ષેપ રહે છે, માટે સુષુપ્તિમાં પણ અસુખ રહે છે માટે ગુણનો સંગ જ્યાં સુધી રહે ત્યાં સુધી કોઈ જીવ સુખિયો રહે નહિ ને જ્યારે આત્મસત્તા રૂપે રહે ત્યારે જ સુખી રહે છે. (૧)
૨ પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૨) આત્મસત્તા રૂપે રહે તેનાં શાં લક્ષણ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, શિવ-બ્રહ્મા જેવા કોઈ સમર્થ કહેવાય નહિ; એ તો નારદ જેવાના પણ ગુરુ છે અને એ જેવા બ્રહ્મસ્વરૂપે વર્તે છે તેવું તો બીજાને વર્તવું કઠણ છે તોપણ દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, શાસ્ત્ર, દીક્ષા ને દેવતા એ આઠે જો ભૂંડાં થયાં તો તેને યોગે કરીને એ શિવ-બ્રહ્મા જેવાને પણ અંતરમાં અતિશે દુઃખ થયું. માટે ગમે તેવો નિર્ગુણ હોય ને આત્મસત્તા રૂપે રહેતો હોય ને જો તેને ભૂંડા દેશકાળાદિકનો યોગ થાય તો તેને જરૂર અંતરમાં દુઃખ થાય, માટે મોટાપુરુષની બાંધેલ જે મર્યાદા તેને લોપીને કોઈ સુખી થાતો નથી, માટે જેટલા ત્યાગી છે તેને તો ત્યાગીના ધર્મ પ્રમાણે વર્તવું અને જેટલા ગૃહસ્થ હરિભક્ત છે તેમણે ગૃહસ્થના ધર્મ પ્રમાણે વર્તવું અને જેટલી બાઈઓ હરિભક્ત છે તેને બાઈઓના ધર્મ પ્રમાણે વર્તવું અને જો તે થકી ઓછું વર્તે તોપણ સુખ ન થાય અને જો તે થકી અધકું વર્તે તોપણ સુખ ન થાય શા માટે જે પરમેશ્વરના કહેલ જે ધર્મ તે પ્રમાણે જ ગ્રંથમાં લખ્યું હોય તેમાં કોઈ રીતે બાધ આવે એવું ન હોય ને સુખે પળે એવું હોય ને તેથી ઓછું-અધકું કરવા જાય તે કરનારો જરૂર દુઃખી થાય, માટે સત્પુરુષની આજ્ઞા પ્રમાણે જે રહે છે તે જ રૂડા દેશકાળાદિકને વિષે રહ્યો છે અને જે સત્પુરુષની આજ્ઞાથી બહાર પડ્યો તે જ એને ભૂંડા દેશકાળાદિકનો યોગ થયો છે, માટે સત્પુરુષની આજ્ઞાને વિષે વર્તે છે તે જ આત્મસત્તા રૂપે વર્તે છે. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૫૧।। (૧૮૪)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં ગુણનો સંગ ટાળીને આત્મા રૂપે થાય ત્યારે જ સુખી થાય. (૧) બીજામાં અમારી બાંધેલી મર્યાદા પાળે તે આત્મસત્તા રૂપે વર્તે છે ને ન પાળે તે ભૂંડા દેશકાળમાં રહ્યો છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૨) બાબતો છે.
૧ પ્ર. પહેલા પ્રશ્નમાં ગુણનો સંગ હોય ત્યાં સુધી કોઈ સુખી રહે નહિ એમ કહ્યું અને (લો. ૧૦ના ૭/૯ સાતમા પ્રશ્નમાં) માયાના સત્ત્વગુણને સુખરૂપ કહ્યો છે તે કેમ સમજવું ?
૧ ઉ. આમાં રજોગુણને દુઃખદાયી કહ્યો છે પણ સત્ત્વગુણને દુઃખદાયી કહ્યો નથી, માટે વિરોધ નથી, પણ યથાર્થ સુખિયો તો જ્યારે નિર્ગુણ સત્તારૂપ થાય ત્યારે જ થાય.
૨ પ્ર. બીજા પ્રશ્નમાં શિવ-બ્રહ્માને સમર્થ ને નારદજીના ગુરુ કહ્યા અને બ્રહ્મ સ્વરૂપે વર્તે છે એમ કહ્યું અને વળી ભૂંડા દેશાદિક નડ્યા, એમ કહ્યું તે કેવી રીતે સમજવું ?
૨ ઉ. ઇન્દ્ર તથા પ્રજાપતિ આદિકથી શિવ-બ્રહ્માનું ઐશ્વર્ય અધિક છે માટે તેથી સમર્થ કહ્યા છે, અને બ્રહ્મા નારદજીના પિતા હતા ને તે શિવ થકી વર પામ્યા હતા તેથી ગુરુ કહ્યા છે, અને તે સગુણ છે ને ઉપાસના પણ વૈરાજની છે તે પણ સગુણ છે અને એમના જેવું બીજાથી બ્રહ્મ રૂપે ન વર્તાય એમ કહ્યું છે, તે બીજા એટલે ઋષિ તથા પ્રજાપતિથી એમના જેવું વર્તી શકાય નહિ, એમ કહ્યું છે. અને શુકજીના જેવી સ્થિતિ એમની નહોતી તેથી ભૂંડા દેશાદિક નડ્યા છે તે જ્યારે પરબ્રહ્મની ઉપાસના થાય ને પોતે બ્રહ્મરૂપ થાય ને પોતાના ચૈતન્યને વિષે પરબ્રહ્મની મૂર્તિને સાક્ષાત્ દેખે ત્યારે ભૂંડા દેશાદિક નડી શકે નહિ તે (પ્ર. ૨૩/૧માં ) કહ્યું છે. ।।૫૧।।