વચનામૃત ગઢડા મધ્યનું - ૫૭
સંવત ૧૮૮૧ના અષાઢ સુદિ ૬ છઠ્ઠને દિવસ સંધ્યા-આરતીને સમે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને મસ્તક ઉપર શ્વેત પાઘ પુષ્પને તોરે યુક્ત વિરાજમાન હતી અને શ્વેત ચાદર ઓઢી હતી ને શ્વેત ખેસ પહેર્યો હતો અને શ્રીજીમહારાજના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને મશાલનો પ્રકાશ થઈ રહ્યો હતો અને મુનિમંડળ દુકડ-સરોદા લઈને ભગવાનના કીર્તનનું ગાન કરતા હતા.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) સાંભળો એક વાર્તા કરીએ જે, જ્યારે તમે કીર્તન ગાતા હતા ત્યારે અમે કીર્તન સાંભળતાં જેમ વિચાર કર્યો છે તે વિચાર કહીએ છીએ જે, ભગવાનમાં પ્રીતિ કરવી તે એક સત્તા રૂપે રહીને જ કરવી ને તે સત્તારૂપ આત્મા કેવો છે તો જેને વિષે માયા ને માયાનાં કાર્ય જે ત્રણ ગુણ ને દેહ-ઇન્દ્રિયો-અંતઃકરણ તેનું કોઈ આવરણ નથી અને કાંઈક જે આત્માને વિષે આવરણ જેવું જણાય છે તે અજ્ઞાને કરીને વૃથા ભ્રાંતિ જણાય છે, પણ જેણે જ્ઞાન-વૈરાગ્યે કરીને એનો સર્વ પ્રકારે નિષેધ કરી નાખ્યો છે તેને તો એ આત્માને વિષે કોઈ જાતનું આવરણ નથી અને એ આત્મા રૂપે જે વર્તવું તે કેવળ બ્રહ્મ થઈને મસ્ત થાવું તેને અર્થે નથી; એ તો પોતાને આત્મા રૂપે રહેવું તેનું એ પ્રયોજન છે જે હું આત્મા છું તે મારે વિષે કોઈ જાતનું માયાનું આવરણ નથી, તો આત્મા થકી પર જે પરમાત્મા નારાયણ વાસુદેવ તેને વિષે તો માયાનો લેશ પણ કેમ હોય ? એવી રીતે ભગવાનમાં કોઈ રીતનો દોષ ન આવે તે સારુ આત્મનિષ્ઠા દૃઢ કરીને રાખવી અને એ આત્માના પ્રકાશને વિષે વિચારને રાખીને સત્તારૂપમાં જે પેસવા આવે તેનો નાશ કરી નાખવો. જેમ દીવાના પ્રકાશમાં ગરોળી આવીને જે જે જંતુ આવે તેનો નાશ કરે છે, તેમ આત્માનો જે પ્રકાશ તેમાં રહ્યો જે વિચાર તે આત્મા વિના બીજા પદાર્થનો નાશ કરી નાખે છે. (૧) અને વળી જેને પરમેશ્વરને વિષે પ્રીતિ હોય તેને પરમેશ્વર વિના બીજા કોઈ પદાર્થમાં પ્રીતિ ન હોય અને પરમેશ્વર વિના બીજું જે જે પદાર્થ અધિક જણાય તેનો જે અતિશે ત્યાગ કરે તે ત્યાગ ખરો છે અને તે પદાર્થ નાનું હોય અથવા મોટું હોય પણ તેનો જે ત્યાગ કરવો તેનું જ નામ ત્યાગ કહેવાય, અને જે પદાર્થ ભગવાનના ભજનમાં આડું આવતું હોય તેને તો ન તજી શકે ને બીજો ઉપરથી તો ઘણો ત્યાગ કરે પણ તેનો તે ત્યાગ વૃથા છે અને એમ કાંઈ જાણવું નહિ જે સારું પદાર્થ હોય તે જ ભગવાનના ભજનમાં આડ્ય કરે ને નરસું પદાર્થ હોય તે ન કરે; એ તો જીવનો એવો સ્વભાવ છે જે જેમ કોઈકને ગળ્યું ભાવે, કોઈકને ખારું ભાવે, કોઈકને ખાટું ભાવે, કોઈકને કડવું ભાવે, તેમ જીવની તો એવી તુચ્છ બુદ્ધિ છે તે અલ્પ પદાર્થ હોય તેને પણ ભગવાન કરતાં અધિક વહાલું કરી રાખે છે. (૨) અને જ્યારે ભગવાનની મોટ્યપ સામું જોઈએ ત્યારે તો એવું કોઈ પદાર્થ છે નહિ જે તેની કોટિમા ભાગના પાસંગમાં પણ આવે એવા ભગવાનને યથાર્થ જાણીને જો હેત કર્યું હોય તો માયિક પદાર્થ જે પિંડ-બ્રહ્માંડાદિક તેમાં ક્યાંય પણ પ્રીતિ રહે નહિ; માયિક પદાર્થ સર્વે તુચ્છ જ થઈ જાય. અને એ ભગવાનનો જ્યારે યથાર્થ મહિમા જણાણો ત્યારે ચિત્રકેતુ રાજાએ કરોડ સ્ત્રીઓનો ત્યાગ કર્યો અને સર્વે પૃથ્વીનું ચક્રવર્તી રાજ્ય હતું તે રાજ્યનો પણ ત્યાગ કર્યો. ને તે એમ સમજ્યા જે એ ભગવાનના સુખ આગળ એ સો લાખ સ્ત્રીઓનું સુખ તે શી ગણતીમાં ? અને ચક્રવર્તી રાજ્યનું સુખ પણ શી ગણતીમાં ? અને તેથી ઇન્દ્રના લોકનું ને બ્રહ્માના લોકનું સુખ પણ શી ગણતીમાં ? અને એવા જે ભગવાન તે વિના જે બીજા પદાર્થને વિષે પ્રીતિ કરે છે તે તો અતિશે તુચ્છ બુદ્ધિવાળા છે. જેમ કૂતરું હોય તે સૂકા હાડકાને એકાંતે લઈ જાઈને કરડે ને તેમાં સુખ માને છે તેમ મૂર્ખ જીવ છે તે દુઃખને વિષે સુખને માનીને તુચ્છ પદાર્થને વિષે પ્રીતિ કરે છે. અને જે ભગવાનનો ભક્ત કહેવાતો હોય ને તેને ભગવાન થકી બીજા પદાર્થમાં તો હેત વધુ હોય તે તો કેવળ મીનડિયો ભક્ત છે, અને જે યથાર્થ ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનથી બીજું કોઈ પદાર્થ અધિક હોય જ નહીં. (૩) અને જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ ને ધર્મ તેણે યુક્ત એવો જે ભગવાનનો ભક્ત તે તો એમ જાણે જે, જે શૂરવીર હોય તે લડવા સમે શત્રુ સન્મુખ ચાલે પણ બીએ નહિ તે શૂરવીર સાચો. અને શૂરવીર હોય ને લડાઈમાં કામ ન આવ્યો ને ગાંઠે ધન હોય ને તે ખરચ્યા-વાપર્યામાં કામ ન આવ્યું તે વૃથા છે. તેમ મુંને ભગવાન મળ્યા છે તે જે જીવ મારો સંગ કરે તેની આગળ હું કલ્યાણની વાત ન કરું ત્યારે મારું જ્ઞાન તે શા કામમાં આવ્યું એમ વિચારીને ઉપદેશ કર્યા નિમિત્ત કાંઈક થોડી ઘણી ઉપાધિ રહે તોપણ પરમેશ્વરની વાત કર્યામાં કાયરપણું રાખે નહીં. (૪) એમ કહીને શ્રીજીમહારાજે તુળસીદાસનાં ત્રણ પદ ગવરાવ્યાં. તે ત્રણ પદનાં નામ એક તો “જ્યા કી લગન રામ સો નાહીં” તથા બીજું “એહિ કહ્યો સુનુ વેદ ચહું” તથા ત્રીજું “જ્યા કું પ્રિય ન રામ વૈદેહી” એ ત્રણ પદ ગવરાવીને પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેવી રીતે આ પદમાં કહ્યું છે તેવી રીતે આપણે રહેવું છે. તે કરતાં કરતાં જો કાંઈક અધૂરું રહ્યું અને એટલામાં જો દેહ પડ્યો તોપણ મરીને નરક ચોરાશીમાં જાવું નથી કે કોઈ ભૂત-પ્રેત થાવું નથી; સૂધો ભૂંડામાં ભૂંડો દેહ આવશે તોપણ ઇન્દ્રના જેવો કે બ્રહ્માના જેવો તો આવશે પણ એથી ઊતરતો તો નહિ આવે, માટે નિર્ભે રહીને ભગવાનનું ભજન કરવું. એમ કહીને શ્રીજીમહારાજને મુકુંદ બ્રહ્મચારી તેડવા આવ્યા તે ભેળે જમવા પધાર્યા. (૫) ઇતિ વચનામૃતમ્ ।।૫૭।। (૧૯૦)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે સત્તારૂપ એવો જે આત્મા તેને માયાનું આવરણ નથી તો પરમાત્મા નારાયણ વાસુદેવ જે અમે તે અમારે વિષે તો કોઈ જાતનું આવરણ હોય જ કેમ ? એવો અમારો મહિમા જાણીને અમારે વિષે પ્રીતિ કરવી. (૧) અને જે પદાર્થ અમારાથી અધિક જણાય અને અમારા ભજનમાં આડું આવે તેનો ત્યાગ કરવો. (૨) અને અમારા કરતાં બીજું પદાર્થ વહાલું રાખે તે મીનડિયો ભક્ત છે. (૩) અને અમારા સ્વરૂપનું જ્ઞાન કહેવામાં ઉપાધિ રહે તોપણ અમારી વાત કરવામાં કાયરપણું રાખવું નહીં. (૪) અને અમારે વિષે પ્રીતિ કરવામાં અધૂરું રહે ને દેહ પડે તોપણ ઇન્દ્ર કે બ્રહ્માના જેવો તો દેહ આવશે જ એમ નિર્ભય રહીને અમારું ભજન કરવું. (૫) બાબતો છે.
૧ પ્ર. પહેલી બાબતમાં આત્માને સત્તારૂપ કહ્યો તે સત્તારૂપ એટલે કેવો જાણવો ? અને આત્માને વિષે આવરણ નથી એમ કહ્યું અને (કા. ૧૨ના પહેલા પ્રશ્નમાં) કારણ શરીરરૂપ જીવની માયા તે કોઈ રીતે જુદી પડતી નથી એમ કહ્યું છે તે કેવી રીતે સમજવું ?
૧ ઉ. જીવને આંબલિયાની છાલની પેઠે માયાનો દૃઢ સંબંધ છે, પણ જીવ ભેળી ભળીને એકરસ થઈ ગઈ નથી એમ સત્તારૂપ કહ્યો છે તે એને શ્રીજીમહારાજના સ્વરૂપનું જ્ઞાન થાય ને શ્રીજીમહારાજનું ધ્યાન કરે ને આજ્ઞા પાળે એટલે માયાનું આવરણ નાશ પામે, ને પોતે શ્રીજીમહારાજના તેજરૂપ થાય ત્યારે તે આત્મસત્તારૂપ કહેવાય.
૨ પ્ર. ચોથી બાબતમાં મને ભગવાન મળ્યા છે, માટે હું કલ્યાણની વાત ન કરું ત્યારે મારું જ્ઞાન શા કામમાં આવ્યું ? એમ કહ્યું તે જ્યારે વાત કરી તે વખતે તો મનુષ્ય રૂપે મળ્યા હતા, પણ આજ કેવી રીતે મળ્યા જાણવા ?
૨ ઉ. જ્યારે શ્રીજીમહારાજના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય ને યથાર્થ મહિમા સમજાય ત્યારે એને સદાય ભેળા જ છે અને જો મહિમા યથાર્થ ન જાણ્યો હોય ને મનુષ્ય રૂપે રાત-દિવસ ભેળા રહેતા હોય તોપણ તેને પરોક્ષ જ છે; એ તો જ્યારે શ્રીજીમહારાજનું યથાર્થ જ્ઞાન થાય ત્યારે જ મળ્યા સમજવા. માટે જ્ઞાને કરીને મળ્યા એ જ મળ્યા કહેવાય કેમ જે જ્ઞાનીને ભગવાન આવતા-જતા નથી; સદાય છે, છે ને છે જ. તે મનુષ્ય રૂપે અથવા પ્રતિમા રૂપે મળે, પણ જ્યારે મનુષ્યરૂપમાંથી મનુષ્યભાવ ટળે અને પ્રતિમાને વિષેથી પ્રતિમાભાવ ટળે ને દિવ્યભાવ સમજાય તો જ મળ્યા કહેવાય. પણ જ્યાં સુધી દિવ્યભાવ ન આવે ત્યાં સુધી મનુષ્ય રૂપે મળે તોપણ યથાર્થ મળ્યા ન કહેવાય અને પ્રતિમા રૂપે મળે તોપણ યથાર્થ મળ્યા ન કહેવાય, માટે જ્યારે દિવ્યભાવે સહિત સાક્ષાત્ જ્ઞાન થાય ત્યારે જ મળ્યા કહેવાય.
૩ પ્ર. અમારી વાત કરવામાં ઉપાધિ રહે તોપણ વાત કરવી એમ શ્રીજીમહારાજે કહ્યું તે ઉપાધિ શી સમજવી ?
૩ ઉ. શ્રીજીમહારાજનો મહિમા કહેતાં જેને ઉપાસના પૂરી ન હોય તે ઉપાધિ કરે જે તમે આવી વાતો કરશો નહિ કેમ જે શાસ્ત્રમાં બાધ આવે છે, માટે તમારે ઝાઝો મહિમા કહેવો નહિ એવી રીતે ઉપાધિ કરે તે ઉપાધિને સહન કરીને પણ શ્રીજીમહારાજની ઉપાસનાની વાતો કરવી. ।।૫૭।।