વચનામૃત ગઢડા મધ્યનું - ૬૦

          સંવત ૧૮૮૧ના શ્રાવણ વદિ ૪ ચોથને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઉગમણી ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને શ્વેત પાઘ મસ્તક ઉપર બાંધી હતી અને શ્વેત પછેડી ઓઢી હતી અને શ્વેત ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, પછી શ્રીજીમહારાજે કહ્યું જે પ્રશ્ન-ઉત્તર કરો.

      ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) હે મહારાજ ! આ સંસારને વિષે તો કેટલીક જાતના વિક્ષેપ આવે છે તેમાં કેઈ રીતે ભગવાનનો ભક્ત સમજે તો અંતરે સુખ રહે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એનો ઉત્તર તો જેમ અમને વર્તાય છે તેમ કહીએ જે, જ્યારે કોઈ જાતના વિક્ષેપનો યોગ આવે ત્યારે ઉપરથી તો ચિત્તનો ધર્મ છે તે વિક્ષેપ જેવું જણાય, પણ તે વિક્ષેપનો પોતાના ચૈતન્યમાં તો ડંસ બેસતો નથી; તે કેમ જણાય જે જ્યારે સૂઈએ છીએ ત્યારે બહારલ્યો જે વિક્ષેપ તે કોઈ દિવસ સ્વપ્નમાં દેખાતો જ નથી, અને જે ચૈતન્યમાં વિક્ષેપ પેઠો હોય તે તો ત્રણે અવસ્થામાં જણાય છે, માટે સ્વપ્નમાં કોઈ રીતે વિક્ષેપ જણાતો નથી તે થકી એમ જાણીએ છીએ જે ચૈતન્યમાં વિક્ષેપ કોઈ રીતે વળગતો નથી. (૧) અને જે ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈક પ્રકારના દુઃખનો વિક્ષેપ થયો હોય એ તો સારી પેઠે અંતરમાં જણાય છે, પણ ન જણાય એમ નથી. અને એ તો રઘુનાથદાસ સરખો વિમુખ હોય તેને તો ન જણાય તે જ્યારે રામાનંદ સ્વામીએ દેહ મૂક્યો ને સર્વે સત્સંગી રોવા લાગ્યા ત્યારે પણ રઘુનાથદાસને તો જરાય શોક થયો નહિ અને હસતો જાય ને બીજાને આગળ વાત કરતો જાય, માટે ભગવાનના ભક્તને દુઃખ આવી પડે ત્યારે તો જે ચાંડાળ ને વિમુખ હોય તેને દુઃખ ન થાય. (૨) પણ જે ભગવાનનો ભક્ત હોય તે તો હરિભક્તને દુઃખે કરીને જરૂર દુઃખિયો થાય અને જે ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈક મારી નાખતો હોય અથવા તેને કોઈક દુઃખ દેતો હોય ને તે ભગવાનના ભક્ત આડો જાઈને જો મરે કે ઘાયલ થાય, તો શાસ્ત્રમાં એમ કહ્યું છે જે તેના બ્રહ્મહત્યાદિક જે પંચમહાપાપ તે સર્વે મટી જાય છે એવો ભગવાનના ભક્તનો પક્ષ રાખ્યાનો પ્રતાપ છે. (૩) અને જેને ભગવાનના ભક્તનું વચન બાણની પેઠે હૈયામાં વસમું લાગે, અને તેની વૈરભાવે આંટી પડી જાય તે જીવે ત્યાં સુધી ટળે નહિ એવો જે ચાંડાળ જેવો જીવ હોય, તે ધર્મે યુક્ત હોય, ત્યાગે યુક્ત હોય, તપે યુક્ત હોય, તે સર્વે વૃથા છે અને બીજાં પણ કોટિક સાધન કરે પણ તેના જીવનું કોઈ કાળે કલ્યાણ થાય નહીં. (૪) અને આ સંસારને વિષે જેમ કોઈક સ્ત્રી હોય તે પોતાના પતિ ઉપર ને બીજા પુરુષ ઉપર સરખું હેત રાખે તે વેશ્યા સરખી ભૂંડી કહેવાય, તેમ આ સંસારને વિષે જે એવો પુરુષ હોય જે આપણે તો બધાય સાધુ સરખા છે, કેને સારોનરસો કહીએ ? તો તે સત્સંગી કહેવાતો હોય તોપણ તેને વિમુખ જાણવો. અને જે પુરુષ એમ જાણે જે આપણ કાંઈક અવળું-સવળું બોલીએ તો આપણો માણસ અવગુણ લેશે, એવી રીતે પોતાની સારપ્ય રાખ્યા સારુ ભગવાનનું કે ભગવાનના ભક્તનું કોઈક ઘસાતું બોલે ને તેને સાંભળી રહે તો તે સત્સંગી કહેવાતો હોય તોપણ તેને વિમુખ જાણવો. (૫) અને જેવો પોતાનાં સગાંવહાલાં હોય અથવા માબાપ હોય તેનો પક્ષ રહે છે તેવો ભગવાનના ભક્તનો દૃઢ પક્ષ રાખવો, અને ભગવાનના ભક્ત સાથે કોઈ રીતનો વિક્ષેપ થાય તો જળમાં લીટાની પેઠે ફેર એક થઈ જાય પણ આંટી રાખે નહિ, તે જ ભગવાનનો યથાર્થ ભક્ત કહેવાય. (૬) એટલી વાર્તા કરીને પછી શ્રીજીમહારાજ એમ બોલ્યા જે, હું તો દત્તાત્રેય, જડભરત, નારદ ને શુકજી તે સરખો દયાવાળો છું અને પૂર્વ દેશમાં એક સમે નાગડા વૈરાગીની જમાત ભેળો હતો તે મુને સર્વે વૈરાગીએ કહ્યું જે, તાંદળજાની લીલી ભાજી તોડો, ત્યારે મેં કહ્યું જે, એમાં તો જીવ છે તે અમે નહિ તોડીએ, પછી એક જણે તરવાર ઉઘાડી કરીને ડારો કર્યો તોપણ અમે લીલી ભાજી ન તોડી, એવો અમારો દયાવાળો જીવ છે તોપણ જો કોઈક ભગવાનના ભક્તને ક્રૂર દૃષ્ટિએ કરીને જોતો હોય ને તે જો પોતાનો સગો-વહાલો હોય તોપણ જાણીએ જે તેની આંખ્ય ફોડી નાખીએ અને હાથે કરીને જો ભગવાનના ભક્તને દુબે તો તે હાથને કાપી નાખીએ, એવો તેનો અભાવ આવે છે, પણ ત્યાં દયા નથી રહેતી, અને એવો જેને ભગવાનનો ને ભગવાનના ભક્તનો પક્ષ હોય તેને જ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય. (૭) ઇતિ વચનામૃતમ્‌ ।।૬૦।। (૧૯૩)

        રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે વિક્ષેપ સ્વપ્નમાં આવે તો જ તે વિક્ષેપ ચૈતન્યમાં પેઠો છે એમ જાણવું. (૧) અને જે અમારા ભક્તને દુઃખે દુખી ન થાય તે ચંડાળને વિમુખ છે. (૨) અને જે અમારો ભક્ત હોય તે તો અમારા ભક્તને દુઃખે જરૂર દુઃખી થાય અને અમારા ભક્તને કોઈક મારતો હોય તેને આડો પડીને મરે કે ઘાયલ થાય, તો તેનાં સર્વ પાપ નાશ પામી જાય. (૩) અને જેને અમારા ભક્તનું વચન વસમું લાગે ને વૈર બંધાય તે ધર્મ, ત્યાગ, તપ તેણે યુક્ત હોય તોપણ તેનું કલ્યાણ થાય નહીં. (૪) અને જે બધાય સાધુને સરખા જાણે તથા અમારું ને અમારા ભક્તનું કોઈક ઘસાતું બોલે તેને સાંભળી રહે તે વિમુખ છે. (૫) અને જે અમારા ભક્તનો પક્ષ રાખે ને તેમની સાથે વિક્ષેપ ન રાખે તે અમારો યથાર્થ ભક્ત છે. (૬) અને અમે દયાળુ છીએ પણ અમારા ભક્તને દુખવે તે ઉપર દયા નથી રાખતા અને જેને અમારો ને અમારા સંતનો પક્ષ હોય તે જ અમારો પૂરો ભક્ત છે. (૭) બાબતો છે.

       પ્ર. પાંચમી બાબતમાં બધાય સાધુ સરખા જાણે તથા ભગવાનનું કે ભક્તનું કોઈક ઘસાતું બોલે તેને સાંભળી રહે તેને વિમુખ કહ્યો તે કેવી રીતે સરખા જાણે તો વિમુખ કહેવાય ?

       ઉ. સિદ્ધદશાવાળા અને સાધનદશાવાળાને સરખા જાણે તથા શ્રીજીમહારાજનો યથાર્થ નિશ્ચય હોય ને પંચવર્તમાન યથાર્થ પાળતા હોય તેને ને નિશ્ચયમાં ને વર્તમાનમાં કસરવાળાને સરખા જાણે અને શ્રીજીમહારાજનો સર્વોપરી નિશ્ચય હોય ને સાધુનાં બત્રીસ લક્ષણે યુક્ત હોય તેનું ને શ્રીજીમહારાજનું કોઈ ઘસાતું બોલે તેને સાંભળી રહે તેને વિમુખ જાણવો. ।।૬૦।।