વચનામૃત ગઢડા મધ્યનું - ૬૩

સંવત ૧૮૮૧ના માગશર વદિ ૨ બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ ભજનાનંદ સ્વામી શ્રીમદ્‌ ભાગવતનો પાઠ કરતા હતા ને પરમહંસ તથા દેશદેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી.

       પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) હે મહારાજ ! દ્રષ્ટા ને દૃશ્યના મધ્યમાં જે વિચાર રહે છે તે દ્રષ્ટાને ને દૃશ્યને જુદાં જુદાં રાખે છે એમાં જીવનું જાણપણું કિયું જાણવું ? ને ઇન્દ્રિયો-અંતઃકરણનું જાણપણું કિયું જાણવું ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, અમને તો એમ જણાય છે જે, જેનો જીવ અતિશે બળને પામ્યો હોય તેને તો અંતઃકરણની વૃત્તિઓ તે જીવની જ વૃત્તિ છે ને તેના ચાર ક્રિયાએ કરીને ચાર વિભાગ જણાય છે, અને તે અંતઃકરણમાં ને ઇન્દ્રિયોમાં જાણપણું છે તે જીવનું જ છે, તે ઇન્દ્રિયો-અંતઃકરણને જ્યાં ઘટિત હોય ત્યાં ચાલવા દે અને જ્યાં ઘટિત ન હોય ત્યાં ન ચાલવા દે, અને જેનો જીવ અતિશે બળને પામ્યો હોય તેને તો ભૂંડું સ્વપ્ન પણ આવે નહીં. (૧) અને જેનો જીવ નિર્બળ હોય તેને તો સાંખ્યના મતને અનુસરીને એક દ્રષ્ટા એવો જે પોતાનો આત્મા તે આત્માપણે રહેવું પણ ઇન્દ્રિયો-અંતઃકરણ ભેળું ભળવું નહિ એવી રીતે સત્તારૂપ રહેતાં થકાં એનો જીવ બળને પામે છે. (૨) અને એથી પણ બળ પામવાનો એક અતિશે મોટો ઉપાય છે જે ભગવાન ને ભગવાનના જે સંત તેને વિષે જેને પ્રીતિ હોય ને તેની સેવાને વિષે અતિશે શ્રદ્ધા હોય ને ભગવાનની નવધાભક્તિએ યુક્ત હોય તેના જીવને તો તત્કાળ અતિશે બળ આવે છે, માટે જીવને બળ પામવાને અર્થે ભગવાન ને ભગવાનના ભક્તની સેવા બરોબર બીજો કોઈ ઉપાય નથી. (૩) અને વળી અમે અમારા અંતરની વાર્તા કહીએ જે, જ્યારે અમે અગણોતેરાની સાલમાં માંદા થયા હતા ત્યારે કૈલાસ ને વૈકુંઠ તે દેખ્યામાં આવ્યાં ને નંદીશ્વરની અસવારી ને ગરુડની અસવારી પણ અમે કરી એમ અમારા દીઠામાં આવ્યું, પણ તે સામર્થીમાં અમને કાંઈ સારું લાગ્યું નહીં. પછી તો અમે કેવળ સત્તા રૂપે રહેવા માંડ્યું ત્યારે સર્વ ઉપાધિની શાંતિ થઈ. (૪) પછી તેમાં પણ અમને એમ વિચાર થયો જે સત્તા રૂપે રહેવું તેથી પણ ભગવાન ને ભગવાનના ભક્ત ભેળે દેહ ધરીને રહેવું એ શ્રેષ્ઠ છે, માટે અમને એમ બીક લાગી જે રખે સત્તા રૂપે રહીએ ને પાછો દેહ ન ધરાય, માટે દેહ ધરીને ભગવાન ને ભગવાનના ભક્તની ભેળે રહીએ ને તેને અર્થે જે સેવા બની આવે તે જ અતિશે શ્રેષ્ઠ સાધન છે. (૫) અને જ્યારે જીવને અંત સમો આવે છે ત્યારે અનંત જાતની આધિ ને વ્યાધિ પ્રગટ થાય છે પછી ભગવાન કે ભગવાનના સંતનું જ્યારે દર્શન થાય છે ત્યારે સર્વે દુઃખનો નાશ થઈ જાય છે, એવો ભગવાનનો ને ભગવાનના ભક્તનો મહિમા મોટો છે, અને ભગવાનના ભક્ત છે તે તો કેવળ બ્રહ્મની જ મૂર્તિઓ છે; એને વિષે તો મનુષ્યભાવ લાવવો જ નહીં. (૬) અને જેમ પોતાના દેહનાં કુટુંબી હોય છે ને તેને તેના હિતને અર્થે આપણ વઢીને કહીએ ને આપણને તે વઢીને કહે પણ અંતરમાં કોઈને આંટી પડતી નથી, તેમ ભગવાન ને ભગવાનના ભક્ત સંગાથે વર્ત્યું જોઈએ. અને જેને ભગવાન કે ભગવાનના ભક્ત સંગાથે આંટી પડી જાય છે તે તો અમને દીઠો પણ ગમતો નથી ને તે ઉપરથી રીસ પણ કોઈ દિવસ ઊતરતી નથી, અને આ સંસારમાં પંચ મહાપાપના કરનારાનો કોઈ દિવસ છૂટકો થાય, પણ ભગવાનના ભક્તના દ્રોહના કરનારાનો કોઈ દિવસ છૂટકો થાતો નથી. (૭) માટે ભગવાનના ભક્તની જે સેવા-ચાકરી કરવી તે બરોબર કોઈ પુણ્ય નથી, ને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો તે બરાબર કોઈ પાપ નથી, માટે જેને પોતાના જીવને બળવાન કરવો હોય તેને તો ભગવાન કે ભગવાનના ભક્તને મન-કર્મ-વચને શુદ્ધભાવે કરીને સેવવા. (૮) ઇતિ વચનામૃતમ્‌ ।।૬૩।। (૧૯૬)

          રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે જીવ અતિશે બળને પામ્યો હોય તો ઇન્દ્રિયો-અંતઃકરણને જ્યાં ઘટિત હોય ત્યાં ચાલવા દે એટલે અમારી આજ્ઞા વિરુદ્ધ ચાલવા દે નહિ અને તેને ભૂંડું સ્વપ્ન પણ આવે જ નહીં. (૧) અને આત્મસત્તા રૂપે રહેવાથી એવું બળ આવે છે. (૨) અને અમારે ને અમારા સંતને વિષે પ્રીતિ ને સેવામાં અતિશે શ્રદ્ધા ને અમારી નવધાભક્તિ તેણે કરીને જીવને તત્કાળ અતિશે બળ આવે છે; અને ઐશ્વર્યમાંથી રાગ ટાળીને કેવળ સત્તા રૂપે રહેવું તે શ્રેષ્ઠ છે. (૪) અને તેથી પણ અમારી ને અમારા ભક્તની દેહે કરીને સેવા કરવી તે શ્રેષ્ઠ છે. (૫) અને જીવને અંત સમે અનંત પ્રકારની આધિ-વ્યાધિ થઈ આવે છે તે દુઃખ અમારું અથવા અમારા સંતનું દર્શન થાય ત્યારે નાશ પામે છે એવો અમારા ભક્તનો એટલે મુક્તનો મહિમા મોટો છે. અને પંચવર્તમાને યુક્ત અમારા ભક્ત તેમને કેવળ બ્રહ્મની જ મૂર્તિઓ સમજવા. (૬) અને અમારી ને અમારા ભક્તની સાથે આંટી પાડે તે તો પંચમહાપાપીથી પણ વધુ પાપી છે. (૭) અને અમારા ભક્તની એટલે મુક્તની સેવા જેવું કોઈ પુણ્ય નથી અને તેના દ્રોહ જેવું કોઈ પાપ નથી. (૮) બાબતો છે.

       પ્ર. પાંચમી બાબતમાં સત્તા રૂપે રહેવાથી પણ ભગવાન ને ભગવાનના ભક્તની ભેળા દેહ ધરીને રહેવું તે શ્રેષ્ઠ છે એમ કહ્યું તે સત્તારૂપ રહેવા કરતાં દેહ ધરવામાં શું વિશેષ હશે ?

       ઉ. સત્તા રૂપે વર્તે તેનાથી શ્રીજીમહારાજની તથા એમના મુક્તોની સેવારૂપ પ્રસન્નતાનાં સાધન થઈ શકે નહિ અને વનના મૃગલાની પેઠે એકલો જ ફરતો રહે એટલે મોટા સંતનો સમાગમ પણ થાય નહિ, અને શ્રીજીમહારાજનો તથા એમના મુક્તોનો મહિમા પણ યથાર્થ સમજાય નહિ, માટે તેને પ્રસન્નતાનાં સાધન કરવા સારુ તથા મહિમા જાણવા સારુ ફેર જન્મ ધરવો પડે, એ ન્યૂનતા રહે છે; તે શ્રીજીમહારાજે આ બાબતમાં જ કહ્યું છે કે, સત્તા રૂપે રહીએ તો રખે પાછો દેહ ન ધરાય એટલે આ દેહે કરીને પ્રસન્નતા ન કરી શકાય તો પ્રસન્નતાનાં સાધન કરવા પાછો ફરીથી બીજો દેહ ધરવો પડે, માટે દેહ ધરીને એટલે આ ધરેલો છે તે દેહે કરીને જ સત્તા રૂપે રહેવા કરતાં પણ શ્રીજીમહારાજ ને તેમના મુક્તોના ભેળા રહીને તેમની સેવા કરવી તે અતિશે શ્રેષ્ઠ સાધન છે, કેમ જે શ્રીજીમહારાજની ને તેમના મુક્તોની સેવા કરે તેને આ ફેરે જ ધામમાં શ્રીજીમહારાજનું સુખ મળે અને જે સત્તા રૂપે રહે તેને પ્રસન્નતાનાં સાધન કરવા સારુ બીજો દેહ ધરવો પડે એટલી ન્યૂનતા રહે છે. તે (વ. ૧૭ના બીજા પ્રશ્નમાં) કેવળ આત્મનિષ્ઠાવાળા ત્યાગી કરતાં જે અમારી ને અમારા ભક્તની સેવાને અર્થે પ્રવૃત્તિમાર્ગમાં રહે છે તે અતિશે શ્રેષ્ઠ છે ને અમારી કૃપાનું પાત્ર છે એમ કહ્યું છે, માટે સત્તા રૂપે રહેવા કરતાં શ્રીજીમહારાજની ને તેમના ભક્તની સેવા કરવી તે શ્રેષ્ઠ છે. ।।૬૩।।