વચનામૃત ગઢડા મધ્યનું - ૬૪
સંવત ૧૮૮૧ના પોષ સુદિ ૭ સાતમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી-તકિયા નંખાવીને ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૧) હે મહારાજ ! ભગવાનના જે અવતાર છે તે સર્વે સરખા જ છે કે તેમાં અધિક-ન્યૂન ભાવ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, અમે વ્યાસજીના કરેલ જે સર્વે ગ્રંથ તે સાંભળ્યા ને પછી પૂર્વાપર વિચારીને જોયું ત્યારે તેમાંથી અમને એમ સમજાણું છે જે, મચ્છ, કચ્છ, વારાહ, નૃસિંહાદિક જે ભગવાનના અવતાર છે તે સર્વે અવતારના અવતારી શ્રીકૃષ્ણ ભગવાન છે પણ બીજા અવતારની પેઠે શ્રીકૃષ્ણ ભગવાન તે અવતાર નથી; એ તો અવતારી જ છે. એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે આપણા ઇષ્ટદેવ છે અને તે શ્રીકૃષ્ણ ભગવાનનાં ચરિત્ર શ્રીમદ્ ભાગવત પુરાણના દશમ સ્કંધને વિષે સંપૂર્ણ કહ્યાં છે, માટે આપણા ઉદ્ધવ સંપ્રદાયને વિષે અમે દશમ સ્કંધને અતિશે પ્રમાણ કર્યો છે. અને બીજા જે સર્વે અવતાર તે પણ શ્રીકૃષ્ણ ભગવાનના જ છે, માટે એ અવતાર ને એ અવતારને પ્રતિપાદન કરનારા જે ગ્રંથ તે સર્વેને આપણે માનવા પણ વિશેષ કરીને તો શ્રીકૃષ્ણ ભગવાન ને તેના પ્રતિપાદન કરનારા જે ગ્રંથ તેને જ માનવા. (૧)
૨ પછી પુરુષોત્તમ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો જે, (૨) ભગવાન જીવના કલ્યાણને અર્થે આ જગતને સૃજે છે તે વિશ્વ ન રચ્યું હોય ને માયાના ઉદરમાં જીવ હોય તેનું ભગવાન કલ્યાણ કરે તો શું ન થાય ? જે એટલો વિશ્વ સૃજવાનો ભગવાન દાખડો કરે છે એ પ્રશ્ન છે. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જે ભગવાન શ્રીકૃષ્ણ પુરુષોત્તમ છે તે તો રાજાધિરાજ છે અને અખંડ મૂર્તિ છે અને પોતાનું અક્ષરધામરૂપી જે તખત તેને વિષે સદા વિરાજમાન છે, અને તે અક્ષરધામને આશ્રિત અનંતકોટિ બ્રહ્માંડ રહ્યાં છે. તે જેમ કોઈક મોટો ચક્રવર્તી રાજા હોય ને તેને અસંખ્ય ગામડાં હોય તેમાંથી એક-બે ગામ ઉજ્જડ થયાં હોય અથવા વસ્યાં હોય, પણ તે તો રાજાની ગણતીમાં પણ ન હોય તેમ શ્રીકૃષ્ણ ભગવાન તે અનંતકોટિ બ્રહ્માંડના પતિ છે તે બ્રહ્માંડોનો કાંઈ એકસામટો પ્રલય થાતો નથી અને તેમાંથી એકાદા બ્રહ્માંડનો પ્રલય થાય તે તો ભગવાનની ગણતીમાં પણ નથી અને તે શ્રીકૃષ્ણ ભગવાનનો દેવકીજી થકી જે જન્મ તે તો કથનમાત્ર છે અને એ શ્રીકૃષ્ણ તો સદા અજન્મા છે. (૨) અને તે શ્રીકૃષ્ણ ભગવાનનું જે અક્ષરધામ છે તે વ્યતિરેકપણે તો પ્રકૃતિપુરુષ થકી પર છે અને અન્વયપણે કરીને તો સર્વે ઠેકાણે છે. જેમ આકાશ છે તે અન્વયપણે કરીને તો સર્વત્ર છે અને વ્યતિરેકપણે ચાર ભૂત થકી પર છે, તેમ જ શ્રીકૃષ્ણ ભગવાનનું અક્ષરધામ છે અને તે ધામને વિષે ભગવાન અખંડ
વિરાજમાન રહે છે. અને તે ધામમાં રહ્યા થકા અનંતકોટિ જે બ્રહ્માંડ છે તેને વિષે જ્યાં જેને જેમ દર્શન દેવું ઘટે ત્યાં તેને તેમ દર્શન દે છે અને જે સાથે બોલવું ઘટે તે સાથે બોલે છે અને જેનો સ્પર્શ કરવો ઘટે તેનો સ્પર્શ કરે છે. જેમ કોઈક સિદ્ધ પુરુષ હોય તે એક ઠેકાણે બેઠો થકો હજારો ગાઉ દેખે ને હજારો ગાઉની વાર્તાને સાંભળે તેમ ભગવાન પોતાના અક્ષરધામમાં રહ્યા થકા અનંતકોટિ બ્રહ્માંડને વિષે જ્યાં જેમ જણાવું ઘટે ત્યાં તેમ જણાય છે, અને પોતે તો સદા પોતાના અક્ષરધામમાં જ છે અને એક ઠેકાણે રહ્યા થકા જે અનંત ઠેકાણે જણાય છે તે તો પોતાની યોગકળા છે, જેમ રાસમંડળને વિષે જેટલી ગોપીયું તેટલા જ પોતે થયા, માટે એક ઠેકાણે રહ્યા થકા જે અનંત ઠેકાણે દેખાવું એ જ ભગવાનનું યોગકળાએ કરીને વ્યાપકપણું છે, પણ આકાશની પેઠે અરૂપપણે કરીને વ્યાપક નથી. અને જે ભગવાનની યોગમાયાએ કરીને પચાસ કરોડ યોજન જે પૃથ્વીનું મંડળ છે તે પ્રલયકાળને વિષે પરમાણુરૂપ થઈ જાય છે, અને તે પૃથ્વી પાછી સૃષ્ટિકાળને વિષે પરમાણુમાંથી પચાસ કરોડ યોજન થાય છે, અને ચોમાસું આવે છે ત્યારે ગાજવીજ ને મેઘની ઘટા થઈ આવે છે એ આદિક સર્વે આશ્ચર્ય તે ભગવાનની યોગમાયાએ કરીને થાય છે, એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે મુમુક્ષુને સર્વ પ્રકારે ભજન કરવા યોગ્ય છે. શા માટે જે બીજા અવતારને વિષે તો એક કે બે કળાનો પ્રકાશ હોય છે, અને શ્રીકૃષ્ણ ભગવાનને વિષે તો સર્વે કળાઓ છે, માટે એ શ્રીકૃષ્ણ ભગવાન તો રસિક પણ છે ને ત્યાગી પણ છે ને જ્ઞાની પણ છે ને રાજાધિરાજ પણ છે ને કાયર પણ છે ને શૂરવીર પણ છે ને અતિશે કૃપાળુ પણ છે ને યોગકળાને વિષે પ્રવીણ છે ને અતિશે બળિયા પણ છે ને અતિશે છળિયા પણ છે માટે સર્વે કળાએ સંપન્ન તો એક શ્રીકૃષ્ણ ભગવાન જ છે, અને તે શ્રીકૃષ્ણ ભગવાનનું જે અક્ષરધામ તેને આશ્રિત જે અનંતકોટિ બ્રહ્માંડ તે પણ સદાય રહે છે. તેમાંથી જે બ્રહ્માંડની સો વર્ષની આવરદા પૂરી થાય તે બ્રહ્માંડનો નાશ થાય તેણે કરીને કાંઈ સર્વે બ્રહ્માંડનો નાશ થાતો નથી, માટે પ્રલયકાળમાં શા સારુ કલ્યાણ કર્યું જોઈએ ? સર્વે બ્રહ્માંડ વસે જ છે તો એવી રીતે એ પ્રશ્નનું સમાધાન છે. એવી રીતે પરોક્ષપણે પોતાના પુરુષોત્તમપણાની વાર્તા શ્રીજીમહારાજે કરી તેને સાંભળીને સર્વે હરિભક્ત એમ જાણતા હવા જે એ જ જે શ્રીકૃષ્ણ પુરુષોત્તમ તે જ આ ભક્તિ-ધર્મના પુત્ર શ્રીજીમહારાજ છે. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૬૪।। (૧૯૭)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે મચ્છ-કચ્છાદિક અવતારોના અવતારી શ્રીકૃષ્ણ છે માટે એ મચ્છ-કચ્છાદિક અવતારોના ગ્રંથથી શ્રીકૃષ્ણના ગ્રંથને અધિક માનવા તેમ જ અમે સર્વ અવતારના અવતારી સર્વોપરી સાક્ષાત્ ભગવાન છીએ, માટે અમારા ગ્રંથને વિશેષ માનવા એમ જણાવ્યું છે. (૧) બીજામાં પરોક્ષ શ્રીકૃષ્ણના દૃષ્ટાંતે કરીને પોતાનું સર્વોપરીપણું કહ્યું છે, જે અમે રાજાધિરાજ અખંડ મૂર્તિ અક્ષરધામને વિષે વિરાજમાન છીએ. અને અમારા અક્ષરધામને આશરીને અનંતકોટિ બ્રહ્માંડ રહ્યાં છે તે બ્રહ્માંડોનો એકસામટો પ્રલય થાતો નથી એમ કહ્યું છે, અને શ્રીકૃષ્ણને દૃષ્ટાંતે કરીને પોતાને અજન્મા કહ્યા છે. (૨) અને અક્ષરધામ જે પોતાનું તેજ તેનું અન્વય-વ્યતિરેકપણું કહ્યું છે ને એ અક્ષરધામમાં રહ્યા થકા યોગકળાએ કરીને અનેક ઠેકાણે દર્શન આપીએ છીએ એમ કહ્યું છે. (૩) બાબતો છે.
૧ પ્ર. પહેલા પ્રશ્નમાં શ્રીજીમહારાજે શ્રીકૃષ્ણને પોતાના ઇષ્ટદેવ કહ્યા અને (લો. ૧૪/૨માં) શ્રીકૃષ્ણને નારાયણના એટલે પોતાના અવતાર કહ્યા છે અને (અ. ૭/૧માં) અમારા વિના બીજો કોઈ ભગવાન નથી એમ કહ્યું છે તે કેવી રીતે સમજવું ?
૧ ઉ. શ્રીજીમહારાજ મનુષ્યભાવે બોલે ત્યારે પરોક્ષ અવતારોને દૃષ્ટાંતે કરીને પોતાની વાત કરે અને જ્યારે પોતે ભગવાનપણે બોલે ત્યારે અમે ભગવાન છીએ એમ કહે, માટે આ ઠેકાણે મનુષ્યભાવે બોલ્યા છે તેથી શ્રીકૃષ્ણને ઇષ્ટદેવ કહ્યા છે, અને આમાં બીજા પ્રશ્નમાં જ પોતાના ધામને પણ પ્રકૃતિપુરુષથી પર કહ્યું છે તે પ્રકૃતિપુરુષ તે જ શ્રીકૃષ્ણ છે તે જ્યારે શ્રીકૃષ્ણથી પોતાનું ધામ પર કહ્યું તો પોતે તો પર હોય જ. આનો વિસ્તાર (પ્ર. ૮ના પહેલા પ્રશ્નોત્તરમાં) કર્યો છે.
૨ પ્ર. આમાં બીજા પ્રશ્નમાં એકાદા બ્રહ્માંડનો પ્રલય થાય છે, પણ સામટો થાતો નથી એમ કહ્યું અને (પ્ર. ૮ના ૨/૪ બીજા પ્રશ્નમાં) જ્યારે મહાપ્રલય થાય છે ત્યારે પુરુષોત્તમ જે અમે તે અમે એક જ રહીએ છીએ તથા (૫૬ના ૩/૪ ત્રીજા પ્રશ્નમાં) સર્વે બ્રહ્માંડનો પ્રલય થઈ જાય છે ત્યારે પ્રગટ ભગવાન જે અમે તે અમે એક જ રહીએ છીએ તથા (કા. ૭માં) પણ ચોથા પ્રશ્નમાં આત્યંતિક પ્રલય થાય છે ત્યારે એકલું સચ્ચિદાનંદ ચિદ્ઘન જે અમારું તેજ તે રહે છે, અને એ તેજમાં દિવ્યમૂર્તિ એવા અમે રહીએ છીએ એમ કહ્યું છે તે કેવી રીતે સમજવું ?
૨ ઉ. મૂળપુરુષ અનંત છે તે સર્વે મૂળપુરુષોના કાર્યનો સાથે પ્રલય થાતો નથી અને એક મૂળપુરુષના કાર્યનો પ્રલય થાય તેને મહાપ્રલય તથા આત્યંતિક પ્રલય કહે છે માટે (પ્ર. ૮ તથા ૫૬માં) પ્રલય કહ્યો છે તથા (કા. ૭માં) આત્યંતિક પ્રલય કહ્યો છે તે એક મૂળપુરુષના કાર્યને જ કહ્યો છે અને બીજા મૂળપુરુષોનાં કાર્ય તો હોય છે તેથી આમાં સામટો પ્રલય થતો નથી એમ કહ્યું છે આનો વિસ્તાર (પ્ર. ૮ના પાંચમા પ્રશ્નોત્તરમાં) કર્યો છે.
૩ પ્ર. (૨/૩ બીજા પ્રશ્નમાં) અક્ષરધામ વ્યતિરેકપણે તો પ્રકૃતિપુરુષથી પર છે, અને અન્વયપણે તો સર્વે ઠેકાણે છે એમ કહ્યું તે કેવી રીતે જાણવું ? કેમ જે, જે મૂર્તિમાન હોય તે મૂર્તિને વ્યતિરેક કહેવાય. અને તેના પ્રકાશને અન્વય કહેવાય, પણ અક્ષરધામ તો નિરાકાર એકરસ તેજ છે તેમાં અન્વય-વ્યતિરેકપણું કેવી રીતે જાણવું ?
૩ ઉ. શ્રીજીમહારાજ પોતાના તેજના સમૂહને વિષે પોતાના મુક્તોએ સહિત વિરાજમાન છે તે સમૂહને વ્યતિરેક કહેલ છે, અને એ તેજના સમૂહની અનંત કિરણો છે તે કિરણો મૂળઅક્ષર, બ્રહ્મ તથા મૂળપુરુષાદિક સર્વેને વિષે અંતર્યામીપણે વ્યાપક છે તેને અન્વય કહેલ છે. આ અન્વય સ્વરૂપને (પ્ર. ૬૪/૧માં) તથા (કા. ૮/૧માં) સાકાર મૂળઅક્ષરનું આત્મા કહ્યું છે, માટે મૂળઅક્ષરાદિકમાં વ્યાપક છે તે તેજને અન્વય કહે છે. આનો વિસ્તાર (પ્ર. ૭ના પાંચમા પ્રશ્નોત્તરમાં, તથા ૨૧ના સાતમા પ્રશ્નોત્તરમાં, તથા ૪૧ના પહેલા પ્રશ્નોત્તરમાં) કર્યો છે. ।।૬૪।।