વચનામૃત ગઢડા મધ્યનું - ૬૭

           સંવત ૧૮૮૧ના મહા વદિ ૩ તૃતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે ગંગાજળિયા કૂવા પાસે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને ગાદી-તકિયા નખાવીને વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પોતાની આગળ સાધુ દુકડ-સરોદા લઈને વિષ્ણુપદ ગાવતા હતા.

          તે કીર્તનભક્તિ થઈ રહ્યા પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, અમે સર્વે સંત પ્રત્યે પ્રશ્ન કરીએ છીએ જે, (૧) ભગવાનનો ભક્ત હોય તે દેહ મૂકીને બ્રહ્મરૂપ થઈને ભગવાનના ધામમાં જાય છે, પછી એમાં ને ભગવાનમાં શો અંતરાય રહે છે જેને કરીને સ્વામી-સેવકપણાનો નાતો રહે છે; કેમ જે એ ભગવાનનો ભક્ત છે તે પણ જેવા ભગવાન સ્વતંત્ર છે, ને કાળ, કર્મ ને માયા તેને આવરણે કરીને રહિત છે તેવો જ થાય છે. માટે એમાં શો ભેદ રહે છે જેણે કરીને સ્વામી-સેવકપણું રહે છે ? એ પ્રશ્ન છે. પછી પરમહંસે જેને જેવું સમજાણું તેણે તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજીમહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહિ, પછી સર્વે સંતે કહ્યું જે, હે મહારાજ ! તમારા પ્રશ્નનો ઉત્તર તો તમે જ કરશો ત્યારે થાશે, પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એનો ઉત્તર એમ છે જે, ભગવાનનો ભક્ત હોય તેણે જેવા ભગવાનને જાણ્યા હોય, જે ભગવાન આટલી સામર્થીએ યુક્ત છે, અને આટલી શોભાએ યુક્ત છે, અને આવા સુખરૂપ છે, એવી રીતે એ ભક્તે જેટલો ભગવાનનો મહિમા જાણ્યો છે, અને જેવા પ્રતાપે યુક્ત ભગવાનને જાણ્યા છે તે ભક્ત જ્યારે દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય છે. ત્યારે રૂપ તથા સામર્થી તે એ ભક્તની પણ તેવી જ થાય છે, તોપણ ભગવાનની સામર્થી અને ભગવાનનું સુંદરપણું ઇત્યાદિક જે પ્રતાપ તે એ ભક્તને ભગવાનને વિષે અતિશે જણાય છે, ત્યારે એ ભક્ત એમ જાણે છે જે મેં જેટલો પ્રતાપ જાણ્યો હતો ને સુંદરપણું જાણ્યું હતું તેટલું ઐશ્વર્ય ને સુંદરપણું તો મુને પણ ભગવાને આપ્યું છે, તોપણ ભગવાનનું ઐશ્વર્ય ને ભગવાનનું સુંદરપણું તે તો અતિશે અપાર દેખાય છે, માટે મું જેવા અનંત ભગવાનના સાધર્મ્યપણાને પામ્યા છે, તોપણ ભગવાન જેવો કોઈ થાવાને સમર્થ થાતો નથી, શા માટે જે ભગવાનનો મહિમા, ગુણ, કર્મ, જન્મ ને સામર્થી તથા સુંદરતા, સુખદાયકપણું એ આદિક જે અનંત કલ્યાણકારી ગુણ તેના પારને શેષ, શારદા, બ્રહ્માદિક દેવતા તથા ચાર વેદ એ પામતા નથી, અને ભગવાન પોતે પણ પોતાના મહિમાના પારને પામતા નથી. માટે ભગવાન તો સર્વે સામર્થીએ કરીને અપાર છે, અને એ ભગવાનને ભજીને અનંતકોટિ વૈષ્ણવ ભગવાન સરખા થયા છે, તોપણ ભગવાનમાંથી કોઈ જાત્યનો પ્રતાપ અણુ જેટલો પણ ન્યૂન થયો નથી, જેમ મીઠા જળનો સમુદ્ર ભર્યો હોય તેમાંથી મનુષ્ય, પશુ, પંખી સર્વે જેટલું ભાવે તેટલું જળ પીએ તથા પાત્ર ભરી લે, તોપણ ઓછું થાતું નથી, શા માટે જે તે સમુદ્ર તો અગાધ છે તેમ જ ભગવાનનો મહિમા પણ અતિશે અપાર છે, માટે કોઈ રીતે કરીને વધે ઘટે એવો નથી તે સારુ જે જે ભગવાનના ભક્ત બ્રહ્મસ્વરૂપ થયા છે, તોપણ ભગવાનના દૃઢ દાસ થઈને ભગવાનનું ભજન કરે છે, એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના સાધર્મ્યપણાને પામે છે, તોપણ સ્વામી-સેવકપણું રહે છે એ જ એ પ્રશ્નનો ઉત્તર છે. (૧) ઇતિ વચનામૃતમ્‌ ।।૬૭।। (૨૦૦)

          રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારા ભક્ત અમને જેવા જાણે તેવા થાય છે. તોપણ અમારો મહિમા, સામર્થી, પ્રતાપ, ઐશ્વર્ય તે અતિશે અપાર દેખાય છે તેણે કરીને અમારે વિષે સ્વામી-સેવકપણું અતિ દૃઢ થાય છે. (૧) બાબત છે.

       પ્ર. અમારા ભક્ત અમારા સરખા થાય એમ કહ્યું અને (કા. ૧૦ના ૧/૪ પહેલા પ્રશ્નમાં) અમારો ભક્ત છેવટ અક્ષર જેવો થાય, પણ અમારા જેવો ન થાય, એમ શ્રીજીમહારાજે કહ્યું છે તે કેવી રીતે સમજવું ?

       ઉ. (કા. ૧૦માં) ઐશ્વર્યની ઇચ્છાવાળા સકામ ભક્તની વાત કહી છે જે અમારા ભક્ત ઐશ્વર્યને ઇચ્છે તો છેલ્લામાં છેલ્લી મૂળઅક્ષરની પદવીને પામે, પણ અમારી જે પદવી છે તે ન મળે અને આમાં જે ઐશ્વર્યને ન ઇચ્છે ને એક શ્રીજીમહારાજની સેવાને જ ઇચ્છે એવા નિષ્કામ ભક્તની વાત કહી છે, માટે જે સેવાને ઇચ્છે એવા જે નિષ્કામ ભક્ત તે શ્રીજીમહારાજના સાધર્મ્યપણાને પામે, એટલે મુક્ત થાય એમ કહ્યું છે માટે એમાં સકામ ભક્તની પ્રાપ્તિ કહી છે. અને આમાં નિષ્કામ ભક્તની પ્રાપ્તિ કહી છે.

       પ્ર. જેવા શ્રીજીમહારાજને જાણે તેવો ભક્ત થાય એમ કહ્યું ત્યારે મૂળઅક્ષર તથા તેથી પર પરમએકાંતિક તથા તેથી પર અનાદિમુક્ત તેથી શ્રીજીમહારાજને પર જાણે તો તે ભક્ત કેવો થાય ?

       ઉ. અનાદિમુક્તની પદવીથી પર દાસની પદવી છે જ નહિ; તેથી પર તો સ્વામીની જ પદવી છે. અને જે દાસ હોય તે સ્વામીની પદવીને ઇચ્છે જ નહિ, અને જે દાસપણું મૂકી દઈને સ્વામીની પદવીને ઇચ્છે તેને તો કાંઈ પણ પ્રાપ્તિ ન થાય, અને એ શ્રીજીમહારાજને ગમે જ નહિ, તે (છે. ૨૬ના ૩/૪ ત્રીજા પ્રશ્નમાં) શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમને અભેદપણે ભજે તે ન ગમે, માટે જે દાસપણું મૂકી દે તે અભેદપણે ભજ્યા કહેવાય.

       પ્ર. અમે અમારા મહિમાના પારને પામતા નથી એમ કહ્યું તે શ્રીજીમહારાજ તો પોતે સાક્ષાત્‌ ભગવાન છે તેમને તો કાંઈ પણ અગમ્ય ન હોય, માટે પારને પામતા નથી એમ કહેવાનું શું કારણ હશે ?

       ઉ. એ તો પોતાના મહિમાનું અપારપણું કહેવા માટે એમ કહ્યું છે, જે અમારો મહિમા તો અતિશે અપાર છે, તેને કોઈ જાણી શકવા સમર્થ છે જ નહિ, અને અમે આટલું જ કરી શકીએ ને આટલું જાણી શકીએ એવો કોઈ અવધિ નથી માટે અમારા મહિમાનો કોઈ પ્રકારે અવધિ નથી.

       પ્ર. આમાં તથા (પ્ર. ૬૩ના ૩/૪ ત્રીજા પ્રશ્નમાં, ૬૪/૩માં, સા. ૧૧ના પહેલા પ્રશ્નમાં, લો. ૧૩ના બીજા પ્રશ્નમાં, મ. ૬૬ના સાતમા પ્રશ્નમાં, છે. ૩૭ તથા ૩૯/૫માં) પુરુષોત્તમના સાધર્મ્યપણાને પામે છે, એમ કહ્યું છે અને (પ્ર. ૨૧/૮માં, ૪૦ના પહેલા પ્રશ્નમાં, તથા સા. ૧૭/૨માં) મહાતેજ જેવો થાય એમ કહ્યું છે, તે અક્ષરધામનું અને પુરુષોત્તમનું સાધર્મ્યપણું કેવી રીતે જાણવું ?

       . (૨૧/૮માં) અક્ષરના સાધર્મ્યપણાને પામે છે એમ કહ્યું છે, તે સાધનકાળમાં સાધન કરતાં કરતાં પામે છે અને અક્ષરના સાધર્મ્યપણાને પામ્યા એવા અનંત મુક્તો રહ્યા છે એમ કહ્યું છે, તે પણ સાધન કરીને પામ્યા પછી રહ્યા છે તેમની વાત છે, અને (પ્ર. ૪૦માં) પણ અક્ષરબ્રહ્મના સાધર્મ્યપણાને પામીને અમારી મૂર્તિને વિષે નિમગ્ન રહેતો હોય તે નિર્વિકલ્પ સમાધિવાળો છે, તે પણ સાધનદશાવાળાને કહ્યું છે અને (સા. ૧૭માં) ખદ્યોતથી કરીને મહાતેજ જેવો થાય છે તે પણ સાધનદશાવાળાની વાત છે, માટે સાધનકાળમાં બ્રહ્મનું મનન કરતાં કરતાં બ્રહ્મના ગુણ એમાં આવે છે, તે (મ. ૩૧ના ૧/૨ પહેલા પ્રશ્નમાં ) બ્રહ્મનું મનન કરતાં કરતાં બ્રહ્મના ગુણ એમાં આવે છે એમ કહ્યું છે, ને બ્રહ્મના ગુણ આવે ત્યારે તે બ્રહ્મરૂપ થાય ત્યારે તે શ્રીજીમહારાજનો કૃપાપાત્ર થયો પછી શ્રીજીમહારાજની કૃપા થાય, તે (સા. ૧૧ના પહેલા પ્રશ્નમાં) આત્મસત્તાને પામે કહેતાં શ્રીજીમહારાજના તેજરૂપ આત્મા તે જેવો થાય છે, તે પછી અમે કૃપા કરીએ ત્યારે અમારા તુલ્યપણાને કહેતાં સાધર્મ્યપણાને પામે છે એમ કહ્યું છે, માટે સાધનકાળમાં સાધન કરતાં કરતાં અક્ષરબ્રહ્મ જે શ્રીજીમહારાજનું તેજ તે રૂપ થાય, ને પછી શ્રીજીમહારાજની કૃપા થાય ત્યારે તે પુરુષોત્તમરૂપ થાય, માટે સિદ્ધ થયા પછી તો પુરુષોત્તમનું જ સાધર્મ્યપણું રહે છે, પણ અક્ષરનું રહેતું નથી કેમ જે શ્રીજીમહારાજ જેવા દિવ્ય સાકાર છે તેવા જ મુક્ત પણ દિવ્ય સાકાર છે, માટે મૂર્તિમાન થયા પછી મૂર્તિમાન પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું જ સાધર્મ્યપણું રહે છે, પણ નિરાકાર શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામનું સાધર્મ્યપણું રહેતું નથી, માટે અક્ષરબ્રહ્મનું સાધર્મ્યપણું કહ્યું છે તે સાધનકાળની વાત છે. ।।૬૭।। (૨૦૦)

 

ઇતિ શ્રી કચ્છદેશે વૃષપુર નિવાસી અનાદિમુક્તરાજ શ્રી અબજીભાઈ વિરચિત

સાક્ષાત્‌ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મુખકમળ નિઃસૃત

વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાયાં ગઢડા મધ્ય પ્રકરણં સમાપ્તમ્‌