વચનામૃત ગઢડા મધ્યનું - ૯
સંવત ૧૮૭૮ના શ્રાવણ સુદિ ૧૪ ચૌદશને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ મશરૂના ચાકળા ઉપર વિરાજમાન હતા ને તે સમે આનંદાનંદ સ્વામીએ પૂજા કરી હતી તે રાતા કિનખાબનો સુરવાળ પહેર્યો હતો તથા રાતા કિનખાબની ડગલી પહેરી હતી તથા મસ્તક ઉપર સોનેરી ફરતા છેડાનો કસુંબી રેંટો બાંધ્યો હતો તથા કમરે જરકશી શેલું બાંધ્યું હતું તથા ગૂઢો આસમાની રંગનો રેંટો ખભા ઉપર નાખ્યો હતો અને હાથે રાખડીઓ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, કીર્તન બોલીએ. પછી શ્રીજીમહારાજે કહ્યું જે, લ્યો પરમેશ્વરની વાર્તા કરીએ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) જ્ઞાનમાર્ગ તો એવો સમજવો જે, કોઈ રીતે ભગવાનના સ્વરૂપનો દ્રોહ થાય નહિ ને કોઈક કાળે ભગવાનના વચનનો લોપ થાતો હોય તો તેની ચિંતા નહિ પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ થાવા દેવો નહિ ને જો ભગવાનનું વચન કાંઈક લોપાણું હોય તો તે ભગવાનની પ્રાર્થના કરીને પણ છૂટકો થાય, પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ કર્યો હોય તો તેનો કોઈ રીતે છૂટકો થાય નહિ, માટે જે સમજુ હોય તેને ભગવાનના વચનમાં તો જેટલું પોતાની સામર્થી પ્રમાણે રહેવાય તેટલું અવશ્ય રહેવું પણ ભગવાનની મૂર્તિનું બળ અતિશે રાખવું જે, સર્વો૫રી ને સદા દિવ્ય સાકારમૂર્તિ અને સર્વ અવતારનું અવતારી એવું જે ભગવાનનું સ્વરૂપ છે તે જ મુને પ્રાપ્ત થયું છે અને જે એમ જાણતો હોય ને તેથી જો કદાચિત્ સત્સંગથી બહાર નીસરી જવાણું તોય પણ તેને ભગવાનની મૂર્તિમાંથી હેત ટળતું નથી ને તે હમણાં તો સત્સંગથી બહાર છે, પણ દેહ મૂકીને તો અંતે ભગવાનનું જે અક્ષરધામ તેને વિષે ભગવાનને સમીપે જાશે. (૧) અને હમણે સત્સંગમાં રહેતો હશે અને શાસ્ત્રના વચનમાં પણ રહેતો હશે ને તેને જો ભગવત્સ્વરૂપની નિષ્ઠા પાકી નહિ હોય તો તે જ્યારે દેહ મૂકશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જાશે ને કાં તો કોઈક બીજા દેવતાના લોકમાં જાશે પણ તે પુરુષોત્તમ ભગવાનના ધામને વિષે નહિ જાય. (૨) તે માટે પોતાને સાક્ષાત્ મળ્યું જે ભગવાનનું સ્વરૂપ તેને સદા દિવ્ય સાકાર મૂર્તિ ને સર્વ અવતારનું કારણ અવતારી એવું જાણવું. અને જો એમ ન જાણે ને નિરાકાર જાણે ને બીજા અવતાર જેવા જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય. અને જેમ અર્જુન હતા તેને તો ભગવત્સ્વરૂપનું બળ હતું અને યુધિષ્ઠિર રાજાને તો શાસ્ત્રના વચનનું બળ હતું પછી જ્યારે ભારતની લડાઈ થઈ ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું જે :
सर्व धर्मान्परित्यजय मामेकं शरणं व्रज ।
अहं त्वां सर्व पापेभ्यो मोक्षविष्यामि मा शुच: ।।
એ શ્લોકનો અર્થ છે જે હે અર્જુન ! સર્વ ધર્મને તજીને તું એક મારા જ શરણને પામ્ય, તો હું તુંને સર્વ પાપ થકી મુકાવીશ; તું કાંઈ શોક કરીશ મા, એ વચનને માનીને અર્જુન જે તે લડાઈને વિષે અનંત દોષ થયા તોપણ લેશમાત્ર મનમાં ઝાંખા થયા નહિ અને ભગવાનના આશ્રયનું બળ રાખી રહ્યા, અને યુધિષ્ઠિરે કાંઈ પાપ કર્યું નહિ તોપણ શાસ્ત્રનાં વચનનો વિશ્વાસ હતો તેણે કરીને એમ જાણ્યું જે, મારું કોઈ કાળે કલ્યાણ નહિ થાય, પછી સર્વે ઋષિએ સમજાવ્યા તથા વ્યાસજીએ સમજાવ્યા તથા શ્રીકૃષ્ણ ભગવાને પોતે સમજાવ્યા તોય પણ શોક મૂક્યો નહીં. પછી શ્રીકૃષ્ણ ભગવાને ભીષ્મ પાસે લેઈ જઈને શાસ્ત્ર સંબંધી કથા સંભળાવી ત્યારે કાંઈક વિશ્વાસ આવ્યો તોય પણ અર્જુન જેવા નિઃસંશય થયા નહિ, માટે બુદ્ધિમાનને તો ભગવત્સ્વરૂપનું બળ અતિશે રાખ્યું જોઈએ એ બળ જો લેશમાત્ર પણ હોય તો મોટા ભયથી રક્ષા કરે તે પણ શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે જે, ।। स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् ।। એ શ્લોકનો એ અર્થ છે જે ભગવત્સ્વરૂપના બળનો લેશમાત્ર હોય તે પણ મોટા ભય થકી રક્ષાને કરે છે, જેમ અર્જુને ભારતની લડાઈ કરી. ત્યારે તેને વિષે કેટલીક જાતના અધર્મરૂપી મોટા મોટા ભય આવ્યા, પણ તે ભય થકી જે અર્જુનની રક્ષા થઈ તે ભગવત્સ્વરૂપના બળને પ્રતાપે થઈ, માટે જેને સર્વથી ભગવત્સ્વરૂપનું બળ અધિક હોય એ જ એકાંતિક ભક્ત કહેવાય ને તે જ પાકો સત્સંગી કહેવાય. અને શ્રીમદ્ ભાગવતમાં પણ એ જ વાત પ્રધાન છે જે, શ્રુતિ-સ્મૃતિના ધર્મને કાંઈક તજાય તો તેની ચિંતા નહિ, પણ ભગવાનનો આશ્રય તજવો નહિ અને કોઈક એમ જાણે જે, આવી વાત કરીએ તો ધર્મ ખોટા થઈ જાય પણ આ વાર્તા કાંઈ ધર્મને ખોટા કર્યા સારુ નથી; આ તો એટલાં સારુ છે જે દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, શાસ્ત્ર, ઉપદેશ ને દેવતા એટલાં વાનાં શુભ ને અશુભ એ બે પ્રકારનાં છે તેમાંથી જો અશુભનો યોગ થાય ને એને કાંઈક વિઘ્ન પડે તોપણ જો ભગવાનના સ્વરૂપમાં નિષ્ઠા પાકી હોય તો તે કલ્યાણના માર્ગમાંથી કોઈ કાળે પડે નહીં. (૩) અને જો ભગવત્સ્વરૂપની નિષ્ઠામાં કાચ્યપ હોય તો જે દિવસે ધર્મમાંથી ચળી જવાય તે દિવસે તે એમ જાણે જે હું નરકમાં પડી ચૂક્યો, માટે જેને ભગવત્સ્વરૂપનું બળ હોય તે જ પાકો સત્સંગી છે અને એ વિના બીજા તો ગુણબુદ્ધિવાળા કહેવાય અને જેને ભગવત્સ્વરૂપની નિષ્ઠા પાકી હોય તેને જ શાસ્ત્રમાં પણ એકાંતિક ભક્ત કહ્યો છે. (૪) અને આ સમામાં જેવી સત્સંગમાં વાર્તા થાય છે તેને જો નારદ-સનકાદિક ને બ્રહ્માદિક દેવતા સાંભળે તો સાંભળીને એમ કહે જે આવી વાર્તા કોઈ કાળે સાંભળી પણ નથી અને સાંભળીશું પણ નહિ; આ વાર્તા તો ।। न भूतो न भविष्यन्ति ।। એવી છે અને અતિશે ઝીણી વાર્તા થાય છે તોપણ અતિશે સ્થૂળ બુદ્ધિવાળા હોય તેને પણ સમજાય છે એવી મૂર્તિમાન વાર્તા થાય છે માટે આ સમે જેને સત્સંગમાં પ્રતીતિ આવી છે તેના પુણ્યનો પાર આવે એમ નથી, એવું જાણીને સત્સંગી હોય તેને પોતાને વિષે કૃતાર્થપણું માન્યું જોઈએ અને જેને ભગવાનને વિષે અતિશે પ્રીતિ હોય તેને તો આ વાર્તા સમજાય અથવા ન સમજાય તોપણ તેને તો કાંઈ કરવું રહ્યું નથી પણ જેને પરમેશ્વરને વિષે અતિશે પ્રીતિ તો ન હોય તેને તો જરૂર ભગવાનના સ્વરૂપનો મહિમા સમજ્યો જોઈએ, માટે જે ડાહ્યો હોય તેને તો આ વાર્તા સમજી વિચારીને અતિ દૃઢ ભગવાનનો આશરો કરવો એ જ મત અતિ સારમાં સાર છે. (૫) ઇતિ વચનામૃતમ્ ।।૯।। (૧૪૨)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, સર્વેથી પર એવા જે અમે તે તમને મળ્યા છીએ માટે અમારી મૂર્તિનું બળ અતિશે રાખવું અને અમારું સર્વોપરીપણાનું બળ હોય તો તેથી સત્સંગ બહાર જવાણું હોય તોપણ અમારે વિષેથી હેત ટળે નહિ ને તે અંતે અક્ષરધામને વિષે અમારે સમીપે રહેશે. (૧) અને હમણાં સત્સંગમાં રહેતો હોય ને શાસ્ત્રના વચનમાં પણ રહેતો હોય તોપણ અમારા સ્વરૂપની પાકી નિષ્ઠા ન હોય તો તે અમારા ધામ વિના બીજા લોકમાં જાય. (૨) અને જેને અમારા સ્વરૂપનું બળ હોય તે જ એકાંતિક ને પાકો સત્સંગી છે, અને એ અશુભ દેશકાળાદિકને યોગે કદાપિ ધર્મમાંથી ચળી જાય તો પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધ થાય, પણ કલ્યાણના માર્ગથી પડે નહીં. (૩) અને અમારા સ્વરૂપની નિષ્ઠામાં કાચ્યપ હોય ને ધર્મથી ચળી જાય તો નરકમાં પડી ચૂક્યો એમ જાણીને કલ્યાણને માર્ગે ચાલી શકે નહીં. (૪) અને જેને અમારે વિષે અતિશે પ્રીતિ હોય તેને કાંઈ કરવું રહ્યું નથી અને જેને અમારે વિષે અતિશે પ્રીતિ ન હોય તેને તો અમારો મહિમા સમજવો. (૫) બાબતો છે.
૧ પ્ર. પહેલી બાબતમાં જે અમને સર્વોપરી જાણે તેને કદાચિત્ સત્સંગ બહાર જવું પડે તોપણ તેનું કલ્યાણ થાય એમ કહ્યું તે એને શા કારણથી સત્સંગ બહાર જવું પડતું હશે ? અને ત્યાગીમાંથી નીકળીને ગૃહસ્થાશ્રમમાં જાય તે સત્સંગ બહાર કહેવાય કે ત્યાગીના વેશે એકલો ફરે ને માગી ખાય તે સત્સંગ બહાર કહેવાય ? અને તે શાસ્ત્રનું કેટલું વચન લોપે તોપણ અક્ષરધામને પામે ?
૧ ઉ. શ્રીજીમહારાજને સદા સાકાર દિવ્ય મૂર્તિ ને સર્વ અવતારના અવતારી ને સર્વના કારણ જાણે પણ મૂંઝવણિયો સ્વભાવ હોય તે સત્સંગમાં રહેવા દે નહિ તેણે કરીને સત્સંગ બહાર જાવું પડે, પણ શ્રીજીમહારાજનો નિશ્ચય સર્વોપરી હોય ને શ્રીજીમહારાજને વિષે અચળ હેત હોય ને શ્રીજીમહારાજને તથા સંતને કલ્યાણના દાતા જાણે અને તેમના ગુણ ગ્રહણ કરે ને પોતાને વિષે દોષ પરઠે ને માગી ખાઈને પોતાનું ગુજરાન ચલાવે ને શ્રીજીમહારાજની બાંધેલી મર્યાદા પ્રમાણે વર્તે ને નિયમમાં કુશળ રહે તે અક્ષરધામને પામે. અને ત્યાગીમાંથી ગૃહસ્થમાં જાય તે સત્સંગ બહાર ન કહેવાય; જે એકડમલ થઈ જાય તે સત્સંગ બહાર કહેવાય. તે એકલો હોય માટે તે ભિક્ષા માગવા જાય ત્યારે બાઈઓ સાથે બોલવું પડે, એટલું જ શાસ્ત્રનું વચન લોપાય પણ તેથી અધિક ન લોપે તો અક્ષરધામમાં જાય અને બોલવા સિવાયની બીજી આજ્ઞા લોપે તો અક્ષરધામને ન પામે અને ગૃહસ્થને અશુભ દેશકાળાદિકને યોગે સત્સંગના નિયમ-ધર્મ પાળી શકે નહિ તે સત્સંગ બહાર કહેવાય તોપણ શ્રીજીમહારાજના સ્વરૂપની નિષ્ઠા પાકી હોય તો તેનું જન્માંતરે કલ્યાણ થાય એટલે કલ્યાણના માર્ગમાં રહે પણ કલ્યાણનો માર્ગ બંધ થાય નહીં.
૨ પ્ર. બીજી બાબતમાં અમારા સ્વરૂપની નિષ્ઠા પાકી ન હોય તો તે બ્રહ્માના તથા બીજા દેવતાના લોકમાં જાશે એમ શ્રીજીમહારાજે કહ્યું, તે નિષ્ઠા કેવી જાણવી ? ને બ્રહ્મા તથા દેવતા કિયા જાણવા ?
૨ ઉ. છપૈયા ધામને વિષે મનુષ્ય રૂપે પ્રગટ થઈને મળ્યા જે સાક્ષાત્ શ્રીજીમહારાજ તેમને દિવ્ય સાકાર મૂર્તિ ને સર્વે અવતારના કારણ ને અવતારી જાણે તે પાકી નિષ્ઠા કહેવાય અને નિરાકાર કે બીજા અવતાર જેવા જાણે તો દ્રોહ કર્યો કહેવાય. અને બ્રહ્મા એટલે મૂળપુરુષ જાણવા અને પ્રધાનપુરુષને દેવતા કહ્યા છે તે લોકને પામે.
૩ પ્ર. ત્રીજી બાબતમાં અર્જુને શાસ્ત્રનું વચન ન માન્યું તેને વખાણ્યા ને યુધિષ્ઠિરને ન્યૂન કહ્યા તેનું શું કારણ હશે ? કેમ જે (પ્ર. ૭૮ના ચૌદમા પ્રશ્નમાં) પંચવર્તમાન સંપૂર્ણ રાખે તો અમે પ્રસન્ન થઈએ એમ કહ્યું છે તથા (લો. ૬ના ૧૩/૧૬ તેરમા પ્રશ્નમાં) અમારું વચન અધર્મ જેવું જણાય તો ન માનવું તથા (છે. ૨૭ના બીજા પ્રશ્નમાં) વર્તમાનની આંટી મૂકવી નહિ એમ કહ્યું છે. તે પ્રમાણે તો યુધિષ્ઠિરને વખાણ્યા જોઈએ એ માટે તે કેવી રીતે સમજવું ? અને સ્વરૂપનિષ્ઠા શી સમજવી ?
૩ ઉ. જેમ અર્જુને શ્રીકૃષ્ણના વચનની પ્રતીતિ રાખી અને શાસ્ત્રના વચનની શાખ્ય ન લીધી તેમ અમે સર્વોપરી, સર્વના કારણ, સર્વનિયંતા, સર્વોપાસ્ય છીએ એવા જાણવા તે અમારા વચનથી જ જાણજ્યો પણ તેમાં શાસ્ત્રની શાખ્ય લેશો નહિ એમ શ્રીજીમહારાજે કહ્યું છે તે (મ. ૩૧ના ૨/૫ બીજા પ્રશ્નમાં) આવી વાત અમે ઘણીક વાર કરી છે પણ શાસ્ત્રનાં વચન સાંભળીને સમજણમાં ઠા રહેતો નથી એમ કહ્યું છે, માટે શ્રીજીમહારાજને સર્વોપરી સમજવા તેમાં બીજા શાસ્ત્રની વા શ્રીજીમહારાજને સર્વોપરી ન કહેતાં હોય તેવાં વાક્યોની શાખ્ય લેવા જાય તેને યુધિષ્ઠિરની પેઠે સંશયાત્મક જાણવો અને જે શ્રીજીમહારાજના સ્વરૂપને જાણવામાં બીજી શાખ્ય ન ગોતે તેને અર્જુનની પેઠે પરિપક્વ નિશ્ચય જાણવો અને જેમ અર્જુનને શ્રીકૃષ્ણ ભગવાનને વિષે જ નિષ્ઠા હતી તેમ જ શ્રીજીમહારાજને વિષે જ નિષ્ઠા હોય તે જ સ્વરૂપનિષ્ઠા જાણવી પણ સ્વરૂપ-સ્વરૂપીભાવ જુદો ન સમજવો અને વચનામૃતમાં જ્યાં સંત કે અવતાર અમારું સ્વરૂપ છે એમ કહ્યું હોય ત્યાં જ સ્વરૂપ-સ્વરૂપી જુદાં સમજવાં પણ તે વિના ન સમજવા. ।।૯।।