વચનામૃત જેતલપુરનું - ૨
સંવત ૧૮૮૨ના ચૈત્ર સુદિ ૩ ત્રીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી જેતલપુર મધ્યે સાંજને સમે શ્રી રાધાકૃષ્ણના મંદિરના ચોક વચ્ચે ઢોલિયો બિછાવ્યો હતો તેને ઉપર પોતે વિરાજમાન હતા ને સુંદર શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પાઘને વિષે ડોલરિયાનાં પુષ્પના તોરા લટકતા હતા ને શ્વેત પછેડી ઓઢી હતી ને શ્વેત ખેસ પહેર્યો હતો ને શ્વેત રૂમાલ હસ્તકમળને વિષે ધરી રહ્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ પ્રત્યે બ્રહ્માનંદ સ્વામીએ એમ પ્રશ્ન પૂછ્યો જે, (૧) હે મહારાજ ! યતિ કેને કહીએ ? તે કહો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, હનુમાનજી જ્યારે લંકામાં જાનકીજીની ખબર કાઢવા ગયા ત્યારે જાનકીજીને ઓળખવાં હતાં તે સારુ જેટલી સ્ત્રીઓ લંકામાં હતી તે સર્વેને જોતા હવા, ને તે પછી મંદોદરીને હનુમાનજી દેખતા હવા. ત્યારે પોતે એમ જાણ્યું જે આ જાનકીજી હશે ? પછી એમ મનમાં વિચાર કર્યો જે જાનકીજીને તો ભગવાન રઘુનાથજીનો વિયોગ છે તેણે કરીને આવું શરીર પુષ્ટ હોય જ નહિ, ને આવી નિદ્રા પણ ન હોય એવો મનમાં વિચાર કરીને હનુમાનજી પાછા વળી નીસર્યા, પછી પોતાને એવો મનમાં સંકલ્પ થયો જે હું યતિ છું ને મેં આ સ્ત્રીઓ સર્વને જોઈ તેનો મુને કાંઈ બાધ હશે કે નહીં ? પછી વળી એમ વિચાર કર્યો જે, મેં તો રઘુનાથજીની આજ્ઞાએ કરીને જાનકીજીની ખબર કાઢવી છે તે સારુ સ્ત્રીઓને જોઈ તેનો શો બાધ છે ? પછી વળી મનમાં એમ વિચાર કર્યો જે મારી વૃત્તિમાં ને મારી ઇન્દ્રિયોમાં રઘુનાથજીની કૃપાએ કરીને ક્ષોભ પણ નથી ઊપજ્યો એવો હોય તે યતિ કહેવાય. અને વળી જ્યારે જાનકીજીનું હરણ થયું ત્યારે રઘુનાથજી ને લક્ષ્મણજી એ બેય જ્યાં સુગ્રીવ ફટક શિલા ઉપર હતો ત્યાં ગયા ત્યારે સુગ્રીવને જણાવ્યું જે, જાનકીજીનું હરણ થયું છે તે માટે અહીં આવ્યા છીએ તે જો કાંઈ તમને ખબર હોય તો કહો ! ત્યારે સુગ્રીવે કહ્યું જે, હે મહારાજ ! આકાશને વિષે હે રામ ! હે રામ ! એવો શબ્દ થાતો હતો તે મેં સાંભળ્યો હતો, અને બીજું જે, આ ચીરમાં બાંધીને ઘરેણાં પડતાં મૂક્યાં હતાં તે મારે પાસે મેં રાખ્યાં છે, ત્યારે રઘુનાથજીએ કહ્યું જે તે લાવો જોઈએ. ત્યારે તે ઘરેણાં સુગ્રીવે રઘુનાથજીને આપ્યાં, પછી રઘુનાથજીએ લેઈને લક્ષ્મણજીને દેખાડ્યાં તે પ્રથમ તો કાનનાં દેખાડ્યાં પછી હાથના બાજુબંધ આદિક દેખાડ્યાં તે લક્ષ્મણજીએ ન ઓળખ્યાં, ત્યારપછી પગનાં ઝાંઝર દેખાડ્યાં ત્યારે લક્ષ્મણજીએ કહ્યું જે, હે મહારાજ ! આ તો જાનકીજીનાં ઝાંઝર ખરાં. ત્યારે રઘુનાથજીએ પૂછ્યું જે, હે લક્ષ્મણજી ! બીજાં ઘરેણાં ન ઓળખ્યાં ને ઝાંઝર કેમ ઓળખ્યાં ? ત્યારે લક્ષ્મણજીએ કહ્યું જે, હે મહારાજ ! જાનકીજીનું સ્વરૂપ તે મેં નથી દીઠું, અને સાંજે પગે લાગવા જાતો ત્યારે ઝાંઝર દીઠાં હતાં તે સારુ મેં ઓળખ્યાં. એવી રીતે ચૌદ વર્ષ સુધી સેવામાં રહ્યા પણ દૃષ્ટિએ કરીને જાનકીજીનું સ્વરૂપ એક ચરણારવિંદ વિના બીજું દીઠું નહિ એવો હોય તે યતિ જાણવો. એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે, આ બ્રહ્માનંદ સ્વામી છે તે પણ તે જેવા જ યતિ છે, એમ સર્વે સભાને સાંભળતે સતે બ્રહ્માનંદ સ્વામીની શ્રીજીમહારાજે યતિપણાની બહુ પ્રશંસા કરી. (૧) ને ગામ બહાર પધાર્યા ને યજ્ઞ થયા હતા તે ઠેકાણે પરથાર ઉપર ઢોલિયો બિછાવ્યો હતો તે ઉપર પોતે વિરાજમાન થયા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે કહ્યું જે કાંઈક પ્રશ્ન-ઉત્તર કરો.
ત્યારે પટેલ આશજીભાઈએ પ્રશ્ન પૂછ્યો જે, (૨) હે મહારાજ ! આ જીવનું સ્વરૂપ તે કેવું છે ? તે કહો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જીવ તો અછેદ્ય, અભેદ્ય, અવિનાશી, ચૈતન્યરૂપ અણુમાત્ર એવો છે ત્યારે તે જીવ ક્યાં રહે છે ? તો હૃદયાકાશને વિષે રહે છે અને વિવિધ ક્રિયાને ત્યાં રહ્યો થકો કરે છે અને રૂપ જોવું હોય ત્યારે નેત્ર દ્વારે કરીને જુએ છે, અને શબ્દ સાંભળવો હોય ત્યારે કાન દ્વારે આવીને સાંભળે છે, ને નાસિકા દ્વારે સારો-નરસો ગંધ લે છે ને રસના દ્વારે રસ લે છે, ને ત્વચા દ્વારે સ્પર્શનું સુખ લે છે, અને મન દ્વારે મનન કરે છે, ને ચિત્ત દ્વારે ચિંતવન કરે છે ને બુદ્ધિ દ્વારે નિશ્ચય કરે છે, એમ દશ ઇન્દ્રિયો દ્વારે તથા ચાર અંતઃકરણ દ્વારે સર્વે વિષયનું ગ્રહણ કરે છે, ને નખથી તે શિખા પર્યંત શરીરમાં વ્યાપીને રહ્યો છે, એવી રીતે જીવનું સ્વરૂપ છે. અને આપણે તો પ્રગટ પ્રમાણ પુરુષોત્તમ એવા જે શ્રી નરનારાયણ તેને પ્રતાપે કરીને એ જીવને સારી પેઠે ઓળખ્યો છે ને જાણ્યો છે. એમ કહીને સર્વને રાજી કરીને જય સચ્ચિદાનંદ કહીને મહોલમાં પોઢવા પધારતા હવા. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૨।। (૨૩૧)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે હનુમાનજી ને લક્ષ્મણજીને દૃષ્ટાંતે યતિનાં લક્ષણ કહ્યાં છે, અને બ્રહ્માનંદ સ્વામીની યતિપણાની પ્રશંસા કરી છે. (૧) બીજામાં જીવ હૃદયને વિષે રહ્યો થકો ઇન્દ્રિયો-અંતઃકરણ દ્વારે વિષયનું ગ્રહણ કરે છે, ને શરીરમાં વ્યાપી રહ્યો છે તે જીવને પ્રગટ પ્રમાણ પુરુષોત્તમ શ્રી નરનારાયણ જે અમે તે અમારે પ્રતાપે કરીને તમે સારી પેઠે એટલે જેવો જાણવો જોઈએ તેવો બ્રહ્મરૂપ જાણ્યો છે એમ કહ્યું છે. (૨) બાબતો છે. ।।૨।।