વચનામૃત વરતાલનું - ૧૦
સંવત ૧૮૮૨ના પોષ સુદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના દરબારમાં લીંબડાના વૃક્ષ હેઠે પાટ ઉપર ગાદી-તકિયા નખાવીને વિરાજમાન હતા અને અંગને વિષે સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
તે સમયમાં ગામ ભાદરણના કોઈક પાટીદાર આવ્યા. તેણે શ્રીજીમહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, (૧) હે મહારાજ ! જીવનું કલ્યાણ કેમ થાય ? પછી શ્રીજીમહારાજે કહ્યું જે, આ પૃથ્વીને વિષે રાજારૂપ ને સાધુરૂપ એ બે પ્રકારે ભગવાનના અવતાર થાય છે. તેમાં રાજા રૂપે જ્યારે પૃથ્વી ઉપર પ્રગટ થાય ત્યારે તો તે ઓગણચાળીશ લક્ષણે યુક્ત હોય અને જ્યારે સાધુ રૂપે પૃથ્વી ઉપર પ્રગટ થાય ત્યારે તો બત્રીશ પ્રકારને લક્ષણે યુક્ત હોય અને જ્યારે રાજા રૂપે ભગવાન હોય તો તે ચોસઠ તો પ્રકારની કળાએ યુક્ત હોય તથા સામ, દામ, ભેદ, દંડ એ ચાર પ્રકારના જે ઉપાય તેણે યુક્ત હોય તથા શૃંગાર આદિક જે નવ રસ તેણે યુક્ત હોય. અને તે ભગવાન જ્યારે સાધુ રૂપે હોય ત્યારે તેમાં એ લક્ષણ હોય નહિ અને જે રાજા રૂપે ભગવાન હોય તેને જો આપત્કાળ આવ્યો હોય તો મૃગયા કરીને પણ જીવે અને ચોર હોય તેને ગર્દન પણ મારે અને ઘરમાં સ્ત્રીઓ પણ રાખે. અને સાધુ રૂપે ભગવાન હોય તે તો અતિશે અહિંસા પર વર્તે તે નીલા તૃણને પણ તોડે નહિ અને કાષ્ઠની તથા ચિત્રામણની સ્ત્રીનો પણ સ્પર્શ કરે નહિ, માટે સાધુ રૂપે જે ભગવાનની મૂર્તિ ને રાજા રૂપે જે ભગવાનની મૂર્તિ એ બેની રીતિ એક હોય નહિ અને શ્રીમદ્ ભાગવતના પ્રથમ સ્કંધને વિષે પૃથ્વી ને ધર્મના સંવાદે કરીને રાજારૂપ જે શ્રીકૃષ્ણાદિક ભગવાનના અવતાર તેનાં ઓગણચાળીસ લક્ષણ કહ્યાં છે અને એકાદશ સ્કંધને વિષે શ્રીકૃષ્ણ ભગવાન ને ઉદ્ધવના સંવાદે કરીને સાધુરૂપ જે દત્તાત્રેય-કપિલ આદિક ભગવાનના અવતાર તેનાં બત્રીશ લક્ષણ કહ્યાં છે. (૧) માટે જેને પોતાનું કલ્યાણ ઇચ્છવું તેને તે લક્ષણે કરીને તે ભગવાનને ઓળખીને તે ભગવાનને શરણે થાવું. અને તેનો દૃઢ વિશ્વાસ રાખવો ને તેની આજ્ઞામાં રહીને તેની ભક્તિ કરવી એ જ કલ્યાણનો ઉપાય છે. અને ભગવાન જ્યારે પૃથ્વીને વિષે પ્રત્યક્ષ ન હોય ત્યારે તે ભગવાનના મળેલા જે સાધુ તેનો આશ્રય કરવો તો તે થકી પણ એ જીવનું કલ્યાણ થાય છે. અને જ્યારે એવા સાધુ પણ ન હોય ત્યારે ભગવાનની પ્રતિમાને વિષે દૃઢ પ્રતીતિ રાખવી ને સ્વધર્મમાં રહીને ભક્તિ કરવી તે થકી પણ જીવનું કલ્યાણ થાય છે. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૧૦।। (૨૧૦)
રહસ્યાર્થ પ્રદી - આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે રાજા રૂપે ને સાધુ રૂપે પોતાના અવતાર થાય છે તેનાં લક્ષણ કહ્યાં છે. (૧) અને અમે પૃથ્વીને વિષે મનુષ્ય રૂપે પ્રગટ થયા છીએ, તે અમને ઓળખીને અમારો આશરો કરે તેનું કલ્યાણ થાય છે, અને અમે પૃથ્વી ઉપર મનુષ્ય રૂપે વિચરતા ન હોઈએ ત્યારે અમને મળેલા એટલે અમારા ધામમાંથી આવેલા મુક્ત મળે તેનો આશરો કરે તો કલ્યાણ થાય, અને એવા મુક્ત મનુષ્ય રૂપે ન હોય ત્યારે અમારી પ્રતિમાને વિષે પ્રતીતિ રાખીને ભક્તિ કરે તો મોક્ષ થાય એમ કહ્યું છે. (૨) બાબતો છે.
૧ પ્ર. પહેલી બાબતમાં રાજા રૂપે ને સાધુ રૂપે ભગવાન પ્રગટ થાય છે એમ કહ્યું તે રાજા રૂપે કેવી રીતે જાણવા ? અને સાધુ રૂપે કેવી રીતે જાણવા ?
૧ ઉ. ભગવાન પૃથ્વીને વિષે પ્રગટ થઈને ગૃહસ્થના આશ્રમમાં રહે તે રાજા રૂપે જાણવા. અને ત્યાગીના આશ્રમમાં રહે તે સાધુ રૂપે જાણવા. પણ સાધુને ભગવાન ન જાણવા. એ તો ભગવાન પોતે જ પ્રગટ થઈને ત્યાગીને વિષે વિચરતા હોય તે જ સાધુરૂપ જાણવા.
૨ પ્ર. બીજી બાબતમાં પ્રતિમાથી મુક્તને વિશેષ કહ્યા તે કેમ સમજવું ?
૨ ઉ. ફક્ત શ્રીજીમહારાજનું જ્ઞાન સમજવા માટે પ્રતિમાથી મુક્તને વિશેષ કહ્યા છે, પણ ધ્યાન-ભજન કરવાનું કહ્યું નથી. ।।૧૦।।