વચનામૃત વરતાલનું - ૫

સંવત ૧૮૮૨ના માગશર વદિ ૪ ચતુર્થીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરથી ઉત્તર દિશે ગોમતીજીને કાંઠે આંબાના વૃક્ષ હેઠે વેદી ઉપર ઢોલિયાને વિષે ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા અને અતિ સૂક્ષ્મ એવાં શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને કંઠને વિષે ગુલાબના પુષ્પના હાર ઘણાક ધારણ કર્યા હતા અને શ્રવણ ઉપર મોટા બે બે ગુલાબનાં પુષ્પનાં ગુચ્છ ધારણ કર્યા હતા અને પાઘને વિષે ગુલાબનાં પુષ્પના તોરા વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ સમગ્ર તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, વાંકડા વાંકડા પ્રશ્ન કરો જે જેણે કરીને સૌની આળસ ઊડી જાય એમ કહીને પોતે આથમણી કોરે ઉસીકું કરીને પડખાભેર થયા.

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે (૧) दैवी होषा गुणमयी मम माया दुरत्यया । मामेव ये प्रपद्यंते मायामेतां तरंति ते ।। એ શ્લોકમાં શ્રીકૃષ્ણ ભગવાને એમ કહ્યું છે જે, જે પુરુષ મુને પામે તે દુઃખે કરીને પણ ન તરાય એવી જે મારી ગુણમયી માયા તેને તરે છે ત્યારે તેને ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેને ભગવાનનું ભજન કરતાં થકાં કાંઈક અંતરમાં સંકલ્પ-વિકલ્પનો વિક્ષેપ થઈ આવે છે તેને માયા વિના બીજું કોણ કરતું હશે ? એ પ્રશ્ન છે. પછી શ્રીજીમહારાજ પોઢ્યા હતા તે બેઠા થઈને અતિ કરુણાએ ભીના થકા બોલતા હવા જે, માયાના ત્રણ ગુણ છે તેમાં તમોગુણનાં તો પંચભૂત ને પંચમાત્રા છે અને રજોગુણનાં દશ ઇન્દ્રિયો ને પ્રાણ છે અને સત્ત્વગુણનાં ચાર અંતઃકરણ ને ઇન્દ્રિયો-અંતઃકરણના દેવતા છે તે જે જે ભક્ત થઈ ગયા છે તે સર્વમાં એ ત્રણ ગુણનાં કાર્યરૂપ જે ભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ ને દેવતા તે સર્વે હતા, માટે એનો એમ ઉત્તર છે જે પરમેશ્વરને યથાર્થપણે કરીને પરમેશ્વર જાણ્યા જે એ ભગવાનના સ્વરૂપને વિષે કોઈ પ્રકારે માયિક ભાવ નથી અને એ ભગવાન તો માયા ને માયાનું કાર્ય જે ત્રણ ગુણ તે થકી પર છે એવો જેને ભગવાનનો દૃઢ નિશ્ચય થયો તે ભગવાનની માયાને તરી ચૂક્યો છે. અને પોતામાં તો માયાના ગુણનું કાર્ય જે ભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ ને દેવતા તે પોતપોતાની ક્રિયાને વિષે પ્રવર્તે છે તોપણ એ માયાને તર્યો કહેવાય કેમ જે એ માયાનું કાર્ય પોતાને વિષે તો હોય, પણ પોતાને ભજન કરવા યોગ્ય એવા જે પ્રગટ પ્રમાણ શ્રી વાસુદેવ ભગવાન તેને તો એ માયાના ગુણથી પર સમજે છે, માટે એને પણ માયાથી પર જ જાણવો, અને બ્રહ્માદિક દેવ ને વસિષ્ઠ, પરાશર, વિશ્વામિત્રાદિક ઋષિ એ સર્વેમાં ગુણનો પ્રવેશ જણાણો છે તે શાસ્ત્રમાં પણ લખ્યું છે માટે તે શું મુક્ત ન કહેવાય ? ને માયાને તર્યા ન કહેવાય ? સર્વે મુક્ત છે ને સર્વે માયાને તર્યા છે અને એમ જો ઉત્તર ન કરીએ તો એ પ્રશ્નનું સમાધાન થાય નહિ માટે એ જ ઉત્તર છે. (૧)

પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, (૨) હે મહારાજ ! ભગવાનને આશરે જાવું તે આશરાનું શું રૂપ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ભગવાને ગીતામાં કહ્યું છે જે :

सर्वधार्मान् परित्यज्य मामेकं शरणं व्रज ।

अहं त्वां सर्व पापेभ्यो मोक्षयिष्यामि मा शुच: ।।

એ શ્લોકમાં એમ કહ્યું છે જે, બીજા સર્વ ધર્મનો પરિત્યાગ કરીને મારે એકને જ શરણે આવ્ય તો હું તુંને સર્વ પાપ થકી મુકાવીશ. તું શોક મા કર્ય, અને એવો જે ભગવાનનો દૃઢ આશ્રય તે જેને હોય તેને મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તોપણ તે દુઃખ થકી રક્ષાનો કરનારો ભગવાન વિના બીજાને ન જાણે, અને જે જે પોતાને સુખ જોઈતું હોય તે પણ ભગવાન થકી જ ઇચ્છે, પણ પ્રભુ વિના બીજાને સુખદાયક ન જાણે ને પ્રભુની જેમ મરજી હોય તે પ્રમાણે જ વર્તે એવો જે હોય તે પ્રભુનો શરણાગત જીવ કહેવાય ને તે જ ભગવાનનો અનન્ય ભક્ત કહેવાય. (૨)

પછી નાજે ભક્તે પૂછ્યું જે, (૩) જેને પરિપૂર્ણ ભગવાનનો આશરો ન હોય ને બોલ્યામાં તો નક્કી હરિભક્ત હોય તેના જેવું જ નિશ્ચયનું બળ દેખાડતો હોય તે શી રીતે કરીને કળ્યામાં આવે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ભગવાનના ભક્તનો સરસ-નરસ નિશ્ચય હોય તે તો ભેળા રહ્યા થકી અને ભેળો વ્યવહાર કર્યા થકી જેવો હોય તેવો કળાઈ આવે છે. પછી જેને થોડો નિશ્ચય હોય તે કચવાઈને સત્સંગના ભીડામાંથી માર્ગ દેઈને એકાંત પકડીને જેવું થાય તેવું ભજન કરે પણ હરિભક્તની ભીંસણમાં રહેવાય નહિ, માટે ભગવાનનો આશરો પણ ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ એ ત્રણ પ્રકારનો છે અને તેણે કરીને ભક્ત પણ ત્રણ પ્રકારના છે. (૩)

પછી વળી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, (૪) એ કનિષ્ઠ હોય તે મટીને આ જન્મને વિષે જ ઉત્તમ ભક્ત થાય કે ન થાય ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જેમ ભગવાનની માનસીપૂજા કરે તેમ જ જે ઉત્તમ હરિભક્ત હોય તેની પણ ભગવાનની પ્રસાદીએ કરીને ભગવાન ભેળી માનસીપૂજા કરે અને જેમ ભગવાનને અર્થે થાળ કરે તેમ જ ઉત્તમ જે ભગવાનના ભક્ત તેને અર્થે પણ થાળ કરીને તેને જમાડે અને જેમ ભગવાનને અર્થે પાંચ રૂપિયાનું ખરચ કરે તેમ જ તે મોટા સંતને અર્થે પણ ખરચ કરે એવી રીતે ભગવાન ને ઉત્તમ લક્ષણવાળા જે સંત, તેની અતિ પ્રેમે કરીને સરખી સેવા જે કરે તો તે કનિષ્ઠ ભક્ત હોય ને તે બે જન્મે, તથા ચાર જન્મે તથા દશ જન્મે કે સો જન્મે કરીને ઉત્તમ ભક્ત જેવો થાનારો હોય તે આ ને આ જન્મે કરીને ઉત્તમ ભક્ત થાય છે. એવું ભગવાન ને તે ભગવાનના ભક્ત તેની સરખી સેવા કર્યાનું ફળ છે. (૪) ઇતિ વચનામૃતમ્‌ ।।।। (૨૦૫)

રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૪) ચાર છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમને માયાથી પર જાણે તો તે ભક્ત માયાથી પર થાય છે. (૧) બીજામાં મહાપ્રલય જેવું દુઃખ આવે કે દીર્ઘ રોગાદિક તથા રાજા સંબંધી, નાત સંબંધી એવાં ઘણાક પ્રકારનાં દુઃખ ને ઉપદ્રવ આવે તોપણ અમારા વિના કોઈને રક્ષાનો કરનારો જાણે નહિ, ને અમારી મરજી પ્રમાણે વર્તે તે અમારો શરણાગત છે. (૨) ત્રીજામાં જેને અમારો નિશ્ચય થોડો હોય તેનાથી સત્સંગના ભીડામાં રહેવાય નહીં. (૩) ચોથામાં અમારી ને અમારા ઉત્તમ લક્ષણવાળા સંતની સરખી સેવા કરે તેના ઉપર સો ગણા રાજી થઈને સો જન્મની કસર આ જન્મે ટાળીએ છીએ. (૪) બાબતો છે.

પ્ર. પહેલા પ્રશ્નમાં અમને માયાથી પર જાણે તેમાં માયાનું કાર્ય હોય તોપણ તે માયાને તરી ચૂક્યો છે એમ શ્રીજીમહારાજે કહ્યું. અને (પ્ર. ૨૪ના ૧/૩ પહેલા પ્રશ્નમાં) અમારો યથાર્થ મહિમા સમજાય તો ભૂંડા ઘાટમાત્ર ટળી જાય એમ કહ્યું તે કેમ સમજવું ? અને શ્રીજીમહારાજે વાંકડા પ્રશ્ન પૂછવાનું કહ્યું તે વાંકડું પ્રશ્ન કેવી રીતે જાણવું ?

ઉ. આમાં શ્રીજીમહારાજને માયાથી પર દિવ્ય જાણે, પણ જેવા છે તેવા યથાર્થ મહિમા ન જાણે ને શ્રીજીમહારાજની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવાનો અભ્યાસ ન હોય તેવા કાચા ભક્તને કહ્યું છે જે અમને દિવ્ય જાણે છે, તો અંત વખતે દિવ્ય થશે. એવું પોતાના પ્રતાપનું બળ બતાવ્યું છે, અને (પ્ર. ૨૪માં) યથાર્થ મહિમા તથા જ્ઞાન તેણે સહિત અખંડ શ્રીજીમહારાજમાં વૃત્તિ રાખતો હોય તેવા પાકા ભક્તની વાત કહી છે અને શ્રીજીમહારાજે વાંકડા પ્રશ્ન પૂછવાનું કહ્યું ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે તમે કહો છો કે અમને પામે તે માયાને તરે ત્યારે તમારા ભક્તને માયા વિક્ષેપ કેમ કરે છે ? અર્થાત્‌ તમે ભક્તની માયાને ટાળતા કેમ નથી. એમ ટીખળ કર્યું તે વાંકડું કહેવાય. ત્યારે શ્રીજીમહારાજે પણ પૂર્વના ભક્તો બ્રહ્મા, વસિષ્ઠાદિકને વિષે માયાનો સંબંધ હતો તોપણ તે માયાને તર્યા કહેવાય છે તેમ આજ પણ અમારા ભક્તને માયાના ગુણ વ્યાપતા હોય, પણ અમને માયાથી પર જાણે છે તો તે ભક્તને પણ માયાને તર્યા જાણવા એમ રમૂજ કરીને સમાધાન કર્યું છે.

પ્ર. બીજા પ્રશ્નમાં શ્રીકૃષ્ણ ને અર્જુનને દૃષ્ટાંતે શ્રીજીમહારાજનો આશરો કરવામાં ત્યાગ કરવા યોગ્ય સર્વ ધર્મ કહ્યા તે કિયા જાણવા ?

૨ ઉ.  જેમ હિમરાજશાહના પરિવારને નાતીલાએ નાત્ય બહાર મૂક્યા હતા તથા આ ગામના રતના ભક્તને રાજાએ તથા નાતીલાએ ગામમાંથી કાઢી મૂક્યા હતા, એવાં દુઃખ આવે તથા મા, બાપ, સ્ત્રી, પુત્રાદિક સગાં-સંબંધી, ગુરુ અંતરાય કરે, દેહમાં દીર્ઘ રોગ આવે, વ્યવહારમાં દુઃખ આવે ને આજીવિકા તૂટી જાય એવાં ઘણાં દુઃખ આવે તોપણ શ્રીજીમહારાજનો આશરો મૂકવો નહિ, અને શ્રીજીમહારાજ વિના બીજાં કોઈ દેવ-દેવીને સુખદાયી જાણવાં નહિ, ને શ્રીજીમહારાજની મરજી પ્રમાણે જે સુખ-દુઃખ આવે તેને ટાળવા ઇચ્છવું નહિ અને જ્યારે જ્યારે ધર્મનો નાશ થાય છે ત્યારે ત્યારે ભગવાન પ્રગટ થાય છે તેમ આ સમે શ્રીજીમહારાજ એકાંતિક ધર્મ સ્થાપન કરવા પ્રગટ થયા છે, માટે જેમ શ્રીકૃષ્ણ ભગવાન પ્રગટ થયા ત્યારે ગોપી-ગોવાળે રામચંદ્રજીનો આશરો મૂકીને શ્રીકૃષ્ણ ભગવાનનો આશરો કર્યો, તેમ શ્રીજીમહારાજનો આશરો કરવામાં પ્રથમ જેનો આશરો કર્યો હોય તે કેમ મૂકી દેવાય એવી આશંકા કરવી નહિ, પણ પંચવર્તમાન સંબંધી ધર્મનો ત્યાગ કરવો નહિ, તે (લો. ૬ના ૧૮/૨૧ અઢારમા પ્રશ્નમાં) અમારા ભેળાં સ્ત્રીઓનાં દર્શન થતાં હોય ત્યાં અમે બેસારીએ તોપણ ન બેસવું એમ કહ્યું છે, અને એમાં જ (૧૩/૧૬ તેરમા પ્રશ્નમાં) જેમ શ્રીકૃષ્ણે અશ્વત્થામાને મારવાનું વચન કહ્યું તે અર્જુને ન માન્યું, તેમ અમારું વચન અધર્મ જેવું હોય તો ન માનવું એમ કહ્યું છે, માટે અગિયાર નિયમ સંબંધી વચન સિવાયના બીજા મને માનેલા ધર્મ હોય તે મૂકી દેવા તથા શ્રીજીમહારાજ વિના બીજા કોઈને કર્તા જાણ્યા હોય તે ધર્મ મૂકી દેવા.

૩ પ્ર. ચોથા પ્રશ્નમાં અમારી ને ઉત્તમ લક્ષણવાળા ભક્તની સરખી સેવા કરવી એમ શ્રીજીમહારાજે કહ્યું તે કેવા હોય તે ઉત્તમ લક્ષણવાળા જાણવા ?

૩      ઉ. (છે. ૩૫ના ૫/૬ પાંચમા પ્રશ્નમાં) છો લક્ષણ કહ્યાં છે તથા (પ્ર. ૭૭ના ત્રીજા પ્રશ્નોત્તરમાં) સાધુનાં બત્રીસ લક્ષણ કહ્યાં છે તેણે યુક્ત હોય તથા (વ. ૩ના ત્રીજા પ્રશ્નોત્તરમાં) વીજળી જેવા તથા વડવાનળ જેવા મોટાપુરુષ કહ્યા છે તેવા જાણવા. ।।૫।।