વચનામૃત વરતાલનું - ૮
સંવત ૧૮૮૨ના પોષ સુદિ ૪ ચોથને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરની આગળ મંચ ઉપર વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
અને મુનિ દુકડ-સરોદા લઈને કીર્તન ગાવતા હતા, તે સમે શ્રીજીમહારાજ અંતર્દૃષ્ટિ કરીને ધ્યાનમુદ્રાએ યુક્ત થઈને થોડીક વાર દર્શન દીધાં ને પછી નેત્રકમળને ઉઘાડીને સર્વે સભા સન્મુખ જોઈને બોલ્યા જે, (૧) હવે સર્વે સાંભળો વાત કરીએ છીએ જે આ નેત્રની જે વૃત્તિ તે અરૂપ છે, તોપણ તે વૃત્તિને આડું કાંઈક સ્થૂળ પદાર્થ આવે ત્યારે તે વૃત્તિ રોકાય છે, માટે એ વૃત્તિ પણ સ્થૂળ છે, ને પૃથ્વી તત્ત્વ પ્રધાન છે, ને તે વૃત્તિને જ્યારે પરમેશ્વરનો ભક્ત પરમેશ્વરના સ્વરૂપમાં રાખે છે ત્યારે તે વૃત્તિ પ્રથમ તો પાતળી દોરડીની પેઠે પીળી ભાસે છે, અને જેમ કરોળિયો હોય તે પોતાની લાળને એક સ્થંભથી બીજા સ્થંભ સુધી લાંબી કરે પછી એ કરોળિયો ક્યારેક તો આ સ્થંભ ઉપર જાય ને ક્યારેક ઓ સ્થંભ ઉપર જાય, ને ક્યારેક બે સ્થંભને મધ્યે બેસે, તેમ કરોળિયાને ઠેકાણે જીવ છે, ને એક સ્થંભને ઠેકાણે ભગવાનની મૂર્તિ છે, અને બીજા સ્થંભને ઠેકાણે પોતાનું અંતઃકરણ છે, ને લાળને ઠેકાણે વૃત્તિ છે, તે દ્વારે કરીને ધ્યાનનો કરનારો જે યોગી તે ક્યારેક તો ભગવાનના સ્વરૂપ સંગાથે સંલગ્ન થઈ રહે છે, ને ક્યારેક તો અંતઃકરણને વિષે રહે છે, ને ક્યારેક તો અંતઃકરણ ને ભગવાન તેના મધ્યે રહે છે એમ વર્તતાં થકાં પૃથ્વી તત્ત્વ પ્રધાન એવી જે પીળી વૃત્તિ તે જ્યારે જળ તત્ત્વ પ્રધાન થાય ત્યારે શ્વેત જણાય, ને જ્યારે અગ્નિ તત્ત્વ પ્રધાન થાય ત્યારે રક્ત જણાય, ને જ્યારે વાયુ તત્ત્વ પ્રધાન થાય ત્યારે નીલી જણાય, ને જ્યારે આકાશ તત્ત્વ પ્રધાન થાય ત્યારે શ્યામ જણાય, પછી પંચભૂતનું પ્રધાનપણું મટીને વૃત્તિ નિર્ગુણ થાય, ત્યારે અતિશે પ્રકાશે યુક્ત જણાય છે, ને ભગવાનના સ્વરૂપને આકારે થાય છે માટે એવી રીતે જે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખતો હોય તેને અતિશે પવિત્રપણે રહેવું, જેમ દેવને પૂજવાને તત્પર થાય તે દેવ સરખો પવિત્ર થઈને જો દેવની પૂજા કરે ત્યારે તેની જ પૂજાને દેવ અંગીકાર કરે છે, તેમ પરમેશ્વરને વિષે વૃત્તિ રાખતો હોય તેને પણ સાંખ્યશાસ્ત્રની રીતે કરીને સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ ત્રણ દેહથી પોતાનું સ્વરૂપ ન્યારું જાણીને કેવળ આત્મારૂપ થઈને પરમેશ્વરના સ્વરૂપને વિષે વૃત્તિ રાખવી, એમ વૃત્તિ રાખતાં રાખતાં જ્યારે એ વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય એ જ ધ્યાન કરનારા યોગીને નિદ્રા કહી છે, પણ સુષુપ્તિમાં લીન થાવું એવી એ યોગીને નિદ્રા હોય નહીં. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૮।। (૨૦૮)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારો ભક્ત પ્રથમ અમારી મૂર્તિમાં વૃત્તિ રાખે ત્યારે પંચભૂતના આકારે તે વૃત્તિ ભાસે છે, પછી વૃત્તિ નિર્ગુણ થાય ત્યારે શ્વેત તેજોમય થાય છે, ને પછી અમારી મૂર્તિને આકારે થાય છે, એવી રીતે અમારે વિષે વૃત્તિ રાખતાં રાખતાં અમારે વિષે લીન થઈ જાય એટલે એક મૂર્તિ જ દેખાય; બીજું કાંઈ દેખાય નહિ તે યોગીની નિદ્રા છે. (૧) બાબત છે. ।।૮।।