ચાલ ઘોડા ચાલ

નિર્જીવ વસ્તુ ક્યારેય સજીવ બને ખરી ? નિર્જીવ એટલે જેનામાં જીવ નથી તે, જેનું હલનચલન થતું નથી. અને સજીવ એટલે જેનામાં જીવ છે તે. જે આવા નિર્જીવનેય સજીવ કરે તે જ ભગવાન. એક વખત ઘનશ્યામ પોતાના મિત્રો વેણી, માધવ, પ્રાગ સાથે ઘરનાં આંગણામાં રમતા હતા. એટલામાં વેણીરામ ઘરમાંથી એક નાનકડી લાકડી લઈ આવ્યો. અને બે પગ વચ્ચે રાખી એક હાથે પકડી દોડવા માંડ્યું. અને કહેવા માંડ્યું, "જુઓ ઘનશ્યામ... જુઓ જુઓ ઘોડો આવ્યો... ઘોડો આવ્યો..."

ઘનશ્યામે આ જોયું અને વેણીરામને કહ્યું, "ઓહો ! એમાં શું ? લાકડીને પકડીને દોડે એમાં શું વળ્યું ? જો હું તને ખરો ઘોડો દેખાડું." ધર્મદેવના આંગણામાં માટીની એક વંડી (દીવાલ) હતી. તેની પર ઘનશ્યામ તો દોડીને ચઢી ગયા. અને વંડી પર ઘોડો પલાંગીને બેસી ગયા. પછી તો માંડ્યા ડચકારા બોલાવવા, "ચાલ ઘોડા દબડાક... દબડાક... દબડાક..." અને... અરે આ શું ? બધાના આશ્ચર્ય વચ્ચે ઘોડો તો દોડ્યો. વંડી ઘોડો થઈ દોડવા લાગી. કેવી અજબ જેવી વાત !  માતાપિતા, ભાઈ અને બાળસખા તો આ જોઈને આભા જ બની ગયા. પાછા ઘનશ્યામ તો આવીને જેમ હતી તેમ વંડી તેના સ્થાને લાવીને ઊભા રહી ગયા. વાહ ! પ્રભુ વાહ ! ઘનશ્યામ ! શું તમારી અકળ કળા છે ! આવું તો આપણા ઘનશ્યામ વિના બીજું કોણ કરી શકે ?