ધર્મપિતાના ઘર આગળ ફૂલવાડીમાં એક મોટું ફણસનું વૃક્ષ હતું. તેના ઉપર ઘણાં ફણસ આવતાં. એક વખત ફણસ ઉતારવાનાં રહી ગયેલાં. તેનો લાભ કેટલાક ચોરોએ લેવાનું વિચાર્યું. રાત્રિના સમયે ઘરનાં બધાં જ્યારે સૂતેલાં હતાં ત્યારે ચોરોએ આવી બધાં ફણસ ઉતારી લીધાં અને તેની ગાંસડી વાળી, લઈને ભાગ્યા.
ગામ બહાર નારાયણ સરોવરના કિનારા પર આવેલા મોટા પીપળાના વૃક્ષ નીચે તેઓ વિસામો લેવા બેઠા.
આપણા ઘનશ્યામને કોઈ ચોરી કરે એ કેમ ગમે ? કોઈ પણ પ્રકારની ચોરી કરવી એ મહાપાપ છે. અને ચોરી તો ક્યારેય છૂપી રહેતી જ નથી. એક દિવસ જરૂર પ્રકાશમાં આવે છે. તો પછી આ તો ભગવાનના ઘેર થયેલી ચોરી ભગવાન કેમ ચલાવી લે ?
અને હા... આપણા ઘનશ્યામ તો અંતર્યામી છે ને ! એટલે ચોરોની ચોરી પ્રભુ જાણી ગયા. આ ચોરોને કડક શિક્ષા થવી જ જોઈએ તેવો સંકલ્પ કર્યો.
બીજી બાજુ જે પીપળાના વૃક્ષ નીચે ચોર વિસામો લેવા બેઠેલા તે પીપળામાં ઘણાં ભૂતો રહેતાં. તે ભૂતોમાં ઘનશ્યામ પ્રભુની મરજીએ પ્રવેશ કર્યો. અને ભૂતો વળગ્યાં બધા ચોરને. કોઈ ભૂત ચોરનાં માથા પર બેઠું, કોઈ ખભા પર બેઠું, કોઈક કેડે બાઝ્યું. આમ ચોરોને ખૂબ મારવા માંડ્યાં. અને બોલવા લાગ્યાં, “હે દુષ્ટ બુદ્ધિવાળા ચોરો ! આ ફણસ તો ભગવાનનાં છે. ભગવાનને જમવાનાં છે. તમો ક્યાં લઈ જાઓ છો ? અમે સૌ ભૂત છીએ. તમો જ્યાંથી લાવ્યાં છો ત્યાં જઈને ફણસનો ઢગલો કરી આવો; નહિ તો તમે ફણસ નહિ ખાઈ શકો પણ અમે તમને ખાઈ જઈશું.”
ચોરો તો આ સાંભળી ત્રાસ પામી ગયા. અને ફણસ લઈને ગામ બાજુ પાછી દોટ મૂકી. ઘનશ્યામ મહારાજના આંગણામાં આવીને ચોતરા ઉપર ઢગલો કર્યો. આ દરમ્યાન ભૂત તો ચોરોની પાછળ જ હતાં. ભૂતોએ કહ્યું, “હવે ફરીથી કોઈ દિવસ ચોરીનું કામ કર્યું છે તો તમારા ભૂંડા હાલ થઈ જશે.” એમ કહીને ચોરોને એક એક દંડો મારી કાઢી મૂક્યા.
એવામાં આપણા બાળપ્રભુ ઘનશ્યામ જાગીને ઘરમાંથી બહાર નીકળ્યા. બધાં ભૂત પગે લાગીને ભગવાન આગળ ઊભા રહ્યાં અને બોલ્યાં, “હે ભગવાન ! અમે પાપી અને અધર્મી છીએ. અમે ખૂબ દુ:ખી છીએ. માટે હે નાથ ! અમને આ ભૂતયોનિમાંથી જલદી છોડાવો.”
આપણા ઘનશ્યામ એટલે દયાની મૂર્તિ ! કૃપાની મૂર્તિ ! તેઓ અઢળક ઢળ્યા, “જાઓ, હે ભૂતો ! તમે અમારી સેવા કરી છે, અમારાં ફણસ બચાવ્યાં છે. માટે સર્વે પાપ થકી રહિત થઈને અમારા અક્ષરધામમાં જાઓ.”
ભૂતો કેવા મફતમાં ફાવ્યાં ! આપણે પણ ફાવી ગયા છીએ ને કે આ મનુષ્યજન્મમાં આપણને આવા સર્વોપરી ભગવાન મળ્યા.