દૂધપાકની રસોઈ

એક વખત ઘનશ્યામ મહારાજે સવારમાં બુમાબુમ કરી મૂકી. "મા, અમને ભૂખ લાગી છે. જલ્દી ખાવા આપો." ભકિતદેવીએ જોયુ તો રસોડામાં રાતની ટાઢી ખીચડી પડેલી, તે ઘનશ્યામને વાડકામાં જમવા આપી. પણ... ઘનશ્યામે તો હઠ લીધી કે અમારે તે સાથે દૂધ જોઇએ અને દૂધ તો સવારે દોવાઇ ગયેલું અને ઠેકાણે પણ પડી ગયેલું. ઘનશ્યામ કહે, "મા જાઓ, ગોમતી દૂધ આપશે. પણ મને દૂધ આપો."
ભકિતમાતા તો ઘનશ્યામ પર વિશ્વાસ રાખી ગોમતી પાસે ગયા. સાથે ઘનશ્યામ પણ એક પ્યાલો લઇ દોડ્યા. ઘનશ્યામે જેવો પ્યાલો ગોમતીના આંચળ નીચે ધર્યો કે ગોમતીના આંચળમાંથી દૂધની શેડ્ય છુટી ને પ્યાલો ભરાઇ ગયો. ભકિતમાતા તો ઘરમાં જઇ દોડ્યા મોટું બોઘરણુ લઇ આવ્યાં. અને જયાં આંચળ નીચે મૂકયું ત્યાં તો એ પણ ભરાઇ ગયું. એથીય મોટાં બે વાસણ મૂકયાં, તો એ પણ ભરાઇ ગયાં. હવે જયાં એથી મોટું વાસણ લેવા દોડ્યાં ત્યાં ઘનશ્યામે રોકયા અને કહ્યું, "હે મા ! હવે જશો મા. એ તો અમારી ઇચ્છાથી અને અમારે આજે દૂધપાક જમવો છે. તેથી અમારા સંકલ્પથી આમ થયું છે. પણ ગોમતી હવે દૂધ નહિ આપે, માટે હવે વાસણ લાવશો મા."
એ દિવસે ભકિતમાતાએ હોંશથી એલાયચી, ચારોલી, પીસ્તા, કેસર, નાખી દૂધપાક કર્યો. ઘનશ્યામ જમ્યા, ધર્મપિતા ને રામપ્રતાપભાઇ પણ જમ્યા.