એનું એને આપવું જ

પુષ્પ ૧

એક વખત મામા વશરામ તરવાડીએ પોતાના ખેતરમાં ચીભડી વાવેલી. જ્યારે ચીભડાં બેઠાં ત્યારે ચાખી જોયાં તો બધાં કડવાં ઝેર જેવાં પાકેલાં. તે જોઈને તે પોતે ઉદાસ થઈ ગયા. તેથી પોતાનાં બહેન ભક્તિમાતાને ઉદાસ મને વાત કરી કે, “આપણા આખાય ખેતરમાં બધાં ચીભડાં કડવાં થઈ ગયેલાં છે. જો મીઠાં હોત તો ઘનશ્યામ હોંશે હોંશે જમત.”

એટલામાં તો ઘનશ્યામ મહારાજ હાથમાં ચીભડાં લઈ જમતાં જમતાં ત્યાં આવી પહોંચ્યા. અને વશરામ તરવાડીને કહ્યું, “હે મામા ! તમારા ખેતરમાંથી હું ચીભડાં લાવ્યો છું. બહુ મીઠાં છે. આવું ચીભડું તો મેં ક્યારેય ખાધું નથી.”

મામાને આશ્ચર્ય થયું. ઘનશ્યામને સાથે લઈ ખેતરમાં ગયા. ત્યાં જઈ એક પછી એક ચીભડાં ચાખવા માંડ્યા તો બધાં ચીભડાં મીઠાં મધુરાં થઈ ગયેલાં. મામા તો આ ઘટના જોઈ આભા જ બની ગયા. ત્યારે ઘનશ્યામ પ્રભુ બોલ્યા, “મામા ! આવું કેમ થયું તમને ખબર છે ? પહેલાં તમે જો ચીભડાં અમને જમાડવાનો સંકલ્પ કર્યો હોત, તો પહેલેથી જ એ ચીભડાં મીઠાં પાકત. પણ અમને તમે ભૂલી ગયેલા, તેથી એ ચીભડાં કડવાં પાક્યાં. પણ આપે ભક્તિમાતાને કહ્યું કે ઘનશ્યામને ચીભડાં આપત, એટલે તમારા ચીભડાંમાં અમારો ભાગ નક્કી કર્યો તેથી તે ચીભડાં મીઠાં થઈ ગયાં.”

બાળપ્રભુએ આપણને શિખવાડ્યું કે દરેક કામમાં પ્રથમથી ભગવાનના ભાગનો સંકલ્પ કરવો.

પુષ્પ ૨

એક વખત ઘનશ્યામના મિત્ર મંછારામનાં માતુશ્રીએ મંછારામને કહ્યું કે, “આપણા ખેતરમાં ઘનશ્યામ આવીને ચીભડાંનો બગાડ કરે છે. કેટલાંય ખાઈ જાય છે અને ખવડાવે છે માટે એમને કહી દેજે કે અમારા ખેતરમાં તમારે કોઈ દિવસ આવવું નહીં.”

અને સૌના આશ્ચર્ય વચ્ચે બન્યું એવું કે એ જ દિવસે મંછારામની વાડીના ચીભડાંના વેલા એકસામટા સૂકાઈ ગયા.

મંછારામનાં માતુશ્રી મૂંઝાઈ ગયાં. કેમ થયું ? કેવી રીતે થયું ? શું કરવું ? એ કાંઈ સમજાતું ન હતું. એકીસાથે આખાય વરસની મહેનત ઉપર પાણી ફરી વળ્યું હતું. એ દુ:ખ કેમ સહ્યું જાય ?

મિત્ર મંછારામ પરિસ્થિતિ સમજી ગયા. તેમણે માતુશ્રીને કહ્યું, “હે મા ! તમે ઘનશ્યામને આપણી વાડીમાં પેસવા દેવાની ના પાડી એટલે જ આપણા વેલા સૂકાઈ ગયા છે. એ તો પ્રગટ ભગવાન છે, ફળના દાતા છે, કર્તા ને હર્તા છે. એ કુરાજી થાય તો આપણાં ચીભડાં તો નહિ, પણ એમણે આપણા પર કરેલ કૃપા છિનવાઈ જાય.”

મંછારામની માતાને ભૂલ ઓળખાણી. દોડતાં ઘનશ્યામ પ્રભુ પાસે આવ્યાં અને કહ્યું, “હે ઘનશ્યામ ! અમારી ઉપર દયા કરો. અમારી ભૂલ માફ કરો. તમારે ખુશી પડે તેટલાં ચીભડાં નિત્ય જમજો અને જમાડજો. અમે તમને કાંઈ કહીશું નહીં.”

અને ત્યાં તો ચીભડાંના વેલા પહેલાં હતા એમ લીલા થઈ ગયા. પછી તો ઘનશ્યામ ચીભડાં ખાવા હોય એટલાં ખાય, બીજાને ખવડાવે અને કેટલાય ફેંકી પણ દે. છતાંય કોઈ તેમને કાંઈ ન કહે.

અને ખરેખર બન્યું એવું જ કે જ્યારે ચીભડાં ઉતાર્યા ત્યારે બીજા લોકો કરતાં ડબલ પાક્યાં કારણ કે જેને હરિ રાખે તેને કોણ ચાખે ?

પુષ્પ ૩

ધર્મદેવને ઘેર એક ગોમતી નામની ગુણિયલ ગાય હતી. તેને જ્યારે દોવે ત્યારે ટંકે ચાર શેર દૂધ આપતી. દિવસમાં બે વખત દોવે કે ચાર વખત દોવે પણ દૂધ તો સરખું જ નીકળતું. કારણ કે આ બીજાની ગાય નહોતી, આ તો ભગવાનની ગાય હતી.

ઘરનો એક નિયમ હતો કે ઘનશ્યામ જમવા બેસે ત્યારે તેમને ગોમતીનું બશેર દૂધ જમવા માટે અવશ્ય આપવું જ. પણ એક દિવસ સુવાસિનીભાભીએ પદ્ધતિ બદલી અને નક્કી કર્યું કે, હવેથી ઘનશ્યામને શેર જ દૂધ આપવું. સાંજે ભાભી ગાયને દોવા બેઠાં તો નવાઈની વાત એ બની કે વર્ષોથી ટંકે ચાર શેર દૂધ દેતી ગોમતીએ સાંજે અડધું એટલે કે બશેર જ દૂધ આપ્યું.

દૂધ ઓછું મળ્યું એટલે ભાભીએ ઘનશ્યામને દૂધ આપવામાં હજુય કાપ મૂક્યો અને શેરને બદલે અડધો શેર દૂધ આપ્યું અને પરિણામે સવારમાં ગોમતીએ શેર જ દૂધ દોવા દીધું.

ઘરનાં સૌને નવાઈ લાગી. આમ કેમ બને છે ? પણ ભક્તિમાતા કારણ સમજી ગયાં અને સુવાસિનીબાઈને કહ્યું કે, “તમારા મનમાં જે સંકલ્પ હોય તે મૂકી દો અને ઘનશ્યામને જે બશેર દૂધ પીરસો છો તેમાં ભલા થઈને કાપ ન મૂકશો. એમનામાં કાપ મૂકશો તો દૂધમાં કાપ આવશે જ.”

આ અદ્દભુત ચરિત્ર જોઈને સુવાસિનીબાઈ ખૂબ પસ્તાયાં અને ઘનશ્યામ પ્રભુની માફી માગી.         

ભગવાનને આપવાથી કાંઈ ખૂટી નથી જતું. આપનારની ચિંતા એમને થઈ જાય છે. માટે આપણી પાસે જે હોય તે આપણું ન સમજવું, પણ ભગવાનનું જ છે તેમ સમજવું, જુઓ પછી કેવી મજા પડે છે !