ગુણ તેવાં નામ

બાળક્નું નામ તો હંમેશાં સંતો-મહાત્માઓ પાસે જ પડાવાય. સગાંસંબંધી બાળકનો ઉપરનો દેખાવ જોઈ શકે છે, જ્યારે સંતો તેના માંહીલા ગુણો જોઈને નામ પાડે છે.

આવો જ પ્રસંગ બન્યો આપણા લાડીલા ઘનશ્યામ પ્રભુ માટે.

પોતાનો અપાર મહિમા હોવા છતાં ઘનશ્યામ જ્યારે બાળ સ્વરૂપે પ્રગટ થયા ત્યારે ઐશ્વર્ય અને સામર્થીને પોતે દબાવીને વર્તતા. છતાં કેટલીય વખત પ્રભુની પ્રભુતા પ્રગટ થઈ જતી.

આમ ને આમ ઘનશ્યામ પ્રભુને ત્રણ માસ વીતી ગયા.

એક વખત સવારના સમયે એક માર્કંડેય નામના ઋષિ ધર્મદેવના ઘેર પધાર્યા. વિવેકની મૂર્તિ સમા ધર્મદેવે પોતાને ઘેર આવેલા આ સંતનો સત્કાર કર્યો. આદરથી તેમને બિરાજમાન કર્યા તેમજ ચંદન-પુષ્પ વડે તેમની પૂજા કરી. ત્યારબાદ ધર્મદેવે દીનભાવે પ્રાર્થના કરી કે,  

“હે ઋષિરાજ ! આપ સમર્થ સંત છો. મારા ઘરને આપે પાવન કર્યું એ આપની મારી ઉપર કૃપા છે. અમારે ત્યાં આ એક નાનકડા બાળક પ્રગટ થયા છે. જેને અમે ઘનશ્યામ કહીએ છીએ. હે મુનિરાજ ! આપ તે ઘનશ્યામનું આજે નામ પાડો.”         

જો કે ભગવાનના કલ્યાણકારી ગુણોને યથાર્થ કોણ જાણી શકે ? પણ પોતે જ ભેળા ભળી પોતાના ગુણો ઓળખાવે તો ઓળખાય.

અને માર્કંડેય ઋષિએ બાળ ઘનશ્યામ પ્રભુનાં જ્યાં દર્શન કર્યાં ત્યાં તો પોતે આનંદવિભોર બની ગયા. દિવ્ય મુખારવિંદ ઉપર ઝળહળતી રેખાઓનાં દર્શન થયાં. બંને ચરણકમળમાં સોળે ચિહ્નોનાં દર્શન થયાં અને આ અલૌકિક બાળક માટે કાંઈ પણ કહેવું તે તેમને માટે જટીલ બન્યું. ઘડીભર થંભી ગયા. પણ ધર્મદેવની આતુરતા જોઈ તેઓ બોલ્યા, “હે હરિપ્રસાદજી ! આપ અત્યંત કૃપાવંત છો ! આ કોઈ દુન્યવી બાળક નથી. અનંતકોટિ બ્રહ્માંડના નાથ સ્વયં આપને ત્યાં બાળ સ્વરૂપે પધાર્યા છે. હે ધર્મદેવ ! આ તમારા પુત્ર અનંત દિવ્ય કલ્યાણકારી ગુણોએ યુક્ત છે. તે પૃથ્વી પરના અધર્મનો સંહાર કરશે અને ધર્મનું સ્થાપન કરશે. અનંતને પોતાના આશ્રિત કરી પોતાના ધામની પ્રાપ્તિ કરાવશે. અને સૌના કષ્ટ કાપી સુખી કરશે.

વળી, તમારા પુત્ર સૌની ચિત્તવૃત્તિઓને પોતામાં હરી લેશે એટલે તેમનું એક નામ હરિ રાખો. એટલું જ નહિ પણ આ બાળકનું જે કોઈ દર્શન કરશે તેને પોતાની મૂર્તિમાં આકર્ષણ પમાડશે માટે તેમનું બીજું નામ કૃષ્ણ રાખો. અને આ બંને ગુણોનો તેમનામાં સમન્વય છે, માટે તેમનું ત્રીજું નામ હરિકૃષ્ણ રહેશે, જ્યારે તમારા પુત્રમાં તપ, ત્યાગ, યોગ, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિ અનેક દિવ્ય ગુણો રહેલા છે માટે તે નીલકંઠ કહેવાશે. હે ધર્મદેવ ! ખરેખર તમે પરમ કૃપાવંત છો. હું બીજું તો વધુ નથી કહેતો પણ આ બાળકમાં કદીયે પુત્રપણાનો ભાવ લાવશો મા. દિવ્યભાવે તેમની સેવા કરજો.”

માર્કંડેય મુનિના આવા શબ્દો સાંભળી ધર્મદેવ અને ભક્તિદેવી ખૂબ રાજી થયાં. તેમણે મુનિને ઉત્તમ પ્રકારનાં વસ્ત્રો, આભૂષણોનું દાન કરી વિદાય આપી.