ઘનશ્યામ પ્રભુએ જ્યારે મનુષ્ય જેવું નાટક ધારણ કર્યું ત્યારે નાટક બરાબર ભજવી તો જાણવું જોઈએ જ ને !
ભગવાન બીએ, ભાગે, હારે, ચોરી કરે આવાં અનેક ચરિત્રો કરે છતાં તે મનુષ્ય જેવા તો નથી જ. મનુષ્ય ચરિત્રમાંય દિવ્ય ચરિત્ર તો હોય જ !
બાળ ઘનશ્યામ પ્રભુ અને મિત્ર વેણીરામ કેટલાક દિવસથી એવું શીખેલા કે ક્યારેક વેણીરામને ઘેર કોઈ ન હોય ત્યારે તેના ઘરમાં પેસી જવું અને ક્યારેક ઘનશ્યામના ઘરમાં કોઈ ન હોય ત્યારે તેમના ઘરમાં પેસી જવું. અને પછી સીંકામાં દૂધ, દહીં, છાશ, માખણ, ઘી, ગૉળ જે ખાવાની વસ્તુ હાથમાં આવે તે ચોરી કરીને ખાઈ જવી. અને પાછું બધું સરખું કરી દેવું કે જેથી કોઈને ખબર ન પડે.
આમ, કોઈ દિવસ એકેય કોઈના હાથમાં આવે નહીં.
ઘણી વખત વેણીરામનાં માતુશ્રી લક્ષ્મીબાઈ છોટીબા એટલે ભક્તિદેવીને ફરિયાદ કરતાં કે તમારો ઘનશ્યામ મારા ઘરમાં પેસી જઈ રોજ બગાડ કરે છે. પણ કોઈને પોતાના છોકરાનો વાંક દેખાય ખરો ? છોટીબા પણ સામે વેણીરામની ફરિયાદ કરતાં.
એટલે લક્ષ્મીબાઈએ તો નક્કી કર્યું કે એક વખત ઘનશ્યામને ચોરી કરતા પકડવા ને પછી દોરડે બાંધી છોટીબાને નજરોનજર બતાવવું.
અને એક વખત બપોરના સમયે ઘનશ્યામ અને વેણીરામ છાનામાના જેવા લક્ષ્મીબાઈના ઘરમાં પેઠા ને ડબા પર ડબો મૂકી તેની ઉપર સીંકુ ઉતારવા ચડ્યા કે તરત સંતાઈ રહેલાં લક્ષ્મીબાઈએ આવીને પકડ્યા. પણ પોતાના વેણીરામને નિર્દોષ બતાવવા તેને કાઢી મૂક્યો ને ઘનશ્યામને પકડી બાંધ્યા.
પછી હરખાતાં હરખાતાં સુવાસિનીબાઈ, છોટીબા તથા આજુબાજુની બાઈઓને બોલાવી લાવ્યાં અને કહ્યું, “જુઓ આ છોટીબાના ઘનશ્યામનાં પરાક્રમ.”
પણ... પણ... આ શું ? બધાંને બાંધેલા વેણીરામ જ દેખાય. અને એકલા લક્ષ્મીબાઈને ઘનશ્યામ દેખાય. બધાએ કહ્યું, “આ તો તમારો વેણીરામ છે. તમે આમ ઘનશ્યામને ખોટેખોટો કેમ ચોર ઠરાવો છો ?”
હવે લક્ષ્મીબાઈ કેવી રીતે પોતાની સત્યતા બતાવે ? કોઈથી કળ્યા કળાય નહિ એવા અકળમૂર્તિ ઘનશ્યામની લીલાનો પાર કોણ પામી શકે ?
અને બધાના દેખતાં ઘનશ્યામ પ્રભુ તો હાથમાં મોટું ગૉળનું ઢેફું લઈને ખાતાં ખાતાં બહાર શેરીમાંથી ટોળા આગળ આવ્યા ને અજાણ્યા થઈ પૂછવા લાગ્યા, “શું થયું... શું થયું ?”
હવે લક્ષ્મીબાઈ તો આભાં જ બની ગયાં ! ચોર ઠરાવવા ગયા ઘનશ્યામને અને ઠરી ગયો વેણીરામ. આ તો ભગવાન ! એમની વાત થાય ! જો એમની વાત ન થાય તો તેમનો વાદ પણ થાય ખરો ?
જોજો હોં... ‘ઘનશ્યામ પ્રભુ ચોરી કરતા તો આપણેય કરીએ.’ એવો કદી વાદ ન કરતા. ભગવાન કરે એમ ન કરવું; એ કહે એમ કરવું.