દયાળુ મૂર્તિ

“હિંસા એ તો મોટું પાપ કહેવાય !”

આ સનાતન સત્યને શીખવવા આપણા બાળપ્રભુ ઘનશ્યામે એક વખત લીલા કરી.

રમતા ને કૂદતા ઘનશ્યામ પ્રભુ પોતાના બાળમિત્રો સાથે નજીકના સરોવરમાં ન્હાવા પહોંચી ગયા. બધા મિત્રોએ ભેળા મળી પકડદાવની રમત ચાલુ કરી. બીજા મિત્રો તો તરત પકડાઈ જતા પણ આપણા ઘનશ્યામ કોઈથી પકડાય એવા નહોતા. જો તેમને કોઈ પકડવા જાય તો પોતે ડૂબકી મારી દે ! અને કેટલીય વાર સુધી બહાર નીકળે જ નહીં. અને નીકળે ત્યારેય ક્યાંય છેટા નીકળે કે જેથી કોઈ મિત્ર ત્યાં સુધી પહોંચી શકે જ નહીં. આમ સૌ આનંદ-કિલ્લોલ કરી રહ્યા હતા.

એવામાં સરોવરના એક કિનારે એક માછીમારને પોતાની જાળમાં માછલાં પકડી રહેલો જોયો. ઘનશ્યામ મહારાજ તો આ જોઈ ગુસ્સે થઈ ગયા, કારણ કે ઘનશ્યામનો તો અતિ દયાળુ સ્વભાવ હતો ને ! તેઓ આવું કેમ જોઈ શકે ? એટલે પોતાના મિત્રોને લઈ માછીમાર પાસે આવ્યા.

માછીમારે એક ટોપલામાં ઘણાં માછલાં ભેગાં કર્યાં હતાં. બધાં મરી ગયેલાં હતાં. દયાળુ મૂર્તિ ઘનશ્યામ આ પાપ થતું જોઈ કંપી ઊઠ્યા. એમણે જાણ્યું કે આ પાપી માછીમાર તો તેના હિંસક કાર્યને નહિ જ છોડે. એટલે એને બીજી રીતે જ પાઠ ભણાવવો પડશે.

અને આપણે સૌ જાણીએ જ છીએ કે આ અન્ય બાળક જેવા કોઈ સામાન્ય બાળક નહોતા. અનંતકોટિ બ્રહ્માંડમાં જેટલા જીવ છે તે સૌના નાડીપ્રાણ જેમના હાથમાં છે તે સ્વયં સર્વાવતારી ભગવાન બાળ સ્વરૂપે છપૈયામાં પ્રગટ થયા હતા. કોઈને મારવો કે જિવાડવો એ આપણા ઘનશ્યામ વિના અન્ય કોણ કરી શકે ?

અને હા... તમને પેલી પંક્તિ તો યાદ હશે જ :

“મારી મરજી વિના રે, કોઈથી તરણું નવ તોડાય.”

તો પછી ઘનશ્યામની મરજી વિના માછીમાર માછલાંને કેમ પકડી શકે કે મારી શકે ?

અને ઘનશ્યામ પ્રભુએ મરેલાં અને તરફડતાં માછલાં તરફ જ્યાં દિવ્યદૃષ્ટિ કરી ત્યાં તો બધાં માછલાં સજીવન થઈ ગયાં. તેમનામાં ચેતન આવ્યું અને કૂદી કૂદીને પાણીમાં પડ્યાં. સાથેના મિત્રો તો આ દૃશ્ય જોઈ નાચવા ને કૂદવા માંડ્યા અને માછીમાર સામું જોઈ હસવા લાગ્યા. જ્યારે માછીમાર તો કાપો તો લોહી ન નીકળે તેવો આભો જ બની ગયો. પોતાની કલાકોની મહેનત પર ઘનશ્યામે પાણી ફેરવી નાખ્યું છે જાણી ખૂબ ખિજાઈ ગયો. અને ઘનશ્યામ પ્રભુને એકદમ મારવા દોડ્યો.

આપણા ઘનશ્યામ એમ કંઈ ડરીને ભાગે એવા નહોતા. જેના સંબંધથી, જેના સ્મરણથી અને જેના જપથી નિર્ભય થવાતું હોય તેવી દિવ્ય મૂર્તિને વળી ભય કોનો ?

અને જ્યાં માછીમાર ઘનશ્યામની નજીક આવ્યો ત્યાં તો પ્રભુએ દૃષ્ટિએ કરી તેને સમાધિ કરાવી દીધી. ત્યાં જ તે કાષ્ઠવત્ સ્થિર થઈ ગયો. સમાધિમાં તેને ઘનશ્યામે યમપુરી દેખાડી. મહાભયંકર અને વિકરાળ એવા યમના દૂતોએ માછીમારને તેના કરેલાં પાપ બદલ તપાવેલા લાલચોળ સળિયાથી મારવા માંડ્યો. માછીમાર તો ત્રાહિ ત્રાહિ પોકારી ઊઠ્યો અને સમાધિમાંથી જાગી ગયો. બાળ ઘનશ્યામને પ્રાર્થના કરવા લાગ્યો :

“હે ઘનશ્યામ ! તમે બાળક નથી, તમે તો સાક્ષાત્ ભગવાન છો. મને બચાવો. પ્રભુ ! હવે હું ક્યારેય કોઈ જીવની હિંસા નહિ કરું. મને આશીર્વાદ આપો કે મને આજીવિકાનું બીજુ સાધન મળી રહે.”

સાચા ભાવે અંતરથી કરેલો પશ્ચાત્તાપ એ જ સાચું પ્રાયશ્ચિત્ત છે એવું જાણી અતિ દયાળુ ઘનશ્યામે તેનાં પાપમાત્રને બાળી દીધાં. અને આશીર્વાદ આપી કંઈક નવો ધંધો કરવાની આજ્ઞા કરી.

માછીમાર ઘનશ્યામનો મહિમા સમજી દંડવત કરીને ઘર તરફ વળ્યો.

જોયું ને ! નાનાસરખા જીવની હિંસા કરવામાં ભગવાનનો કેટલો કુરાજીપો છે ? કોઈનોય જીવ દુભાય તે એક હિંસા જ છે. માટે આપણે જો ઘનશ્યામ પ્રભુના હોઈએ તો જાણે–અજાણે, મન-કર્મ-વચને કોઈ જીવની હિંસા ન થઈ જાય તેનો ખૂબ ખટકો રાખવો. તો જ ભગવાન રાજી થાય. આપણે ઘનશ્યામ મહારાજને રાજી કરવા છે ને ?