તકની સેવા

એક વખત છપૈયામાં કોઈ મોટું લશ્કર આવી રહ્યું છે તેવું જાણી ધર્મદેવ તથા અન્ય સગાંસંબંધીઓ બધાં પોતાના ઘરનો માલસામાન ગાડામાં ભરી અન્ય ગામમાં જતા રહેવાના સંકલ્પથી ઉતાવળા ચાલ્યાં. તે નજીકના ગામ નાગરપુરના પાદરમાં જઈ પહોંચ્યા.

ધર્મપિતાને ખૂબ તરસ લાગેલી એટલે રામપ્રતાપભાઈને કહ્યું જે, “હે રામપ્રતાપ ! આજુબાજુમાં કૂવો હોય તો પાણી લઈ આવોને; તરસ બહુ લાગી છે.”

રામપ્રતાપભાઈએ ધર્મપિતાની વાતને બહુ મન પર ન લેતાં કહ્યું કે, “હમણાં થાક ખાઈને લઈ આવું છું.”

પણ નાનકડા ઘનશ્યામ પિતાની તૃષાને જાણી ગયા. તેમણે હાથમાં લોટો લીધો અને પોતાના મિત્રો વેણી, માધવ અને પ્રાગને લઈને કૂવા પર પહોંચી ગયા. ઘનશ્યામે જેવો લોટો કૂવા પર ધર્યો કે તુરત કૂવો આખો પાણીથી ઊભરાઈ ગયો. ઘનશ્યામે લોટો ભરી લીધો અને દોડતા આવી પાણી ધર્મપિતાને આપ્યું.

ધર્મદેવે પાણી ગાળીને ધરાવ્યું ને ઘનશ્યામે પોતાની મરજી જાણી તરસ છિપાવી તેથી ખૂબ રાજી થયા. થોડી વાર પછી રામપ્રતાપભાઈએ કહ્યું, “લાવો પાણી ભરી આવું.” ત્યારે ધર્મદેવે કહ્યું, “રામપ્રતાપ, જે થાય ટાણે તે ન થાય નાણે. હવે એક લાખ લોટા ભરીને આવો તોય ઘનશ્યામ ખરે ટાણે જે એક લોટો લઈ આવ્યા તેની તુલ્ય તો ન જ આવે. એમણે સેવા કરી તે તકે કરી છે.”

આપણા જેવા અનેકને બાળ ઘનશ્યામ પ્રભુ શીખવે છે કે માતાપિતા, વડીલો, સંતો અને ભગવાનની સેવા તેમની આજ્ઞા અને અનુવૃત્તિ જોઈ તકે થાય તો જ ભગવાન આપણા પર રાજી થાય.