એક વખત આપણા ઘનશ્યામ પોતાના બાળસખાઓ વેણી, માધવ, પ્રાગ, રઘુનંદન, સુખનંદન આ બધાની સાથે મીન સરોવરમાં સ્નાન કરવા પધાર્યા. કિનારે આવેલા મહુડાના વૃક્ષ નીચે પોતાનાં વસ્ત્રો મૂકી ન્હાવા પડ્યા. આપણા ઘનશ્યામ સૌ મિત્રોમાં સૌથી નાના હતા પણ આવડતમાં સૌથી મોટા હતા. ભગવાનને શું ન આવડે ? બધું આવડે.
ભગવાનને કાંઈ શીખવાનું ન હોય. સર્વે ગુણોનો સાગર એટલે જ ભગવાન.
જોતજોતામાં ઘનશ્યામ પ્રભુ તરતાં તરતાં સામે કિનારે પહોંચી ગયા. બીજા બધા મિત્રો તો આંખો ફાડીને જોઈ જ રહ્યા. પણ વેણીરામને શૂરાતન ચડ્યું. તે પણ તેમની પાછળ ગયા. તેઓ પહોંચતા તો પહોંચી ગયા પણ... પાછા વળવું ભારે પડી ગયું. કહેવત છે ને,“લાંબા સાથે ટૂંકો જાય, મરે નહિ તો માંદો થાય,”
ક્યાં ભગવાન અને ક્યાં વેણીરામ ? વળતી વખતે વેણીરામ થાક્યા અને પાણીમાં ડૂબી ગયા. ઘનશ્યામ તો આગળ ને આગળ તરતાં તરતાં કિનારે પહોંચી ગયા. અહીં ઊભેલા મિત્રોએ વેણીરામને ડૂબતા જોયેલા. તેમણે ઘનશ્યામને વાત કરી. સૌ ઉદાસ બની ગયા. આનંદમાં ઉદ્વેગ ઊભો થયો. રંગમાં ભંગ પડ્યો. શું થશે ? કેમ થશે ? એનાં માતાપિતાને શું જવાબ આપશું ? આવા અનેક પ્રશ્નોથી બધા ઝંખવાણા પડી ગયા.
એટલામાં બધાને બોલાવવા ભક્તિમાતા ત્યાં આવ્યાં. રડતાં રડતાં મિત્રોએ ભક્તિમાતાને વાત કરી. એ પહેલાં તો મારવાની બીકે ઘનશ્યામ તો ડૂબકી મારીને પાણીમાં બેસી ગયા હતા.
ભક્તિમાતા તો ખૂબ દુ:ખી થઈ ગયાં. શું કરવું તેનો રસ્તો જડતો નહોતો. એવામાં ગામના જાણીતા બે તરવૈયાઓ ત્યાં આવી પહોંચ્યા.
રડતાં રડતાં ભક્તિમાતાએ આવેલા બંને ભાઈઓને કહ્યું, “ગમે તેમ કરો પણ મારા ઘનશ્યામને અને વેણીને બચાવો.”
આ બંને તરવૈયા પોતાનાં વસ્ત્રો બદલી જલદી જલદી પાણીમાં પડ્યા અને ઘનશ્યામ તથા વેણીને શોધવા માંડ્યા. સૌની ચિંતાનો પાર ન હતો. તેવામાં સૌના આશ્ચર્ય વચ્ચે ઘનશ્યામ પ્રભુ અને વેણી બંને એકબીજાનો હાથ ઝાલી હસતા ને રમતા ગામમાંથી આવી રહ્યા હતા. એમણે તો ભેગા થયેલા ટોળામાં આવી બધાને પૂછવા માંડ્યું, “શું થયું ? શું થયું ? કેમ બધા ભેગા થયા છો ?”
ભક્તિમાતા ઘનશ્યામને જોઈ હરખઘેલા થઈ ગયાં. અને દોટ મૂકી ઘનશ્યામને તેડી લીધા.
આમ એકસાથે અનેક ઠેકાણે દર્શન દેવા તે સર્વોપરી ભગવાન વિના બીજું કોણ કરી શકે ?