સમય સમયનું કામ કરે છે. અદભૂત બાળચરિત્રો કરતાં કરતાં ઘનશ્યામ સાત વર્ષના થઈ ગયા. એટલે ધર્મપિતા તથા ભક્તિદેવીએ બાળ ઘનશ્યામને અયોધ્યા લઈ જઈ યજ્ઞોપવીત કહેતાં જનોઈ આપવાનો નિર્ધાર કર્યો અને સગાંસંબંધીને બોલાવી તે માટે સં. ૧૮૪૪નો ફાગણ સુદ ૧૦નો દિવસ નક્કી કર્યો.
બારહટ્ટા શેરીમાં આવેલા પોતાનાં નિવાસસ્થાનને શણગારવામાં આવ્યું. ઘર આગળ સુંદર મંડપ બાંધવામાં આવ્યો. આસોપાલવ તથા વિવિધ ફૂલોનાં તોરણો બાંધવામાં આવ્યાં. આવનાર સગાંસંબંધીઓને જમાડવા માટે સીધાંસામાન એકઠાં કરવામાં આવ્યાં.
આમ, ફાગણ સુદ ૧૦નો મંગળકારી દિવસ આવી ગયો. વહેલી સવારથી ઘરને આંગણે શરણાઈઓના સૂરો રેલાઈ ઊઠ્યા. ઘનશ્યામને રાજી કરવા સ્ત્રીઓ મંગલ ભક્તિગીતો ગાવા લાગી. ઘનશ્યામને મૂંડન કરાવવામાં આવ્યું. યજ્ઞકુંડમાં અગ્નિ પ્રજ્વલિત કર્યો ને વિધિ ચાલુ થયો.
ઘનશ્યામ પ્રભુ પીળું પીતાંબર પહેરી માતાપિતા અને મોટા ભાઈને પગે લાગી યજ્ઞમાં બેઠા. આકાશમાં અનંત મુક્તો આજે પોતાનાં પ્રિયતમનાં આ મંગલકારી દર્શન કરી રહ્યા હતા. પ્રભુએ આજે બ્રહ્મચારીનો વેશ ધારણ કર્યો હતો. બ્રાહ્મણોએ ડાબા સ્કંધે યજ્ઞોપવીત ધારણ કરાવી. હવે, ઘનશ્યામને બડવો દોડાવવાનો હતો. એટલે મુંજની મેખલા, પલાશનો દંડ અને કૌપીન ધારણ કરાવ્યાં. આમ, વાજતે ગાજતે ગામના ચોકમાં આવ્યા.
ઘનશ્યામે વિચાર્યું કે, જે અનંત જીવ ઉદ્ધારવાનું કામ કરવા અમે આવ્યા છીએ તે હવે પાર પાડવાનો આજ ઠીક અવસર આવ્યો છે. માટે આજે વશરામ મામાના હાથમાં આવવું નથી એવો દૃઢ સંકલ્પ કરી પોતે દોડ્યા.
આગળ ઘનશ્યામ ને પાછળ મામા એમ દોડ ચાલુ થઈ. મામાને એમ કે હમણાં પકડી પાડું... હમણાં પકડી પાડું... પણ... પણ... આ તો પકડવાને બદલે બંને વચ્ચેનું અંતર વધતું જ ગયું... વધતું જ ગયું અને... થોડી વારમાં તો ઘનશ્યામ ક્યાંય દૂર નીકળી ગયા.
મામા તો હાંફી ગયા અને અંતે પોતે હતાશ થઈ બેસી ગયા.
પણ... ઘનશ્યામ તો અંતર્યામી હતા. તેથી વિચાર્યું કે જો હું આમ અત્યારે દોડીને કદાચ ભાગી જઈશ, ગૃહત્યાગ કરીશ તો મારાં વૃદ્ધ માતાપિતા ખૂબ દુ:ખી થશે. માટે જે કામ અમારે કરવું છે તે કરવું પણ માતાપિતાને અમારા દિવ્ય સુખની અનુભુતિ કરાવીને એ કરવું. એમ વિચારી પોતે પાછા વળ્યા.
મામાના આનંદનો પાર ન રહ્યો. તેમણે લાડકવાયા ભાણાને ખભે તેડી લીધો અને ઘેર લાવ્યા. આમ, આનંદ-ઉલ્લાસમાં આ દિવ્ય પ્રસંગ પૂરો થયો.