અમારા પર દયા રાખજો

ડભાણના યજ્ઞ પછી મહારાજ ફરી કચ્છ પધાર્યા. મહારાજ ભૂજમાં બિરાજતા હતા. ફૂલદોલનો સમૈયો કર્યો. આસપાસથી ઘણા હરિભક્તો ત્યાં આવ્યા હતા. અંતે જવાને દિવસે મહારાજને હારતોરા ચઢાવી પૂજા કરી. વિદાય લેતાં કહ્યું, "મહારાજ ! અમારા પર દયા રાખજો." મહારાજે આશીર્વાદ આપતાં સામું કહ્યું, "તમે પણ મારા પર દયા રાખજો."

હરિભક્તો પગે લાગીને ઘેર જવા ચાલ્યા. ચાલતાં ચાલતાં વિચાર આવ્યો, "મહારાજે આપણને ‘અમારા પર દયા રાખજો’ એમ કેમ કહ્યું હશે ?" બધાએ એકબીજાને આનો અર્થ પૂછ્યો પરંતુ મર્મ સમજાયો નહીં. તેથી તેઓ પાદરથી પાછા ફર્યા. મહારાજ પાસે પગે લાગીને ઊભા રહ્યા અને પૂછ્યું, "મહારાજ ! આપે અમને કહ્યું કે અમારા પર દયા રાખજો. આનો શો અર્થ ?"

મહારાજે સ્મિત કરતાં કહ્યું, "આ સાડા ત્રણ હાથનો તમારો સૌનો દેહ છે. તેમાં હ્દયાકાશ છે. ત્યાં જીવમાં  સાક્ષી રૂપે હું રહ્યો છું માટે તમારું અંતર ચોખ્ખું રાખજો. હ્દયમાં જગતનો ગંદવાડો પેસવા દેશો નહીં. તમારી સર્વ ક્રિયાઓ હું અંદર રહીને જોઉં છું. માટે અણીશુધ્ધ વર્તજો. આ હ્દય શુદ્ધ હશે તો હું અંદર સુખેથી રહી શકીશ. માટે સારા સંકલ્પો, સારી વાણી અને સારું આચરણ કરવાની દયા હંમેશાં મારા પર રાખજો." હરિભક્તોને આજ નવો પાઠ મળ્યો. તેજીને ટકોર બસ હોય. તેમણે ‘આચાર, ઉચ્ચાર અને વિચાર સારાં રાખીશું, આપની આજ્ઞા પ્રમાણે વર્તીશું.’ એવી મહારાજને ખાતરી આપી. મહારાજ તેમના પર પ્રસન્ન થયા. તેઓ મહારાજને પગે લાગી મનમાં આજ્ઞા પ્રમાણે વર્તવાની ગાંઠ વાળી ઘેર જવા નીકળ્યા.

આમ, મહારાજ કેવળ ટકોર કરીને હરિભક્તોનાં વાણી-વર્તન વિશુદ્ધ કરી નાખતા.