દાતણની સેવા

"ભગુજી, ગામમાં જઈ ગમે ત્યાંથી એક બાવળનું દાતણ શોધી લાવો. અમારે આજે બાવળનું દાતણ કરવું છે." ભાલ પ્રદેશના વિચરણ દરમ્યાન શ્રીજીમહારાજ, સુરાખાચર અને ભગુજી આખી રાત ચાલીને એક સોઢી નામે ગામના પાદરમાં આવી પહોંચ્યા હતો, પ્રાતઃકાળનો સમય હતો અને ત્યાં જ એક ઘટાદાર વૃક્ષ નીચે બેસી જતા મહાપ્રભુએ ભગુજીને દાતણ અને એ પણ બાવળનું લઈ આવવાની આજ્ઞા કરી.

ઘડીભર તો ભગુજી વિચારમાં પડી ગયા. થોડા મૂંઝાયા પણ ખરા અને કહ્યું, "મહારાજ ! આ તો ભાલ પ્રદેશ, અહીં વળી બાવળિયો કેવો ? આખા ભાલ પંથકમાં બાવળિયો જોવાય ન મળે. તેને બદલે તમે કહો તો વખડીનું દાતણ લાવું. કહો તો લીમડાનું દાતણ કાપી લાવું, પણ..." "ગમે તેમ કરો, આખા ગામમાં ઘેર ઘેર ફરી વળો. પણ ગમે તેમ કરી બાવળનું દાતણ શોધી લાવો." શ્રીજીમહારાજે તો મક્કમતાથી જવાબ આપ્યો. ભગવાનની સર્વે ક્રિયા કંઈક જીવોના મોક્ષ માટે જ હોય છે. એમની અપરંપાર અકળ કળાને કોણ કળી શકે ?

ભગુજીને મહારાજની આજ્ઞામાં સંપૂર્ણ વિશ્વાસ હતો. એટલે, તેઓ તો ઊપડ્યા ગામમાં. ઘેર ઘેર જતા અને પૂછતા, "અરે ભાઈ, બાવળનું એક દાતણ મળશે ?" પણ... નિરાશા ! હતાશા ! બધા તરફથી હસતા હસતા એક જ જવાબ મળતો કે બાવળનું દાતણ ? આ ભાલ પ્રદેશમાં વળી બાવળનું દાતણ કેવું ? ભાઈ, ખોટા આંટા ન મારો, તમને બાવળનું દાતણ ક્યાંય નહિ મળે."

પણ મહારાજની સાથે ફરી ફરી ભોમિયા થયેલા ભગુજીએ શ્રીજીમહારાજની મક્કમતાને પારખી લીધી હતી. અને એટલે જ ‘મહારાજે કહ્યું છે તો મળશે જ’ એવા દૃઢ વિશ્વાસથી આગળ પૂછ્યે જતા હતા. આ તો અનંતકોટિ બ્રહ્માંડના અધિપતિ, લટકાળો લાલ આજે લહેરમાં આવ્યા હતા. પ્રેમી ભક્તના પ્રેમને વશ થઈ તેના મનોરથ પૂરા કરવા એ તો એમનો આ બ્રહ્માંડમાં પ્રગટ થવાનો એક હેતુ હતો અને... એ જ હેતુને સાર્થક કરવા શ્રીજીમહારાજે આજે આ લીલા આદરી હતી.

વાત જાણે એમ હતી કે આ સોઢી ગામની એક નિર્દોષ પ્રેમી મુસલમાન બાઈએ થોડા સમય પહેલાં એક સંકલ્પ કરેલો કે ખુદા મારી પાસે આવીને સામે ચાલી કંઈક મારી સેવા માગે તો કેવું ? એમ કરું, લાવ એક બાવળની સોટી એક કૂંડામાં રોપી દઉં અને તેની કાળજી રાખીશ. ખુદા તો અંતર્યામી હોય, જરૂર મારો સાચો ભાવ જાણીને મારી પાસેથી બાવળના દાતણની સેવા માગીને અંગીકાર કરશે જ.

અને આ પ્રેમી ભક્તના પ્રેમને વશ થઈ આજે સર્વના ખુદા અને ખુદાઓના પણ ખુદા એવા શ્રીજીમહારાજે આજે આ ગામે જ પાદરમાં આવી આવો દૃઢ સંકલ્પ કર્યો હતો ! વાહ પ્રભુ વાહ ! એક નાનામાં નાના ભક્તનીય આપ કેટલી કાળજી રાખો છો ? ભલે મુસલમાન બાઈને ખબર ન હતી કે કોણ ખુદા છે ? વળી તે ક્યાં છે ને કેવા છે ? પણ ખુદાને તો ખબર હતી ને કે મારી શું ફરજ છે. જેમ કોઈ એક સૂરદાસ (અંધજન) અથડાતાં-કુટાતાં મંદિરમાં ખૂબ ગિરદી હોવા છતાંય દર્શન કરવા જવા લાગ્યા. ત્યારે એક વ્યક્તિએ તેમને કહ્યું કે, "સૂરદાસ, તમે દેખતા તો નથી; તો પછી આવી ગિરદીમાં શા માટે હેરાન થાવ છો ?" ત્યારે નિર્દોષ સૂરદાસે કહ્યું, "ભાઈ, ભલે હું ભગવાનને નથી દેખતો પણ ભગવાન તો મને દેખે છે ને ! બસ એમની મારી પર દૃષ્ટિ પડી જાય એટલે બસ." કેટલી શ્રદ્ધા !

અહીં પણ ભલે તે બાઈને ભગવાનની ખબર ન હતી પણ ભગવાનને તો તેના પ્રેમની-સંકલ્પની ખબર હતી જ. અને એટલે જ કીર્તનમાં કહ્યું છે કે,                                    

“પ્રેમીજનોના કામ કર્યાં છે, કરે છે ને કરશે એ દયા છે

       સદા પ્રગટ પ્રગટ જન પ્યારા, હે ભક્તિ ધર્મ દુલારા.”

અને ભગુજી પૂછતાં પૂછતાં આવી પહોંચ્યા આ મુસલમાન બાઈને ઘેર. બાઈ બહાર ચોક વાળતાં હતાં. ભગુજીએ પૂછ્યું, "બહેન, બાવળનું એક દાતણ મળશે દાતણ ?" અને... પ્રશ્ન સાંભળતાં જ પેલાં બાઈ ચમક્યા, કરેલો સંકલ્પ સ્મૃતિપટ પર આવી ગયો અને પળમાં તો વિચારીય લીધું : "ખુદા મારો ખુદા... મારો સંકલ્પ પૂરો કરવા તો નહિ આવ્યા હોય ને..." અને એ પ્રશ્નના ત્વરિત ઉત્તર માટે જલદી જલદી સામે પૂછી લીધું : "ભાઈ, દાતણ-બાવળનું દાતણ જોઈએ છે ? કોના માટે ?"  "અમારા ખુદા - અમારા ભગવાન માટે."

"ખુદા માટે ? કયાં છે ખુદા ? ભાઈ, મને બતાવો ક્યાં છે ખુદા ? " અને... સંકલ્પસિદ્ધિનો તરવરાટ એના અંગેઅંગમાં વ્યાપી ગયો. "આ સોઢી ગામના પાદરમાં બિરાજ્યા છે. અને બાવળનું જ દાતણ કરવાની હઠ લીધી છે. તમારે બદલામાં જે પૈસા લેવા હોય તે લઈ લો. પણ..."

ભગુજી વાક્ય પૂરું કરે તે પહેલાં પેલાં બાઈ બોલી ઊઠ્યાં, "પૈસા ? પૈસા લેવાના નથી અને તમને દાતણ આપવું નથી. હું તો જાતે આવીને ખુદાને હાથોહાથ દાતણ આપીશ." આટલું કહેતાંકહેતાં તો ચોકમાં પડેલા કૂંડામાં માવજત કરી રોપેલી બાવળની સોટીમાંથી એક સુંદર, સીધું પૂરા ચૌદ આંગળનું એક દાતણ કાપ્યું. દાતણ લઈ અનેરા ઉમંગમાં આ બાઈ ભગુજી સાથે પાદરમાં પહોચ્યાં.

મહારાજને જોયાં ને દર્શન કર્યાં અને હસ્તકમળમાં દાતણ મૂકતાં બોલી નાખ્યું, "હે પ્યારે ખુદા, મેરી પર નિગાહ રખના."  "જા બાઈ, તેરા અચ્છા કરેગા." શ્રીજીમહારાજના દિવ્ય આશીર્વાદે આ બાઈને ન્યાલ કરી નાખી. આનંદના અતિરેકમાં બાઈ બીજું કશું બોલી શકતી નહોતી. પણ... પાછા પગલે જતાં જતાં કેટલીય વાર બોલ્યા જ કર્યું, "ખુદા મેરી પર નિગાહ રખના." અને સમર્થ દયાળુ ધણીએ એક જ પ્રત્યુત્તર વાળ્યા કર્યો, "જા તેરા અચ્છા કરેગા."

બાઈના ગયા પછી પાસે બેઠેલા સુરાખાચરે પ્રશ્ન પૂછ્યો, "મહારાજ, આ દાતણની કિંમત પૂરો એક પૈસોય નથી છતાંય તમે એને લગભગ પચાસ વખત કહ્યું કે, ‘જા તેરા અચ્છા કરેગા... અચ્છા કરેગા...’ તે મહારાજ ! એમાં તમે તેનું શું અચ્છું કરશો ? એમાં કંઈ ગેડ્ય પડતી નથી."  શ્રીજીમહારાજે કહ્યું, "સુરાખાચર, અમે કાંઈ વાણિયા જેવા નથી કે તોલી તોલીને જ આપીએ. અમારો સ્વભાવ જ એવો દયાળુ છે કે સુરાખાચર સાંભળો ત્યારે, એ બાઈને તેના દાતણના બદલામાં આ મુક્તાનંદ સ્વામી જોડે કલ્યાણ આપવું છે, અમારું દિવ્ય અક્ષરધામ, અમારી મૂર્તિનું સુખ આપવું છે."  "મહારાજ... મહારાજ આટલું બધું...?" સુરાખાચર તો સાંભળીને આભા જ બની ગયા.

આવા ભક્તવત્સલ આપણા મહારાજ ! આપણા પ્રાણપ્યારા સ્વામિનારાયણ ભગવાન.