દંઢાવ્ય દેશમાં મહારાજ અડાલજ અને વડુ થઈને કરજીસણ પધાર્યા. અહીં એક માસ રહ્યા. આ વર્ષે પણ કાઠિયાવાડમાં વરસાદ થોડો ઓછો થયેલો તેથી મહારાજે કરજીસણમાં સંતો અને હરિભક્તોને બોલાવી ઉત્સવ કર્યો. અર્ધરાત્રિ સુધી ઝાંઝ-મૃદંગ વગાડીને સૌએ ઉત્સવ કર્યો. ઉત્સવમાં હરિભક્તોએ પંચામૃતથી મહારાજનાં ચરણાવિંદ ધોયાં અને નવાં વસ્ત્રો ધારણ કરાવ્યાં. પછી વડની ડાળીએ હિંડોળો બાંધીને મહારાજને ઝુલાવ્યા. અમાસ સુધી હરિભક્તોને અને સંતોને સુખ આપી વિદાય કર્યા. પછી કરજીસણ, મેઊ અને લાંઘણોજમાં થોડો વખત મહારાજ રહ્યા.
લાંઘણોજમાં બે સત્સંગીબાઈઓ રહે. એક હતી ગરીબ, તેનું નામ ભાવસાર સોનબાઈ. બીજી શ્રીમંત, તે જાતે નાગર બ્રાહ્મણ. તેનું નામ ગંગાબા. સોનબાઈએ મહારાજને અને સંતોને ઘેર જમવા આવવા આમંત્રણ આપ્યું. ગંગાબાને આ વાતની ખબર પડી. તે સીધી સોનબાઈ પાસે ગઈ. તેણે કહ્યું, "તારી પાસે ઊંચી જાતના દાળ-ચોખા નથી. તારા દાળ-ચોખા હલકાં છે. માટે તું સાધુઓને રસોઈ કરીને જમાડ અને મહારાજ માટે સારાં દાળ-ચોખામાંથી બનાવેલો થાળ તૈયાર કરી હું જમાડવા આવીશ." ગરીબ સોનબાઈને મનમાં બહુ ઓછું આવ્યું. પરંતુ તેણે દુઃખી હ્દયે હા પાડી. તેને મનમાં થયું, "મારાં દાળ-ચોખા હલકાં છે, મહારાજના કામમાં મારું સીધું ન આવ્યું."
બપોર ટાણું થયું. મહારાજ ચાખડિયે ચડીને સોનબાઈને ઘેર જમવા પધાર્યા. તેમણે સોનબાઈ સામું જોયું. તેનું મોં ઝાંખું પડી ગયેલું, આંખમાં ઝળઝળિયાં હતાં. મહારાજે તેના દુઃખનું કારણ પૂછ્યું. સોનબાઈએ રોતાં રોતાં બધી જ હકીકત મહારાજને કહી. મહારાજે કહ્યું, "તમારા ઘરમાં જે રસોઈ તૈયાર હોય તે લાવો. અમે તમારું જ અન્ન જમીશું." સોનબાઈએ રાજી થઈને પાટલો નાખ્યો અને મહારાજને જમવા બેસાડ્યા. મહારાજ લગભગ જમી રહ્યા ત્યાં ગંગાબા થાળી પીરસી, બ્રાહ્મણ આગળ ઊંચકાવી લઈને ઘરમાં પ્રવેશ્યાં. તેમને જોઈને મહારાજે ટકોર કરતાં કહ્યું, "હું તો જમ્યો. અમને સોનબાઈની રસોઈ બહુ ભાવી. હવે આ થાળ તમે અને સોનબાઈ જમી લો." ગંગાબાને અંતદૃષ્ટિ થઈ, પોતાની ભૂલ સમજાઈ. સોનબાઈનો ભાવ ઓળખાયો.