ગુણગ્રાહક થવું

ગઢડામાં મહારાજ સંતોને બપોરે પીરસતા હતા. સાધુ અને હરિભક્તોને જુદાં જુદાં પકવાન, ફરસાણ અને શાકભાજી પીરસ્યાં. ‘જય’ બોલાવીને સૌ જમવાની તૈયારીમાં જ હતા; ત્યાં એક સંત ગામડે ફરીને આવ્યા. મહારાજે બધું પીરસી દીધું હતું. હવે શું કરવું ?

મહારાજે તે સંતને કહ્યું, "તમે પત્તર લઈ પંગતમાં ફરી, સૌ સંતો પાસેથી થોડું થોડું ભિક્ષા રૂપે માગી લો." પરમહંસ સૌની પાસેથી પત્તર લઈને નીકળ્યા. સૌએ પોતાના પત્તરમાંથી સારામાં સારી ચીજ થોડી થોડી આપી. સંતનું પત્તર પકવાનથી ભરાઈ ગયું. મહારાજે બે પંગત વચ્ચે ઊભા રહી, સંતનું પત્તર હાથમાં લઈ વાત કરી, "જુઓ, સૌની પાસે નમીને ગ્રહણ કર્યું તો આખું પત્તર સારાં સારાં પકવાનથી ભરાઈ ગયું. તેમ તમે સૌ નિર્માની થઈને સૌમાંથી એક એક પણ સારો ગુણ ગ્રહણ કરો તો જીવન આખું સદગુણોથી ભરાઈ જાય."