શ્રીજીમહારાજે જેતલપુરમાં યજ્ઞ કર્યો. યજ્ઞમાં હજારો-લાખો ભક્તો દર્શને આવેલા. રોજ લાખો માણસો જમે, રમે ને આનંદ કરે. ભગવાનના રાજ્યમાં આનંદ જ હોય ને ! પણ કેટલાક બ્રાહ્મણો બળી મરતા. ઇર્ષ્યા ને અદેખાઈએ કરી ભગવાનની ચારેબાજુ થતી વાહ વાહને દેખી શકતા નહીં. આવા કેટલાક વિરોધીઓએ સંગઠન કર્યું કે બસ ગમે તેમ કરી આપણે આ સ્વામિનારાયણના યજ્ઞને બગાડવો, તેમાં ભંગ પડાવવો અને એમનું જગતમાં ખોટું દેખાડવું. એમાં બહારથી યજ્ઞમાં રસોઈના ઘીના ગાડાં ભરીને જે આવતાં હતાં તેને સરકારે રોક્યા એટલે ઘી આવ્યું નહીં. એટલે આ વિરોધીઓને તક મળી. રાત્રે બધા સૂતા હોય એ દરમ્યાન આ વિરોધીઓ ઊઠીને છાનામાના જે ઘી હતું તે જેતલપુરના દેવસરોવરમાં ઢોળી આવ્યા અને લાડુના ઢગલા કરેલા તેમાંથી ટોપલા ભરી ભરી લાડુ તળાવમાં નાખી આવ્યા.
સવારે સંતો બધા વહેલા સરોવરમાં ન્હાવા ગયા. ત્યારે બધાના માથા પાણીમાં ઠરી ગયેલા ઘી સાથે ભટકાયા. "તડીમ્...તડીમ્..." "અરે, આ શું?" સંતોએ જોયું તો, આ તો ઠરી ગયેલું ઘી. "આવો બગાડ, આટલી બધી દુષ્ટતા કે લાડુને તળાવમાં નાખી દેવાના.
"સંતોએ મહારાજને જઈ આ ફરિયાદ કરી. મહારાજ આ સાંભળી હસ્યા. "સંતો, બિચારા માછલાંનું કલ્યાણ કેમ થાય ? આ પ્રસાદી માછલાં ખાશે તો તેમનુંય કલ્યાણ થશે. માટે કોઈ ચિંતા ન કરશો. ભલે તળાવમાં નાખવા દો."
એમાં ઘી ખલાસ થઈ ગયું. આખી પાકશાળાનું સંચાલન કરતા આનંદાનંદ સ્વામી મહારાજ પાસે દોડતાં દોડતાં આવ્યા. સ્વામી ખૂબ ગભરાઈ ગયા હતા, "મહારાજ ! આ બ્રાહ્મણોએ ઘી અને લાડુ ખૂબ બગાડ્યા, અને હવે ઘી ખૂટ્યું. મહારાજ ! હજુ રોજ આટલા બધા માણસોને શામાંથી જમાડીશું ? શું કરીશું હવે ?" એમ સ્વામીએ તો મહારાજને ફરિયાદ કરી. પણ મહારાજનું તો પેટનું પાણીયે હલતું ન હતું. "સ્વામી, થોડું તો હશે. પણ સાવ થઈ ન રહે." "મહારાજ ! બે કુલ્લામાં થોડું થોડું એકમાં દસ કિલો જેટલું અને બીજામાં પંદર કિલો જેટલું ઘી પડ્યું છે. "મહારાજે કહ્યું, "ચાલો સ્વામી, અમને બતાવો."
મહારાજે નાના કુલ્લા પર સોટી અડાડીને કહ્યું, "લ્યો આને ઊંચી ઘોડી પર મૂકી, વાંકું વાળી વાપરવા માંડો. જાવ હવે ગમે તેટલું વાપરશો તોય નહિ ખૂટે." અનેખરેખર રોજ પાંચસો-પાંચસો મણ લોટના લાડુ થાય પણ એમાંથી અખંડધારે ઘી નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરે. એમાં વળી એક દિવસમાં જલેબી બનાવેલી. જલેબીના મોટા ઢગ કરેલા. રાત્રે એક બ્રાહ્મણે છાનામાના આવી ઢગલામાંથી જલેબીનો ટોપલો ભર્યો. અને જ્યાં ભાગવા જતા હતા ત્યાં આનંદાનંદ સ્વામીએ પકડ્યા, "એય, ક્યાં લઈ જાય છે ? ચાલ મહારાજ પાસે." સ્વામી પેલાને ટોપલા સાથે મહારાજ પાસે લાવ્યા ને કહ્યું, "મહારાજ ! બોલો, બ્રાહ્મણને શું શિક્ષા કરવી ? જલેબીનો ટોપલો લઈ જાય છે."
મહારાજે હસતાં હસતાં પેલા બ્રાહ્મણને કહ્યું, "ભાઈ લઈ જા...જા બીજો ટોપલો ભરી જવો હોય તોય ભરી જા." સ્વામી તો સાંભળી અવાચક જ થઈ ગયા. મહારાજે કહ્યું, "સ્વામી, લઈ જવા દો ને, ક્યાં આપણે હવે ઘી ને લોટના પૈસા ખર્ચવા પડે છે ? ભલે એ ધરાતા. ગમે એટલું લઈ જાય તોય આપણે ખૂટવાનું નથી."
આમ, ભગવાનના યજ્ઞનો જયજયકાર થઈ ગયો. અને યજ્ઞ રંગેચંગે પૂરો થયો.