કૂબામાં હાથી

મહારાજ જ્યારે મનુષ્ય રૂપે બિરાજતા ત્યારે ક્યારેક હારે, બીએ, નાસે એવી અનેક લીલાઓ કરતા. એક વખત મહાપ્રભુ રિસાયા. જીવુબા, લાડુબાથી રિસાઈને મહાપ્રભુ ગઢપુરથી ભાગ્યા. તે મહારાજ ગુજરાતમાં કાણોતર ગામે પહોંચ્યા. ત્યાંના સાર્દુલ અને સગરામ નામના બે ભરવાડભાઈઓ; જે મહારાજના સત્સંગી હતા. તેમને ઘેર આવ્યા.

"અલ્યા સાર્દુલ... અરે સગરામ... અમને સંતાડ અને એવા ઘરમાં સંતાડ કે જ્યાં બે બારણાં હોય." મહારાજ તો હાંફળા-ફાંફળા થઈ ગયા હતા. શ્વાસ ભરાઈ ગયો છે. જાણે બી ગયા ન હોય એમ કરી રહ્યા હતા. "પણ મહારાજ ! આપ બીવો છો કેમ ? જરા બેસો તો ખરા. પાણી પીઓ, જમો અને સુખેથી રહો. આ આપનું જ ઘર છે ને !" બંને ભાઈઓેએ મહારાજને પાણી આપતાં આપતાં કહ્યું.

"અરે ભાઈ, પેલા બ્રહ્માનંદ ને સુરાખાચર મારી પાછળ મને શોધવા નીકળ્યા છે. પગેરું શોધતાં શોધતાં અહીં આવી પણ જાય. માટે આગળથી આવે તો પાછલા બારણાંથી ભાગી નીકળાય એવા ઘરમાં સંતાડ." મહારાજે થોડી ચોખવટ કરી.  "મહારાજ, આ ઘર એવું જ છે. જોઈ લ્યો પાછળ કમાડ છે. ઉઘાડીને ભાગજો, તમતમારે."

આમ જ્યાં હજુ વાત ચાલતી હતી ત્યાં તો મહારાજે કહ્યું, "એ ઓલ્યા આયા..." એમ કહેતાંક ને પાછલું બારણું ખોલી મહારાજ નાઠા. પાછળ ગારાની વંડી હતી. તેની પર ચઢી પેલી બાજુ ઠેકડો માર્યો. પણ... એમાં મહારાજના ચરણની એક મોજડી આ બાજુ નીકળીને પડી ગઈ. જ્યારે એક મોજડી મહારાજના ચરણમાં રહી ગઈ.

બ્રહ્માનંદ સ્વામીએ બૂમ પાડી, "મહારાજ ! હવે એક મોજડીને શું કરશો ? બીજીય આપતા જાઓને !" એટલે મહારાજે પેલી બાજુથી બીજી મોજડીય ફેંકી અને નાઠા... તે ઠેઠ લીંબલી ગામે પહોંચ્યા.

ઘણા સમયથી જેની રાહ જોતા એ સગરામ ભક્ત મહારાજના ખરેખરા ભક્ત. દાતણ વેચવા બેસે તોય ઉપદેશ કરતા જાય. "જોજો હોં... અત્યારે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે. માટે તેમને ઓળખી લેજો." આવા પ્રેમી ભક્ત સગરામના કૂબામાં મહારાજ પધાર્યા. ગામમાં મૂળજી શેઠનું ઘર સત્સંગી તરીકે હતું. પણ તેના ઘેર તપાસ પહેલી થાય એ બીકે મહારાજે સગરામનો કૂબો પસંદ કર્યો.

સાંજ ઢળી ગયેલી. એવે ટાણે મહારાજે પ્રવેશ કર્યો. સગરામના આનંદનો પાર નહોતો. અને હોય જ ને !

"ક્યાં કીડી ને ક્યાં કુંજર... ક્યાં જીવ ને ક્યાં જીવન" એનો આજે મેળાપ થયો હતો !  મહારાજે કહ્યું, "સગરામ કોઈને કહીશ નહિ, અમારે સંતાવું છે. આજની રાત અહીં રહેવું છે."  સગરામે કહ્યું "પણ મહારાજ કૂબામાં અંધારું છે. હું મૂળજી શેઠની દુકાનેથી જરા દીવો કરવા એરંડિયું (દિવેલ) લઈ આવું. અને જોજો હોં મહારાજ, જરા નીચા નમીને ઊભા રહેજો. ચાલતાં ધ્યાન રાખજો. આપને માથે વાગે નહીં."  મહારાજે કહ્યું, "પણ જોજે, મૂળજી શેઠને વાત ન કરતો હોં..." "ભલે મહારાજ... ભલે મારા નાથ." એમ કરતાં સગરામ ભક્ત તો ઉપડ્યા.

મૂળજી શેઠની દુકાને આવી ‘જય સ્વામિનારાયણ’ કહી એરંડિયું માગ્યું. શેઠે વિચાર કર્યો, આ વળી સગરામ કોઈ દી દીવો કરે નહિ ને આજે શું હશે ? આજ તો સગરામ ખૂબ આનંદમાં લાગે છે. નક્કી કંઈ નવા-જૂની હશે. એટલે સહજભાવે પૂછી નાખ્યું, "કેમ સગરામ આજે એરંડિયું ? કંઈ છે કે શું ?" સગરામે કંઈક જવાબ તો આપવો જોઈએ ને ! શું કહેવું ? એટલે મોઘમ મોઘમ... મર્મમાં કહ્યું, "એ તો શેઠ, આજે કૂબામાં હાથી પેઠો છે. એટલે દીવો કરવો પડશે."

શેઠે શબ્દો તો સાંભળ્યા, પણ ગરાગમાં સાંભળ્યા ન સાંભળ્યા થઈ ગયા.  સગરામે ઘેર આવી દીવો કર્યો. પ્રકાશમાં મહારાજના દિવ્ય દર્શન થયાં. પ્રેમથી મહારાજને ભેટ્યો અને સારા ગોદડા ઉપર કૂબામાં સુવાડ્યા. વહેલી સવાર થઈ. બ્રહ્માનંદ સ્વામી અને સુરાખાચર પગેરું જોતાં જોતાં લીંબલી પહોંચી ગયા, સીધા મૂળજી શેઠના ઘેર જઈ તેમને જગાડ્યા: "મહારાજના કંઈ સમાચાર છે ?" તેમ પૂછ્યું.

એ વખતે શેઠને ઝબકારો થયો, "સ્વામી, બીજું તો હું કંઈ જાણતો નથી પણ કાલે સાંજે સગરામ દીવા માટે એરંડિયું લેવા આવેલો ને બોલેલો કે કૂબામાં હાથી પેસી ગયો છે તે બીજો કોઈ હાથી નહિ... નક્કી એ મહારાજની વાત કરી હશે."  પછી... ત્રણે જણ પહોંચ્યા સગરામને કૂબે. આ બાજુ મહારાજે રાત્રે એક નવો જ વેશ ધારણ કરેલો. સગરામની સ્ત્રીનો, કેટલાય થીગડાંવાળો જૂનો સાડલો પહેરીને, મહારાજ બહાર, કૂબાની ઓટલી ઉપર જાડું વેલણ જેવું દાતણ લઈ દાતણ કરી રહ્યા હતા.

છેટેથી બ્રહ્માનંદ સ્વામી અને સુરાખાચરે આ દર્શન કર્યાં. વાહ ! પ્રભુ વાહ ! શું તમારી મૂર્તિ છે ! શું આજનાં નવાં દર્શન છે ! "અલૌકિક મૂર્તિ આજની ધરી ધર્મકુમાર." આવાં દર્શન તો કદી કર્યાં નથી. આમ છેટે ઊભા રહી ખૂબ નિહાળી નિહાળીને દર્શન કર્યાં. મહારાજની પણ એ બાજુ દૃષ્ટિ ગઈ અને બંનેની દૃષ્ટિ જ્યાં એક થઈ ત્યાં બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન ઊપાડ્યું. "વાતલડી રહોને રાતલડી, વ્હાલા પૂછું એક વાતલડી..." હે મહારાજ ! મને એક વાત પૂછવાનું મન થાય છે કે તમે કોના ઘેર રાત રહ્યા તેની તમને ખબર છે ? ધન્ય છે પ્રભુ ! ધન્ય છે તમારી આ નૌતમ લીલાને !

મહાપ્રભુ પ્રેમી ભક્તના લાડકોડ પૂરા કરવા માટે કેવાં અદભુત ચરિત્રો કરે છે ! ભગવાન જાત-કુજાત નથી જોતા. ભગવાન જુએ છે, ભક્તના નિર્દોષભાવને ! ભક્તની ભાવ ભરેલી ભક્તિને !