ગઢડામાં કાઠી દરબારોએ એક સરસ ઘોડો શ્રીજીમહારાજને ભેટ આપ્યો. મહારાજે કેટલાક દિવસ વાપર્યો. એક દિવસ કેટલાક દરબારોએ કહ્યું, "મહારાજ આ તો રોઝો ઘોડો છે. આખા કાઠિયાવાડમાં આની એકેય જોડ મળે તેમ નથી." મહારાજે કહ્યું, "એમ ! આ તો ઉત્તમ ઘોડો કહેવાય." મહારાજે આ વાત ધ્યાનમાં રાખી લીધી. સાંજે ઘોડા ઉપર બેસીને નદીએ સ્નાન કરવા ગયા. સૌને ખૂબ આનંદ કરાવ્યો. દરબારોને રમાડ્યા. ત્યાં એક યાચક બ્રાહ્મણ ઊભો હતો. તેને વ્યવહારિક પ્રસંગ ઉકેલવા દ્રવ્યની જરૂર હતી. મહારાજે અંતર્યામીપણે તેનું દુઃખ જાણી લીધું. મહારાજ ઘોડાની લગામ પકડી બ્રાહ્મણ પાસે ગયા. બ્રાહ્મણના હાથમાં ઘોડાની લગામ સોંપી દીધી અને ‘શ્રીકૃષ્ણાર્પણ’ બોલી દીધું. "હં... હં... હં ?" દરબારોમાંથી શ્વાસ નીકળી ગયો. મહારાજે કહ્યું, "બહુ સારું પદાર્થ બંધન કરે. ઉત્તમ પદાર્થ આપણે ન જોઈએ." અશ્વપ્રિય દરબારોને બહુ દુઃખ થયું. તેમને તો સુંદર ઘોડો પુત્ર જેવો પ્યારો લાગે. તેથી દરબારોએ બે દિવસ શોક પાળ્યો. પણ ધીમે ધીમે વાત સમજાઈ. તેમને જીવનમાં એક નવો મંત્ર મળ્યો.