જેતલપુરમાં મહારાજે એક વખત તો યજ્ઞ કરી જયજયકાર કર્યો. હવે થોડા સમય પછી શ્રીજીમહારાજે ફરી એક યજ્ઞનું આયોજન કર્યું. પહેલી વખત તો વિરોધીએ યજ્ઞ બગાડવા ઘણા પ્રયત્નો કરેલા, પણ સફળ થયેલા નહીં. આ વખતે ખબર પડતાં ભેગા થયા અને નક્કી કર્યું કે, બસ આ વખતે તો ગમે તેમ કરો સ્વામિનારાયણનો યજ્ઞ થવા જ ન દેવો.
એટલે કાવતરું કરી એ વખતના અમદાવાદમાં રાજ્ય કરતા પેશ્વા સૂબા વિઠોબા પાસે ગયા. તેને અવળી કાનભંભેરણી કરી કે, "હે રાજન્, આ સ્વામિનારાયણે પહેલી વખત યજ્ઞ કર્યો પણ શાસ્ત્રના નિયમોનું પાલન ન કર્યું, હિંસા ન કરી. હે રાજન્, આપના રાજ્યમાં આવાં શાસ્ત્ર વિરુદ્ધ અહિંસક યજ્ઞ થતા હોવાથી જ આપના પિતાશ્રી થોડા સમય પહેલાં મરી ગયા અને હવે સ્વામિનારાયણ જો બીજો યજ્ઞ કરશે તો આ વખતે તમારું મોત નક્કી છે. માટે ગમે તેમ કરી સ્વામિનારાયણના યજ્ઞને અટકાવો." અને એવી તો ખોટી વાત વિઠોબાના મગજમાં વિરોધીઓએ ઠસાવી દીધી કે તેણે તો નક્કી કર્યું કે, "બસ... મારે તો આ સ્વામિનારાયણને પતાવી જ દેવા."
આવી બદદાનતથી સૂબાએ એક કાવતરું યોજયુ. પોતાના દરબારમાં એક ભવ્ય સિંહાસન તૈયાર કરાવ્યું અને તેની નીચે એક ઊકળતા તેલનો તવડો મૂકાવ્યો. તેની ઉપર પાતળી લાકડીની ખપાટિયાની પટ્ટીઓથી ઢાંકી દઈ ખબર પડે નહિ એ રીતે સિંહાસન તૈયાર કર્યું. અને... તેણે શ્રીજીમહારાજને વાજતે ગાજતે પોતાના દરબારમાં પધરામણી માટે બોલાવ્યા. મહારાજ તો દયાળુ છે. એટલે સૂબાના આમંત્રણનો સ્વીકાર કરી વાજતે ગાજતે દરબારમાં આવ્યા.
દરબારના ફરતો ગઢ હતો. એ ગઢના દરવાજામાંથી ફરમાન થયું કે સૂબા સાહેબની આજ્ઞા છે કે એકલા સ્વામિનારાયણ સિવાય કોઈએ અંદર જવાનું નથી. અને મહારાજની સાથે તેમના સંત શ્રી દેવાનંદ સ્વામીને કંઈક શંકા જવાથી છાનામાના મહારાજ સાથે ઘુસી ગયા. મહારાજનું સૂબાએ ભવ્ય સ્વાગત કર્યું. સુંદર હાર પહેરાવ્યો, ચરણમાં પડ્યો અને પછી હસતાં હસતાં કહ્યું, "મહારાજ, આવો... પધારો... આ સિંહાસન પર બિરાજો." મહારાજે કહ્યું, "રાજન્, આવા રાજાશાહી સિંહાસન પર અમે સંતો ન શોભીએ; એની પર તો આપ જ શોભો. માટે આપ બિરાજો." પણ સૂબાએ મહારાજને સિંહાસન પર બેસાડવાનો સતત આગ્રહ રાખ્યો ત્યારે અંતર્યામી ભગવાને સૂબાનું કાવતરું ખુલ્લું કર્યું. પોતાના હાથમાં રહેલી સોટી જ્યાં શ્રીજીમહારાજે સિંહાસન પર દબાવી ત્યાં તો સિંહાસન આખું જઈ પડ્યું નીચેના ઊકળતા તેલના ટાંકામાં.
સૂબો આ જોઈ છોભીલો પડી ગયો. પોતાનું કાવતરું ખુલ્લું થયું જાણી કાળોધબ જેવો થઈ ગયો. અને ગુસ્સે થઈ મહારાજને કહ્યું, "સ્વામિનારાયણ, જુઓ સાંભળી લો. અમારો હુકમ છે કે તમારે આજે ને આજે, અત્યારે જ આ અમદાવાદ છોડી ચાલ્યા જવું અને મારું રાજ્ય છે ત્યાં સુધી તમારે અમદાવાદમાં પગ મૂકવો નહીં.” શ્રીજીમહારાજે કહ્યું, "કંઈ વાંધો નહિ, પણ તમે છો ત્યાં સુધી ને ! નહિ આવીએ બસ." એમ કહી શ્રીજીમહારાજ ત્રણ ચપટી વગાડી ત્યાંથી નીકળી ગયા. અને પૂરા ત્રણ મહિના થતાં થતાં તો સૂબાનું રાજ્ય ગયું. મહારાજ ફરી અમદાવાદમાં અને જેતલપુરમાં હજારો વખત આવ્યા ને મોટા મોટા યજ્ઞો પણ કર્યા.
ભગવાનની સાથે વિરોધ બાંધનારની દશા તો એવી જ થાય ને !