આ તો ધર્મમાં ફાંકું છે

સુખાનંદ સ્વામી સાથે નીલકંઠ વર્ણી મુક્તાનંદ સ્વામી પાસે આશ્રમમાં આવ્યા. બંનેનો પ્રથમ મેળાપ થયો. અને જે પ્રશ્ન વર્ણીએ સુખાનંદ સ્વામીને પૂછ્યા એ જ પ્રશ્ન મુક્તાનંદ સ્વામીને પૂછ્યા. મુક્તાનંદ સ્વામી જ્ઞાની અને સમર્થ હતા. તેમણે જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ અને પરબ્રહ્મ પાંચે પાંચ અનાદિ તત્ત્વોના સ્વરૂપ જુદાં જુદાં પાડીને બહુ સ્પષ્ટ રીતે સમજાવીને કહ્યું જે, “હે વર્ણીરાજ ! આ તો મેં મારી સમજણ પ્રમાણે કહ્યું છે. પણ અમારા બધાની વિનંતી છે કે આપ અહીં આશ્રમને તમારું ઘર માનીને રહો. અમારા ગુરુ રામાનંદ સ્વામીના સમાગમથી આપને ખૂબ આનંદ થશે. તેઓ અત્યારે કચ્છમાં ભુજનગરને વિષે બિરાજે છે અને ટૂંક સમયમાં અહીં આવનાર છે. માટે ત્યાં સુધી આપ અહીં રહી અમોને સૌને સુખ આપો.”         

નીલકંઠે જોયું કે આ રામાનંદ સ્વામીના સર્વ સંતો સત્ત્વગુણી, શુદ્ધ અને પવિત્ર છે. કોઈ વ્યસની નથી અને અખંડ ભગવાનની ભક્તિ કરવાવાળા છે. માટે રામાનંદ સ્વામી ન પધારે ત્યાં સુધી અહીં રહેવું. તેથી તેમણે મુક્તાનંદ સ્વામીની વિનંતીનો સ્વીકાર કરી કહ્યું જે, “હે મુક્તાનંદ મુનિ ! આપના ઉત્તરોથી મને આનંદ અને સંતોષ થયો છે. વળી અમને યાદ આવે છે કે બાળપણમાં અમને અમારા પિતા ધર્મદેવે કહેલું જે, તેઓ રામાનંદ સ્વામીના જ શિષ્ય હતા. માટે અમને પણ રામાનંદ સ્વામીનાં દર્શન-સમાગમની ખૂબ ઝંખના છે. માટે ત્યાં સુધી તો અમે જરૂર મુકામ કરીશું.”

ત્યારબાદ વર્ણીએ આશ્રમમાં રહેવા માંડ્યું. છતાંય તપ-ત્યાગ અને વૈરાગ્ય તો એવો ને એવો રાખતા. ક્યારેક એકલા ફળફૂલ જમે તો ક્યારેક નિર્જળા ઉપવાસ કરે તો ક્યારેક ધારણાંપારણાં કરે, વળી અષ્ટ પ્રકારનું જે બ્રહ્મચર્ય એનો આગ્રહ તો અખંડ રાખતા. નારીનું કોઈ નામ લે તોપણ તેમને ઊલટી થઈ જાય. આમ, અંતરથી નારી પ્રત્યે સુગ કરી દીધી હતી.           

એક વખત આશ્રમની બાજુમાં આવેલા જીવરાજ શેઠના ડેલામાં મુક્તાનંદ સ્વામી કથા કરવા ગયા. ગામનાં ઘણાં બાઈઓ-ભાઈઓ કથા સાંભળવા આવતા. એક બાજુ ત્યાગી સંતો પણ આવીને કથામાં બેસતા. નીલકંઠ વર્ણીએ આવીને આ જોયું. તેમને ઠીક ન લાગ્યું. તે તો ઉગ્ર સ્વરે બોલી ઉઠ્યા, “સંતો, જ્યાં સ્ત્રી-પુરુષની સભા ભેગી બેસે ત્યાં ત્યાગીનો ધર્મ ન રહે. બ્રહ્મચર્ય વ્રતનો ભંગ થયો કહેવાય. માટે ચાલો પુરુષોની સભા જુદી કરી અમે વાતો કરીએ.” એમ કહી ઊઠીને વર્ણી બહાર ચાલ્યા ગયા ને સર્વે સાધુ અને પુરુષો પણ ઊઠીને પાછળ ચાલ્યા અને આશ્રમ પાસે જઈ પુરુષોની સભા અલગ કરી.

સદ્. મુક્તાનંદ સ્વામીને પોતાની ભૂલ ઓળખાઈ. તેઓ પણ તુરત ઊઠ્યા અને છેલ્લા વંદન કરીને જાહેર કર્યું કે, આજથી બાઈઓ-ભાઈઓની સભા નોખી થશે.         

પછી તો નીલકંઠે નિષ્કામી વર્તમાનની દ્દૃઢતાની ઘણી ઘણી વાતો કરી. દેવમંદિરમાં જવાના રસ્તા પણ જુદા કરાવ્યા.

આમ, જે માટે પોતાનું અવતરણ હતું તે એકાંતિક ધર્મની સ્થાપનાનાં બીજ નીલકંઠે અહીં વાવી દીધા.         

એક વખત નીલકંઠે બીજું એક દૃશ્ય જોયું કે, આશ્રમને અડીને એક હજામનું ઘર હતું. જેની વચ્ચેની દીવાલ એક હતી. તે દીવાલમાં એક નાનું બાકોરું હતું. જેમાંથી સંતો અને હજામની બાઈ ક્યારેક દેવતાની લેવડ-દેવડ કરતાં.

નીલકંઠે તરત કહી દીધું કે, “સંતો, આ દીવાલમાં ફાંકું નથી પણ ધર્મમાં ફાંકું છે. માટે તત્કાળ એ ફાંકું પુરાવી દો.”

આમ, એ રસ્તો પણ બંધ કરાવ્યો.

આમ, આશ્રમમાં રહી નીલકંઠે ત્યાગીના ધર્મમાં શુદ્ધિ લાવવા માંડી.