હજારો યોગીઓને તેમના યોગનું ફળ આપી, તેમની સેવાને અંગીકાર કરતા, તેમનું કલ્યાણ કરવાના આશીર્વાદ આપી નીલકંઠ શ્વેતગિરિની ખીણમાં આવ્યા. જ્યાં ચંદનનાં વૃક્ષોનું એક જંગલ હતું. ચારેબાજુથી સુગંધીમાન વાયુ લહેરાતો હતો. નીલકંઠે એક વૃક્ષ નીચે આસન કર્યું અને બિરાજ્યા. ત્યાં તો નીલકંઠના અલૌકિક પ્રતાપથી જેમ લોહચુંબકથી લોહ ખેંચાય તેમ બધા સાપ ચંદનના વૃક્ષ ઉપરથી ઊતરીને નીલકંઠની સામે આવી ફેણ પ્રસારીને બેસી ગયા. અને નીલકંઠની કૃપાથી વાચા થતાં તેઓ પ્રાર્થના કરવા લાગ્યા, “હે ભગવાન ! અમારો ઉદ્ધાર કરવા માટે જ આપ આવ્યા છો તો અમારા હજારો વર્ષના ફક્ત વાયુભક્ષણ કરીને રહેવાના આકરા તપનું ફળ આપો અને અમારો મોક્ષ કરો.” આ સૌ નાગ પર અમીદૃષ્ટિ કરી તેમનો મોક્ષ કરી નીલકંઠ પુલહાશ્રમને માર્ગે આગળ વધ્યા.
અને ભગવાનની સર્વે ક્રિયા જીવના રૂડા માટે જ હોય છે તે ન્યાયે નીલકંઠ આગળ જતાં ભૂલા પડ્યા. એ દિવ્ય ચરિત્રમાં કોઈકને સેવા આપી તેનો મોક્ષ કરવો હશે. અને ખરેખર બન્યું એવું જ. સર્વે પર્વતોના ઉપરી હિમાલય પોતે સાક્ષાત્ સ્વરૂપ ધારણ કરી બે કેરીઓ લઈ નીલકંઠ પાસે આવ્યા. પોતાની કેરીઓની સેવા અર્પણ કરી નીલકંઠને પુલહાશ્રમનો માર્ગ દેખાડ્યો.
પુલહાશ્રમના રમણીય વાતાવરણમાં ભક્તોને ભગવાનને રાજી કરવા તપ કરવાની રીત શીખવવા છ માસ સુધી પોતે આકરી તપશ્ચર્યા કરી.
ત્યાંથી લગભગ એક વર્ષ સુધી હિમાલયના જંગલોમાં ટાઢ, તડકો, વરસાદને સહન કરતાં, હજારો પશુઓ, પંખીઓ અને ઝાડ-પહાડ મોક્ષ કરતાં નીલકંઠ એક દિવસ એક ઘટાદાર વડના વૃક્ષ નીચે પહોંચ્યા જ્યાં એક ઋષિ ધ્યાન કરતા બેઠા હતા.
નીલકંઠ વર્ણીનું જ્યાં એ વૃક્ષ નીચે આગમન થયું એ જ વખતે આ ઋષિની વૃત્તિઓ ખેંચાવા માંડી અને વર્ષોથી ધ્યાનસ્થ અવસ્થામાં બિડાયેલી આંખો એની મેળે ખૂલી ગઈ.
આ યોગીનું નામ હતું ગોપાળ યોગી. તેમની પાસે નીલકંઠ એક વર્ષ રહ્યા અને સ્વયં યોગસિદ્ધ હોવા છતાં ગોપાળ યોગીની સેવા અંગીકાર કરી, તેમને પોતાના સ્વરૂપનું દિવ્ય જ્ઞાન આપી તેમનો મોક્ષ કરવા માટે પોતે અષ્ટાંગ યોગ શીખ્યા.
ત્યાંથી નીલકંઠ વર્ણી આગળ વધી બંગાળમાં આવેલ શિરપુર શહેરમાં સિદ્ધવલ્લભ રાજાને ત્યાં પધાર્યા. મુમુક્ષુ એવા રાજાએ નીલકંઠને પ્રાર્થના કરી ચોમાસાના ચાર માસ પોતાને ત્યાં રોક્યા. ત્યાંના અતિ લોભી તેલંગી બ્રાહ્મણના દુ:ખને ટાળી સિદ્ધવલ્લભ રાજાને બીજા જન્મે સત્સંગમાં જન્મ ધરાવવાના આશીર્વાદ આપી આગળ વધ્યા.
શિરપુરથી નીકળી નીલકંઠ કામાક્ષી આવ્યા. ત્યાં નજીકના ગામમાં એક પિબક નામનો બ્રાહ્મણ રહેતો હતો જે ખરાબ સંગથી દારૂ, માંસ અને વ્યભિચારનો વ્યસની બન્યો હતો. ભૂત-ભૈરવની સાધના કરી, રાત્રે સ્મશાનમાંથી મેલી વિદ્યા શીખી અભિમાનમાં ચકચૂર બન્યો હતો.
માથે મોટો ચોટલો રાખી, કપાળે કંકુની મોટી આડ્ય કરી, દારૂ-માંસના ભક્ષણથી લાલઘૂમ જેવી આંખો કરી નિર્દોષ ભલા લોકો પર, સાધુઓ ઉપર, રાજાઓ ઉપર મેલી વિદ્યાથી મૂઠ મારી હેરાન કરતો. જેને તેને પોતાના શિષ્ય બનાવી ત્રાસ ગુજારતો હતો.
આવા અભિમાનીઓના અભિમાનને નષ્ટ કરવા માટે જ નીલકંઠ નીકળ્યા હતા ને !
નીલકંઠ ગામ બહાર એક બગીચામાં ઊતર્યા હતા. તેમની સાથે બીજા કેટલાક સિદ્ધ યોગીઓ પણ ઊતર્યા હતા.
પિબકને સમાચાર મળતાં તે ત્યાં આવ્યો અને બધા સિદ્ધોને પડકાર કર્યો, “તમે સૌ તમારા પાખંડી ધર્મોની કંઠીઓ તોડી નાખી તત્કાળ મારા શિષ્ય થઈ જાવ. નહિ તો જુઓ મારો ચમત્કાર !” એમ કહી અડદનો એક મંતરેલો દાણો જ્યાં જમીન પર નાખ્યો ત્યાં તો જમીનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા સૌએ જોયા. એટલે બીજા તો ગભરાઈ ગયા. પણ... પણ... આપણા નીલકંઠ એમ શાના ડરે ? તેમણે પિબકના પડકારનો જવાબ આપ્યો.
“હે મેલી વિદ્યાના અભિમાનમાં ચકચૂર પિબક ! તારામાં જો તાકાત હોય તો પહેલાં મારી પર બધી વિદ્યા અજમાવ. મને તારો શિષ્ય બનાવ; પછી આ બધા તારા શિષ્ય થશે.”
પિબકને પોતાનું અપમાન થતું લાગ્યું. તેણે હાકોટો માર્યો, “અલ્યા છોકરા, નાના મોઢે મોટી વાત કર મા. ભલભલા યોગીઓ, સિદ્ધો ને રાજાઓ મારા સેવક થઈ મારી સેવા કરે છે ને તું ! તું એક ચિબાવલો છોકરો મારી સામે બોલે છે ? લે, લે જો આ મારો બીજો ચમત્કાર.”
એમ કહી પિબકે જ્યાં અડદના દાણા મંતરીને એક મૂઠી વડના લીલા ઝાડ પર નાખ્યા કે તુરત સૌના દેખતાં એ ઝાડ સાવ સુકાઈ ગયું.
નીલકંઠ તો આ જોઈ એ જ ગંભીરતાથી બેસી રહ્યા. અને મંદ મંદ હસતા બોલ્યા, “ઓહો....એમાં શું ! તારે જે કરવું હોય તે મારી પર કર.”
અને પિબકે ક્રોધાયમાન થઈ દાંત કચકચાવતાં પોતાના મેલા મંત્રો ચાલુ કર્યા. અને ધુમાડામાં ભૂતની ભૂતાવળ ઊભી કરી, પણ એકેય ભૂત નીલકંઠની નજીક જાય જ નહીં. ઉપરથી બધાં ભૂત પિબકને મારવા માટે ધસ્યા.
હવે પિબકના ક્રોધનો અંત આવી રહ્યો હતો. તેણે અડદના મંતરેલા દાણા આકાશમાં નાખ્યા અને ત્રાડ પાડી, “છોકરા, જો આ બટુક ભૈરવ. જો હવે તારી દશા !” અને... બટુક ભૈરવ પર નીલકંઠની દૃષ્ટિ પડતાં જ હાથમાં ત્રિશૂલ લઈ પિબક પર પ્રહાર કરવા લાગ્યો. પિબક લોહીની ઊલટીઓ કરતો પડ્યો હેઠો.
બેભાન થઈ પડેલા પિબકના ગુનાની તેના સગાંસંબંધીઓએ મળી નીલકંઠ પાસે માફી માગી. અને નીલકંઠ તો દયાળુ જ છે ને ? દયાનો સાગર જો ક્યારેક નિર્દય બની જાય તો... વિચારી જ ન શકાય કે તો શું થાય ! અહીં પણ દયાળુએ દયા કરી. પિબક જાગ્યો, ભાનમાં આવ્યો, પણ હજુ એનો ગુસ્સો ટળ્યો ન હતો. કહેવત છે ને કે, ‘વિનાશકાળે વિપરીત બુદ્ધિ.’
પિબકે વળી પાછા ઊભા થઈ અડદ મંતરી મહાકાળી અને મારુતિના વીરને બોલાવ્યા. પણ સર્વના નિયંતા સામે થવાની હિંમત કોણ કરી શકે ? તેઓ પણ પિબક પર તૂટી પડ્યા અને ખૂબ માર્યો. અંતે બેભાન થઈ પડ્યો.
થોડી વારે નીલકંઠની કૃપાદૃષ્ટિથી જાગ્યો. પછી તેને ભાન થયું કે મેં બહુ મોટી ભૂલ કરી. સર્વના નિયંતા, સર્વના સ્વામી અને સર્વોપરી સાક્ષાત્ ભગવાન સામે મેં અભિમાનમાં ચકચૂર થઈ મેલી વિદ્યા અજમાવવાનો પ્રયત્ન કર્યો. એણે નીલકંઠની માફી માગી, ખૂબ રોયો, કગર્યો અને આજ સુધીના તમામ કૃત્યો માફ કરવા પ્રાર્થના કરી.
નીલકંઠે પિબકને પોતાનો આશ્રિત કર્યો અને ત્યાંથી નવલખા પર્વત તરફ આગળ વધ્યા.