નીલકંઠ વર્ણી જીવોના મોક્ષ કરતાં કરતાં નવલખા પર્વત પર પહોંચ્યા. આ નવલખા પર્વતમાં નવ લાખ યોગીઓ હજારો વર્ષોથી યજ્ઞ કરતા, તપ કરતા. તેમને તેમના સાધનનું ફળ આપવા ફળદાતા ભગવાન નીલકંઠ વર્ણી આજે અહીં આવી પહોંચ્યા હતા. સૌ યોગીઓ તપ કરીને દેહે કરી કૃશ થઈ ગયા હતા. જટાઓ અને મોટી દાઢીઓ એની શાખ પૂરતી હતી.
એક સવારે જ્યારે સૌ યોગીઓ ધ્યાનસ્થ અવસ્થામાં હતા ત્યારે અંતરિક્ષમાંથી અવાજ આવ્યો, “હે મુનિઓ ! યોગીવર્ય યોગીઓ ! તમારી શ્રદ્ધાનો હવે અંત આવ્યો છે. તમે જેના માટે મથો છો તે સૌના પ્રેરક અને નિયંતા સર્વોપરી ભગવાન નીલકંઠ વર્ણી રૂપે તમને સામે ચાલીને હમણાં જ અભયદાન આપવા પધારશે. તેમનાં દર્શન-સ્પર્શથી તમે મોક્ષભાગી થશો.”
અને આ સાંભળતાં જ સૌના આનંદનો પાર ન રહ્યો. સૌએ પ્રેમવિભોર થઈ, દેહભાવ ભૂલી નીલકંઠનાં દર્શન કર્યાં. અને નવાઈની વાત તો એ બની કે ઐશ્વર્યધારી સમર્થ એવા નીલકંઠ વર્ણીએ એકીસાથે નવ લાખ રૂપ ધારણ કરી નવે લાખ યોગીઓને એકીસાથે દર્શન-સ્પર્શનું સુખ આપ્યું. નીલકંઠે સૌને આશીર્વાદ આપ્યા, “હે યોગીઓ ! તમે હવે ટૂંક સમયમાં અમારા અક્ષરધામને પામશો. તમે હવે અતિશે કૃપાવંત છો. અમે તમારા માટે જ અહીં સુધી આવ્યા છીએ.” આમ નવ લાખ યોગીઓને એકીસાથે દિવ્યગતિ આપી નીલકંઠ ત્યાંથી આગળ વધ્યા.
આવું અદભુત કામ કોણ કરી શકે ? જે પોતે હોય અદભુત તેની લીલાઓ પણ અદભુત જ હોય ને !
ત્યાંથી નીલકંઠ વર્ણી કપિલાશ્રમમાં જઈ પશ્ચિમ દિશામાં આવેલ એક નગરની વાડીમાં પધાર્યા. ત્યાં વાડીમાં રહેતા માથા વગરના એક માથાભારે ખવીસનો મોક્ષ કરી સૌને તે ઉપદ્રવથી રહિત કર્યા. પછી તે નગરના રાજાના આગ્રહને વશ થઈ તેને સત્સંગમાં જન્મ ધરાવવાના આશીર્વાદ આપી ભુવનેશ્વર તરફ આગળ વધ્યા. ત્યાંથી આગળ એક સરોવરને કિનારે આવેલા જનકપુર શહેરમાં આવીને રહ્યા. ત્યાં શહેરની બહાર હજારો નાગડા વૈરાગીનો એક મઠ હતો. નીલકંઠ ત્યાં રાત રહ્યા. સવારે નીલકંઠને એક બાવાએ હુકમ કર્યો કે, “એ બ્રહ્મચારી, સામેથી લીલી કુમળી ભાજી તોડી લાવ.”
પણ નીલકંઠે તો કહી દીધું, “ભાઈસાબ, એમાં તો જીવ છે. તે અમે નહિ તોડીએ !” એમ કહેતાંની સાથે જ એક બાવાએ નીલકંઠને મારવા તલવાર કાઢી.
નીલકંઠ તો નિધડકપણે એમ ને એમ બેઠા હતા. પણ પોતે અંતર્યામીપણે આ પાપીઓનો નાશ કરવાના સંકલ્પથી બીજા બાવામાં પ્રવેશ કર્યો. એટલે બીજા બાવા તલવાર કાઢનારની સામે થયા. અને કહેવા લાગ્યા, “તું આ નાના બ્રહ્મચારીને મારવા કેમ આવ્યો ?” આમ બાવાઓમાં બે પક્ષ પડ્યા. બોલાચાલીમાંથી ઝઘડો વિરાટ બન્યો. મારામારી ને કાપાકાપી થઈ ગઈ. નીલકંઠ તો ચૂપચાપ જગન્નાથપુરી બાજુ ચાલી નીકળ્યા હતા. પણ આસુરી બાવાઓ અંદરોઅંદર લડી મર્યા.
આમ ટાઢા પાણીએ ખસ કાઢી નીલકંઠ જગન્નાથપુરી પધાર્યા.
જગન્નાથપુરી બહુ પવિત્ર સ્થાન... પણ આસુરી જનો ઘણા વસે. નાગડા ક્રૂર બાવાઓની જમાત કાયમ રહેતી. અને મંદિરનો પૂજારી પણ એવો જ અધર્મી અને પાપી. એટલે ધર્મને નામે અધર્મ કરે અને કરાવે.
આપણા નીલકંઠ વર્ણી ઉર્ફે શ્રીજીમહારાજે એટલે જ ગઢડા પ્રથમના ૬૮મા વચનામૃતમાં કહ્યું છે ને કે, “અમે રોજ જગન્નાથજીની મૂર્તિમાં પ્રવેશીને પૂજારીના ભક્તિભાવ અને છળકપટ જોતાં.”
ત્યાં પણ કંઈક નિમિત્ત અને કારણ ઊભું કરી જગન્નાથપુરીના દસ હજાર જેટલા બાવાઓનો અંદરોઅંદર નાશ કરાવી છ મહિના અને છ દિવસ રહી આગળ ચાલ્યા.